Aarti Rajpopat

Inspirational Thriller


4  

Aarti Rajpopat

Inspirational Thriller


આપણા સૈનિકોને સલામ

આપણા સૈનિકોને સલામ

7 mins 13.8K 7 mins 13.8K

'પૂજાનું ફૂલ'

"હાય શાંતિ અમ્મા, કૈસે હો રઘુચાચા.."

કહી હોસ્ટેલના પ્રાંગણમાં સહુનું અભિવાદન કરતી ઉછળતી કૂદતી હરણી સરીખી સીમરન હોસ્ટેલમાં પ્રવેશી. એને જોઈ રઘુચાચા તરત જ બોલ્યા "આ ગઈ બિટીયા.. અચ્છા હું. જા જાકે તેરા સામાન બાંધ લે તેરે ઘર સે ફોન આયા થા તુજે આજ હી ઘર જાના હૈ." "અરે ઘરે કેમ અચાનક?' પાંચ ફૂટ આઠ ઇંચ ઊંચી પહોળા ખભા સાથે પાતળી સપ્રમાણ દેહષ્ઠી હરણી જેવી મોટી આંખો કાળા ભમ્મર ખભા પર ઝૂલતા ટૂંકા વાળ.. જોતા વેંત કોઈના પણ મન પર કબજો કરી લે તેવી હતી સીમરન! અને દિલની પણ એટલી જ સાફ અને નિખાલસ.. એટલે નાના મોટા સહુની ફેવરિટ. દાદી અને માં ગામમાં રહેતા અને તે અહીં જયપુરની કોલેજમાં ભણતી.

અચાનક ઘરે જવાનો કોલ મળતાં જરા વિચારમાં પડી ગઈ. "દાદીની તબિયત ખરાબ હશે? ના ના, તો ઓહ પાપાનો જન્મદિવસ આવે છે જરૂર સરપ્રાઈઝ પાર્ટી હશે." પપ્પા માટે વિચારી ખુશ થઈ ગઈ. ફટાફટ પેકીંગ કરી મેડમની રજા લઈ નીકળી. આખે રસ્તે બધાને મળવાની ને ખાસ કરીને પપ્પાને મળવાની વાતે ખૂબ ઉત્સાહિત હતી. એમના જન્મદિવસની

ઉજવણી માટે મનમાં કેટલાયે પ્લાન કરી નાખ્યા. ત્રણેક કલાકની સફર કરી ગામ પહોંચી. ખુશખુશાલ ઘરે પહોંચી. પણ આ શું ઘરમાં એક અજીબ ઉદાસી છવાયેલી હતી. "માં શું થયું કેમ બધા ઉદાસ છો પપ્પા ક્યારે આવવાના છે?" એક સાથે કેટલાયે પ્રશ્નો પૂછી લીધા. ત્યારે માનો ધૈર્યનો બંધ તૂટી ગયો. બેટા તારા પપ્પા સરહદ પર લડતા શહિદ થયાં.. હમણાં તેમનું પાર્થિવ શરીર લઈ આર્મીના લોકો પહોંચે છે." પપ્પાનો જન્મદિન ઉજવવાની તૈયારી કરતી પોતે આવેલી ને આ શું સાંભળી રહી છે? એકદમ સુન્ન થઈ ગઈ.. મા અને દાદીનો વિલાપ જોઈ તે પણ ભાંગી પડશે તો એમને કોણ સંભાળશે એ વિચારે એને રડવા પણ ન દીધી. આખરે એક બહાદુર સિપાહીની દીકરી હતી પોતે. હિંમત એકથી કરી બેઉને સંભાળ્યા બધી વ્યવસ્થા કરી.. શહીદની સવારી પહોંચતા પોતે જ બધી વિધિ પતાવી.

