ભીતર અજવાળાં
ભીતર અજવાળાં


"મમ્મી, રિતેશને ધંધો ચાલુ કરવો છે, મમ્મી...હું સમજું છું તારી પરિસ્થિતિ, પણ થોડી મદદ મળી જાય તો ....." રાતે રીનાના ફોન પછી લાચાર મીનળ આખી રાત ઊંઘી ન શકી.
શિયાળાની સવાર થઈ ચૂકી, આછા આછા અંધારા સાથે મધુરી ઠંડી પણ હતી, આજે મીનળનું માથું સખત ચકરાવો લેતું હતું,. ગરમ પાણી પીને પતિના ફોટા સામે જોઈ બોલી, "ઓહ ...રીનાના પપ્પા, માફ કરજો, રિતેશ અને રીનાને આજે આપણી મદદની જરૂર છે, રીનાના સાસરાની પરિસ્થિતિની જાણ તમને ક્યાંથી હોય, તમે ગયા બાદ રીનાના લગ્ન.......તમારી નૈતિકતા અને બીજાને સહાય કરવાના સ્વભાવને લઈને......ઓહ રાઘવ, તમે રસ્તે ચાલતાને મદદ કરી દેતા, પગાર થયો હોય અને કોઈ મદદ માટેનો હાથ લંબાવે તો તેને તમે તરત આપી દેતા, ગામના બે ખેતરમાંથી એક ખેતર અને ઘર સહિત નાનકાને ખેરાત કરી દીધેલ, હું રીનાનો વિચાર કરી તમને કેટકેટલું વઢતી, તમારી સરકારી નોકરી અને તમારા સિધ્ધાંત, પરંતુ તમે એકદમ ભોળા બની લોકોની સેવા કરી જાણી, આજે રીનાને મદદ કરી શકું એવી પરિસ્થિતિ પણ મારી નથી ! ગામના એક ખેતરનો બાકી બચેલ ટૂકડો પણ લુચ્ચાઈથી નાનકાએ પોતાના નામે કરાવી દીધો અને ત્યાર પછી ફરીથી એક જ વરસમાં બધી રીતે નિરાશ થઈને હું રીનાને લઈ આ શહેરમાં આવી ગઈ ! રીનાનો પતિ મહેનતથી ઊભો થવા માંગે છે, હા...તમારો સિધ્ધાંત માનવતાની દ્રષ્ટિએ યોગ્ય પણ છે કે, સો કમાવ તો દસનું દાન..." પણ આજે હું રીના સામે લાચાર બની છું. આંખના ખૂણા લૂંછતી સત્તાવન વરસની મીનળ માથે ગરમ સ્કાર્ફ અને શાલ ઓઢી બાગમાં ચાલવા નીકળી. રાઘવના ગયા બાદ એકલતાથી માનસિક રીતે ભાંગી પડેલ અને આર્થિક ભીંસમાં દળાઈ રહેલ મીનળના ચહેરા પર અકાળે વૃધ્ધત્વ ડોકાતું હતું !
