અવઢવ
અવઢવ
છેલ્લા કેટલાક સમયથી સુગંધા પોતાના જીવનમાં થઈ રહેલ ફેરફારો થકી ભારે અવઢવમાં હતી. ઉપર ગુલાબી આકાશ, નીચે ઘૂઘવતો અફાટ સાગર, લહેરાઈને ઝૂકતી નાળીયેરી, મુક્ત મને લહેરાતી અને અંગેઅંગમાં તાજગી ભરતી શીતળ માદક હવા, પોતાની સંગેમરમર સમ પગની શ્વેત પાનીઓને વારેવારે કોમળતાથી સ્પર્શીને જતાં અને પાછાં આવતાં આ સમુદ્રના મોજાં, રેશમી કાળા અને ઘેરા કાળા વાળને સ્પર્શતા મોજાંના બિંદુઓની આહલાદકતા માણી રહેલ સુગંધાની પરવાળા જેવી આંખો આછા વિષાદ સાથે ઢળતા સૂર્યને જોઈ રહી.
આ એજ સૂર્ય કે જે પોતાના પ્રેમનો સાક્ષી હતો, આ એજ અફાટ સમુદ્ર કે જેણે સુજયના પ્રેમના પ્રસ્તાવ માટેના ગુલાબ પર પાણીનો છંટકાવ કરી મંજૂરીની જાણે મહોર મારી હતી. આ એજ વિશાળ અને મજબૂત ચટ્ટાન કે જેણે સુગંધા અને સુજયની પ્રેમભરી વાતોને મજબૂત બનાવી હતી. આ એજ ગુલાબી આકાશ કે જે સુજયને સપનાના રંગોની દુનિયામાં લઈ જનાર હતું. આ એજ સૂરજ કે જેને સુગંધાનો પડછાયો થઈ ફરતા સુજયની ઈર્ષા થતી હતી.
અવઢવમાં ઉતરેલ એકવીસ વરસની સુગંધાની આંખોમાંથી આંસુની સરવાણી વહી નીકળી. જ્યાં સુગંધાના એક આંસુને પોતાની હથેળીમાં ઝીલી લેતો એ સુજ્યની હથેળી ક્યાં ? એક મનગમતા પોતીકા માટે આખા સમાજની સામે જઈ જેને પામ્યો અને ત્રણ વરસની પરિચિતતા બાદના સિવેલા સંબંધોના ધાગા આટલા જલ્દી રફેદફે થઈ એકલતાની જેલ બની જશે એ સુગંધાને માનવામાં આવતું ન હતું. કેટકેટલા સતત પ્રયત્નો પછી પણ સુજય ખુદના પુરુષ હોવાના અને સુગંધા સ્ત્રી હોવાના અહેસાસને જતાવતો જ રહ્યો. યાદોની મશક ભરી સુગંધા સતત સુજ્ય નામના પખાલીનું સ્મરણમાં લીન થઇ ગઇ.
અઢાર વરસની સુગંધા હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર હતી. રાત્રે બે વાગે એક પેશન્ટને ફીવર માપીને પોતાની ખુરશીમાં બે મિનિટ આંખ બંધ કરી બેઠી ના બેઠી ત્યાં ફરી એક પેશન્ટ આવ્યું. લગભગ ચોવીસ પચ્ચીસ વરસનો ફૂટડો યુવાન ન્યૂમોનિયામાં સપડાયો હતો અને સખત તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પાડતી હતી. નાઈટ ડ્યુટીના ડોકટરે જરૂરી દવા અને નેબ્યુલાઇઝર લેવાનું કહેતાં સુગંધા એ યુવાનને લઈ ગઈ. સારવાર લેતાં લેતાં એ યુવાનને માથે તેમજ વાંસે સુગંધાએ હાથ પસવારતા એ યુવાનને થોડી રાહત જણાઈ અને ખભે ટેકો આપી એને રૂમ સુધી લઈ જઈ સુવડાવ્યો.
બસ, એ સ્પર્શ, એ હૂંફ, એ હાથ સુજયના દિલમાં અને અંગેઅંગમાં પ્રેમની ભીનાશ વેરી ગયો. પછી તો દરરોજ એ હોસ્પિટલની સામે આવેલ ચાની લારી પાસે બપોરે બારથી સાંજે પાંચ વાગ્યા સુધી સુજયની આંખો બાવરી થઈ સુગંધાને જોવા માટે તાકી રહેતી. પ્રેમના આલાપ છેડતી અને ટહુકા કરતાં સુજયની આંગળીઓ મોબાઈલ પર ફરવા માંડતી અને સુગંધાને બારી પાસે બે મિનિટ પણ આવવું પડતું, એક મીઠી નજર અને એક આરપાર ઉતરી જતું મધુરું હાસ્ય છેડી સુગંધા ફરી પેશન્ટમાં ખોવાઈ જતી.
સારસની બેલડીની માફક સુજય અને સુગંધા પ્રેમના ગુલમહોર પર સોળે કળાએ ખીલી રહ્યાં હતા. આંખોની આરપાર મળવાની મોસમ પૂરજોશમાં વરસી રહી.