રાત્રે મા પાસે બેઠી ત્યાં પાપાના સામાન પર નજર પડી. ખોલતા એમાંથી કપડાં, ફેમિલી ફોટો.. જેવી વસ્તુઓ સાથે એક બીડાયેલું પરબીડિયું મળ્યું. સીમરન ના નામે જ હતું. ધડકતા હૈયે ખોલ્યું. એમાં પોતે શહીદી વહોરે તો સીમરન આર્મી જોઈન કરે એવી ઈચ્છા પાપાએ દર્શાવેલ હતી. લખેલું- "પહેલા મને હતું કે આપણા પરિવારની પરંપરા હું નહીં જાળવી શકું. તારા જન્મ બાદ અમને કોઈ બાળક ન થયું. દીકરી તો કેવી રીતે જાય લડવા? પછી મને જ સમજાયું દીકરા અને દિકરીમાં શો ફરક છે આજના યુગમાં જે કાર્ય દીકરો કરે એ બધું જ એક દીકરી કરી જ શકે અને કરે જ છે. અને આપણો ઇતિહાસ તો વિરાંગનાઓથી ભર્યો પડ્યો છે. તો બેટા, મારી લાડો તારા બાપની આ ઈચ્છા પૂરી કરીશને?"

ચંચળ, બિન્દાસ, મોડેલ કે મિસ ઇન્ડિયા બનવાના કે વિદેશ જઈ ભણવાના સપના જોતી સીમરન તો અવાક થઈ ગઈ! એના મનમાં એક તુમુલ ચાલ્યું "શું કરું ને શું નહીં." પણ આખરે સિપાહીનું લોહી જીત્યું. બીજે દિવસે માને પોતાનો આર્મી જોઈન કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. મા અને દાદી જરા કચવાતા હતા પણ દીકરાની અને પતિની છેલ્લી ઈચ્છા અને પુત્રીના અડગ નિર્ધાર પર મોકલવા તૈયાર થયા.

કોલેજનું એ વર્ષ પાસ કરી આર્મીમાં ભરતી થઈ.

"મેડમ ઇટ્સ બેબી બોય"

નર્સે આવી સમાચાર કહ્યા ને સીમરન અતિતમાંથી વર્તમાનમાં પાછી ફરી.

"ઓહ નર્સ હું એને જોઈ શકું?"

"યસ મેડમ દસ મિનિટ વેઇટ કરો હું હમણાં લઈને આવું." કહી નર્સ ગઈ.

ફરી તે અતિતમાં સરકી ગઈ.

પપ્પાનું સ્વપ્ન અને ત્યાંના માહોલમાં એની દ્રઢતા અને સમર્પિતતા વધુ ગાઢ બની. આમ જ આઠ વર્ષ વીતી ગયા. ઓગણીસની ટીનએજ સીમરન હવે એક પુખ્ત યુવતી હતી. રજાઓમાં આવતી મા પાસે ત્યારે જોતી મા કોઈક વાતે મુંજાય છે.. એમ તો અઢાર વર્ષની ઉંમરે રાજસ્થાનના ગામમાં નવોઢા બની આવેલી તેની મા આડત્રીસે તો વિધવા બનેલી. તેને બધાએ ફરી લગ્ન કરી લેવા સમજાવેલી પણ પતિની ઈચ્છા અને દીકરીનું પ્રણ પૂરું કરવામાં જ એને એની ખુશી દાખવેલી. "તો મા કઈ વાતે મૂંઝાય છે?"

એણે એક દિવસ પૂછ્યું "મા તારા મનમાં શું ચાલે છે મને નહીં કહે?"

મા શું બોલે એમ કે સરહદ પર રહેતા લોકોના ઘરના પણ હંમેશા એમની જેમ માથે કફન બાંધી ને જ રહે છે.. સતત પોતાના ને ગમે ત્યારે ખોઈ બેસવાના ભય તળે જીવવું એ એમની રોજની જંગ છે!"

સીમરન ના અત્યંત પ્રેમભર્યા આગ્રહ બાદ "બેટા મને તારા લગ્નની ચિંતા થાય છે જુવાન પુત્રીની લગ્નની ઉમર ચાલી જતી હોય ત્યારે કઈ માં ચિંતિત ન હોય કે મને.. બેટા તને નથી લાગતું તારે હવે એક જીવનસાથી શોધી ઘર વસાવવું જોઈએ?"

"તો એમ વાત છે. તેં તારા મનની વાત કરી તો મારા મનની વાત પણ સાંભળ મા, મેં જીવન દેશને સમર્પિત કરતા આજીવન અવિવાહિત રહેવાનો નિશ્ચય કર્યો છે. તો સોરી મા હું તારી વાત માની નહીં શકું!

