એક પાંખ
એક પાંખ
એક પાંખ.
નયના શાહ...વડોદરા.
Email-nayanashah0901 @gmail.com
તરંગ તથા તૃષ્ટિ એ બંને જણાં બધાના ઇર્ષાને પાત્ર હતા.સોસાયટીમાં એક વાત સર્વ સામાન્ય હોય.નોકરી નહીં કરતી સ્ત્રીઓ, નોકરીમાંથી નિવૃત થયેલી સ્ત્રીઓ, તથા જેના ઘરમાં જુવાન દીકરી તથા પૂત્રવધુ હોય એ બધા સામાન્ય રીતે ઓટલા પરિષદ ભરીને નિંદારસનો ભરપુર આનંદ ઉઠાવતા હોય.
હંમેશા તરંગ અને તૃષ્ટિ "ટોક ઓફ ધ ઓટલા પરિષદ" રહેતા. તૃષ્ટિ તથા તરંગનો ભૂતકાળ જાણવાની હંમેશા સોસાયટીવાળાને જિજ્ઞાસા રહેતી. કારણ સૌથી સુખી જો કોઈ યુગલ હોય તો એ આ લોકો જ હતા. કારણ તૃષ્ટિ ક્યારે ય ઓટલા પરિષદમાં જતી નહીં. એ હંમેશા તરંગની સાથેને સાથે જ હોય. સાંજ પડે બંને જણા લોંગ ડ્રાઈવ પર નીકળી પડતા. ક્યારેક મંદિર જતા, તો ક્યારેક પ્રકૃતિની ગોદમાં, તો ક્યારેક નદી કિનારે તો ક્યારેક બાગમાં જઈને બેસતા. બંને જણા પ્રકૃતિ પ્રેમી હતા.
તેથી તો બધાને એ જાણવું હતું કે આ બંને જણાએ લવ મેરેજ કર્યા હશે નહીં તો સાઈઠ વર્ષ પછી પણ આટલો બધો એકબીજા માટે પ્રેમ કઈ રીતે જળવાય? ઘરમાં પુત્ર, પુત્રવધુ તથા એમના દીકરો હોવા છતાં પણ ક્યારે ય ઊંચા સાદે ઘરમાં વાત થતી નહીં.ક્યારેય લડાઈ ઝગડો થતો નહીં. જોકે ઘરમાંથી હંમેશા હાસ્ય સંભળાયા કરતુ તથા અવનવી વાનગીઓની ખુશ્બુથી ઘર પાસેથી પસાર થનાર વ્યક્તિના મોમાં પણ પાણી આવી જતુ. રસોઈના કારણે ઓટલા પરિષદવાળી સ્ત્રીઓ માનતી કે સાસુ વહુ આખો વખત રસોડામાં જ હોય છે.
જો કે અમુક સ્ત્રીઓ જાણી લાવતી કે સાસુવહુનું રસોડુ જુદુ છે.સાસુ તો સવાર થી એના ઠાકોરજીની સેવા કરવા બેસી જાય તો બપોરે બાર વાગે ઉઠે.
વાત કહેનાર સ્ત્રી ગર્વથી કહેતી. એ વાત જાણી લાવી બદલ બધા એને અહોભાવ થી જોતાં.એ વાત આગળ ચલાવતાં કહેતી,"મેરવણ લેવાના બહાને કોઈના પણ ઘરમાં પ્રવેશી જવાય.પછી તો આપણે બે વાત કરવા તો ઉભા જ રહીએ ને!"વહુ દાળભાત, શાક, રોટલીબનાવે અને સાસુ ઠાકોરજીની સામગ્રી વધારે બનાવે.સાંજે જે રસોઈ બનાવવાની હોય એની પણ તૈયારી કરાવીને એ બહાર જાય છે.
સાંભળ્યું છે કે સાસુવહુમાં ઘણો સંપ છે. તેથી બંને હળીમળીને રહે છે.સવારે તો તરંગભાઇ પણ ઘરના કામમાં મદદ કરે.તુવેરો,વટાણા પાપડી તો એ જ ફોલી કાઢે.એ દરમ્યાન પત્ની સાથે વાતો પણ થાય.ત્યાં બીજી બોલે,મેંં તો તરંગભાઈને ભાજી સાફ કરતાં પણ જોયા છે.આપણી જોડે ઓટલે બેસે તો વાતો વાતોમાં ક્યાય શાક સાફ થઈ જાય.પણ અભિમાની....
બીજુ શું?
