Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Tragedy Thriller Others

4  

કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Tragedy Thriller Others

એ એના ઘરને ભરખી ગઈ

એ એના ઘરને ભરખી ગઈ

12 mins
201


 "કયે ભવ સ્ત્રીને સુખ મળ્યું છે ?

પહેલાના વખતમાં દીકરીને દૂધ પીતી કરીને મારી નાંખવામાં આવતી હતી ને, અટાણે હામ હામુ કરીને ભાઈનું ઘર બાંધવા માટે."

 આવા વિચાર સાથે હિરલ ઊંડો શ્વાસ ભરતા, ભરતા, ઓસરીના પડથારની કોરે ઉભેલી થાંભલીને ટેકો દઈ બેસી ચારેય કોર નજર ફેરવવા લાગી.

(તોડલા પર બળી રહેલો દીવો પણ, ખડી કરેલા કરાનું નમતું જીવન અને ફાટી ગયેલા વાંસ આસાનીથી હિરલને દેખાડવા માગતો હોય તેમ આખી ઓસરીમાં ફેલાઈ રહ્યો છે. બરાબર ફળીયા વસાળે બાંધેલી ધામેણામાં મળેલી કુંડલા હિંગ વાળી ભગર ઓગાળતા ઓગાળતા બાજુમાં બાંધેલી બે મહિનાની પાડી હામુ જોયા કરે છે. ઉતરતો વૈશાખ એટલે, વહેતા પવન સાથે આકાશમાં વાદળાં પણ આમતેમ જતા નજરે પડી રહ્યા છે. ક્યારેક ક્યારેક વળી વીજળીનો ચમકારોય આંખે ચડે. વાડી વિસ્તાર એટલે, દૂર દૂરથી કૂતરા તેમ જ, અન્ય પ્રાણીઓનો અવાજ પણ, કાને અથડાય રહ્યો છે. ત્રણ વર્ષની તૃષા અને દોઢની અપેક્ષા હિરલને બેય પડખે કિલકારી કરતી ભમી રહી છે.)

આ દરેક દ્રશ્ય જોતા જોતા, હિરલ જોરુની રાહ જોઈ રહી છે.

 જોરુને ભયંકર દારૂની લત લાગી ગઈ હતી. બાય પરણીને ઘેર આવી ત્યારથી આજ સુધી જોરુએ એને એક મીઠા બોલે બોલાવી નથી. ઉતમનો મારઝૂડ કરીને રંજાડ્યા જ કરતો. ગામડાના રૂઢિચુસ્ત રિવાજોને વળગી રહેલા જોરુના મા બાપે જ આંતર જ્ઞાતિની છોકરી સાથે જોરુના સબંધ તોડીને એક સાથે બે બે, જિંદગીને નરકમાં ધકેલી હતી.

 જોરુને ગામની જ એક રૂપા સાથે પ્રેમ થઈ ગયો હતો. રૂપા પણ, દિલ ફાડીને જોરુને પ્રેમ કરતી હતી. આરંભમાં તો, બન્ને છાને છુપે પ્રેમ લીલા કરતા હતા. લોકોને એના સંબંધની ગંધ ન આવી જાય એની તકેદારીય ખાસ્સી એવી રાખતા. જો કે, સમય, વખત અને કાળના ચક્રને કોણ પરિવર્તિત કરી શક્યું છે કે, આ જોરુ અને રૂપા કરી શકે ?

 વીતતા વખત સાથે જોરુ અને રૂપાનો પ્રણય સબંધ પીંજરું તોડીને મુક્ત ગગનમાં વિહાર કરવા ચાહતો હતો. પ્રતિબંધના પહાડ તોડીને તરસથી પર થવા મથતો હતો અને ભયની ભોગળ ભાંગીને આવકારના કમાડ ઉઘાડવા ઉત્સુક હતો.

