STORYMIRROR

Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

ખેંચતાણ

ખેંચતાણ

7 mins
23


ખેંચતાણ.

નયના શાહ....વડોદરા.


તે દિવસે ઓફિસમાં ખૂબ કામ હતું. ઘેર આવીને હું થાકી ગઈ હતી. વિચાર્યું કે કપડાં બદલ્યા વગર થોડીવાર આરામ કરી લઊં. ત્યાં જ ડોરબેલ વાગી. બારણું  ખોલ્યું તો સામે કાચા મકાનમાં રહેતો છોકરો ઉભેલાે. મને જોતાં જ બોલ્યો,"  આંટી, તમે મોં પરથી ખૂબ થાકેલા લાગો છો. મને આવી ખબર હોત તો હું મોડો આવત." હું સ્તબધ થઈ ગઈ. માંડ ચાૈદ પંદર વર્ષનો છોકરો બોલવામાં આટલો નમ્ર અને એ પણ લાગણીસભર શબ્દોમાં વાત કરે...! મેં કહ્યું,"ના,ખાસ એવું કંઈ નથી. બોલ શું કામ હતું?"


આંટી તમે તો જાણો જ છો કે મમ્મી રાત દિવસ કામ કરે છે. તમે પણ કેટલીક વાર મારે ઘેર આવીને જુઓ તો મમ્મી રાત દિવસ એક કરીને કામ કરે છે. ઘરનું કામ પરવારીને તે તરત મશીન પર લોકોના કપડાં સીવવા બેસી જાય.પપ્પાનો પણ પગાર ખાસ નથી. તેથી મેં ઇસ્ત્રી કરવાનું કામ ચાલુ કર્યું છે. હવેથી તમે તમારા કપડાં ઇસ્ત્રી કરાવવા મારે ત્યાં જ આપજો."


 " પણ બેટા તું ભણવાનું છોડીને કામ કરીશ તેાે ભણીશ ક્યારે... ? સ્કૂલેથી આવીને હું એકાદ કલાક ભાઈબંધો સાથે રમવા જઉં છું. જમ્યા પછી પણ અમે ઓટલે બેસી વાતો કરીએ છીએ. આજકાલ સ્કૂલોમાં ફી પણ કેટલી વધી ગઈ છે!હું કામ કરું તો ઘરમાં થાેડી રાહત થાય."  મને એ કુટુંબ પ્રત્યે માન હતું પણ આ છોકરાની વાત સાંભળી એમના પ્રત્યેના માનમાં ઘણો વધારો થયો.


ત્યાર પછી તો હું ઈસ્ત્રીના કપડાં એ છોકરાને જ આપતી. મેં એકાદ વખત ફીના પૈસા આપવા પ્રયત્ન કરેલો ત્યારે એને કહેલું , " આ પૈસા લેવાથી હું હરામ હાડકાનાે બની જઈશ. મહેનતની કિંમત હું સમજી શકું એમ જ મને કરવા દો" .


એ વાતને માંડ એકાદ વર્ષ વીત્યું  હશે ને એક દિવસ એનો નાનો ભાઈ મારી પાસે આવીને બોલ્યો, "  આંટી તમે ઓફિસથી થાકીને આવો છો તો તમારે જે કરિયાણું જોઈતું હોય એનું લિસ્ટ મને આપી દેજો હું તમને ઘેર પહોંચતું કરીશ. મેં એક કરિયાણા વાળાને ત્યાં નોકરી શોધી લીધી છે. સાંજે બે કલાક જે ઓર્ડર હોય એને ત્યાં પહોંચતું કરવાનું.મમ્મી, પપ્પા અને મોટાભાઈ સખત મહેનત કરે અને હું તૈયાર થાળી ખેંચુ એ કેવું લાગે ? મારી નોટો ચોપડીઓનો થોડો ખર્ચો તો નીકળશે."મને થતુ કે  કળિયુગમાં પણ આવા શ્રવણ જેવા દીકરા હોય તો પૃથ્વી પર સ્વર્ગ જ છે.


મેં અનેક વખત ચોપડીઓ અને ફીના પૈસા આપવા પ્રયત્ન કરેલો કે અમારી ઓફિસમાં એક ટ્રસ્ટ ચાલે છે અને  એ વિદ્યાર્થીઓને મદદ કરે છે હું તને એમાંથી જ આપીશ."


ત્યારે એ બંને ભાઈઓએ કહેલું, " મહેનત વગર મળેલી વસ્તુ અમને ના ખપે.તમે અમારા વિશે આટલું બધું વિચાર્યું એ બદલ આપનો આભાર. પરંતુ મને ઇસ્ત્રીનું કામ ઘણું મળી રહે છે. નાના ભાઈને પણ કરિયાણાની દુકાનવાળાએ પગાર વધારી આપ્યો છે."

