જીવન સાર્થક
જીવન સાર્થક
જીવન સાર્થક.
નયના શાહ.
"અગમ કાલે મમ્મીને રજા આપવાના છે. તો તું સમયસર આવી જજે. આપણે મમ્મીને દવાખાનેથી લઈ આવીશું .ખબર નહી સંપૂર્ણ રીતે સાજા ક્યારે થશે ?પરંતુ આપણે એવી આશા રાખીએ મમ્મી જલ્દી સારા થઈ જાય અને તારી મોટી બહેન સુતીર્થાના પણ ક્યાંક સરસ જગ્યાએ લગ્ન થઈ જાય. આપણે નાનપણથી એકબીજાને પ્રેમ કરતા આવ્યા છીએ છતાં પણ આપણે એક થઈ શકતા નથી. મારે માથે મમ્મીની જવાબદારી, તારી બેન મોટી હોવા છતાં કુંવારી છે શું કરીશું એ જ ખબર પડતી નથી."નિયા એક શ્વાસે બોલી ઉઠી.એના બોલવામાં ભારોભાર દર્દ હતું.
આ દુનિયા ભલે ગમે તેે બોલતી હોય આપણા સંબંધ વિશે પરંતુ આપણે એકબીજાના થઈ ચૂક્યા છીએ. શું અગ્નિની સાક્ષી એ ફેરા ફરવા એ જ લગ્ન છે? દરેક યુવાન તથા યુવતી અગ્નિની સાક્ષી એ લગ્ન કરે છે છતાં ય છૂટાછેડા લે છે. પરંતુ અગ્નિની સાક્ષી એ ફેરા ફર્યા વગર પણ આપણે એકબીજાના થઈ ચૂક્યા છીએ. હવે ઈશ્વર જ્યારે ઈચ્છે ત્યારે જ આપણા લગ્ન થઈ શકશે. પરંતુ આપણે બંને મનથી એકબીજાના તો થઈ ચૂક્યા છીએ.
ત્યારબાદ એના મમ્મી જ્યારે ઘેર આવ્યા ત્યારે ડોક્ટરે એ વખતે કહી દીધેલું કે ગમે ત્યારે એમને ગાંડપણનો હુમલો આવી શકે. આમ તો અત્યારે ખૂબ સારું છે ના પણ આવે અને આવે પણ ખરો. એટલે તમારે સતત સાવચેતી રાખવી જ પડશે. એમને કંઈક આઘાત લાગી ગયા પછી આ પાગલ પરનો હુમલો થયો છે. હંમેશ માટે જો તમે એમને ખુશ રાખી શકશો તો મને લાગે છે કે એમને ક્યારેય તકલીફ નહીં પડે .
બંને જણા જ્યારે ઘેર આવ્યા ત્યારે એના મમ્મી બંનેને જોઈ બોલેલા," બેટા નિયા, તેં મારા માટે ઘણા દુઃખ વેઠ્યા છે. તું તારે નોકરીએ જા. મને વાંધો નથી હું ઘરમાં એકલી રહીશ ."નિયા ચૂપ રહી .એ જાણતી હતી કે નોકરી કર્યા વગર એનો છૂટકો જ નથી કારણ ઘર ચલાવવા માટે પૈસાની તો જરૂર હતી અને એના પપ્પા પણ ખાસ કંઈ મોટી રકમ મૂકીને મૃત્યુ પામ્યા ન હતા.
સુતીર્થા જાણતી હતી કે મારે કારણે અગમ અને નિયા ભેગા થઈ શકતા નથી .માટે મારે જ કંઈક કરવું પડશે. ખરેખર તો બે યુવાન હૃદયના હું નિઃશાસા લઈ રહી છું. પરંતુ હું કઈ રીતે કહું કે મેં જે વ્યક્તિને પ્રેમ કરેલો એને મને દગો દીધો અને મેં નક્કી કર્યું છે કે આજીવન હું કુંવારી જ રહીશ. પણ તો આ બધું અગમને હું કઈ રીતે કહું? છતાં પણ મેં અનેક વાર અગમને સમજાવ્યો કે તું લગ્ન કરી લે. પણ એક તો એક જ જક લઈને બેઠો છે કે પહેલાં તમે લગ્ન કરો પછી જ હું લગ્ન કરીશ.
સુતીર્થા માનસિક રીતે પડી ભાંગી. કે અરે મારે કારણે જો મારા ભાઈનું જીવન બગડતું હોય તો મારે કંઈક રસ્તો કાઢવો જ પડશે.