એકવાર તૃષ્ટિ બધી વાતો સાંભળી ગઈ હતી.તેને થતું કે મોબાઈલ,ટીવી કે કોમ્પુટર ના જમનામાં સ્ત્રીઓ પંચાત શા માટે કરતી હશે?જો કે આમ તો ફેસબુક એ પણ એક જાતની પંચાતનો જ પ્રકાર છે.લોકોને પારકી પંચાતમાં શું રસ પડતો હશે?
બંને જણાં સામસામે રહેતા હતા.નાનપણ માં તો છોકરાંછોકરીઓનો ભેદ જ ન હોય તેથી એક જ ફળિયામાં સાથે રમતા ઝગડતા.એકબીજાના વાળ ખેંચી કાઢતાં.આખરે રડતાં રડતાં ઘેર જવાનું અને ફરિયાદ કરવાની.
ઉંમર વધતા તોફાનો તો ઓછા થઈ ગયા હતા.પરંતુ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા.તૃષ્ટિના ઘરનાનો સખત વિરોધ હોવાને કારણે તરંગે એના ઘરે વાત ના કરી. પરંતુ જે દિવસે નોકરીમાં પહેલો પગાર થયો એ જ દિવસે બંને જણે લગ્ન કરી લીધા.તરંગ ના ઘરનાએ તો એ બંનેનો સહર્ષ સ્વીકાર કરી લીધો.જો કે ત્યારબાદ તૃષ્ટિ ક્યારેય એના પિયર ગઇ જ નહીં.જો કે તરંગના ઘરના એને દીકરીની જેમ રાખતાં હતા. એના લગ્નબાદ તૃષ્ટિના ઘરનાએ ઘર બદલી કાઢ્યુ.
વિરાગના જન્મબાદ તરંગની બદલી થઈ ગઇ.પણ તૃષ્ટિએ કહ્યું,"તમારા પપ્પાની તબિયત નથી સારી રહેતી.હું અહીં જ રહીશ.તમે શુક્રવારે રાત્રે આવજો.શનિરવિ અહીં રહેજો."
તરંગને એની પસંદ પર ગર્વ થયો.એકનો એક દીકરો હોય તો સમાજમાં કહેવાતું કે,
"કોઈ લાગીયો ભાગીયો નથી"પણ એની જવાબદારી બાબતે કોઈ વિચારતુ નથી.
દિવસો પસાર થતાં રહેતા.એની બદલીઓ થતી રહેતી.વિરાગ પણ મોટો થતો જતો હતો.વારંવાર સ્કુલ બદલવી પણ શક્ય ન હતુ.એની ગમે ત્યારે બદલીઓ થતી રહેતી.કોઈવાર બેચાર મહિને તો કોઈવાર બેચાર વર્ષે.જ્યા નવી બ્રાંચ ખોલવાની હોય ત્યાં તરંગને મોકલતા. કારણ કંપની એની આવડતનો ભરપુર લાભ લેતી.એનો પગાર દિવસે દિવસે વધતો જ જતો હતો.કંપની તરફથી એને"હોન્ડા સીટી"કાર આપવામાં આવી હતી.દરવર્ષે ભારતની બહાર જવાનુ થાય તો એની પત્ની અને બાળકની પણ ટિકીટ મળી જતી.
નાનપણમાં સતત સાથે રમતાઝગડતા પણ એકબીજાથી દૂર જતા ન હતા.સામસામે ઘર હોવાથી ચોરીછુપીથી એકબીજાને જોઈ લેતા.લગ્નબાદ બંને નજરથી જાણે કે દૂર થઈ ગયા.અઠવાડિયામાં માડ બે દિવસ સાથે રહી શકતા.બહારગામ જતાં ત્યારે પણ તરંગને ઓફિસનું કામ રહેતું.છતાં પણ પતિનો સાથ મળતો એથી એ ખુશ રહેતી.
ક્યારેક તરંગ કહેતો,"તૃષ્ટિ, હું નિવૃત થઉં પછી આપણે એક મિનિટ પણ એકબીજા ની નજરથી દૂર નહીં થઈએ."વિરાગ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યાં સુધી એના દાદાદાદીએ આ દુનિયા પરથી વિદાય લઈ લીધી હતી.વિરાગને પણ કેમ્પસ ઈન્ટરવ્યુમાં સારા પગારની નોકરી મળતાં જ એણે કહી દીધું,"પપ્પા,હવે તમારે નિવૃત થવાના પાંચ વર્ષ જ બાકી છે.મને પણ સારી નોકરી મળી ગઇ છે.તમે રાજીનામુ આપી દો.હવે આપણે બધા સાથે રહીએ."
