ઝાંઝવાના જળ
ઝાંઝવાના જળ
વરસાદના ફોરાં મારી બારીએથી જોતા જોતા હું વિચારમાં સરી પડી. છેલ્લા એક જ વર્ષ માં મારા જીવનમાં કેટલા ઝંઝાવાત આવી પડ્યા. દીકરાનો અકસ્માત, બાપ દાદાના જમાવેલા ધંધામાં ખોટ અને નુકશાની ભરપાઈ કરવા માટે પેડરરોડનો આલીશાન ફ્લેટ છોડીને પરાના નાના ફ્લેટમાં રહેવા આવવું. આ બધાનો આઘાત ધરીતને લાગવાથી તેને વારંવાર વાઈના હુમલા આવવાથી નવું કોઈ કામ માટે હિંમત જ નથી થતી.
અચાનક વાગેલી ડોરબેલથી તંદ્રા તૂટી અને હું દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતા જ એક લાંબો રેઇનકોટ અને માથે હેટ પહેરેલો આગંતુક દેખાયો. હેટ ઉતારીને તેની ઓળખાણ આપી. મેં તેમને અંદર બોલાવ્યા, કોટ અને હેટ કાઢી તેમણે સોફા પર સ્થાન ગ્રહણ કર્યું. મારા પતિના પાર્ટનર જીગર ભુતાની ચાલઢાલ પર નજર રાખવા તથા તેમની આટલી નુકશાની થયા છતાં તેમની દેખાતી હાઈ લાઈફસ્ટાઇલ માટે એવા ક્યાં પરિબળો જવાબદાર છે તેની શોધખોળ માટે મેં એક જાસૂસી એજેંસીનો સંપર્ક કર્યો હતો. આવનાર આંગતુક મિસ્ટર મહેતા તે એજેંસીના જ જાસૂસ છે. ખરબચડો ચહેરો અને છ ફૂટની ઉંચાઈ લાંબો કોટ તેમના પ્રોફેશનની ચાડી ખાતુ હોય તેવું ભાસતું.
*. *. *
જીગર ભુતા ચોકલેટી હેન્ડસમ યુવાન, શરીર સૌષ્ટવ કોઈ અભિનેતાને પણ શરમાવે, નિયમિત જિમમાં કસરત કરીને ને તેને પાંત્રીસી ઉંમર દસ વર્ષ નાની દેખાતી હતી. બાપદાદાની સંપત્તિની રોનક તેની ચાલ અને વાણી વર્તુણકમાં છતી થતી હતી. પોતાની કોલેજ ટાઈમની પ્રેમિકા નૌકા સાથે જ પ્રભુતાના પગલાં પડ્યા હતા. જીગર ના પિતા અને મારા સસરા બંને ખાસ મિત્રો અને ભાગીદાર, તેથી જ મારા પતિ ધારિત અને જીગર પણ આજ ધંધામાં આગળ વધ્યા. નાની મોટી નોખજોખ સાથે પણ બંને ભાગીદાર ચલાવતા કારણકે આયાતનિકાસના વ્યવસાયમાં ખુબ નફો હતો.
અચાનક એક દિવસ નિકાસ કરેલો માલ વિદેશમાં રદ્દ થયો. માલની ગુણવત્તા સાથે ચેડા થયા છે એવું જણાવામાં આવ્યુ. નુકશાનીની જાણે પરંપરા સર્જાય. ક્યારેક ઉઘરાણીમાં પૈસા ન આવતા અને ક્યારેક માલ બનતી મિલમાં મજૂરોનું યુનિયનના પ્રશ્નોથી ધંધામા ખૂબ નુકશાની આવી. જીગર અને અમે રાતોરાત લોકો ને પૈસા ભરપાઈ કરવા અમારા ઘર વેચીને ભાડાના મકાનમાં રહેવા આવીયા. નૌકા અને જીગરને બે સંતાન એક દીકરો રાહુલ અને રિયા, બંને બાળકો હજી ખુબ નાના હતા. મને અને ધારિત ને એક જ સંતાન બ્રિજ જેનો બે મહિના પહેલા જ કાર અકસ્માત થયો હતો. પાંસળી અને પગના હાડકામાં ખુબ માર વાગ્યો હતો. દુકાળમાં અધિકમાસની જેમ બધી જ મુશ્કેલી સાથે આવી. લેણદારોને કર્જ ચુકવતા ચુકવતા દીકરાની સારવાર પણ સારી નહિ થઇ તેનો રંજ મનમાં હતો. ત્યારેજ એક શોપિંગ મોલમાં મેં નૌકા અને જીગરને બ્રાન્ડેડ શોરૂમમાંથી કપડાં ખરીદતા જોયા. મને મળ્યા પણ ખરા, બંને ના હાવભાવ અને પહેરેલા ઘડિયાલ અને દાગીના જોઈ ને હું દંગ રહી ગઈ. ઘરે આવીને ધારિતને સઘળી વાત કરી. મારા મનમાં ઈર્ષ્યા અને આશ્ચર્ય બંનેના ભાવ આવતા હતા. બહુ વિચારીને મેં એક જાસૂસી કંપનીનો સંપર્ક સાધ્યો. આખી વાતની ભાળ મેળવવાની કિંમત તો ઘણી લાગી પણ સાચી વાત શું છે એ જાણવું પણ મને ખુબ જરૂરી લાગ્યું.
