છૂંદણા
છૂંદણા
પ્રસ્તાવના:-શરીરે છૂંદણા ત્રોફાવવાનાં રિવાજે ઘણીવાર કેવી પરિસ્થિતિ સર્જાય છે તે દર્શાવતી આ રચના છે.
રામપુર નામનું એક ગામ જેમાં કોઈ કરતાં કોઈ શિક્ષિત નહીં. ત્યાં સ્કૂલ શું કહેવાય તેની કોઈને ખબર ન હતી. આવા ગામમાં રાધા નામની એક અનહદ રૂપાળી, દેખાવડી, મોહક શબ્દ વાપરીએ તેટલા ઓછા પડે એવી આ રાધા સાવ નાની જ હતી. લગભગ આઠ દસ વરસની હશે. ગામમાં એક છૂંદણાં ત્રોફાવવાવાળો આવ્યો. બધાને છૂંદણા કરતાં કરતાં તેના ધ્યાનમાં એક વાત આવી કે અહીં કોઈને વાંચતા લખતા આવડતું જ નથી અને આ વાતનો ફાયદો રાધાને છૂંદણા પાડતી વખતે ઉઠાવ્યો. પહેલા તો વાતો કરતાં નામ જાણી લીધું અને પછી ચિત્રો બનાવતા બનાવતા તેણે તેના હાથ પર એવું લખ્યું કે તું મારી રાધા અને હું તારો કાનો. ગામમાં કોઈને ખબર હતી નહીં એ લોકો તો આને છૂંદણાની ભાત (ચિત્ર) જ સમજતાં હતાં.
દિવસો વીતતા ગયા અને રાધા મોટી થઈ એટલે તેની સગાઈ કરી અને લગ્ન પણ નક્કી થયા. ધામધૂમથી લગ્નનો પ્રસંગ પૂરો થયો અને રાધાને વિદાય કરી પિતાએ તેની જવાબદારી પૂરી કરી. વાજતેગાજતે જાનનું સ્વાગત થયું અને બધી વિધિઓ પૂરી થઈ. રાત્રે રાધા અને તેનો પતિ ગોપાલ પ્રેમથી વાતો કરતાં હતાં અને વાત કરતાં કરતાં ગોપાલે રાધાનો હાથ પકડ્યો અને સીધી નજર આ લખાણ પર જ પડી. તે ભણેલો હોવાથી ફાટી આંખે જોતો જ રહ્યો. તેને રાધાને પૂછ્યું કે આ શું છે ? રાધા બોલી શું આ શું છે? આ તો બધાના શરીરે હોય જ છે. જે અમારો શોખ અને રિવાજ છે. ગોપાલ ગુસ્સામાં બોલ્યો એ તો મને પણ ખબર છે પણ આ શું લખ્યું છે હાથ પર. રાધા બોલી મને શું ખબર પડે, હું થોડી ભણેલી છું. ગોપાલ ખૂબ ગુસ્સે થયો અને બૂમાબૂમ કરવા લાગ્યો. રાધા ખૂબ ડરી ગઈ. અવાજ સાંભળીને પરિવારના લોકોએ પણ પહેલાં તો કાન માંડ્યા વાત વધતી હોય એવું જણાતા દરવાજો ખખડાવ્યો. કિશને દરવાજો ખોલી પરિવારને રાધાનો હાથ બતાવી આખી વાત કરી. પરિવાર પણ જોતો રહી ગયો પરંતુ એ સમજતાં હતાં કે આમાં રાધાનો કોઈ વાંક નથી પરંતુ ગોપાલ માનવા તૈયાર નહોતો. તે એકનો બે ન થયો અને પરિવારની પણ એક વાત માનવા તૈયાર નહોતો. અડધી રાતે રાધાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. રોતી કકળતી રાધાએ ઘણી માફી પણ ગોપાલ ટસનો મસ ના થયો. તે રાધા રડતાં રડતાં નીકળી પડી. અંધારામાં ક્યાં જવું ક્યાં નહીં એનો વિચાર કર્યા વગર ચાલવા લાગી. ઘરે જઈશ તો બાપ ની આબરૂ જાશે અને પતિ રાખવા તૈયાર નથી. તે એવી તો મૂંઝવણમાં પડી કે કોઈ રસ્તો એને દેખાતો જ ન હતો. ત્યાં એની નજર એક વાવ સામે પડી અને માનાં શબ્દો યાદ આવ્યા કે સાસરે સુખ હોય કે દુ:ખ બધુ સહન કરજે અને ન સહન થાય તો ગામની નદીમાં કે કૂવામાં પડીને મરજે બાકી ઘેર પાછી ના આવતી. આ શબ્દો આજે તો તેને કાનમાં જોર જોરથી વાગતા હતાં અને અંતે કંટાળીને વાવમાં કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું. આ રીતે રાધાએ વગર વાકે છૂંદણાને લીધે પોતાનું જીવન ટુંકાવવુ પડ્યું. જે છૂંદણાં સ્ત્રીની શોભા મનાતા એ રાધાના જીવનમાં જીવ લેનાર સાબિત થયાં.