હોસ્પિટલના સ્ટાફ પણ આ પ્રેમીપંખીડાંને જાણી ગયાં. તેથી રવિવારે ડોકટર હાજર ન હોય ત્યારે સુજય હોસ્પિટલમાં માળ પર આવતો, આખા સ્ટાફને ભજીયાં, ખમણ, પેટીસ અને ચાનો નાસ્તો કરાવતો. સુજય સુગંધાને જ તાકી રહેતો. એને જોતાં ધરાતો જ નહિ. હસતાં મોઢે આમતેમ હોસ્પિટલમાં ફરતી સુગંધા એક રંગબેરંગી પતંગિયાંની માફક ફુદકતી રહેતી. પણ સુગંધાની નોકરી જ એવી હતી કે એણે દરેક પેશન્ટ સામે હસતું મોઢું જ રાખવું પડે. બસ.... આ વાત સૂજયને ખટકતી રહેતી.
સુગંધાને આ વાત પર વારે વારે ટોકતો રહેતો અને મનમાં શંકાના વાદળમાં ફસાતો રહેતો. સુગંધા એને ખૂબ સમજાવતી, વિશ્વાસ અપાવતી પરંતુ સુજ્યના મનમાં શંકાનો કીડો ઘર કરી ચુક્યો. સુજયના આ શંકાના કીડાને અવગણીને ક્યારેક સુજયની સિંહ જેવી છાતી પર માથું ઢાળી ભીંજવી દેતી તો ક્યારેક સુજયના અનહદ પ્રેમભર્યા આલિંગનમાં સમાઈને ભૂલી જતી.
ભોળી હરણી સમાન સુગંધા રખેને કોક બીજાની તો ના થઈ જાય એ બીકે સુજય હવે તેને નોકરી છોડવાનું દબાણ પણ કરવા લાગ્યો, સુગંધાનો મોબાઈલ પોતાની પાસે લઈ લેતો, સવારે મૂકવા અને સાંજે લેવા આવતો. બારથી પાંચ નીચે બેસી સુગંધાની ઝલક માટે તરસી રહેતો. સીટી મારી વારેવારે બારીએ બોલાવતો રહેતો. ઉફ્ફફ....ક્યારેક પેશંટનું પ્રેશર માપતી તો ક્યારેક ટેમ્પ્રેચર, ક્યારેક પેશન્ટને દવા પીવડાવતી તો ક્યાર
ેક કોઈની ઇમરજન્સીમાં દોડાદોડ કરતી રહેતી સુગંધા સુજયના આ વર્તનથી કંટાળવા લાગી, પેશન્ટ છોડીને બારી પર ન જઈ શકવાને કારણે સુજય વધારે અકળાતો, વહેમાતો.
"સુજય મારી ડ્યુટી જ એવી છે કે અમારે હસતાં મુખે દરેક પેશન્ટ સાથે કામ લેવું પડે, ડિયર મારો પહેલો અને અંતિમ પ્યાર તું જ છે. તારા સિવાય આ દિલમા હવે કોઈ પ્રવેશી શકે નહિ એની ખાત્રી રાખજે." સુગંધા આ જ દરિયા કિનારે બેસી સુજયના માથાની લટ સમારતાં કહેતી.
"મારા પર ભરોસો રાખ સુજય, જો જેમ તેં મારો મોબાઈલ ચેક કર્યો તેમ હું પણ તારી પાસે તારો મોબાઈલ માંગી શકું છું, પણ ના, પ્રેમમાં એકમેક પર વિશ્વાસ રાખવો જરૂરી છે, અને મને તારા પર પૂર્ણ ભરોસો છે." સુગંધા સુજયનાં હાથને પોતાના હાથમાં લઈ એજ મોટી ચટ્ટાન પર બેસી બોલતી અને પોતાના પ્યારમાં ભરોસાને અકબંધ રાખવા સુજયને સમજાવતી. પરંતુ સુજય જેટલી વાર સુગંધા પોતાની પાસે હોય એટલી વાર સમજતો અને જેવી સુગંધા દૂર જાય અને હસતી દેખાય એટલે શંકાના દાયરામાં ઘેરાઈ જતો.
આજે તો એક પેશંટની હાથની નસ પકડાતી ન હતી અને બ્લડ ટેસ્ટ માટે લેબમાંથી એક છોકરો બ્લડ સેમ્પલ લેવા આવ્યો હતો અને એક પેશન્ટના હાથની નસ પકડાતી જ ન હતી. સુગંધા પણ ત્યાં જ ઊભી હતી અને વાંકા વળી એણે પણ એ પેશન્ટનું બ્લડ સેમ્પલ લેવામાં મદદ કરી રહી હતી. લેબવાળો છોકરો અને સુગંધા ઝૂકીને અડોઅડ ઊભા રહી બ્લડ લઈ રહ્યા હતાં અને આખરે સેમ્પલ લેવાઈ ગયું તેથી પેશન્ટ, સુગંધા અને લેબવાળો છોકરો હાશકારો અનુભવી હસી પડ્યાં અને ત્યાં જ સુજય ટિફિન આપવા આવ્યો. સુગંધા એકદમ હસતી બંધ થઈ ગઈ અને સુજય ગુસ્સાથી લાલચોળ !