 ખેતરના શેઢે ચાર આંખો મેળવીને મિલનનું સુખ મેળવતા જોરુ અને રૂપા હવે મોકો મળ્યે નવરાત્રી, લગ્ન પ્રસંગ કે, અન્ય વાર તહેવારના મેળાવડામાં એકાંત શોધીને પ્રેમ લીલા કરવા લાગ્યા હતા. બન્ને જેમ જેમ નજીક આવતા ગયા એમ, એમ, આકર્ષણના કિલ્લામાં કેદ થતા ગયા. આના હિસાબે બન્નેની પરસ્પર મળવાની તમનનાઓ તેજ રફતારે તીવ્ર બનવા લાગી હતી. આખરે એ સમય આવી ગયો કે, થોડા દિવસે એક મુલાકાત તો જરૂરી બની ગઈ હતી. આનું પરિણામ એ આવ્યું કે, ગામના લોકોને જોરુ, રૂપાની પ્રણય લીલાની લીલાઓ દેખાવા લાગી હતી.

 એક કહેવત છેને કે,

"રજનું ગજ કરનારને ન પુગાય."

જોરુ ને રૂપાના પ્રેમ પ્રકરણ સાથે પણ, આ જ થયું. લોકો હોય એના કરતા ચાર ઘણી વાત ઉમેરીને ગામની ગલીએ ખાંચે જોરુ, રૂપાની વાતો વાટતા થઈ ગયા. આસપાસના ગામમાં પણ, આ પ્રેમ પ્રકરણની વાતો વા વેગે પ્રસરવા લાગી. ગામના કહેવાતા કેટલાંક ડાયા માણસોના કહેવાથી જોરુને અને રૂપાને મળવા તો શું ? જોવાનોય પ્રતિબંધ મુકાય ગયો હતો. રૂપા તો બહાર જાય તો પણ એના પર ચાંપતી નજર રાખવાનું શરૂ થઈ ગયું. આ વાતથી જોરુ એટલી હદે અકળાયો કે, ગામના કેટલાંક હવાતીયાઓને ધૂળ ફાંકતા કરી દેત પણ, ક્યાંક ખૂણે ખાચરે પડેલી માનવતા એને આમ કરતા રોકતી હતી. પણ રૂપા માટે એ કંઈ પણ કરવા તૈયાર હતો. એણે રૂપાના બાપ પાસે રૂપાનો હાથ માગ્યો. વળી રૂપાના બાપે પણ, દીકરીનું સુખ જોઈને રૂપાની મરજી મુજબ પગલું ભર્યું. આ તરફ જોરુના બાપે પણ, જોરૂની મરજી મુજબ પગલું ભર્યું અને જોરુ, રૂપાની સગાઈ નક્કી થઈ.

 રૂપા બાપને એકની એક હતી. આથી પાનસો વિઘાની જાગીરદાર રૂપા જ હતી. જોરુ પાસે પણ, ઘણી જમીન જાગીરદારી હતી. જો જોરુ અને રૂપા મળી જાય તો ઘેર નાખ્યાનો માગ ન રહે. આ વાત જોરુના કેટલાંક સગા સંબંધીને ખૂંચવા લાગી હતી. કોઈ પણ, ભોગે આ સંબંધ ફોક થાય એવા કોયડા ઘડાવા લાગ્યા. જોરુના બાપ પાસે એવી વાતો પહોંચવા લાગી કે,

"આપણે તો ઊંચી ન્યાતના કહેવાઈએ, હલકી ન્યાતની રૂપા જેવી સોડી આપણે ઘેર ન હોય. એની ન્યાતથી આપણા દેવ દેવીઓ જો અભડાય જાહેને તો ઘરનું હતું, નતુ કરી નાખશે. આમેય હલકી ન્યાતની બાયુમાં પાચિયાનોય વેંતો નો હોય. આપણી ન્યાતની હોય એ ગરીબ હોય તોય ઇ આપડી કેવાય."

 આવી સાચી ખોટી વાતોએ જોરુના બાપ પર એટલી ભારે અસર કરી કે, જોરુની સગાય ફોક કરી નાખી. ઉપરથી રૂપાના બાપને મોઢે આવે એવી ગાળો ભાંડી. આખા ગામમાં એના નામની બદનામીના બ્યુન્ગલ ફૂંકતા ફરતા થયા એ તો નોખું.

