Kalpana Naik

Inspirational Tragedy

3  

Kalpana Naik

Inspirational Tragedy

ભાનુ અમ્મા

ભાનુ અમ્મા

11 mins
14.4K


"ઋષભ, એટલે મારે ટ્રેડિશનલ વહુ બનીને રહેવાનું છે ? બધાથી વહેલા ઊઠીને પહેલાં ચા-પાણી-નાસ્તો અને પછી રસોઈ !" હનીમૂન પરથી આવ્યાની અને નવવધૂ તરીકેના મધુર આગમનની મહેક "સ્વપ્ન" રૉ હાઉસમાં પ્રસરે તે પહેલાં ગુસ્સામાં રિચા બોલી ઉઠી !

"રિચા, પ્લીઝ સમજવાની કોશિશ કર, હું એવું નથી કહેવા માંગતો કે...."

"ના... ના... પણ ઋષભ... હનીમૂન પરથી આવ્યા બાદ તું મારી પાસે સતત આગ્રહ રાખે છે કે હું વહેલી ઊઠીને બધા માટે ચા નાસ્તો બનાવું તો મમ્મી પપ્પાને સારું લાગે, વોટ નોનસેન્સ ! અને આ ભાનુઅમ્મા...એ છે કોણ આપણા ? આ તે ઘર છે કે ઘરડા ઘર ?" ઋષભ કશું બોલે તે પહેલાં જ રિચા તાડૂકી !

"રિચા, મમ્મી પપ્પા સ્વભાવના ખૂબ લાગણીશીલ છે, એક વાર એમને સમજવાની કોશિશ તો કર, મમ્મી પપ્પા અને આ ભાનુઅમ્માએ મને નાનપણથી મોટો કરવામાં, મારો પડ્યો બોલ ઝીલવામાં, લાડકોડ પૂરા કરવામાં, સંસ્કારો રેડવામાં આજ દિન સુધી પાછા ફરીને જોયું નથી, અને રિચા ઘરના કામમાં વળી શરમ કેવી ?" રિચાના વાળની લટને સમારતાં ઋષભ પ્રેમથી બોલ્યો.

"બસ...દરેક વાતમાં ભાનુઅમ્મા... ભાનુઅમ્મા. પોતાના સંતાનને માબાપ ઉછેરે એ વાત બરાબર. પણ ઋષભ તને મોટો કરવાની વાતમાં પણ ભાનુ અમ્મા. મને આ વાત જ નથી સમજાતી."

"રિચા બેટા... ઋષભ.... ચાલો ચા નાસ્તો તૈયાર છે... મારી રિચાને ભૂખ લાગી હશે. ચાલો..." ભાનુ અમ્મા પાલવ વડે આંસું લૂંછતાં ઋષભના બેડરૂમની બહારથી બોલ્યાં.

"જોયું ઋષભ, અહીં બેડરૂમમાં પણ પ્રાઇવસી જેવુ નથી. સૌ કોઈ આપના બેડરૂમ પાસે ધસી આવે છે."

"રિચા પ્લીઝ, અમ્મા સાંભળશે તો કેટલું દુખ થશે. સમજવાની કોશિશ કર. ચાલ, નાસ્તા માટે સહુ રાહ જુએ છે." ઋષભ રિચાને લઈને આવ્યો.

"આવો રિચા બેટા આજે તમને ભાવતા ઢોકળાં બનાવ્યા છે, ઋષભ તું પણ બેસ." કામિનીબેન હરખાઈને બોલી ઊઠ્યાં. "સ્વપ્ન" રૉ હાઉસમાં ઋષભના લગ્નની શરણાઈના સૂર શમે તે પહેલાં જ ઘરની નવવધૂ રિચાના વાકબાણોથી પરેશાન થઈ ધ્રુસકાને દબાવી, વણસાંભળ્યું કરી, મુખ પર હાસ્ય રેલાવીને બોલ્યાં. કામિનીબેને પતંગિયાની પાંખે બેસીને દીકરા-વહુના સુખી લગ્નજીવનના અરમાન સેવ્યાં હતાં ત્યાં પોતે અચાનક વિસ્મય અને દુ:ખની અજાયબ ધરા પર સરી રહ્યાં હોય એમ લાગ્યું.