મીનળ બાગમાં પ્રવેશી ત્યાં એણે જોયું તો એક સાઠ-એકસઠની આસપાસની વયનો એક પુરુષ ચહેરા પર મંકીટોપી પહેરી બાગના દરવાજામાં પ્રવેશ્યો અને નીચે નમી બાગને વંદન કર્યાં ! મીનળ થોડી આશ્ચર્ય તો પામી, પરંતુ હશે કોઈક કારણ, એમ સમજી આગળ નીકળી ગઈ અને એક આંટો પૂરો કર્યો ત્યાં જ અચાનક એજ અજાણ્યો પુરુષ મીનળની સામે આવી, 'હો...હો..હો..હો..હો..હા..હા..હા..હા ....એ...એ..એ..એ...હાહાહાહા..." કહી મોટે મોટેથી હસવા માંડ્યો અને તાળી પાડવા માંડ્યો ! મીનળ એકદમ ગભરાઈ ગઈ, એને તરત જ રાઘવની યાદ આવી ગઈ, રાઘવ પણ આમ જ......મીનળની આંખોમાં પાણી પણ આવ્યાં અને સાથે ગુસ્સો પણ ! મીનળ પોતાની શાલને મુખ પર દબાવી કશુંક બોલવા ગઈ ત્યાં ફરીથી, " ના...ના...ના...ગુસ્સો નઈ...એ...એ...એ...એ...હાહાહાહા..." એ બોલી ઉઠ્યો ! મીનળ પોતાનો રસ્તો કરી આગળ નીકળી ગઈ. આગળ કદમ ભરતાં એણે જરા પાછળ નજર કરી તો જોયું કે હવે એ પુરુષ એક કાકા ચાલતા હતા એમની સામે જઈ, હાહાહાહા...એ..એ..એ..એ..એ....કરવા માંડ્યો અને પેલા કાકા જોરથી હસી પડ્યા અને બંને તાળી પાડતા પાડતા હસવા માંડ્યા ! કુતૂહલવશ થઈ મીનળે ફરી પાછળ નજર કરી તો એણે નોંધ્યું કે એ પુરુષ બાગમાં ચાલનાર દરેકની સામે જઈ, હા...હા...હા...હા..એ...એ...એ.. કહી હસતો હતો. કદાચ હાસ્યક્લબનો કોક નવો સભ્ય હશે એમ વિચાર્યું, પરંતુ આમ સાવ અચાનક અને તે પણ મારા જેવી કોઈ અજાણી સ્ત્રી સામે ! ચાલતાં ચાલતાં મીનળની સામે ફરી એ પુરુષ આવી ગયો, હસવા ગયો પરંતુ મીનળને જોઈ ચૂપ થઈ આગળ કદમ ભરવા માંડ્યો ત્યાંજ મીનળ હસી પડી, એ પુરુષનો શ્વાસ જાણે હેઠો પડ્યો અને બંને જોરજોરથી હસવા માંડ્યા !
'નમસ્તે, આપ શહેરમાં નવા લાગો છો, આજે પહેલીવાર બાગમાં...."
"હા, આજે બરાબર ઓગણીસ વરસ પછી આ બાગમાં આવ્યો છું, માફ કરજો, આપને મારા વર્તન થકી અજુગતું લાગ્યું, પરંતુ આ બાગ સાથે મારી ઘણી યાદો સંકળાયેલ છે, હસતાં રહો અને હસાવતાં રહો...આવજો." કહી પોતાની મંકીટોપી સરખી કરતો કરતો બીજાને હસાવતો હસાવતો આગળ નીકળી ગયો ! મંકીટોપીને કારણે એ પુરુષનો ચહેરો સાફ ન દેખાયો પણ મીનળ એની વાતોની શુધ્ધતા અને વર્તનની અદબને નિહાળી રહી !
ઘરે પહોંચીને મીનળને ચા પીતાં પીતાં એ અજાણ્યા પુરુષનો વિચાર ફરીથી મનમાં ઝબકી ગયો ! લોકો કેટલાં ખુશ રહી શકે છે, બીજાને હસાવી શકે છે ! રાઘવ, એ વ્યક્તિને જોઈ લાગે છે કે એ અદ્દલ તમારા જેવો જ હશે !
આજે મારી હાજરી ત્યાં અતિ આવશ્યક હતી અને કોઈ પણ ભોગે આજે મારે ત્યાં હાજર રહેવું જ પડશે એવો ગઈ કાલે પ્રમુખ શ્રીમતી ચારુલતાબેનનો ફોન આવ્યો હતો, રસોડાનું કામ પતાવી મીનળ ફટાફટ 'નારી સહાય સંસ્થા' કે જેમાં પોતે રાઘવ હતો ત્યારથી દરરોજ દિવસના થોડો સમય ત્યાં સેવા આપતી અને રાઘવ પણ રજાના દિવસે મીનળ સાથે નિયમિતરૂપે જતો, ત્યાં જવા નીકળી, આજે સંસ્થામાં કોક અતિથિનું વક્તવ્ય ગોઠવેલ હતું, મીનળ વેળાસર ત્યાં પહોંચી અને કાર્યક્રમ શરૂ થઈ જ ગયો !