 હવે જોરુ કંઈ કરી શકે એમ નહોતો. વેદનાની આગ એટલી હદે ભભૂકી ઉઠી કે, એ બાપ સામે બોલી ઉઠ્યો,

"બાપુ તમે બીજાને હલકા ગણી મારા સગા બાપ ઊઠી કેટલી હલકાઈ પર ઉતરી આવ્યા એની કંઈ ધરપત છે તમને ?"

જોરુના એક પણ શબ્દની અસર હવે કોઈ પર થાય તેમ નહોતી. જોરૂની મા વાતે વાતની કડી પરખતી હતી પણ, એનાથી હન કે કન થઈ શકે એમ ક્યાં છે. એ પણ, આખરે તો સ્ત્રી જ છે ને ?

 જોરુએ બાપને મનાવવાની થાય એટલી કોશિશ કરી લીધી પણ, એનો બાપ એકનો બે ન થયો એટલે ન જ થયો. આખરે જોરુએ રૂપાને સંદેશ મોકલ્યો કે,

"રૂપા મારો બાપ લોકોના હાથનું રમકડું બની ગયો છે. આંખ પર પાટા બાંધીને ડોટ કાઢતો મારો બાપ હકીકતનો હોંકારો નહિ સાંભળી શકે રૂપા. મને ખબર છે કે, આપણો પ્રેમ સાચો છે પણ, સંજોગને સત્ય મંજૂર નથી. રૂપા ભાગી જશું તો જગત કહેશે, ખાનદાન નબળું હોવું જોઈએ ને પરાણે લગ્ન કરીશું તો આ જગત આપણને જીવવા નહિ દે. પકડેલી વાટ છોડાય નય એ હુંય જાણું છું રૂપા પણ, જ્યાં ખુદના જ ખૂટલ નીકળે ત્યાં શુ વધે રૂપા ?"

 પ્રતિબંધના ઇલાકે કેદ થઈ ગયેલા બન્ને પ્રેમી પંખીડા હતાશા વ્હોરીને એક પછી એક દિવસ વિતાવવા લાગ્યા હતા. રૂપા જોરુના અંતિમ શબ્દો યાદ કરીને હીબકાં ભરતી, ભરતી એટલું જ બોલતી કે

"પોર હેતાળ બની ચુકેલો ઈશ્વર ઓણ હાચુ ખોટું તારવી હકે એટલોય દયાળુ નથ રહ્યો ?"

વિરહના વલવલાટ વચ્ચે ક્ષણ, ક્ષણ, હૃદયનું રુદન વલોપાત કરી ઉઠતું કે,

"હાય રે નસીબ. ક્યા ભવના પાપ આ ભવ આંબી ચડ્યા ?"

 રૂપાની જેમ જોરું પણ, વિરહની આગમાં હોમાય ગયો. એના એક, એક ધબકારે રૂપા વસી ચૂકી પણ, હવે તો બધુંય જાજવાંના જળ સમાન જ હતું. ચાહે એટલું દોડી લે પણ, મુકામ ફક્ત અફસોસ જ હતું. રાતના રુદનમાં ઓશિકા સિવાય આંસુ જિલનારું કોઈ નહોતું રહ્યું. આસપાસ રહ્યો હતો ફક્ત ન મળી શક્યાનો વલોપાત.

 જેઠ ઉતરીને અષાઢી ધારાઓ ધરતી પર ઓળઘોળ બનીને વરસી રહી હતી. મોરના ટહુકા ટેહુક, ટેહુક કરતા વિરહીઓના હૈડા વીંધી રહ્યા હતા. માથેથી બબ્બે ચોમાસા ઉતરી ગયા હતા પણ, જોરું કે રૂપા એકબીજાના સેજ પણ ખર ખબર વર્તી શક્યા નહોતા. આ વરહની એક રાતે જોરું પાસે એનો ભાઈબંધ ભીમો આવ્યો. ઘણા વરહે બેય ભાઈબંધ એકબીજાને બાથમાં લઈને મળ્યા એટલે બન્નેને પોરહ માતો નહોતો. ચોમાસુ એટલે લાઈટ નહોતી. બેય ભાઈબંધ દીવાને અજવાળે વાળું કરવા બેઠા. જોરુનો બાપ ગામતરે હતો એટલે, વાળુમાં હતા ફક્ત બે ભાઈબંધ જ. ભીમાએ રોટલાનો બટકો ભાંગતા, ભાંગતા જોરું સાથે વાતોના ફડાકા મારવાનું શરૂ કર્યું. વાત વાતમાં ભીમાએ ધીરે રહીને એમ પણ, પૂછ્યું,

"એલા જોરુ, ઓલી રૂપાનો કાંઈ હંદેહો કોઈ વખત આવ્યો કે હેં ?"