ડાઈનીગ ટેબલ પર છવાયેલ ચૂપકીને પિતા કૌશલભાઈની અનુભવી આંખ પારખી રહી હતી. ઋષભની કંપનીના બોસ મનોજભાઇ નામક લાખોપતિ બાપની એકમાત્ર અને ખૂબ દેખાવડી દીકરી રિચાને માટે ઋષભની કામ પ્રત્યેની નિષ્ઠા અને ધગશ જોઈ મનોજભાઇએ પોતાના જમાઈ તરીકેની પસંદગી ઉતારી હતી ! પોતે લખપતિ તો નહીં પરંતુ રિચા લાખોપતિ બાપની દીકરી એટલે ઋષભ અને કૌશલભાઈએ પોતાની આર્થિક પરિસ્થિતિ વિષે પહેલેથી જ મનોજભાઈને જાણ કરવાનું મુનાસિબ માન્યું હતું. વળી ભાનુઅમ્મા વિષે પણ પ્રશ્નો થયા ત્યારે ઘરના જ મેમ્બર તરીકે સાહજીક રીતે ઓળખાણ અપાઈ હતી.

ઋષભના લગ્ન સમયે પોતાના પર ઉઠેલ શંકાની સોય અને પ્રશ્નોને સમજીને ભાનુઅમ્માએ પોતાને ઘરડાઘરમાં મૂકી આવવા કેટલી વાર કૌશલભાઈ અને કામિનીબેન પર દબાણ કર્યું હતું ! પરંતુ તે રોકાયાં તેનું એક માત્ર કારણ હતો ઋષભ ! ઋષભ તો જાણે "સ્વપ્ન" રૉ હાઉસનો પ્યારો કાનુડો હતો ! બબ્બે માતાનો પ્રેમ મેળવી લાડથી મોટો થયેલ ઋષભ ભાનુઅમ્માના મુખે ઘરડાઘરની વાત આવતાં જ ભાનુઅમ્માને બોલતાં બંધ કરી દેતો !

એવા ભાનુઅમ્મા બાજુની ખુરશીમાં બેઠેલ હતા, એમની આંખ પણ પથ્થરને ઝળઝળિયાં આવે તે રીતે હીબકાંને હૈયે દબાવી ફક્ત અને ફક્ત ઋષભના લગ્નજીવનની શુભ શરૂઆતને માણવા ઇચ્છતી હતી. કૌશલભાઈ ભારે હ્રદયે ચા નાસ્તો કરી બહાર ઓટલે બેઠા.

"રિચા બેટા... બીજી કોફી લેશો ?" ટેબલ પર છવાયેલ ચુપકીને તોડવા અને વાતાવરણમાં થોડી કુમાશ લાવવા ઇચ્છતા ભાનુઅમ્મા બોલી ઊઠ્યાં.

"તમે તો રહેવા જ દેજો... આ મારું પોતાનું ઘર છે, હું તમારી જેમ પારકી નથી કે મારે ખાવા માટે કોઈને પૂછવું પડે." રિચા ધડામ્મ કરતી ઊભી થઈ ગઈ અને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ ! ઋષભ ઝ્ંખવાણો પડી ગયો ! માતા તેમજ અમ્માને લાચાર નજરે જોઈ રહ્યો ! કામિનીબેને ઇશારત કરી તેથી ઋષભ ઊભો થઈ રિચાને સમજાવવા ગયો.

"રિચા સમજવાની કોશિશ કર."

"ઋષભ, હું તને અને તારા પરિવારને ખૂબ ચાહું છું, મારાથી ગુસ્સો થઈ જાય છે એ મારી કમજોરી છે, પરંતુ ઋષભ લગ્ન અગાઉ પણ મેં તને ભાનુઅમ્મા વિષે પુછ્યું તો તું દરેક વખતે વાત ટાળી જતો, એવું તે શું છે તમારા અને ભાનુઅમ્મા વચ્ચે ? મારા સગાવહાલાં પણ ભાનુઅમ્મા વિષે .. ..." રિચા બોલતાં બોલતાં રડી પડી.