વળી હું લગ્ન કરું ને બધી જવાબદારીમાં બંધાઉ તો દેશસેવા પ્રત્યે ધ્યાન ન આપી શકું."

મા ને જરા ગુસ્સો આવી ગયેલ.. "અરે એવું તે હોતું હશે, દુનિયામાં જે પણ કામ કરતા હોય બધા માણસો પરણે જ છે ને આ શું વેવલા વેડા! દાદી પણ નથી રહ્યા તું ત્યાં, હું અહી એકલી, તું પરણે ને તારા બાળકો થાય તો મને પણ કાંઈ સધિયારો મળે."

"ઓહ મારી વ્હાલી મા તું તો કેટલી બહાદુર છે. અને તારું કહેવું એમ છે કે બાળક માટે મારે લગ્ન કરવા! તો મારું કહેવું એમજ છે કે મારે મારી દેશસેવા સિવાય એક પણ જવાબદારીમાં બંધાવું નથી. એક મારી મા ને મારી ભારતમાં બે જ મારા જીવન ધ્યેય." ગર્વપૂર્વક બોલતા એની આંખોમાં ગજબની ચમક હતી.

બંને વચ્ચે જીવનમાં પહેલી વાર ખૂબ તકરાર થયેલી.

ત્યારે મા એ એક વાત કહી..

"એ તો કહે તું લગ્ન નહીં કરે બાળક નહીં પેદા કરે તો આપણા ખાનદાનની પરંપરાનું શું તારા પિતાની ઇચ્છાનું શું" મા એ છેલ્લું હથિયાર અજમાવ્યું.

સીમરન પણ વિચારમાં પડી ગઈ દેશ સેવા કાજે સિપાહી તૈયાર કરવા એ આર્મીના કેમ્પસમાં હો કે પછી કોઈ સમર્પિત, બહાદુર નારી એની કૂખથી જન્મ આપી બનાવે બંને દેશસેવા જ છે ને!"

એ ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ શું કરું જેથી પોતાનું પ્રણ પણ ન તુટે ને ખાનદાનની પરંપરા પણ નહીં.

અને અચાનક એને એક વિચાર આવ્યો.

"મા તારી વાતનો મારી પાસે એક ઉપાય છે. જેથી બંનેની વાત સચવાઈ જશે. આજકાલની આધુનિક નારી બાળકની મા બનવા લગ્ન કરે એ જરૂરી નથી.. એ વીર્ય બેંકમાં જઈ સારા વીર્ય મેળવી એમ જ મા બની શકે છે."

અને મા આશ્ચર્ય અને થોડા ગુસ્સા સાથે એને જોઈ રહી. પણ એણે એની આખી પ્રોસિઝર સમજાવી ત્યારે માએ કદાચ કુંતીનું સૂર્ય દ્વારા માતા બનવું એ આવી જ કોઈ પદ્ધતિ હશે વિચારી ત્યારે થતું તો હવે કેમ નહીં એમ મનને મનાવી હા પાડી.

સીમરન લાંબી રજાઓમાં આવેલી હોઈ હમણાં જ ડોક્ટરને મળી સલાહ લઈ લેવી એવું નક્કી કરી મા દીકરી બીજે દિવસે ડોક્ટર પાસે ગયા. આખી વાત સમજાવી માર્ગદર્શન માગ્યું. ડોક્ટરે પહેલા તો સીમરનનું ફૂલ ચેકઅપ કરવાની સલાહ આપી. તે તૈયાર જ હતી ને એના જરૂરી ટેસ્ટ થયા. બીજે દિવસે રિપોર્ટ લેવા અને આગળની પ્રોસિઝર માટે વાત કરવા આવવાનું ડોક્ટરે કહ્યું. સીમરનના મનમાં ભાવનાઓ ઉફાણે ચડી. મા બનવાના ખ્યાલે તેના રફ એન્ડ ટફ વ્યક્તિત્વમા છુપાયેલી એક ઔરત એક મા સળવળી જાગી હતી. માતૃપ્રેમ, પિતૃપ્રેમ, દેશપ્રેમ, વાત્સલ્ય, વચન, જવાબદારી જેવા અસંખ્ય ભાવોથી અંતર ભીંજાતુ હતું. આ મીઠી બેચેનીમાંજ એને રાત વિતાવી.