તરંગ પણ વારંવારની બદલીથી થાકી ગયો હતો.પૈસો તો ઘણો ભેગો થઈ ગયેલો એટલે બીજી કોઈ ચિંતા ન હતી.ઉપરાંત માબાપની મિલકત પણ વારસામાં મળી હતી.વિરાગને પણ ઘણા મોટા પગારની નોકરી મળી ગઈ હતી.તરંગને પણ લાગ્યુ કે વિરાગની વાત સાચી છે.તરંગે રાજીનામુ મુકી દીધું.તરંગે ત્યારબાદ એક મોટો બંગલો ખરીદી લીધો.
એકાદ વર્ષમાં વિરાગના ગ્રીવા સાથે લગ્ન થઈ ગયા.બીજા જ વર્ષે પ્રહર્ષનો જન્મ થયો.એક સંપૂર્ણ અને સુખી કિલ્લોલ કરતુ કુટુંબ બની ગયુ.તેથી તો એ કુટુંબ બધાની ઈર્ષાને પાત્ર બની ગયુ હતુ.
તરંગ મનથી ખુબ જ ખુશ હતો.પત્નીનો સતત સહવાસ એ જ એનુ જીવન જીવવાનું બળ હતું.બંને જણા આટલા વર્ષેા દૂર રહ્યાની કસર સંપૂર્ણપણે પૂર્ણ કરી રહ્યા હતા.
સમય તો આમ જ પસાર થઈ રહ્યો હતો.પરંતુ દસ વર્ષ બાદ તૃષ્ટિને ઝેરી મેલેરિયા થઈ ગયો અને બે જ દિવસની બિમારીમાં આ દુનિયા છોડીને જતી રહી.
તરંગને માથે જાણે કે આભ તૂટી પડ્યું.કહેવાય છે કે,"દુઃખનું ઓસડ દહાડા."પ્રહર્ષ સાથે તરંગ સમય વિતાવવા લાગ્યો.
પ્રહર્ષે એકદિવસ કહ્યું,"દાદા તમે બાસુદી સરસ બનાવો છો તો બનાવોને."
તરંગે રસોઈઘરમાં જઇ બે કલાક સુધી દૂધ ઉકાળી બાસુદી બનાવી. ગ્રીવાને કહ્યું ,"ફ્રીઝ માં મુકી દે જે."રાત્રે તરંગ મોડો જમવા બેઠો ત્યારે ઘરના બધાએ બાસુદી ખઈ વાસણ ધોઈને મુકી દીધું હતુ.
તરંગની આંખમાં આંસુ આવી ગયા.કોઈએ તરંગને યાદ પણ ના કર્યો.
ત્યારબાદ તો વારંવાર પ્રહર્ષ જાતજાતની ફરમાઈશ કરતો.દરેક વખતે એ મહેનત કરી ને બનાવતો પણ એને ચાખવા પૂરતુ પણ રાખતા નહી. ધીરે ધીરે તરંગને ખ્યાલ આવી ગયો કે પ્રહર્ષ ફરમાઇશ કરે છે પણ એની પાછળ ગ્રીવાનો જ દોરી સંચાર છે.
ઘણીવાર તો તરંગ બહાર નીકળે કે તરત શાક લાવવાનું લિસ્ટ પકડાવી દે.એમાંય પાંચકિલો તુવેર સીંગ,બે કિલો જેવી ભાજી એ બધુ સાફ કરવાની જવાબદારી તરંગની રહેતી.ક્યારેક તો આઠકિલો તડબુચ મંગાવી સમારવાનુ કામ તરંગને સોંપી દેતાં પણ એના માટે રાખવામાં આવતું નહીં.
જો કે તરંગે ઘણીવાર ગ્રીવાને કહેલુ, "ગ્રીવા,મારા માટે ખીચડી મુકી દે જે." ત્યારે ગ્રીવા એના બે કાનનો ભરપુર ઉપયોગ કરતી.પત્નીની વિદાયને એક વર્ષ થવા આવ્યું. એ દરમિયાન તરંગે અનેકવાર ખીચડી બનાવવાનું કહેલુ.પણ ક્યારેય ખીચડી બની જ નહીં.કારણ ગ્રીવા ને ખીચડી ભાવતી ન હતી.
પત્ની સાથે તો નાનપણથી એકબીજા પરિચિત હતા તેથી બંનેને એકબીજાની પસંદ ખબર હતી.પત્ની ગયા બાદ દિવાળી પર બનતા ઘુઘરા હવે બનતા ન હતા. કારણ ગ્રીવાને ઘૂઘરા ભાવતા ન હતા.