"જો રિચા, તું એટલું સમજી લે કે ભાનુઅમ્મા મારા માટે માતા સમાન છે, એમને મેં સદૈવ માનની નજરે જોયાં છે, તેથી પ્લીઝ રિચા તું આમ ગમેતેમ બોલીને મારી આંખોમાં ભીનાશના પગલાં પાડવાની કોશિશ નહીં કર. કેટલાક સંબંધોને સરનામા નથી હોતાં. અમારા દ્વારે ભાનુઅમ્માએ એટલા શ્વાસ પૂર્યા છે કે જેનો અગોચર તાગ પામવામાં તને સમય લાગશે. વહેમ અને શંકાને બાજુ પર રાખીને મારા પર વિશ્વાસ રાખ, હું તને દગો નહિઁ કરું એટલી ખાતરી રાખજે. એટલું જ કહીશ કે હમણાં તું ગુસ્સામાં છે એટલે સાચા ખોટાનો ભેદ સમજી શકતી નથી તેથી તું શાંત થાય ત્યારે...."

"મારી સમજણની તું શું વાત કરે છે. ઋષભ, ભાનુઅમ્મા વિષે તું પોતે એક શબ્દ નથી સાંભળી શકતો, અને સત્ય શું છે તે કેમ બોલી શકતો નથી ? આપણા લગ્ન વખતે પણ મમ્મીની સાડી લીધી તેવી જ ભાનુઅમ્માની લેવાય એવો આગ્રહ તમારા પપ્પાનો હતો ! જાન આવી ત્યારે પણ મમ્મીની બાજુમાં જ ભાનુઅમ્માને બેસાડવામાં આવ્યાં, ફોટોગ્રાફીમાં, જમવામાં બધે જ. એવું તે શું છે ભાનુઅમ્મામાંઅમારા સગા વહાલાં પણ મજાક કરતાં હતા. ક્યાંક ભાનુ અમ્મા પપ્પાની રખેલ તો..."

"સટાક...." કરતો ઋષભનો તમતમતો તમાચો રિચાના ગાલ પર પડ્યો અને ઋષભ બેડરૂમનું બારણું પછાડી ઘરની બહાર નીકળી ગયો !

મમતાના બિછાવેલાં ફૂલો પર પોતાના જ સંતાનને આવી ફાંસ લાગી શકે તેનો કોઈને અંદાજ ન હતો ! "સ્વપ્ન" રૉ હાઉસમાં રિચા નામક વંટોળના વમળમાં સહુ હચમચી ગયા અને ભર બપોરે જાણે અંધારી રાત પડી ગઈ !

"ઋષભ કઈ કશું કરી તો નહીં બેસે ને ! ઋષભના પપ્પા તમે જાવ ને ..." કામિનીબેનની મમતા આજીજી કરી રહી. ભાનુઅમ્માને લઈને રિચા આટલી આક્રમક બનશે તેનો અંદાજ કોઈને ન હતો ! કુમળી નાદાન રિચાના મનમાં જરૂર કોઈએ ઊલટું સીધું ભર્યું હશે ત્યારે જ રિચા ન બોલવાના વેણ ઉચ્ચારી ગઈ હશે ! હજીયે કામિનીબેન રિચાનો દોષ જોતાં ન હતા.

અધ્ધર જીવ લઈને કૌશલભાઈ ભર બપોરે ભારે હૈયે જુવાન દીકરાને શોધવા નીકળ્યા. રિચા રૂમમાંથી બહાર ન આવી. રસોઈ પણ નહીં બની, "સ્વપ્ન" રૉ હાઉસમાં જાણે ધોળા દિવસે એક દુઃસ્વપ્ન આવીને ઊભું રહી ગયું!

