સ્ત્રીને આપો સાચું સ્થાન
સ્ત્રીને આપો સાચું સ્થાન
વિશ્વ મહિલા દિવસ એટલે સ્ત્રીઓનાં સન્માનનો દિવસ. લોકો સ્ત્રીઓની મહાનતા અને ગુણો ગાવામાં આજે રચ્યાપચ્યા હશે. એકબીજાને અભિનંદન કરે, વોટ્સએપ અને ફેસબુક માં મેસેજો ફરે, રેડિયો અને ટીવી માં પણ તેને લગતા ગીતો અને સમાચારો જ સંભળાય. સમગ્ર વિશ્વનું વાતાવરણ આજે સ્ત્રીનાં પ્રેમ, બલિદાન અને નારીશક્તિને બિરદાવવામાં ઉત્સાહિત હોય છે. આ દિવસે સ્ત્રીઓએ કરેલાં સંઘર્ષને બિરદાવવામાં આવે છે. તેને લક્ષ્મીનો અવતાર, નારી તું નારાયણી, ત્યાગમૂર્તિ, બલિદાનની દેવી, વગેરે સંબોધનથી નવાજવામાં આવે છે, પરંતુ શું આખા વર્ષમાં આ એક જ દિવસ એવો છે કે જ્યારે સ્ત્રીની શક્તિને બિરદાવાય ? હું નથી માનતી કે સ્ત્રી આવા કોઈ સન્માનોની રાહ જોઈને બેઠી હોય. તે મેળવવા માટે નહીં પરંતુ આપવા માટે જ સર્જાયેલી છે. તે તમારા પુરસ્કાર સન્માન અને મેસજોથી નહીં પરંતુ તમારા પ્રેમના બે મીઠા શબ્દોથી જ ખુશ થાય છે. આખો દિવસ થાકેલી સ્ત્રી ફક્ત પ્રેમ ભરેલાં બે મીઠાં શબ્દોથી પોતાનાં આખાં દિવસનો થાક ઉતારી દે છે. તે ફક્ત પતિ પાસે ચોવીસ કલાકમાંથી ફક્ત એક કલાકની જ માંગણી કરે છે. જો આ એક કલાક તમે આપી દેતાં હો તો આખો દિવસ તેનો ખુશખુશાલ હોય છે. દીકરી બની પત્ની બને છે અને પછી મા બને છે, સાથે સાથે વહુ નણંદ ભાભી જેઠાણી જેવાં અનેક પાત્રો તે બખૂબી નિભાવી જાણે છે. તે પોતાની શારીરિક અને માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર પ્રથમ સ્થાન પરિવારને જ આપે છે. પોતાની, ઈચ્છાઓ અને સપનાંને અગ્રતા ન આપી પરિવારની ખુશીઓ અને જવાબદારીને અગ્રતા આપે છે, તેથી જ તેને ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે.
દીકરી થઈને જન્મે ત્યારથી જ તેનાં જીવનમાં સંઘર્ષ ચાલુ થઈ જાય છે. દીકરીને સાસરે મોકલવાની ચિંતા હોવાથી મા-બાપ તેને વારંવાર ટકોરે છે. પારકે ઘેર જવાનું છે એ વાત તો જન્મે ત્યારથી પરણે ત્યાં સુધી સાંભળવાની જ રહે છે. તે પોતાનું ધાર્યું કંઈ કરી શકતી જ નથી. પરણીને સાસરે આવતાં સાસરીયાની જવાબદારી. અમારા ઘરનાં આ રિવાજો નથી, આવું પહેરવાનું કે આવું કરવાનું અમારા ઘરમાં નહીં ચાલે તેવા વાક્યો સાંભળવાની સ્ત્રીને ફરજ પડે છે. દિવસ રાત મહેનત કરી પરિવારની ખુશીઓ અને જવાબદારીઓને નિભાવતાં-નિભાવતાં તે પોતાની જાતને પણ ભૂલી જાય છે, છતાં સાંભળવાનું શું કે વહુ છે આ તો તેની ફરજ છે, દુનિયામાં દરેક સ્ત્રી કરે જ છે એમાં તું કંઈ નવાઈ કરતી નથી. માતા બનતાં બાળકોની અને પરિવારની જવાબદારી બમણી થાય છે છતાં સ્ત્રી હસતાં હસતાં આ બધી જવાબદારીઓ નિભાવે છે. બદલામાં ફક્ત પરિવારનો હસતો ચહેરો અને બે મીઠાં શબ્દો જ માંગે છે. આ સમાજ આ એક નાની માંગણી પણ પૂરી કરી શકતો નથી. તેને તો ફક્ત સ્ત્રીઓ પ્રત્યે ફરિયાદો જ હોય છે.