ભીમાના મુખે રૂપાનું નામ સાંભળીને જોરુના હાથમાં રહેલી દૂધની તાંહળી ઘૂંટડો ભર્યા વગર પાછી વળી ગઈ. આંખો વરસી પડી અને એના મુખેથી શબ્દો સરી પડ્યા,

"ભીમા સગા બાપે ઉઠીને મારા જીવતરમાં ઝેર રેડ્યું છે. આખો મલક નહોતો ઈચ્છતો કે, રૂપાની જમી મને મળે. આ જ વાતે મલકે બાપને ચડાવ્યો ને, બાપેય એવો કે, મલકની વાતમાં આવી ગયો. બાકી ઓલો રાઘવનો દીકરો તો રૂપા કરતાંય હાવ હલકી ન્યાતની લાવ્યો તોય એને કોએ કાંઈ નો કીધું. મને અને રૂપાને તો ?"

આટલું બોલીને જોરું મોટે સાદે રડી પડ્યો. ભીમાએ બે ઘડી જોરુને વતાવ્યો જ નહીં. એ જાણતો હતો કે, જો એ રોઈ લેશે તો એના હૈયાનો ભાર હળવો થઈ જાહે. થોડી વાર પછી ભીમાએ જોરુના ખભા પર, હાથ મૂકીને કીધું,

"એલા એય જોરુ, ગાંડો થામાં. તારી રૂપાનો હંદેહો તુને દેવા આવ્યો સવ."

આ સાંભળીને જોરુ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો,

"હેં એલા ભીમા, મારી રૂપાનો હંદેહો ?"

દૂધની તાંહળી હેઠે મૂકતાં મૂકતાં,

"હા જોરુ તારી જ રૂપાનો હંદેહો સે હો."

જોરુ મલકાટ સાથે,

"હેં ? હાશન મારી રૂપલીનો હંદેહો તું ભીમા ભાઈબંધ લીને આવ્યો સો ?"

જોરુનો મલકાટ સાથેનો અવાજ સાંભળીને રસોડામાં રોટલા ઘડતી જોરૂની મા પણ, ટહુકો કરી બેઠી,

"એલ્યા એય ભીમલા તું હબ કે, ઇ રૂપલીનું હું થયું ? એની હારું મારો જોરુ એકેય દિ હરખો હુતો ને. અરે બાપા મનેય હવે એની ઉપાધિ થયા કરે સે."

વાળું પાણી કરીને ઓસરીમાં ખાટલો ઢાળેલો હતો ત્યાં બેસીને ભીમાએ જોરુને હંધી વાત કરી.

"જોરુ તારી રૂપાની સગાઈ મારી હાઇરે ગોઠવવાનું નક્કી થાય સે. મેં અટાણે અટલે ના ને પાડી હુકામ કે, હું મારા ભાઈબંધને એની રૂપલીનો હંદેહો મુકલી હકુ. મને ખબર સે કે, ઇ તારા વૈના ની રી હકે."

ભીમાની વાત સાંભળી જોરૂની મા બોલી ઉઠી,

"બટા ભીમલા તું જે કે સો ઇ હાસુ પણ, આ ગામના માણહ ને જોરુના બાપુ એકેય વાતે રૂપલીને મારા ઘરની વોવ ની થાવા દેય. આખો મલક અમને મારવા ભેગો થયો સે."