અનેક માનતા અને ઉપવાસની ટેક લઈ લીધી હશે ભાનુઅમ્માએ ! એમ વિચારી કામિનીબેન ધ્રૂજતા પગલે દેવસેવાના રૂમ તરફ ગયાં, ભાનુઅમ્મા પણ ત્યાંજ બેઠા હતાં, દિલની એક ઠેસ એવી લાગી કે વરસોથી સેવેલ અરમાન પલમાં ગંગાજળ જેવાં આંસું સાથે ઓગળીને બહાર રેલાઈ ગયા. પોતાના દીકરાના આયુષ્ય માટે રડતી આંખે બંને માતાએ ભગવાનને પ્રાર્થના કરી.

"જે વાતનો ડર હતો તે જ થયું. કામિનીમારી વાત માનીને મને ઘરડાઘરમાં...."

"ના..ના..ભાનુ...ચિંતા નહી કર, જીવન એક આકાશ સમ છે, હમેશા ટાઢક જ આપે એવું થોડું છે ? ક્યારેક તપે પણ ખરું જ ને ! જે રિસાયાં છે તે પણ પોતાના જ છે ને ! હમણાં ઋષભને લઈ એના પપ્પા આવતા જ હશે, મમતાનો હૂંફાળો આશ્લેષ દઈને મીઠી વિરડી બનાવી દેવાનું પણ તેં જ તો શીખવ્યું છે. તો પછી આમ..." કામિની અમ્માના વાંસે હાથ ફેરવી રહી.

"હું તો માત્ર અંધકારનો પર્યાય હતી, કામિની મને દીપક બનાવી તમે લોકોએ ભૂલ કરી ! ઋષભ હવે પરિણીત છે, રિચાને પણ પોતાના મનનાં પ્રશ્નોનું સમાધાન મળવું જ જોઇએ. માટે જો કામિની, જગતનો તાત બેઠો છે, આપણું સત્ય રિચાને જણાવી મીઠી વિરડી થઈને સંતાનના સંસારને વેરાન રણ બનતું અટકાવી લે. કામિની, જો મોડું થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહી કરી શકું." ભાનુઅમ્મા વિનવી રહ્યા હતાં એટલામાં ઋષભ અને પિતાના આવવાનો અવાજ સંભળાયો.

"મા, રિચાને બોલાવ અને બધા અહીં જ બેસો, પપ્પા તમે હવે રિચાને બધુ જણાવી ધ્યો." ઋષભ હજી પણ ખૂબ ગુસ્સામાં હતો. રિચા હજી પણ ધૂંવાંપૂંવાં થતી આવી, બધા આગલા રૂમમાં ગોઠવાયા. કૌશલભાઈએ બોલવાનું શરૂ કર્યું.

"રિચા, તારે ઠોસ પૂરાવા જોઇએ છે એટલે મારે ઇતિહાસના પાનાં ઊથલાવ્યા વિના છૂટકો નથી. તેં આજે અમારા તરફ શંકાનું એવું તીર તાકયું છે કે અમારા દિલની લાગણી પર નસ્તર મૂકીને પણ હું તારા મનનું સમાધાન કરવાની કોશિશ કરીશ."

"ઋષભ ત્યારે માંડ પાંચ વરસનો ! અમારો એક માત્ર વારિસ તેથી ઋષભને અમારાથી અળગો કરતાં અમારો જીવ કપાઈ જતો. અમે બંનેએ એનામાં ભારોભાર સંસ્કારોનું સિંચન કરવાનો પૂરો પ્રયત્ન કર્યો. દિલ ઉદાર રાખવું, વહેંચીને ખાવું, વડીલોનું સમ્માન કરવું, દયા રાખવી વગેરે બાબતો અમે બંને વાતવાતમાં ઋષભને શીખવતા. શાળાએ જવા માંડ્યો ત્યારે હું દરરોજ જાતે જ એને મારી કારમાં મૂકવા જતો અને લઈ આવતો. શાળાએ લેવા મૂકવા જતાં રસ્તામાં પણ ગરીબ છોકરાને દાન, અનાજ આપતો કે જેથી ઋષભ પણ શીખે." કૌશિકભાઈને પોતાના જીવનની અતિ મહત્વની વાત આટલા વરસ પછી કહેવી પડશે એનો અંદાજ ન હતો તેથી થોડા ઉદાસ જણાતા હતાં. ઋષભ પપ્પા માટે પાણી લઈ આવ્યો.