પ્રાસંગિક પ્રવચન બાદ સંસ્થાના પ્રમુખ ચારુલતાબેન બોલ્યા, "હવે સંસ્થાના આજના મુખ્ય અતિથિ કે જેઓ ઓગણીસ વર્ષ બાદ આ શહેરમાં પધાર્યા છે અને એમના કહેવા મુજબ આ શહેરે એમને નવું જીવન બક્ષ્યું છે એનું ઋણ ઉતારવા સંસ્થાને પાંચ લાખનું દાન અર્પણ કરેલ છે એવા શ્રી પરબતભાઈનું ફૂલનાં ગુલદસ્તાથી સ્વાગત કરશે વરસોથી નિ:સ્વાર્થ ભાવે આપણી સંસ્થામાં સેવા આપી રહેલ મીનળબેન." મીનળ હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈ આપવા જાય છે ત્યાં એને અતિથિનો ચહેરો પરિચિત હોય એમ લાગ્યું અને એ મુખ્ય અતિથિ પણ બે સેકન્ડ મીનળને તાકી રહ્યા અને પોતાનું વક્તવ્ય ચાલુ કર્યું.
"સન 2001ના ભૂકંપમાં કચ્છના અંજારમાં મેં મારો સમગ્ર પરિવાર, ઘરબાર અને બધું જ ગુમાવી દીધેલ, ફક્ત એક મારી પંદર વરસની દીકરી સિવાય ! બસ એ કુમળી કળી જેવી દીકરીની "મા..મા..." ની કારમી ચીંખો સાથે એની આંગળી ઝાલી ફક્ત એક ટ્રેન પકડી એમાં બેસી ગયેલ, ન હતા ટિકિટના પૈસા કે ન હતા દીકરીને ખવડાવવાના પૈસા ! હું શૂન્ય અને દિશાવિહીન થઈ દીકરીને ખોળે લઈ બેઠો હતો અને ટ્રેનની પટરી મને ક્યાં લઈ જતી હતી એનો અણસાર સુધ્ધાં મને ન હતો ! બારેક કલાકની મુસાફરી બાદ સુરત શહેર આવ્યાની જાહેરાત સાથે સવારે સાતેક વાગ્યે ગાડી ઊભી રહી, ઘડીકમાં તો થયું કે દીકરીને ઉંઘતી મૂકીને ઉતરી જાઉં અને આત્મહત્યા કરી લઉં, પરંતુ મારી નાની શી દીકરીની નિર્દોષતા મને સ્પર્શી ગઈ અને હું દીકરીને લઈ ઉતરી પડ્યો ! ક્યાં જવું, શું કરવું, અહીં શું કામ ઉતર્યો... મને કશી જ ખબર ન હતી." વક્તવ્ય આપતાં આપતાં મુખ્ય અતિથિની આંખે પાણી આવ્યા.
બે ઘૂંટ પાણી પીને વક્તવ્ય આગળ વધારતા બોલ્યા, "ક્યાં જવું, કોને મળવું, કશી ખબર નહીં અને ચાલતાં ચાલતાં આ શહેરના એક જાહેર બગીચામાં જઈ એક બાંકડે બેઠો ! દીકરી મોટે મોટેથી રડતી હતી અને હું મનોમન ! ત્યાં એક ભાઈ મારી સામે આવ્યા અને ...એ...એ...એ...એ...હા...હા...હા...હા...કરી બે હાથ લાંબા કરી હસવા માંડ્યા ! પહેલાં તો એનું વર્તન જોઈ બે લાફા મારવાનું મન થયું, પરંતુ જ્યારે એ ભાઈએ મારી પાસે બેસી મને પાણી પીવડાવ્યું અને અડધો કલાક સુધી મને કર્મના સિધ્ધાંત સમજાવ્યા.' આંખમાં પાણી સાથે ગદગદ અવાજે બોલી રહેલ પરબતભાઈનું દિલ ભરાઈ આવ્યું.
