જ્યાં ચાહ ત્યાં રાહ
જ્યાં ચાહ ત્યાં રાહ
શહેરના છેવાડે આવેલા રમણીય રિસોર્ટમાં આયોજિત નવતર પ્રયોગ 'ઓલ વુમેન ક્લબ' અધિવેશનનું પોસ્ટ લંચ ટોક સેશન રિસોર્ટના એ.સી. હોલમાં શરૂ થયું. 'વામા' ક્લબની પ્રમુખ ગાયત્રીએ તેની ક્લબ તરફથી આવેલ ગેસ્ટનો "આ 'આનંદ' છે એના વિશે વધુ કંઈ ન કહેતા એટલુંજ કહીશ કે હું એને એની કિશોરાવસ્થાથી ઓળખું છું. બાકીનો એનો પરિચય આપણે એની પાસેથી જ સાંભળીએ".
દરેક ક્લબ કે સંસ્થાએ પોતાના તરફથી જે તે વિષયના નિષ્ણાતોને અતિથિ વિશેષ રૂપે બોલાવેલ. કોઈએ બ્યુટીશિયન કોઈએ ફિટનેસ ગુરુ, વિગેરે.. સવારથી રમત ગમત, ડેમો, ડિબેટ સાથેના પ્રોગ્રામ થઈ ચાલી રહ્યા હતા.
ગાયત્રીના એનાઉન્સમેન્ટ સાથે જ એક સાધારણ કપડાં, ઘૂંઘરાળા વાળ સાથે સાદો સીધો દેખાવ, પગમાં મામુલી ચપ્પલ. એવાં તદ્દન મિડલકલાસ યુવાને માઇક સંભાળ્યું. હાઈ પ્રોફાઈલ ગેસ્ટની સામે આ શું ખાસ હશે એવી દુવિધા ઉપસ્થિત દરેકના ચહેરા પર હતી. તો કોર્નરની ખુરશી પર બેઠેલ એક યુવતીનું તો મોં જ બગડી ગયું.
માહિલાઓથી ભરેલ ખચાખચ હોલ પર એક નજર ફેરવી થોડા ઓછપાતા સ્વરે એને સંબોધન કરી બોલવાનું શરૂ કર્યું.
"હું કોઈ વક્તા, સમાજ સુધારક કે ખાસ વ્યક્તિ નથી. એક સામાન્ય માણસ છું. ગાયત્રીમેમના સ્નેહ અને આગ્રહથી આજ આપ સૌને એક બે વાત કહેવા આવ્યો છું, આશા છે કે મારી વાત આપ સહુના હ્રદયને ક્યાંક સ્પર્શે.
આ વાત છે નંદનની. નંદન એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ ૧૨ વર્ષનો કિશોર. ઘરમાં બધા એને લાડથી નંદુ કહે. પરિવારનું સૌથી મોટું સંતાન હોઈ સમજણો થયો ત્યારથી ઘરની હાલત, સામાન્ય કલાર્કની નોકરી કરી ત્રણ ભાઈ બહેન, પત્ની અને માનું જેમતેમ ગુજરાન ચલાવી ગાડું ગબડાવતા પિતાને જોઈ એને પણ પરિવાર માટે કઈ કરી છૂટવાનું મન થતું. ખૂબ ભણી જલ્દી મોટો થઈ પિતાનો બોજ સંભાળી લેવાની એની અદમ્ય ઇચ્છાએ એને કુમળી વયે જ પુખ્ત બનાવી દીધો. પણ રોજ રોજ કુટુંબ અને બાળકોની જરૂરિયાત, અને પૈસાની અછત ને લીધે માબાપ વચ્ચે થતા ઝગડા અને બંનેના છાના આંસુઓનો એ રોજ સાક્ષી બનતો ત્યારે એને કાશ હું કઈ કરી શકું એવો ભાવ જાગતો. પણ, પોતે કંઈ કામ કરે તો ભણવાનું શું ? અને ભણે નહીં તો એના સપનાનું શું ?
પણ એક દિવસ એને એનો રસ્તો મળ્યો. આજુ બાજુના મહોલ્લામાં સ્કૂલની પહેલાના સમયમાં છાપા નાખવા જવાનું છ થી આઠ કામ લીધું.. અને દુકાન વાળા એના માટે સાઈકલ પણ આપે. સાવ ક્ષુલ્લક મહેનતાણું મળતું પણ એનો આવવા જવાનો ને એવો બીજો ખર્ચ નીકળી જતો. શાળાએ જતી વખતે પણ એ બંને ટાઈમ એક બે સ્ટોપ જેટલું ચાલી નાખી પૈસા બચાવે. સાંજના સમયે પ્રાથમિક કક્ષાના બાળકોના ટ્યુશન લે અને રાત્રે ડેલીની બહાર ખુરશી નાખી મ્યુનિસિપાલટીની બત્તીમાં ભણે. ઘરની વીજળી બચે ને ! આમ કરતા દસમું ધોરણ પાસ કર્યું. અત્યાર સુધી ખુદનો ખર્ચો ખુદ કાઢી લેતો અને ક્યારેક માને મામુલી મદદ કરતો. પણ હવે એને લાગતું કે મારે થોડી વધુ મદદ કરવી જોઈએ. દસમામાં ખૂબ સારા માર્કસે પાસ થયો સરસ કોલેજમાં સરળતાથી એડમિશન મળી ગયું.