"શાળાએ જતાં રસ્તામાં એક પાનની લારી આવે, મને મીઠું પાન ખાવાની શોખ એટલે ક્યારેક ત્યાં ઊભા રહી પાન ખાઈ લેતો અને દિનુ લારીવાળાને પૈસા પાછા લેવાની શરતે હજાર બેહજારની મદદ કરી દેતો. દિનુ ગદગદિત થઈ ઋષભને આશીર્વાદ આપતો. જોકે દિનુના વારંવાર કહેવા છતાં એ મદદ મેં આજ સુધી પાછી લીધી નથી જેનો સૌરભ સાક્ષી છે. એકદમ પ્રમાણિક એવા એ લારીવાળાને જોઈ મેં વિગતવાર પૂછપરછ કરતાં જાણ્યું કે પરિવારમાં માત્ર પત્ની જ છે અને બાળક વિના એમનો ખોળો ખાલી જ છે. નાના એવા એક ઝૂપડામાં પતિ-પત્ની સુખેથી આજીવિકા ગુજારે છે. વળી મેં એ પણ નોંધ્યું કે હું જેટલી મદદ એ દિનુને કરતો તેટલી વાર તે મારા ઋષભને આશીર્વાદથી ભરી દેતો ! "

"ધીરે ધીરે એ દિનુ અમારો દોસ્ત બની ગયો. મેં બેંકલોન અને થોડી આર્થિક મદદ કરીને દિનુને નાની દુકાન અપાવી. જોકે એ લોનના હપ્તા પણ મેં જ ભર્યા. પરંતુ દિનુએ મહેનત અને ખંતથી દુકાનમાં ધીમે ધીમે ફરસાણ વેચવાનું ચાલુ કર્યું, એકદમ રોડ પર દુકાન એટલે ખૂબ ઘરાકી થવા માંડી, સવારના છ વાગે એટલે દુકાન ચાલુ તે છેક રાતના અગિયાર વાગ્યા સુધી ઘરાકોથી ધમધમે ! કેટલીક વાર તો હું ઋષભને મૂકવા જાઉં તો મને દુકાનમાં નાસ્તો કરવા બેસાડી દે અને મારી કાર લઈને ઋષભને શાળાએ મૂકી આવે એટલી હદે મારો ભરોસો જીતી ચૂક્યો હતો ! મને પણ કોકના જીવનમાં ઉજાશ પાથરી શકવાનો આનંદ હતો !" કૌશલભાઈ હવે અટક્યા. ભાનુઅમ્મા બધાની વચ્ચેથી ઊઠીને બહાર ગયા.

"રિચા એ ભર વરસાદનો દિવસ અમારા માટે ગોઝારો થઈને આવ્યો ! દેમાર વરસાદમાં હું કાર લઈને ઋષભને લઈ સ્કૂલ મૂકવા નીકળ્યો, સખત વરસાદને કારણે કારના વાઇપર પણ કાચ સાફ કરવામાં અસમર્થ નીવડ્યા, કારના કાચ પાણીથી લથબથ તેથી મારી દ્રષ્ટિ પણ ઝાંખી થઈ અને એક સ્કૂટી સવાર છોકરી કારની અડફટે આવી ગઈ ! બ્રેકની કારમી ચિચિયારી થઈ અને હું અવાક થઈ જોતો રહ્યો ! બાજુમાં મારો માસૂમ ઋષભ ! પપ્પા ..પપ્પા કરતો મને વળગી પડ્યો ! એક પળમાં તો તે છોકરી લાશ થઈને પડી ! માથું ફાટી જઈ લોહી વરસાદ સાથે રેલાવા લાગ્યું ! હું કઈક સમજુ તે પહેલા તો સામેની ફરસાણની દુકાનમાંથી દિનુ અચાનક મારી પાસે આવી મને કહેવા લાગ્યો,

"શેઠ તમે અહીંથી ઋષભને લઈ ભાગો." ભાનુ પણ ઋષભને લઈ મને ઘરે જલ્દીથી પહોંચવા કહી રહી !