ત્યાં જ મીનળના ધબકારા વધી ગયા, આ ભાઈ ક્યાંક રાઘવ વિષે તો નહીં.... ...એ...એ...એ...એ...હા...હા...હા...હા... આવું તો મારો રાઘવ રોજ બાગમાં બધા સાથે કરતો !
"આત્મબળ અને આત્મવિશ્વાસ જેવુ કોઈ હથિયાર નથી, પડીને બેઠો થાય એજ સાચો માણસ, આ દિવસ પણ નીકળી જશે ધીરજ રાખો..." વગેરે શબ્દોથી મને ફરીથી જીવવાનું બળ મળ્યું અને એ ભાઈએ અમદાવાદના એક કારખાનાનું નામ આપેલ અને સાથે સો રૂપિયા ! હું વખાનો માર્યો એવો તો નિરાશ હતો કે, ન તો એ ભાઈનો ફોન નંબર લીધો કે ન તો એનું સરનામું ! જિંદગીના કારમા પ્રવાહમાં તરી રહેલ એવો હું એ ભાઈનો આભાર માનીને એજ સો રૂપિયામાંથી મારી દીકરીને જરા ખવડાવીને ગાડી પકડી અમદાવાદ પહોંચ્યો, અને એ કારખાનામાં નોકરી મેળવેલ અને છએક મહિના પછી મારી નિષ્ઠા જોઈ માલિકે પોતાની ફેક્ટરીનો ચાર્જ મને સોંપેલ, અને લાગલગાટ મારી પ્રગતિ થઈ, એ ભાઈ અને એમના સો રૂપિયા મારા માટે એક મોટા ઋણ સમાન સાબિત થયા. આજે શહેરના પાંચ કારખાનાનો હું માલિક છું, આજે કરોડોની સંપત્તિનો માલિક છું, છતાં વરસો પહેલાં એ સો રૂપિયા આપનાર ઓલિયો મારા કરતાં અનેકગણો અમીર હતો એવો આજે મને એહસાસ થાય છે. આ સંસ્થાની તમામ નારીને પણ હું એક જ સંદેશ આપવા માંગું છું કે તમે નિ:સહાય નથી, કપરી પરિસ્થિતિનો મુકાબલો કરો. જરૂર કોઈ રામ બનીને આવશે ! જેમ મને આંગળી ચીંધીને જીવનનો માર્ગ બતાવી મારી ભીતર અજવાળાં ભરવા માટે જ આવ્યો હતો એ ઓલિયો ! ખરા અર્થમાં રામ બનીને આવ્યો હતો એ રાઘવ ! હા, રાઘવ એનું નામ, એ ફરિશ્તો આજે નથી પણ એનું ઋણ આ ધરતીને અને એના પરિવારને પાછું વાળવા આવ્યો છું. હું અભાગિયો સ્વાર્થી બની સંસારમાં પડ્યો અને એ ઓલિયાને ભૂલી ગયો હતો કે જેણે મને સો રૂપિયાની મદદ અને સ્નેહભર્યા શબ્દો થકી મને હતાશાના માર્ગ પરથી ઊંચકીને મારા જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું હતું, પરંતુ ફરીથી કુદરતે મારી સાથે ક્રૂર મજાક કરી, મારી દીકરીને પરણાવી પરંતુ ગર્ભાશયમાં પ્રોબ્લેમ થતાં પેટમાં બાળક સાથે જ લગ્નના એક જ વરસમાં પ્રભુને પ્યારી.......