મિસ્ટર મેહતાએ વાત ચાલુ કરી.મેં જીગરભૂતા ની તપાસ લગભગ એક મહિનાથી ચાલુ કરી હતી. તેમના મોબાઈલ ટ્રેક કરીયા અને તેમની દિનચર્યા અને બહાર અવરજવર પર નજર રાખી. તેમના ફોન પર સતત હાઈપ્રોફાઈલ સ્ત્રીઓના ફોન આવતા. તેમને અલગ નામથી બે સિમકાર્ડ રાખ્યા છે. તમે જેમ કહ્યું તેમ તેઓ અવારનવાર અદ્યતન સ્પામાં જતા હોય છે, વળી ફાઈવ સ્ટાર હોટલોમાં તેમની રોજની અવરજવર રહેતી હોય છે. મને પણ વાત જાણવામાં રસ પડવા લાગ્યો. મેં તે હોટેલના સ્ટાફમાંથી કોઈને ફોડવાનો પ્રયત્ન કર્યો. પણ કઈ વધુ વિગતો મળી નહિ.
તે જ અરસામાં મને મારો જૂનો મિત્ર દેવરાજ મળી ગયો. તે નૌકાના પિતાના બિલ્ડીંગમાં જ રહે છે તેવું જાણવા મળ્યું. વાતની ભાળ મેળવવા નૌકાના પિયર સુધી મેં તપાસ કરી હતી. અનાયાસે દેવરાજ ત્યાં રહેતો હશે એવી મને તે મળ્યો ત્યારે જ ખબર પડી. દેવરાજને નૌકા અને જીગર વિષે ખુબ જાણકારી હતી. નૌકાના પિતા સાથે દેવરાજને ઘણો સારો સંબંધ હતો.
હું તેને લઈને એક કૅફેટેરિયામાં ગયો. નૌકાના પિતા હરખચંદભાઈ તેનીમાના અવસાન પછી ઘરમાં એકલા જ રહેતા હતા. નૌકા તેમની એક માત્ર સંતાન હતી. પોતાની વ્યાજની આવકમાં તેઓ સારી રીતે ગુજરાન ચલાવતા હતા. તેમના ભાઈનો પરિવાર સુરત રહેતો હોવાથી અવારનવાર સુરત જતા. ઘરની એક ચાવી નૌકાના ઘરે અને બીજી ચાવી તેમની બાજુવાળા ને ત્યાં રહેતી. ઘણીવાર હરખચંદ લાંબા સમય સુધી સુરત રહ્યા હોય તો નૌકા ઘરને ઠીકઠાક કરવા આવતી જતી. પણ ચાર પાંચ મહિના પહેલા પાડોશીઓ એ નોંધયુ કે જીગરની અવરજવર વધી ગઈ હતી, કૈક જરૂરી કાગળો અને દસ્તાવેજ ગોતવા આવે છે એવું કોઈ આવાનું કારણ પૂછે તો કહેતો પણ ચાર નમ્બર વાળા પાર્વતી માસી એ જીગરના ઘરમાં ઘુસ્યા પછી થોડી વાર પછી કોઈ સ્ત્રીને આવતા જતા જોઇ. તેઓ તેમની નવરાશની પળોમાં બરાબર જીગરના આવનજાવન પર નજર રાખતા સ્ત્રીઓ દર વખતે જુદી જુદી દેખાતી. તેમને એક વખત મને આ બાબત ફરિયાદ કરી. મને પણ અજુક્તું લાગ્યું. મેં હરખચંદ ને અમસ્તો ફોન કરીયો, તેની વાતો પરથી કોઈ પણ જરૂરી દસ્તાવેજો જીગરને ગોતવા પડે એવું ન જણાયું.