તે સાંજે બંને વચ્ચે ખૂબ ઝગડો ચાલ્યો, સુગંધા સમજાવીને થાકી પરંતુ બેકાર. સુજયે ન કહેવાના બોલ સુગંધાને કહી દીધા. અત્યાર સુધી ખમી રહેલ સુગંધા આજે સુજયના એકદમ નવા જ રૂપને નિહાળી રહી. ત્રણ વરસના પ્રેમની રાહમાં હવે આ વારેવારે થવા માંડ્યું, સુગંધાએ દરેક વખતે પોતાના ચારિત્ર્યનો પુરાવો આપવો પડતો, કાયમ ગુનેગારના કઠેડામાં જઈ પહોંચતી. તે ક્ષણે સુગંધા અવઢવમાં રહેતી કે સુજયનું સાચું રૂપ આ કે પેલું ? અનહદ પ્રેમ વરસાવતો સુજય સાચો કે પોતાના ચારિત્ર્ય પર આંગળી ચીંધતો સુજય સાચો ! હોટેલમાં નાસ્તો કરવા જતાં તો સુગંધાની પસંદ નાપસંદનો વિચાર કર્યા વિના જ ઓર્ડર આપી દેતો સુજય સાચો કે પોતાનું એક આંસુ હથેળીમાં ઝીલીને રડતી બંધ કરાવતો સુજય સાચો ? પોતાને સદાય હસતી રાખવા માંગતો સુજય સાચો કે ડ્યુટી દરમ્યાનના હાસ્યને રોકતો સુજય સાચો ?
ત્રણ વરસના પરસ્પરના મિલન બાદ હવે બંને એવા મોડ પર આવી ગયાં હતાં કે બંનેની ફેમિલી તેમજ સમાજમાં પણ બંનેના સંબંધને મંજૂરી અપાઈ ચૂકી હતી. સુગંધા એકવીસની થાય એટલે લગ્ન લેવાનું નક્કી થયું. સુગંધાની આંખોમાં પ્રશ્નોની વણઝાર હતી, આટલી ભીડમાં એકલતા અનુભવી રહેલ સુગંધા ને સુજયનો આ રીતનો પ્રેમ રૂંવે રૂંવે ચટકવા માંડ્યો. દરિયાની માછલી જેવી દશા એની થઈ ગઈ. દરિયા વચ્ચે તરતી માછલીના આંસુ ક્યારેય કોઈ જોઈ શકતું ન હતું. પોતાની સ્તબ્ધ છાતીમાં ઝંઝાવાતને ભરીને ચાલતી સુગંધા પોતાના મનના માણીગર પ્રત્યે ભારે અવઢવમાં હતી, ત્રણ વરસ પહેલાં પોતે જાતે જ શોધેલા સંબંધ પર બંને પરિવારે મંજૂરી આપી હતી, આખો સમાજ બંનેની પ્રેમકથાથી માહિતગાર હતો, સંબંધ તોડી નાખું તો હવે સમાજમાં પોતાને સ્વીકારવા કોણ તૈયાર થશે ? બીજી બાજુ સુજયને જેવો છે તેવો સ્વીકારીને લગ્ન કરી લઉં તો આખી જિંદગી વેંઢારવી મુશ્કેલ બની જશે. ઓહ ! ભગવાન કેવા ચક્કરમાં ફસાઈ ગઈ છું ?
વિચારતી વિચારતી સુગંધાએ ભીની રેતીમાં સુજયનું નામ ચીતર્યું અને એટલામાં જ એક મોટું મોજું આવ્યું અને સુજયના નામને મિટાવી ગયું.પોતાના પ્રેમનો એકમાત્ર સાક્ષી આ દરિયો પોતાના પાણીનાં મોજાં સાથે સુગંધાને ઘણું શીખવી ગયો. જે પ્રેમ જીવન જીવવાનું અમૃત બને તે પહેલાં ઝેર થઈ શ્વાસમાં ભીંસ ઉભી કરે તે પ્રેમના સંબંધને મિટાવવો જ રહ્યો. મનથી મજબૂત થઈને સુગંધાએ પોતાના દિલ પરથી સુજ્યનું નામ મિટાવી દેવા મક્કમપણે નિર્ધાર કરી જ લીધો.
સૂરજ પણ સવારે ફરી ઊગવાની આશાએ અસ્ત થઈ ગયો, સુગંધા હળવેકથી ઉભી થઈ, વસ્ત્રો પર લાગેલ ભીની રેતીની સાથે જાણે હળવેકથી સુજયની તમામ યાદોને ખંખેરી એક મક્કમ કદમ અને પ્રફુલ્લિત મન સાથે આવતી કાલના સૂર્યોદયની વાટ જોતી ઘર તરફ નીકળી.