બીજે દિવસે નિર્ધારિત સમયે રિપોર્ટ મેળવી ડોક્ટર પાસે ગયા. એક પછી એક રિપોર્ટ જોતા ડોક્ટર થોડા ગંભીર થતા લાગ્યા ત્યારે સીમરન થી પુછાઈ ગયું.. "વોટ હેપન્ડ ડો. એની પ્રોબ્લેમ?"

ફાઇલ બંધ કરી મમ્મી તરફ જોઈ ડો. બોલ્યા

"આઈ એમ સોરી મેડમ પણ કોઈ ઇન્ટરલ ઇન્જરી ને લીધે નોર્મલી કે ઇવન પ્લાન્ટ કરીને પણ સીમરન ક્યારેય મા બની શકે એમ નથી."

મા દીકરી અવાચક બની ગયા. એકજ દિવસમાં જોયેલા હજારો સપના એક ઝાટકે તૂટી ગયા.. ભાવનાઓના ઉફાન વેદનાના પુર બની ગયા. ડો.નો આભાર માની બંને ધીમે પગલે બહાર આવી બેસી ગયા. શું બોલવું એ સૂઝતું નહોતું. આમ જ પાંચ મિનિટ વીતી. ને મા ધીમેથી બોલી ચલ બેટા જેવી ઈશ્વરની ઈચ્છા પાસે આપણી ઇચ્છાનું કશું જ ગજું નથી. દેશને એક બાળક સમર્પિત કરવાની આપણાં ખાનદાનની પરંપરા એની જ ઈચ્છાથી આજે ભંગ થશે."

આ સાંભળી ક્યારની કશુંક વિચારી રહેલી સીમરન કશા નિર્ણય પર આવી હોય તેમ તેના મોં ના ભાવ દ્રઢ થયા અને આવેશ થી બોલી "ના મા પરંપરા નહીં તૂટે હું નહીં તૂટવા દઉં પણ એના માટે તારે મને સાથ આપવો પડશે."

મા આશ્ચર્યથી અને પ્રશ્નાર્થ નજરે એની સામું જોઈ રહી.

"તું શું કહેવા માંગે છે બેટા અને કેવી રીતે?"

"હું તને સમજાવું મા. મારી ઈચ્છા છે કે તું એક વખત ટેસ્ટ કરાવ.. તારી હજી ઉંમર જ શું છે? અને બધું બરાબર હોય તો તું બાળકને તારી કોખમાં ઉછેરી જન્મ આપ."

મા નિશબ્દ, સ્તબ્ધ, સંકુચિત..

"જો મા એમાં કંઈ ખોટું મને તો નથી લાગતું.. વિચાર મા વિચાર. મારા માટે પરિવાર માટે તેની પ્રતિબદ્ધતા માટે ત્યારે તારી સાવ નાની ઉંમર હોવા છતાં તે બીજા લગ્ન કરવાનું નકારી લાંબી જિંદગી એકલા રહેવાનું સ્વીકાર્યું.. તો આ પણ એક જવાબદારી માની સ્વીકારી લે."

સીમરનની ખૂબ સમજાવટ પછી મા તૈયાર થઈ. બધા ટેસ્ટ કર્યા રિઝલ્ટ પોઝિટિવ મળ્યું. અને પ્રોસિઝર શરૂ થઈ. સીમરને મા ને વખત વખતે આવી એક મા જેવું મા નું ધ્યાન રાખ્યું. અને મેડિકલ સાયન્સના પ્રતાપે એ અને એની મા બંને સાથે દીકરાની મા બન્યા. હા, બંને!

નર્સ હાથમાં બાળકને લઈ ને આવી

"મેડમ જુઓ કેટલી સુંદર કુદરતની બક્ષિસ છે!"

એ ઝબકીને વિચારોમાંથી બહાર આવી પોતાના હાથમાં નજાકતથી લઈ આ કોમળ પૂજાના ફૂલને જોઈ રહી જે ખીલ્યા પહેલાથી જ ભારતમાતા ના ચરણોમાં સમર્પિત હતું!!


Rate this content
Log in

More gujarati story from Aarti Rajpopat

Similar gujarati story from Inspirational