થોડા દિવસો બાદ સુતીર્થા નિયાના મમ્મીને મળવા ગઈ અને કહ્યું ,"અગમ અને નિયા જો લગ્ન કરે તો તમે હંમેશા માટે મારે ત્યાં રહો અથવા અગમ તમારે ત્યાં રહે તો પણ વાંધો નથી. અમે બે ભાઈ બહેન એકલા જ છીએ. તમને જે અનુકૂળ હોય એ કરો.
ત્યારબાદ નિયાને એના મમ્મી એ કહ્યું કે," તું અગમ અને એની બેન બંનેને આપણે ત્યાં બોલાવી લે ."
જ્યારે નિયાએ અગમને કહ્યું ત્યારે અગમે કહી દીધું ,"આપણો પ્રેમ સાચો પણ હું ઘર જમાઈ થઈને તો ક્યારેય નહીં રહું."
નિયા એ જ્યારે એના મમ્મીને કહ્યું કે," હું અગમ સાથે લગ્ન કરું તો તમે મારી સાથે અગમના ઘરે આવશો? ત્યારે નિયાના મમ્મી એ કહ્યું," બેટા હું ક્યારેય દીકરીને ત્યાં રહેવા નહીં આવું. માટે તું એ બાજુ વિચારીશ જ નહીં. હું એકલી રહી શકીશ. મારા નસીબમાં જે લખ્યું હશે એ થશે."
જ્યારે સુતીર્થા એ જોયું કે હવે બંને મક્કમ છે.નિયાના મમ્મી અહીં નહીં આવે કે અગમ ત્યાં નહીં જાય .ત્યારે એ એક બપોરે નિયાના મમ્મી પાસે જઈને સુતીર્થા બોલી,"આંટી એક આશ્રમમાં સ્વંયસેવકોની જરૂર છે કે જે પોતાની સેવા ત્યાં આપી શકે.આપણે વૃદ્ધોની તથા બિમારોની સેવા કરીશું. ત્યાં રહીશું જેથી આ બંને જણા શાંતિથી રહી શકે.આપણે બધાની સેવા કરી જીવનસાર્થક કરીશું તથા પ્રિયજનો માટે પણ ત્યાગ કરી શકીશું."
એક સવારે જ્યારે નિયા ઉઠી ત્યારે એના મમ્મીના પલંગમાં એક ચિઠ્ઠી પડેલી," બેટા હું સમાજ સેવા કરવા માટે એક વૃદ્ધાશ્રમમાં જવુ છું અને હવે મારી જિંદગી મારે ત્યાં જ વિતાવવી છે ગરીબોની સેવા કરીશ. વૃદ્ધોની સેવા કરીશ. તું અને અગમ સુખી થાઓ.
જ્યારે અગમ બીજે દિવસે ઉઠ્યો ત્યારે સુતીર્થાના પલંગ પર એક ચિઠ્ઠી પડેલી. "અગમ તું અને નિયા સુખી થાઓ. મારે તો લગ્ન કરવા જ નથી તેથી મારું સમગ્ર જીવન હું વૃદ્ધો અને ગરીબોની સેવામાં વ્યતિત કરવા માગું છું. માટે હું પાછી નહીં આવું. તમે બંને સુખી થાવ એવી મારા અંતરની ઈચ્છા છે .અગમ હું તને ખૂબ પ્રેમ કરું છું એટલે હું ઈચ્છું છું મારો ભાઈ હંમેશા માટે સુખી રહે .તું અને નિયા બંને જણા ખૂબ સુખી થાઓ અને મેં તો નક્કી કર્યું છે કે હું ક્યારેય લગ્ન કરવાની નથી. પણ સાચો પ્રેમ તો એ જ છે કે આપણે ત્યાગ કરી અને બીજાને સુખી કરી શકીએ."
જ્યારે નિયાના મમ્મીએ પણ લખેલું," નિયા બેટા, મા બાપ એ દુનિયાની સૌથી વધુ હિતેચ્છુ વ્યક્તિ હોય છે જે પોતાના સંતાનને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું .તું મારી ચિંતા ના કરીશ .મેં મારુ સમગ્ર જીવન વૃદ્ધ અને ગરીબોની સેવામાં વ્યતિત કરવાનું નક્કી કર્યું છે .તો તું અને નિગમ ખૂબ સુખી થાઓ કારણ હું હંમેશા ઇચ્છું છું કે મારા સંતાન સુખી રહે. સાચો પ્રેમ એ જ છે કે હંમેશા માટે પ્રિય વ્યક્તિનું સારું ઇચ્છે. તું સુખી થા હું પણ સુખી થઈશ. સાચો પ્રેમ હંમેશા ત્યાગમાં જ રહેલો છે.તું મારી ચિંતા ના કરીશ બસ મારા અંતરના આશિષ છે કે તું સુખી થા.આ જ રીતે આપણા ચારેય નું જીવન સાર્થક થશે."