દુનિયા આખી જાણે જ છે કે આ વિશ્વને ટકાવી રાખવા માટે સ્ત્રી જ છે. અમુક કાર્યો કરવા ભગવાન પણ જ્યારે સશક્ત ન હતા ત્યારે ભગવાને સ્ત્રીનું નિર્માણ કર્યું છે. આ સ્ત્રી જ એક એવી છે કે સમગ્ર વિશ્વને પ્રગતિશીલ રાખે છે. જો સ્ત્રી ન હોત તો આ કદાચ દુનિયા પણ ન હોત. એટલું નહીં પરંતુ રામ અને કૃષ્ણ જેવાં ભગવાનને બનાવવાવાળી પણ એક સ્ત્રી જ હતી. શિવાજી, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગવાન બુદ્ધ વિવેકાનંદ જેવાં સંતોએ પણ એક સ્ત્રીની કુખેથી જન્મ લીધો છે. દરેક સ્ત્રી પોતાનાં બાળકને એક આદર્શ બાળક બનાવવાં માટે પૂરેપૂરી કાળજી રાખી તેનું પાલન-પોષણ કરે છે. સ્ત્રી ફક્ત પ્રેમ માંગે છે તેની સાબિતી રાધા અને મીરા બાઈ આપે છે. કાનુડાનાં પ્રેમ ખાતર રાધાએ વિયોગ સહન કર્યો હતો અને મીરાએ ઝેરનાં ઘૂંટ પીધાં હતાં. બાળકોને ભણાવી ગણાવીને મોટાં કરીએ, પરણાવીએ નવી જવાબદારીઓ ચાલુ. જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં પણ સાંભળવાનું તો એ જ કે તને હવે એમાં ખબર ન પડે. તેણે તમને મોટાં કર્યા છે એ માને હવે તમે શીખવાડશો કે તેને શું કરવું અને શું નકરવું. કઈ રીતે વર્તન કરવું. અને છેલ્લે કદાચ સંતાનો સાથે લેણાદેણી પૂરી થઈ ગઈ હોય તો કદાચ વૃદ્ધાશ્રમમાં જવાનો પણ વારો આવે.
આમ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી એક સ્ત્રીનું જીવન સંઘર્ષ સિવાય કશું જ નથી. આટલું સહન કરતી, ઈચ્છાઓ અને સપનાઓ નો ત્યાગ કરતી, પરિવાર ને પ્રાથમિકતા આપી જવાબદારીઓ નિભાવતી સ્ત્રીને શું પારકી ગણીને જ રાખવાની. આજના આ મહિલા દિવસ નિમિત્તે મારે એટલું જ કહેવાનું કે સમાજને હવે જાગૃત થવાની જરૂર છે. હાલનાં સમયની સ્ત્રી પુરુષો કરતાં પણ સમોવડી બની છે. તે તમારી સાથે કદમ થી કદમ મિલાવી ને ચાલી શકે તેમ છે.તે પોતાની જવાબદારીઓ સાથે એક ઊંચી ઉડાનો ભરવા માંગે છે તો તમે તેને મોકળું આકાશ આપી તેને ઉડવા દો. આ સમજ શક્તિ દરેક વિશ્વમાં ખૂણે ખૂણે વ્યાપી જશે તો નક્કી આ એક સમાજની અલગ જ આકૃતિ હશે. એક સુંદર અને સ્વસ્થ સમાજની રચના થશે જેમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ નહીં હોય. સ્ત્રી અને પુરુષ બંનેનું સન્માન સરખું જ હશે. એકવાર પ્રયાસ કરી તો જુઓ બસ એટલી જ મારી અરજ છે.