સાઈકલ પર છાપા નાખવા જવાનું કામ તો હતું પણ બધા ઘરે ઘરે બે બે ત્રણ ત્રણ દાદર ચડી જવામાં સમય ઘણો વેડફાતો એક વખત હોટેલમાં છાપું નાખવા ગયો ત્યાં એણે ફૂડ 'પારસલ' પેક થતા જોયું એના પરથી એણે આઈડિયા લઈ છાપાને એવી રીતે ભૂંગલું વાળી ફોલ્ડ કર્યા ! હવે એ જ છાપાને એ નિચેથીજ બાલ્કનીમાં કે બારી વાટે નાખી શકતો. આમ એનો સમય બચતા વધુ જગ્યા કવર થવા મંડી. કોલેજનો સમય શાળાની જેમ સાંજ સુધી નહી. બપોરે બાર સુધીમાં તો ફ્રી. હવે એને થયું એનો પણ ક્યાંક ઉપયોગ કરું તો બહારગામથી આવતા પ્રાદેશિક છાપા અને સામયિકો બપોર પછી પહોંચતા એની ડિલિવરી શરૂ કરી. થોડા પૈસા ભેગા થતા એક લ્યુના હપ્તા પર લીધું એમાં તેના ન્યૂઝ એજન્સીના માલીકે પણ મદદ કરી. અને એનું કામ વધુ આસાન થયું. ચાર વાગ્યા પછી એક દોસ્તના ગેરેજમાં નોકરી લીધી. નંદુને ફોટોગ્રાફીનો ખૂબ શોખ એનો પોતાનો એક કેમેરા હોઈ એવી ઈચ્છા પણ આખો દિવસ કામ અને રાત્રે ભણવાનું એટલું મહેનત કરવા છતાં પરિવારની થોડી ઘણી મદદ કરી એની પાસે કઈ બચતુ નહીં અને એમાં પોતાના શોખ પુરા કરવાનું તો કેમ વિચારાય..! આથી લગ્નમાં ફોટોગ્રાફી કરતા એક બે લોકો સાથે આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું.
પણ એને તો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી ખૂબ ગમતી. એક વાર એના લગ્નમાં શૂટિંગ કરતા મિત્રો સાથે નજીકના જંગલોમાં પીકનીક માટે ગયો ત્યાં કેમેરામાં થોડી તસ્વીરો ઝડપવાનો મોકો મળ્યો. ડેવલપ કરાવ્યા ખૂબ સરસ રિઝલ્ટ હતું. એની આવડત અને શોખ બંને એમાં ઝળકી ઉઠ્યા હતા. એને એની પર વધુ કામ કરવું હતું પણ સમય અને સંપત્તિનનો અભાવ હોય એને શોખ ક્યાંથી પોસાય ! ગ્રેજ્યુએશન પતવાને આરે હતું. ત્યાં એક ફોટોગ્રાફી સ્પર્ધા કલકતાથી જાહેર થઈ. એણે એની જે એક માત્ર વખત પાડેલ તસ્વીરોમાંથી મનને મનાવવા જ એક મોકલી. અને એના સાનંદાશ્ચર્ય વચ્ચે એને પહેલું ઈનામ મળ્યું. કોલેજની પરિક્ષોનું પણ પરિણામ આવ્યું. અને એક સરસ નોકરી મળી. ધીમે ધીમે પરિવારની હાલત બહેતર બની. સવારના છાપા દેવાનું, ટ્યુશન, ફોટોગ્રાફી બધાથી થોડા થોડા કરી બચાવેલ પૈસાથી એણે છાપાની એજન્સી લીધી પોતાની, અને નિવૃત પિતાને એ દુકાન સોંપી. પોતે નોકરીની સાથે ફોટોગ્રાફીનો ડિપ્લોમા કોર્સ શરૂ કર્યો. હવે નાની બહેન અને ભાઈ પણ મોટા થઈ ગયા હતા. જેને નંદુએ જોયેલી ગરીબીનો બહુ અનુભવ ન હતો એમને તૈયાર માલે એશ કરતા જોઈ એક દિવસ કામ અને મહેનતનું મહત્વ સમજાવી ફ્રી ટાઈમમાં કાઈ પણ નાનું મોટું કામ કરવા પ્રેરિત કર્યા.