અને ફરી હું લાચાર અને વિવશ ! હા....આ વખતે મારી પાસે મબલખ દોલત હતી પણ વાપરનાર કોઈ રહ્યું નહીં, ત્યારે મેં ભગવાન પાસે બેસી ખૂબ ઝગડો કર્યો અને એકાએક મને એ વરસો પહેલા સો રૂપિયા મને આપનાર ઓલિયાની યાદ આવી ગઈ ! ત્યાર બાદ આ શહેરમાં આવી એ ઓલિયા વિષે તપાસ આદરી, મારી અંગત ભાવનાઓ મારી સાથે હતી તેથી ખૂબ પ્રયત્નો પછી આ સંસ્થાના પ્રમુખ ચારુલતાબેન પાસેથી મને એ દયાવાન ઓલિયા રાઘવ વિષે તમામ માહિતી મળી ગયેલ છે, મારી તમામ સંપત્તિનો અડધો ભાગ એ ઓલિયા સમાન રાઘવના પરિવારને આપું છું, તેમજ બાકીની સંપત્તિમાંથી જરૂર પૂરતું જ રાખીને બાકીનું શહેરની અન્ય સંસ્થાને દાન આપી કાયમ માટે હરીદ્વાર જવા માંગુ છું કારણકે એ ઓલિયો મને કહી ગયો હતો કે 'સો કમાવ તો દસનું દાન કરવું' તમે પણ આ સિધ્ધાંત યાદ રાખજો.
'ઓહ..રાઘવ...તમે ક્યાં છો..." બોલતાની સાથે સ્ટેજ પાસે ઊભેલી મીનળ અચાનક બેહોશ થઈને નીચે પડી !
"ઓહ...રાઘવ.....રીના..." ભાનમાં આવતાં જ મીનળ બોલી અને એણે હોસ્પિટલમાં પોતાની આસપાસ ડોક્ટર, ચારુલતાબેન, રીના, રિતેશ અને પેલા મુખ્ય અતિથિ પરબતભાઈ અને વકીલને જોયા.
'અતિશય માનસિક તણાવને કારણે તમે બેહોશ થઈ ગયા હતાં, ચારુલતાબેને મને તમારા વિષે બધુ જણાવ્યું છે કે રાઘવ અને તમે વરસોથી આ નારી સંસ્થામાં સેવા આપી છે અને રાઘવના અને તમારા તમામ આઈડેન્ટીફિકેશન પેપર આ સંસ્થાની ઓફિસમાંથી જ મેળવીને ચેક કરી લીધેલ છે અને ત્યારબાદ જ બધી કાયદાકીય કામગીરી આ વકીલ શ્રીમાનને સોંપી હતી, લ્યો, આ મારી મિલકતના કાગળિયા, કે જેના અડધા ભાગીદાર મારા બેન સમાન એવા મીનળબેન તમે છો, આજે વરસો બાદ કુદરતે મને ફરીથી મારો પરિવાર જાણે મેળવી આપ્યો છે તેથી મારી બેનની ભીતર અજવાળાં ભરવાનો મને મોકો દીધો અને આ તમારા પરબતભાઈને રાઘવના ઋણમાંથી મુક્ત કરો કે જેથી હું નચિંત થઈ હરીદ્વાર જઈ શકું ! પરબતભાઈ અત્યંત કુમાશથી મીનળને સંબોધીને બોલી રહ્યા ત્યારે એમનો એક હાથ રીનાના માથા ઉપર સ્નેહથી ફરી રહ્યો હતો !
"ઓહ..રાઘવ તમે સાચા હતા......" મીનળ સ્નેહભરી અને આંસું નીતરતી આંખે સામે ઉભેલ દેવદૂતને નિહાળી રહી !