તે સમયે મને જે સૂઝયું તે મેં કર્યું અને ઋષભને લઈ ઘરે ભાગ્યો !"

"રિચા દિનુએ ડ્રાઇવિંગ સીટ પર બેસી જઈ મારો અપરાધ પોતાના માથે લઈ લીધો ! આજીવન કેદની સજા જે મને થવી જોઈતી હતી તે દિનુને થઈ ! દિનુએ મારા નાના ઉપકારનો બદલો કોઈ કાળે ભરપાઈ ન કરી શકું એ રીતે મને આપ્યો. દિનુ અને ભાનુએ ઋષભના સમ ખાઈને એ રાઝને રાઝ રહેવા દેવાનું વચન લીધું. દિનું પોતે તો નિઃસંતાન હતો તેથી આજીવન ભાનુ ને શાચવવાની જવાબદારી મને સોંપતો ગયો, દિનુ મારા ઋષભ માટે આટલો મોટો ભોગ આપી શકે તો શું હું ભાનુને આજીવન મારા ઘરે ન રાખી શકું ?"

"રિચા. પોતાની જાતને "અડવી" કરી ઋષભની માતાને સુહાગના વસ્ત્રો અર્પણ કરનાર બીજું કોઈ નહીં આ ભાનુ અમ્મા જ હતાં ! પોતે ભર જુવાનીમાં સુહાગણ હોવા છતાં વિયોગના ખારા દરિયામાં જીવનભર આળોટયા એ બીજું કોઈ નહીં પણ ભાનુ અમ્મા જ હતાં ! જીવનના અઢળક કડવા ઘૂંટ પોતે પીને પોતાના શેઠ અને શેઠાણીને મીઠાશ વેરનાર બીજું કોઈ નહીં પણ ભાનુઅમ્મા જ હતાં ! પોતાના જીવનને ઘોર અંધકારમય બનાવી અમારા જીવનમાં તિમિર લાવનાર બીજું કોઈ નહીં પણ ભાનુઅમ્મા જ હતાં ! ભર જુવાનીમાં ઓઝલમાં રહીને ખુદ ધગધગી પણ હશે, પણ ઋષભને આશ્લેષમાં લઈ સદાય હુંફાળો છાંયડો જ આપ્યો છે."

" અમારા હાથની રેખાને ફેરવનાર ભાનુઅમ્મા અને તેના પતિએ મનોમન ધરાર ભગવાન સામે પણ કેટલી બાથ ભીડી હશે ! બંનેએ તો આખા જીવતરનું દરદ ઓઢી લીધું, અમારી સાથે રહી કોઈ ફરિયાદનો શબ્દ નહીં, ઋષભને મોટો કરવામાં જેટલો ફાળો કામિનીનો છે તેટલો જ ભાનુઅમ્માનો પણ. પતિ હોવા છતાં જીવતરનું ગાડું એકલવાયા થઈ હાંકતા ભાનુઅમ્મા માટે અમે આટલું તો કરી જ શકીએ કે નહીં ! એના અંગો કંતાઈ ગયા હશે પણ કસમ ઉપરવાળાની કે ભાનુઅમ્માએ એના પતિની જુદાઈની બાબતમાં આજ દિન સુધી એક પણ વેણ અમને સંભળાવ્યું હોય ! હા, કોઈક વાર એમને એમની પુરાણી ઝૂંપડી કે જ્યાં એના પતિ દીનુની યાદો સમાયેલ છે ત્યાં જવાનું મન થતું ત્યારે ત્યાં જઈને દિનુના ફોટા સામે પોતાનું દિલ હળવું કરી લેતા ! સ્વાર્થી સ્નેહી તો ઘણા જોયા, કે જે સુખના દિવસોમાં સાથે રહ્યા પરંતુ જે પારકાનું દુખ પોતે લઈ લે એવા લાખોમાં એક જ જોયા."