એક દિવસ બપોરે ત્રણ વાગે પાર્વતીબેનનો મને ફોન આવ્યો તેમને મને બોલાવ્યો અમે બંને હરખચંદના ઘરમાંથી નીકળતી વ્યક્તિ ની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં જ એક સુંદર લલના ઉંચા સેન્ડલ અને મોર્ડન પોશાકમાં બહાર આવી. તેને જોતા જ અમે બહાર નીકળ્યા. તેને અમે શાંતિથી આ ફ્લેટમાં આવાનું કારણ પૂછ્યું તેને અમને તેની ઓળખાણ જીગરની મિત્ર તરીકે જણાવી તેના ગયા પછી અમે જીગરને મળ્યા. આખી વાત સાચે સાચી જાણવા કહી, નહિ તો અમે નૌકા અને હરખચંદ ને કહી દેવાની ધમકી આપી.
જિગરે શરૂઆતમાં ઘણા ગલ્લાતલા કારિયા આખરે તેને કબુલ્યું કે પૈસાની ખેંચ અને ઉંચી લાઇફસ્ટાઇલને પહોંચી વળવા તેને ઘણા અખતરા કર્યા, પણ તેને જોઇએ તેવી સફળતા નહિ મળી. આખરે તેને તેના જ કોઈ ફ્રેન્ડની પત્ની જે ખુબ પૈસાદાર અને પોતાના પતિના વિદેશગમનથી કંટાળેલી સ્ત્રીએ મારી પાસે તેની શરીરસુખની માંગણી કરી બદલામાં તેને ઘણા રૂપિયા ઓફર કર્યા. શરૂઆતમાં મને ઘણું અણછાજતું લાગતું પણ પછી મારી જરૂરિયાત મારા પર હાવી થઇ ગઇ. સ્ત્રી ગ્રાહકોની સંખ્યા વધતી રહી, નૌકાના પપ્પા ન હોય ત્યારે હું હોટલના પૈસા પણ બચાવી લેતો. મનમાં અપરાધભાવ આવે તો વિચારતો કે આ દુનિયામાં કેટલી સ્ત્રીઓ એ પોતાનું પેટ પાળવા આ વ્યવસાય અપનાવ્યો છે. મેં મારા પુરુષાતનને વેચીને ક્યાં નવું કઈ કર્યું ? એવું વિચારી મન મનાવતો.
આખી વાત સાંભળીને હું ખુબ વિચારમાં પડી ગયો. દેવરાજની વાતો પરથી મને બધો અંદાજો આવી ગયો. જીગર પુરુષવેશ્યા એટલે કે ગિગોલો બની ગયો છે. હવે કદાચ નૌકાને પણ આની જાણ છે. હાઈફાઈ લાઈફ અને તેનો સંસાર ટકાવી રાખવા કદાચ તેને પણ આ કડવો ઘૂંટડો પચાવી દીધો હશે એવું મારુ માનવું છે.
મિસ્ટર મેહતાની વાત સાંભળી ને હું ખુબ હતપ્રભ થઇ ગઈ. મારી વૈભવીજીવન જીવવાની લાલચ અને જીગરના ઠાઠ જોઈને જાગેલી ઈષ્યા પળવારમાં કકડભૂસ થઇ ગઈ. સમાજમાં વૈભવીજીવન બતાવા જતા કેટલી હીણકક્ષાનું કામ કરવા મનુષ્ય લલચાઈ જાય છે. આવેલી પરિસ્થિતિનો મુકાબલો સૌ ફેમિલીમેમ્બરે સાથે બેસી ને કરવો જોઇએ. સંકટની પળો કાયમ નથી રેહવાની એવું વિચારીને તકલીફો સામે ઝઝૂમવું જોઇએ એવી મનમાં ગાંઠ વાળી.