ભણતરમાં કરો સુધારો
ભણતરમાં કરો સુધારો
આધુનિક યુગમાં આજે ભણતર ખૂબ વધી ગયું છે. ભણતરનો બોજ પણ વધતો જાય છે અને ભણતર મોંઘું પણ થતું જાય છે. સામાન્ય પરિસ્થિતિવાળા લોકો માટે આજે એક મોટી સમસ્યા બની ગઈ છે, આ સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. હું શિક્ષક છું એટલે શિક્ષણ વિશે વધુ માહિતગાર છું. હાલમાં શિક્ષણને નહીં પરંતુ સ્કૂલ તથા કોલેજના નામને મહત્વ અપાય છે. ફલાણી ફલાણી સ્કૂલ માં મૂકવાથી આપણું સ્ટેટ્સ ઊંચું લાગે, અમુક સ્કૂલમાં મૂકવાથી આપણી છાપ ખરાબ પડે ભલે ત્યાં શિક્ષણ સારું હોય તો પણ મા-બાપ પોતાનાં બાળકને સ્કૂલમાં મૂકતાં નથી. એટલે જ ભ્રષ્ટાચારે જોર પકડ્યું છે. પૈસા આપીને એડમિશન અને નોકરી મેળવી શકાય છે.
આજે આપણી પાસે હજારો ડિગ્રીધારી યુવક-યુવતીઓ નોકરી માટે રખડતાં નજરે પડે છે. વગ અને પૈસા ખરચવા છતાં પણ ઘણીવાર નોકરી મળતી નથી. ભણતરને જ પોતાનું લક્ષ્ય માની બીજી ઈતર પ્રવૃત્તિમાં ધ્યાન આપે નહીં અને નોકરી ન મળતાં દુઃખી થવું પડે. અને આવી મુસીબતોથી કંટાળીને ઘણીવાર યુવક-યુવતીઓ અવળે રસ્તે ચડી જાય છે અને ઘણીવાર આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
શાળામાં આજે જે ભણાવાય છે તે પુસ્તકીયુ જ્ઞાન છે, તેને યાદ કરવાં બાળકો ફક્ત ગોખણપટ્ટી કરે છે. મહારાણા પ્રતાપનાં ઘોડાનું નામ શું હતું ? અકબર ક્યારે ગાદીએ બેઠો?, અકબરનાં નવ રત્નોનાં નામ કહો, દુનિયાની અજાયબીઓ કેટલી અને તેનાં નામ કહો, ૧૮૫૭નાં બળવાનો મુખ્ય નાયક કોણ હતો?, ગાંધીજીને કોણે માર્યા હતાં? આવાં અનેક પ્રશ્નો શિક્ષકો બાળકો પાસે કરાવે અને બાળકો ગોખણપટ્ટી કરે. નોકરીમાં ઇન્ટરવ્યૂ વખતે આવાં કોઈ પ્રશ્નો પૂછાતાં નથી અને જીવનમાં પણ કોઈ કામ લાગતાં નથી. જાણવું જરૂરી છે પરંતુ ભણતર એવું ભણવું કે જીવનમાં ઉપયોગી બને.
હું એવું માનું છું કે દરેક શાળામાં ફક્ત ભણતરને જ નહીં પરંતુ સાથે નાનાં મોટાં ઉદ્યોગોની તાલીમ પણ આપવી જોઈએ જેથી ભણ્યા પછી બાળક પોતાનો જ ઉદ્યોગ શરૂ કરીને રોજગારી મેળવી શકે. જેનાથી તેનો પણ વિકાસ થાય અને દેશનો પણ વિકાસ થાય. આપણી પાસે ઘણાં એવા ઉદ્યોગો છે, જેવાં કે અગરબત્તી, ચોક, ડિટર્જન્ટ પાવડર, સાબુ, ફિનાઈલ, ફેસ પાવડર. ઉપરાંત સીવણ, રસોઈ, ઈલેક્ટ્રીક વસ્તુઓનું રીપેરીંગ. આવાં નાના-મોટા વિષયોની તાલીમ આપી બાળકને એટલું તૈયાર કરી શકીએ કે પુખ્ત થતાં તે જાતે પોતાનો રોજગાર મેળવી શકે. તેને બીજે ક્યાંય નોકરી શોધવા જવું ન પડે.
શિક્ષણની આ ઢબ આવી જ રીતે પરંપરાગત ચાલુ રહી તો અંગ્રેજોની જેમ આપણે પણ ફક્ત કારકુનો જ પેદા કરી શકીએ. આ માટે આખાં સમાજે જાગૃત થવાની જરૂર છે. પરિવર્તન આવશ્યક છે, અશક્ય નથી. આ પરિવર્તન લાવી એક નવો સમાજ, એક નવી શિક્ષણ પ્રણાલી ઊભી કરી આપણાં દેશને અન્ય દેશો સાથેની હરીફાઈમાં વેગવંતો બનાવી શકીએ.