ભીમો થોડા ગમ્ભીર અવાજે,

"બા તમારી વાત જરીયે ખોટી ને પણ, મારા ભાઈબંધ માટે મારે ઠેઠ હુધી મથવું સે. મને ખબર સે, મારે ઘેરે કાંઈ ખાવાનું નતું તારે આ જોરુ મારો ભાંગ્યાનો ભેરુ મદદે આવ્યો હતો. મારી બેન હોંલીને પરણાવવા હાટુ મને એણે રૂપિયા દીધા હતા. આજે મારી ઘેરે નાખ્યાનો માગ નથી એનો અરથ ઇ નય કે, વધુ જાગીર હાટુ હું ભાઈબંધની થનારી હાઇરે શાર ફેરા ફરી જાવ. હું આવું કરું તો તો, ભાઈબંધીનાં નામ પર જગતનો વિશવાહ ઉઠી જાય."

આ સાંભળીને જોરુ નિ:શબ્દ થઈ ગયો. એને એ ન ખબર રહી કે, કુદરત આ શું ખેલ ખેલી રહી છે. થોડી વાર પછી ગોખલામાં પડેલી બીડીની ઝૂડીમાંથી બે બીડી હાથમાં લઈને એક હોઠ વચ્ચે દાબી દીધી અને બીજી ભીમા તરફ ધરી પછી ક્યાંય સુધી બન્ને ભાઈબંધ કસ ઉપર કસ ખેંચતા રહ્યા. ક્યારના વરસી રહેલા વરસાદનું જોર નબળું પડ્યું એટલે બીડીનું ઠુઠું હેઠે ફેંકતા ભીમો બોલી ઉઠ્યો,

"હાલ ત્યારે જોરુ, હું નીકળું ? કાલ હવારે મારે શેઠને થોડા રૂપિયા પુગાડવાના સે એટલે અટાણે હબ ઘેર પુગી જાવ મે પાસો નો મંડી પડે ઇ પહેલા."

જોરુ ભીમાને આજની રાત રોકાઈ જવા કહેતો હતો પણ, ભીમો ન માન્યો. આખરે બેય ભાઈબંધ રામ, રામ, મળીને છુટ્ટા પડ્યા.

 આ તરફ રૂપાને પોતાની સગાઈ થવાની છે એ વાત સંભળાવવા લાગી એટલે, એ વધુ બેચેન થવા લાગી. એને તો જીવવું છે ફક્ત ને, ફક્ત જોરુ સાથે જ. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે એમ એમ, રૂપાની મુશ્કેલીઓ વધતી જાય છે. આખરે એને પોતાનું હિત દેખાય છે, રૂપમતીમાં."

અષાઢ મહિનો ઉતરવાને બે ચાર દિ આડા હતા. ઓણનો મે છેલ્લા વિહ વરહ કરતા ભારે વરહી રહ્યો હતો. એમાંય બારશની રાત હું ધારીને બેઠી હતી કોને ખબર ? હોય એટલી તાકાતથી મે મંડી પડ્યો. લોકો હાંફળા ફાફળા થઈને પોતાનો જીવ બચાવવા માટે હવાતિયાં મારી રહ્યા હતા. રૂપાનો બાપ બાજુના ગામે રૂપાની માને તેડવા ગયો હતો. બરાબર આવે વખતે રૂપાએ પોતાની મરજી મુજબ રૂપમતીની વાટ પકડી લીધી. હાથ લાંબો કરો તો હાથની આંગળી ન દેખાય એવા ઘનઘોર મેઘલી રાતના અંધારા વીંધતી, વીંધતી છાતી હમાં પાણીમાં રૂપા રૂપમતી તરફ ડગલાં ડેતી હતી. વરસતો વરસાદ જાણે રૂપાને રોકી લેવા ન માગતો હોય એમ વધતો જ જાય છે પણ, આયે રૂપા છે. જરાય પાછો પગ મૂકવાનો વિચાર કરતી નથી. બેય હાથની મુઠ્ઠી વાળીને દાંત કચકચાવતી આગળ ને આગળ વધતી જ જાય છે. મનમાં એક જ ઈચ્છા છે કે, હબ આવે રૂપમતી અને એની સાથે આ રૂપાનુય અસ્તિત્વ વહેતુ થઈ જાય.

 રૂપા જેવી રૂપમતી પાસે પહોંચી ત્યાં તેનો પ્રવાહ રોકાય જવા કહેતો હતો. એ વહેતા પાણીનો અવાજ ભયંકર અવાજ સાથે રડી પડ્યો રૂપાને રોકી લેવા ધોધમાર વરસાદ પણ ક્ષણમાં રોકાઈ ગયો. પવન પણ દર્દની ચીસ સાથે થોભી ગયો. રૂપમતીનું વહેણ રૂપાના પગ પકડીને કહેવા લાગ્યું,

"દીકરી રોકાઈ જા, આવા રૂપને રૂપમતીમાં રમતું ન મૂકી દેવાય દીકરી. પાછી વળી જા, દીકરી પાછી વળી જા."

રૂપા હવે કોઈનાય કહ્યામાં રહે એમ નહોતી. કોઈ એને શું મનાવી શકે ? ખુદ જ ખુદને મનાવી મનાવીને ત્રસ્ત થઈ ચૂકી હતી. ઉગવાની આશા એનામાં લેશ માત્ર રહી નહોતી કારણ લોકોએ જ એને કરમાવી દીધી હતી. એની આખરી ઈચ્છા એ જ હતી કે, હું ક્યાં છું એની જાણ જોરુને થઈ જાય. એ જ્યારે રૂપમતીને સંપૂર્ણ મળી વહેવા લાગી ત્યારે તેણે પોતાની ઈચ્છા મુજબ જોરુની માને સપને જઈને કહ્યું,

"ફુય તમારા દીકરાને કહેજો કે, મને માફ કરે. હવે મારથી આ જગતના ઝેર જીરવાય એમ નહોતા એટલે, આખરે રૂપમતીમાં મળી જાવ છું. એને કહેજો કે, મારા ગયા પછી હું જે માર્ગે હાલી નીકળી છું એ માર્ગે ડગ ભરે તો અમારા પ્રેમની આણ છે. હું જાણું છું કે, ઇ મારા વિનાના ની જીવી હકે પણ, એય મારી વાંહે દુનિયાને અલવિદા કહેશે તો, જગત કહેશે કે, એ તો ગઈ પણ, સાથે એનેય ભરખી ગઈ."

 રૂપા દુનિયાને અલવિદા કહીને ગઈ તે દિવસથી જોરુએ પણ, જગતને જાકારો આપી દીધો હતો. એને સતત મનમાં એમ થયા કરતું કે, હું એકલો, હતું એ તો હારી ગયો જ ને ? એને રૂપાનો વિરહ એટલી હદે પાગલ બનાવી ગયો કે, એ ખુદ રૂપમતી તરફ કેટલીય વખત ડોટ મુકતો પણ, રૂપાની સોગંધ એને પકડી લેતી. મને કમને જીવતા રહેવા સિવાય એના માટે કોઈ બીજો વિકલ્પ નહોતો.

 ભીમાએ જોરુના બાપને જોરુને પરણાવવાની ના જ કહી હતી પણ, એનો બાપ ક્યાં સત્યને સ્વીકારતો જ હતો. એણે તો દીકરી સામે દીકરી લઈને જોરુને પરાણે પરણાવ્યો. આનું પરિણામ એ આવ્યું કે, જોરું ભયંકર દારૂના રવાડે ચડી ગયો. લોકોએ એને દારૂડિયો, દારૂડિયો કહીને એટલી હદે લૂંટી લીધો કે આખરે એને એના દોસ્ત ભીમા પાસે એક કાચું મકાન ખાલી પડ્યું હતું એમાં રહેવા જતું રહેવું પડયું. એની બાય ખૂબ મહેનતુ અને પતિ વ્રતા સ્ત્રી હતી એટલે, એક ભેંસ કેમેય કરીને રાખી હતી. એ જ્યાં સુધી જોરુ ઘેર ન આવે ત્યાં સુધી ગમે તેવી રાત હોય જાગતી પડથારે બેસીને રાહ જોયા કરતી.

 હવે તો દીવાનો ઉજાસ પણ, ધીરે ધીરે ઝાંખો પડવા લાગ્યો હતો. તૃષા અને અપેક્ષા પણ, કિલકારીઓ કરવાનું બંધ કરીને માના ખોળામાં માથું નાખીને પડથારે જ સૂઈ ગઈ હતી. ઉતરતો વૈશાખ એટલે, વીજળીના જબકાર સાથે ઝરમર, ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. રોજ કર્તા આજે ઘણો સમય વીતી ચૂક્યો હતો. આટલે મોડે સુધી હિરલને ક્યારેય પડથારે નહોતું બેસવું પડ્યું એટલે, એને પણ, ચિંતા થવા લાગી હતી. એ ઈશ્વરને અરજ કરીને કહેતી હતી કે,

"હેય જગત પિતા, જેવો, તેવો, ગાંડો, ઘેલો છે તોય એ મારો પતિ છે. તું એને કાંઈ નો થવા દેતો હો ? નહિતર મારા જીવતરમાં ઝેર ભેગું ઝેર રેડાહે."

 આવી અરજમાં ને અરજમાં રાત ભાંગીને પ્રભાતના અણસાર વર્તાવા લાગ્યા હતા પણ, જોરુનો પગ ઘેર પડ્યો નહોતો. હવે તો હીરલ પણ, રડી રડીને પડથાર પર જ આડી પડી ગઈ હતી. એના બાપે દીકરાનું ઘર બાંધવા માટે થઈને દીકરીને નરકમાં ધકેલી હતી એનો વસવસો એને ભારે હતો પણ, એના થનાર પતિને એણે ક્યારેય જરા પણ કંઈ ઓછું આવવા દીધું નહોતું. હવે તો જોરૂની ચિંતા એના અંગે અંગમાં પ્રસરી ચૂકી હતી. એના હૃદયમાં દુખાવાએ પણ પ્રવેશ કરી લીધો હતો પણ, જોરુનો તુચ્છકાર ભર્યો અવાજ એના કાને પડ્યો નહોતો. બાકી હતું તો, પડથારે સુતેલી તૃષા અને અપેક્ષાને ઝેરી જીવડાએ ડંખ મારી લીધો. હિરલ ઊભી થઈને દીવો લેવા ગઈ ત્યાં એને પણ એ જ જીવડાએ ડંખ માર્યો. જોતજોતામાં તો એ ડંખની વેદના એના શરીરમાં આગ પેઠે સળગી ઉઠી. આમ છતાં પણ, એ બેય દીકરીના જીવ બચાવવા માટે બેય હાથમાં એક એક દીકરીને ઊંચકીને બૂમો પાડતી દોડવા લાગી. જોરૂની હેરાનગતિથી ઘણી વખત હિરલની બૂમો સંભળાતી એટલે, આસપાસનું એક પણ માણસ ખુદની જગ્યાએથી હલ્યું નહીં. ત્રણેય મા દીકરીની વેદના સાથે વરસાદ પણ ધોધમાર વરસવા લાગ્યો હતો. પીધેલ હાલતમાં રસ્તે પડેલો જોરુ પણ પાણીના વહેતા પ્રવાહ સાથે તણાવા લાગ્યો. હિરલ પણ હવે વહેતા પાણી સામે ઝાક ઝીલી શકતી નહોતી. થોડી વારમાં તો એય વહેતા પાણીની દિશામાં વહેવા લાગી. વરસતા વરસાદનું જોર એટલી હદે વધી ગયું કે, આખા ગામનું પાણી હેઠવાસમાં વહેતી રૂપમતી તરફ ધસમસતા પ્રવાહે વહેવા લાગ્યું હતું. ભયંકર વરસાદ સામે બાથ ન ભરી શકનાર સજીવ કે નિર્જીવ વહેતા પાણી સાથે રૂપમતીના માર્ગે હાલી નીકળ્યા.

 ભયંકર ભભૂકી ઉઠેલી વિરહની જ્વાળાઓને રૂપમતીએ બુજાવી દીધી પણ, લોકોની માન્યતાઓ અને કેટલાંક આત્માની ગતિ જોનારાઓએ તો એમ જ, કહ્યું કે,

"એ એના ઘરને ભરખી ગઈ."


Rate this content
Log in

More gujarati story from કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Similar gujarati story from Tragedy