નંદુ જોતો કે એની પેપર એજન્સીમાં કામ કરતા છ છોકરાઓ એજ ઉંમરના હતા, જે ઉંમરે એણેે એ કામ શરૂ હતું. અને બધાની પોતાના જેવીજ કહાની હતી. એ લોકોની વાતો એને અંદર સુધી સ્પર્શતી. આવી વાતો એને એક ડાયરીમાં લખી રાખી. વળી થોડા પૈસા ભેગા કરી એને એના બચપણનું જે સ્વપ્ન હતું એવો એક કેમેરા ખરીધો. અને સમય મળે ત્યારે ફોટો શૂટ કરવા જતો. સ્પર્ધાઓમાં ભાગ લઈ જીતતો. આમ કરતા સારું એવું કલેક્શન ભેગું થયું.. એનું એમાં નામ બન્યું. અને એણે જે સ્પર્ધામાં સૌથી પહેલા ભાગ લીધેલ ત્યાં એને જજ તરીકે જવા આમંત્રણ મળ્યું. ત્યાં ઘણા તરવારીયા યુવાનોએ એને અનેક સવાલો એ વિશે પૂછ્યા. એ પરથી એણે એક બુક લખી ફોટોગ્રાફી વિશે. એ પબ્લિશ થઈ લોકોને ગમી. બીજીવાર એણે લીધેલ ફોટોગ્રાફ તે દરેકના એંગલ, લેન્સની સાઈઝ, અને દરેક પર એક એક ક્વોટ એવી બીજી બુક બનાવી છપાવી. જે ખૂબ લોકપ્રિય થઈ. એના લખેલા ક્વોટ પણ બહુ વખણાયા તો લોકોએ લખવા માટે કહ્યું ત્યારે એને એની ડાયરી સાંભળી.
પબ્લિશરને બતાવી એમને આ તરોતાજા આઈડિયા ગમ્યો ને બુક પ્રાદેશિક ભાષામાં છપાઈ. હાથોહાથ પહેલી આવૃત્તિ વહેંચાઈ ગઈ જે બીતા બીતા લિમિટેડ કોપી જ છાપેલ. બીજી આવૃત્તિ છપાઈ. એને એક પ્રાદેશિક એવોર્ડ મળ્યો. આથી નંદુએ બીજી એક બુક લખી જે આસપાસમાં રોજમરોજ બનતી વાતોને કટાક્ષ સાથે હળવી શૈલીમાં રજૂ કરતી નાની નાની વાતો હતી. એ પણ ખૂબ લોકપ્રિય થઈ.
નંદુને પોતાની પ્રથમ નોકરીને આટલે સુધી પહોંચ્યો એને ખૂબ માનપૂર્વક છોડી. એના જેવા હજારો ઉત્સુક યુવકો માટે ફોટોગ્રાફીના કલાસીસ સાથે શરૂ કર્યા. અને હમણાંજ એની પ્રથમ બુકનો અંગ્રેજીમાં અનુવાદ થઈ પ્રકાશિત થઈ." આખો હોલ આનંદની વાતમાં વહી ગયો હતો દરેકને એની વાતમાં પોતાની કે પોતાના કોઈની જ વાત હોય એવુ લાગ્યું.
બધા એમાં ખોવાયેલ હતાને ગાયત્રીએ આવી બોલવાનું શરૂ કર્યું "આ નંદન એ બીજું કોઈ નહીં પણ જેમના મુખે આપણે આ વાત સાંભળી એ આનંદ પોતે જ છે એ 'આનંદ'ના તખલ્લુસ સાથે લખે છે". એ નાનો હતો ત્યારથી અમારી ઘરે છાપું નાખવા આવતો હું ત્યારથી એને ઓળખું છું. એ હંમેશાથી આવો સાદો સીધો ડાઉન ટુ અર્થ માણસ રહ્યો છે અને પહેલીવાર મારા આગ્રહથી આવી રીતે પબ્લિક સમક્ષ આવ્યો છે". અને આખા હોલમાં ઉભા થઈ બધાએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો.
ગાયત્રીએ આગળ કહ્યું " એની એવોર્ડ વિનિંગ બુક બંને ભાષામાં અહીં ઉપલબ્ધ છે આપ ચાહોતો અત્યંત નજીવી કિંમતે ખરીદી શકો છો સાથે અહીં ફોટોગ્રાફીની બુક પણ છે. થોડી વાર પછી તેની બુક લઈ તેની પાસે આવેલ સર્વ પ્રથમ "ઓટોગ્રાફ પ્લીઝ" કહેતી પેલી ખૂણાની ખુરશી વાળી યુવતી હતી. અવાજની દિશામાં જોતા બંનેની નજર ટકરાઈ ત્યારે એ નજર એકબીજાને ઘણું બધું કહી ગઈ હતી !