"રિચા, તારી રીસ, નારાજગી અને ગુસ્સો વ્યાજબી છે, અમારે તને આ ઘરની લક્ષ્મી તરીકે આ વાત જણાવવી જોઈતી હતી, પરંતુ, ભાનુઅમ્માના પતિ હજી જેલમાં જીવિત છે, વાત બહાર જાય તો કેસ ફરીથી ઉલેચાય અને અને જો તેમ થાય તો હું પોતે સંકટમાં આવું તેથી આ વાતને દિલમાં જ ધરબી રાખવાના ભાનુ અમ્મા અને દિનુએ અમને સોગંદ દીધા છે અને તે સોગંદ પણ ઋષભના માથે હાથ દઈને ! મારા હાથ કમજોર બન્યા અને ભાનુઅમ્માની દુઆ કામ કરી ગઈ ! તારો પ્રશ્ન જાતે જ એક વહેમ હતો કે જે અમારા સૌના દિલના દરદનો દાગીનો બની ગયો અને એ દાગીનો સો ટચનો છે તે પૂરવાર કરવાની જવાબદારી પણ મારી જ !" આટલું બોલતા બોલતા કૌશલભાઈ રોઈ પડ્યા, કામિનીબેનનુ મુખ રડી રડીને સૂજી ગયું. રિચાની નજર પણ પસ્તાવાથી ઝૂકી ગઈ!"

"ઋષભ... પપ્પા... મમ્મી... હું કેવી અબુધ...ગંગાજળ જેવા પવિત્ર મારા પોતાના જ પરિવાર સામે મેં શક... મને માફ...." બે હાથ જોડી રિચા કરગરી રહી.

"મા...ભાનુઅમ્મા ? ભાનુઅમ્મા ક્યાં છે ?" અચાનક ઋષભ બોલી ઉઠ્યો ! ઘરમાં દોડધામ થઈ ગઈ ! આખા ઘરમાં બધે ભાનુઅમ્માને શોધી વળ્યાં...

"ઋષભ... અમ્મા એમની ઝૂંપડી તો ન ગયા હોય ?" કામિનીબેન બોલી ઉઠ્યા!

મારતી ગાડીએ સૌ અમ્માની એજ પુરાણી ઝૂંપડી પહોંચ્યા અને જોયું કે ભાનુઅમ્મા માથું નમાવી ટૂંટિયું વાળીને જમીન પર બેઠાં હતાં. અમ્માને જોઈ કામિનીબેન અને સૌને "હાશ" થઈ!

"અમ્મા... ભાનુઅમ્મા...જુ ઓ આજે પસ્તાવાની આગમાં શેકાઈને પવિત્ર બનેલ લક્ષ્મીએ તમારા ઘરમાં પગલાં પાડ્યા છે, મને આશીર્વાદ નહીં આપો ?" રિચા અમ્માને બેઠાં કરતાં બોલી ઉઠી !

ત્યાં જ ભાનુ અમ્મા જમીન પર ઢળી પડ્યા અને ખોળામાં રાખેલ દિનુનો ફોટો અમ્માના હાથમાંથી સરીને પડ્યો !

સ્વમાનથી દરિદ્ર થવા કરતાં ભાનુઅમ્માએ મોતને વહાલું કર્યું અને મૌન બની સઘળા પ્રશ્નોનો જવાબ દઈ દીધો ! આજે આ ભાનુ અમ્માની ઝૂંપડી પરોપકારની હવેલી બની ગઈ છે. રિચા આજે પણ ભૂલ્યા વિના સૌપ્રથમ ટેબલ પર ભાનુઅમ્માની કોફીનો મગ મૂકે છે અને ત્યાર બાદ બધા કોફી પીએ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational