અજાણ્યા આશીર્વાદ
અજાણ્યા આશીર્વાદ
સારી ખોટી ઘટનાઓની ઘટના આપણા જીવનને જીવંત રાખે છે. આપણા લીધે કોઈના ચહેરા પર અનાયસે આવેલ ખુશી અને હર્ષના આંસુ આપણા આંતરિક સૌંદર્યની લાલીમામાં વધારો કરે છે.
આમ તો ઘણી બધી આવી ઘટના જીવનમાં બનેલી છે છતાં 1998 માં બનેલી એક ઘટનાએ મારા જીવન પર ઘેરી છાપ છોડી છે. હું મારી ક્રિકેટ ટીમ સાથે "નવજીવન એક્સપ્રેસ"માં ચેન્નઈ જઈ રહી હતી. ટ્રેનમાં બેઠે અડધો એક કલાક થયો હશે બધા મસ્તીના મૂડમાં હતા. હું આજુબાજુ નું અવલોકન કરી રહી હતી. ક્યાંક કોઈ દાદા દાદી શાંતિથી પ્રેમથી વાત કરતા હતા, તો ક્યાંક કાકા કાકીના મીઠા ઝઘડા ચાલતા હતા. નાની બહેનો બારી બાજુ બેસવા ઝઘડતી હતી તો બે નાના ભાઈ બહેન નાસ્તો કરતા હતા. અમે હિંમતનગરની ત્રણ છોકરીઓ હતી અને બાકીની ઊંઝા અને વિસનગરની હતી. બધા પોતપોતાના શહેરોની વાત કરતા હતા. ધીમે ધીમે શાંત વાતો ચડસા ચડસીમાં પરિણમી અને પછી ચડસા ચડસી શર્તમાં. . .
એક છોકરીએ મને પૂછ્યું કે, "હિંમતનગરની છોકરીઓમાં શહેરના નામ પ્રમાણે હિંમત હોય છે કે નહીં?" મેં કહ્યું," શારીરિક હિંમતની તો ખબર નહીં પણ એમનું મનોબળ ખૂબ જ મજબૂત હોય છે. " એને હસવા હસવામાં કહ્યું,"ઓકે, તો તું આ ટ્રેનમાં જે ચા વાળા આવે છે એમની ચા પાંચ જણને વેચીને બતાવ. " મેં હા પાડતા કહ્યું કે કોની જોડેથી ચા લેવી એ હું નક્કી કરીશ. એટલામાં એક ઘરડા કાકા આવ્યા હું ઊભી થઈ ને બધા શાંત થઈ ગયા. મેં કાકાને કહ્યું કે કાકા પ્લીઝ મને તમારી આ કિટલી ને બાકીની આ સામગ્રી આપશો ? અમારે શર્ત લાગી છે. કાકા થોડા મૂંઝાયા. મેં કહ્યું ચિંતા ના કરતા, જે કમાણી થશે એ બધી તમારા હાથમાં આપી દઈશ. કાકાએ કીટલી, કપ અને બાકીની બીજી બધી સામગ્રી મને આપી દીધી. કાકાને મેં મારી જગ્યાએ, એમના ખભેથી રૂમાલ લીધો અને મારા ખભા પર નાખ્યો અને એમની જ સ્ટાઈલથી બોલવાનું ચાલુ કર્યું ," ચાય વાલી, ચાય વાલી, પાંચ કી એક, ચાય લેલો, ચાય લેલો. " બધા મારી સામે જોવા લાગ્યા. પછી મેં મારા કરેલા અવલોકનનો ફાયદો ઉઠાવ્યો. . . . . "દાદા, ક્યારના પ્રેમથી વાતો કરો છો, દાદી તમને રોજ ગરમાગરમ ચા પીવડાવતી હશે. આજે તમારો વારો. દાદીને આપો ગરમાગરમ પ્રેમની ચા. " દાદાએ બે ચા લીધી અને પૈસા આપ્યા. પછી એમની સામે પેલા રિસાઈને બેઠેલા કાકા કાકી પાસે ગઈ "કાકા, આ મસ્ત મજાની મીઠી ચા કાકીને આપો અને કીટ્ટા છોડો. પ્રેમના મીઠા રિસામણા બહુ લાંબા સમય ના હોય. ચાલો ચા પી લો. " ક્યારના મોઢું ફુલાવીને બેઠેલા કાકા કાકી હસી પડ્યા. કાકાએ કહ્યું "થેંક્યુ બેટા, તારી કાકી તારી આ વાતથી હસી પડી નહિતર છેક ચેન્નાઈ સુધી આમને આમ થોબડું ચઢાવીને બેસી રહેત. મેં કહ્યું કાકા થેન્ક યુ આ ચા ને કહો અને મારા કાકી ને. બસ પછી તો આખો ડબ્બો કુતૂહલવશ મને જોઈ રહ્યું ને સાંભળી રહ્યું.
ચા ના રસિયા અને જે ક્યારેક ક્યારેક ચા પીતા હોય એવા બધાએ મારી જોડે થી ચા પીવા લીધી. ચાની કીટલી પૂરી થઈ ગઈ પણ હજી ઘણા ચા માંગતા હતા. મેં ખ
ાલી કીટલી કાકાને આપીને કહ્યું આનાથી મોટી કેટલી હોય તો ભરીને લેતા આવજો. કાકા થોડીવારમાં ચા લઈને આવ્યા. મેં ફરી ચા આપવાનું ચાલુ કર્યું. આ વાત બાજુના ડબ્બામાં ગઈ ત્યાંથી પણ ઘણા લોકો ચા પીવા આવ્યા. મેં એક પ્લાસ્ટિકની થેલી પૈસા મૂકવા રાખી હતી એ પણ આખી ભરાઈ ગઈ. એક મસ્ત મજાની સ્માઈલ સાથે જાણે પોતાના પરિવારના સભ્યને જ ચા આપતા હોય એમ અજાણ્યા લોકોને ચા આપવાની અને દરેકના ચહેરા પર હાસ્ય લાવવાની મજા જ કંઈક જુદી હતી. બસ આમ કરતા કરતા મોટી કેટલી પણ ખાલી થઈ ગઈ, હું કાકા પાસે આવી અને એમને પેલી પૈસા ભરેલી થેલી આપી. મારી બે સખીઓ અને કાકાએ પૈસા ગણવાનું ચાલુ કર્યું. થોડીવાર પછી મેં પૂછ્યું કેટલા થયા ? એક છોકરીએ કહ્યું 705. હજી આ પાંચ પાંચની નોટો ગણવાની બાકી છે. પછી તો મારી આખી ક્રિકેટ ટીમ 705, 710, 715, 720. . . . . 745. બધાએ તાલીઓ પાડી અને તાલીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજવા લાગ્યું. આખો ડબ્બો જાણે એક પરિવાર બની ગયું બધા એકદમ ખુશ ખુશાલ હતા. પણ પેલા કાકા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. મેં પૂછ્યું કાકા શું થયું ? કેમ રડો છો ? એમને મારા હાથમાં અડધા પૈસા મૂક્યા કહ્યું બેટા આટલા તું રાખ. મેં ના પાડી કહ્યું કે કાકા મારે કાંઈ નથી જોઈતું. મેં શર્ત પૂરી કરવા માટે આ ચાલુ કર્યું અને પછી એમાં મજા આવતી ગઈ અને હું કરતી ગઈ આ બધા પૈસા તમારા જ છે મારે એક પણ પૈસો જોઈતો નથી. બસ તમે મારા માથે હાથ મૂકો અને મને સારા આશીર્વાદ આપો. કાકા ફરી રડવા લાગ્યા ને મને પગે લાગવા જતા હતા ને મેં એમના હાથ પકડી લીધા. કાકા આમ મને પાપમાં ના નાખશો અને તમે રડવાનું બંધ કરો મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો માફ કરો.
કાકા રડમસ અવાજે બોલ્યા," બેટા આટલા બધા પૈસા મેં ક્યારેય એક સાથે નથી.. મારા ઘણા દિવસની કમાણી તે મને એક દિવસમાં કરી.. તારી કાકી બીમાર છે એના ઈલાજ માટે પૈસા જોઈતા હતા. આજે સવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં લક્ષ્મી માતાને આજીજી કરીને આવ્યો હતો અને જો લક્ષ્મીમાતા તારું સ્વરૂપ લઈને આવી ગયા. તું જ મારી લક્ષ્મીમાતા છો. " કાકા આમ ના બોલશો કહેતા કહેતા તો મને પણ રડવું આવી ગયું. હું કાકાને પગે લાગી. એક અજાણ્યા કાકાએ મારા માથે હાથ ફેરવી મને કેટલાય દિલથી આશીર્વાદ આપ્યા અને ખોબો ભરીને સિક્કા મારી સામે ધાર્યા મેં એમાંથી એક સિક્કો એમના આશીર્વાદરૂપ લીધો અને પછી કાકા એ ખુશીના આંસુ સાથે ત્યાંથી વિદાય લીધી.
1998 નો એ આશીર્વાદરૂપી એક રૂપિયાનો સિક્કો હજી મારી પાસે છે જે મારા માટે સોનાના દાગીનાથી પણ વધારે અણમોલ છે હજી જ્યારે ઘટનાઓના ઘટમાળમાંથી આ કિસ્સો અને એ આશીર્વાદ જીવનમાં યાદ આવે છે ત્યારે મારા ચહેરાનું આંતરિક સૌંદર્ય એ દુઆઓની લાલીમાંથી ખીલી ઊઠે છે.
"જીવનની કંઈક એવી ઘટનાઓની ઘટમાળ,
જેમાં તમે કરેલ હોય પારકાની સંભાળ,
એથી આંતરિક સૌંદર્યની લાલિમા રહેશે બરકરાર, બીજાની ખુશી જાણે ભગવાનને ધરાવેલ. "