તરંગ એક વાત સમજી ચૂક્યો હતો કે જે વાનગી ગ્રીવાને ના ભાવતી હોય એ વાનગી ક્યારે આ ઘરમાં બનશે નહીં .એણે વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. પરંતુ ક્યારેક તરંગની આંખોમાં આંસુ આવી જતા. હવે આ ઘર જાણે કે એનું રહ્યું જ ન હતું .તેથી તો તે દિવસે એના મિત્ર ભૈરવનું આગમન થયું ત્યારે એના ખભે માથું મૂકી તરંગ ખૂબ જ રડેલો એને કહ્યું કે," પત્ની વગર જીવવું કેટલું અઘરું છે !મારી તો જાણે એક પાંખ કપાઈ ગઈ છે .કોઈપણ પક્ષી એક પાંખે ઉડી ના શકે હવે મારી જિંદગીમાં આનંદ શબ્દની બાદબાકી થઈ ચૂકી છે."
"તરંગ તું વાસ્તવિકતા સ્વીકારી લે.જિંદગીના જેટલા વર્ષ બાકી રહ્યા છે એટલા વર્ષો તું હસી ખુશીને જીવી લે. તને જીવવાનું બળ મળે એ માટે અનેક રસ્તા છે. તું ફરીથી લગ્ન કરી લે અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને રહે અથવા દીકરાને તારા ઘરમાંથી જુદા રહેવાનું કહી દે .જીવવા માટે અનેક રસ્તા છે શું તને ખુશ રહેવાનો અધિકાર નથી? જિંદગીના કેટલા વર્ષો બાકી રહ્યા છે એ તો આપણને ખબર નથી પરંતુ બાકી રહેલા વર્ષો ભાભીની ગેરહાજરીની વાસ્તવિકતા સ્વીકારીને શું તું જીવી ના શકે ?એ માટે તારે કંઈક રસ્તો તો વિચારવો જ પડશે. એક પગે અપંગ વ્યક્તિ પણ જયપુર ફૂટ નંખાઈને ચાલી શકે છે. મનુષ્યએ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ .
સમજી શકું છું કે તને ઘણું દુઃખ પડે છે. ભાભી વગર તું એકલો પડી ગયો છું. તું પાંખોની વાત કરે છે. તો સાંભળ હાલમાં જ એક ચકલીને આર્ટિફિશિયલ પાંખ નાખીને એની પર પીછા પણ લગાડ્યા અને એ ચકલી ઉડી પણ શકે છે. ભલે એ જાણતી હોય કે આ એની જન્મથી આવેલી પાંખો નથી .પરંતુ એ પાંખો સાથે પણ એ મુક્ત ગગનમાં વિહાર તો કરી શકે છે. નહીં તો એ કાયમ માટે જમીન પર જ રહેત અને એ મુક્ત રીતે ઉડી ના શકત .શું દરેક વ્યક્તિએ પોતાની રીતે ખુશી શોધવાનો કોઈ હક નથી?"
મિત્રના ગયા બાદ તરંગે વિચારી લીધું કે એને તુષ્ટિ જેવી પત્ની ભલે ના મળે પણ સુખ દુ:ખની ભાગીદાર તો મળી શકશે કે જેની સાથે મનની વાત કરી શકે.
ત્યારબાદ તરંગ જુની ઓફિસમાં જતો રહ્યો .ત્યાં નોકરી સ્વીકારી લીધી કારણ કંપનીને તરંગ જેવી વ્યક્તિની ઘણી જરૂર હતી તથા એના અનુભવનો એ લોકો ભરપૂર લાભ લેવા ઇચ્છતા હતા .તેથી તો એમણે તરંગને રહેવા માટે ક્વાર્ટર પણ આપ્યુ. તથા કેન્ટીનમાં એની જમવાની વ્યવસ્થા પણ કરી દીધેલી .
ત્યારબાદ તરંગે યોગ્ય પાત્ર પણ શોધી લીધુ.હવે તરંગને લાગતું હતું કે ભલે આર્ટિફિશિયલ પણ પાંખ મળી ગઈ છે. કે જેથી એ મુક્ત રીતે પોતાની મરજી પ્રમાણે જીવી શકે છે. હવે એને લાગતું હતું કે પોતે હવે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આનંદથી રહેશે અને મુક્ત આકાશમાં વિહાર પણ કરશે.