 મનમાં થતું કે ક્યાં પૈસાદારના નબીરાઓ કે જે એક એક પાર્ટી પાછળ હજારો રૂપિયા નો ધુમાડો કરે છે અને ક્યાં આ ઈમાનદાર છોકરાઓ જે મહેનત કરી ભણવામાં માને છે. હરેક પળે  એ લોકો વિચારે છે કે મા બાપને કઈ રીતે મદદરૂપ થવું.


ચાર પાંચ વર્ષો બાદ અમારી બદલી થઈ ગઈ. પરંતુ મનમાં દ્રઢ નિશ્ચય હતો કે નિવૃત્તિ બાદ આ જ શહેરમાં સ્થાયી થવું છે કે જ્યાં  જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવ્યા છે. આ જ શહેરમાં બાળપણ, જુવાની, લગ્ન બધું જ થયું હતું. ત્યાર બાદ તો આ છોકરાઓ માનસપટ પરથી ભુસાવા માંડેલા. પરંતુ ક્યારેક સ્વમાનથી જીવતા છોકરાંઓ જોઉં ત્યારે મને આ બંને ભાઈઓની યાદ આવી જતી.


જ્યારે નિવૃત્તિના માંડ બે વર્ષ બાકી હતા ત્યારે જ અમે નક્કી કરેલું કે હવે આપણે એક મોટો બંગલો ખરીદી લઈએ. ત્યારે જ મને જાણવા મળેલું કે  "ઓમ બિલ્ડર"ને  મળો કારણ એનો ભાવ વ્યાજબી હોય છે અને કામમાં તો કંઈ જોવા પણું જ નહીં. કહ્યું હોય એટલા સમયમાં ઘર આપી દે. અને એકદમ નમ્ર છે. તોછડાઈ તાે એનામાં શોધી પણ ના જડે. અમે પણ વિચાર્યું ભલે બે ત્રણ વર્ષ થાય આપણે ક્યાં ઉતાવળ છે!બિલ્ડરને મળીને બંગલો નોંધાવી દઈએ.


અમે જ્યારે "ઓમ બિલ્ડર"ની ઓફિસે ગયા ત્યારે અમને કહ્યું, "  સાહેબ અંદર એમની કેબિનમાં કોઈ સાથે વાત કરે છે. તમે બેસો. થોડીવારમાં તમને બોલાવશે. તમારું નામ સરનામું આ કાગળ ઉપર લખીલો."


પટાવાળો અંદર ચિઠ્ઠી મૂકવા ગયો એ સાથે જ કેબિનનું બારણું ખુલ્યું અને બિલ્ડર બહાર આવીને અમે કંઈ સમજીએ એ પહેલા જ અમને પગે લાગ્યો. અમે એની સામે જોઈ જ  રહ્યા. ત્ય

ાં જ એ બોલ્યો, "આંટી, આટલી જલ્દીથી મને ભૂલી ગયા. હું કૈલાશબેનનો દીકરો તમારે ત્યાંથી કપડાં આવતા ને હું ઈસ્ત્રી કરતો હવે યાદ આવ્યું ?"


અરે તુ કિરણને ...?આટલો મોટો માણસ બની ગયો. અમે આ શહેર છોડ્યું ત્યારે તું માંડ ચાૈદ પંદર વર્ષનો હોઈશ. આટલા વર્ષે તું કઈ રીતે ઓળખાય? અરે, તારો એક નાનો ભાઈ હતો નીતિન કે એવું જ કંઈક નામ હતું.એ શું કરે છે?"


નિતીન એમ.બી.એ. થઈ ગયો. એ એક કંપનીમાં જનરલ મેનેજર છે એને પણ ખૂબ સારું છે"  " હા, પણ તારા મમ્મી પપ્પા શું કરે છે ?એ કહે, આંટી તમને શું કહું? મેં આ બાજુનો બંગલો જ ખરીદી લીધો છે એમાં મમ્મી પપ્પાની બધી જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. નીતિને પણ કરોડ રૂપિયામાં મોટો બંગલો ખરીદી લીધો છે. અમે બંને ભાઈઓ ખૂબ જ સુખી છીએ. પરંતુ દુઃખ એક જ વાતનું છે કે મમ્મી પપ્પા એ કાચું મકાન છોડવા તૈયાર નથી. મમ્મી પપ્પા વગરનું ઘર શું કામનું ? નીતિન પણ મમ્મી પપ્પાને બહુ જ કહે છે તો એમની સાથે રહેવા પણ તૈયાર નથી થતા. અમને બંને ભાઈઓને સ્કોલરશીપ મળી. હું સીવીલ એન્જિનિયર થઈ ગયો અને મારો ભાઈ એમ.બી.એ.માં પણ ગોલ્ડ મેડલ સાથે પાસ થઈ ગયો. આ બધું અમારા માબાપના આશીર્વાદથી થયું  છે."


 જો ઓમ બિલ્ડરવાળો કિરણ જ હોય તો હવે કંઈ તપાસ કરવાની જરૂર જ ન હતી. થોડી આડી અવડી વાતો કરી કિરણ બોલ્યો , " આંટી મારું એક કામ ના કરાે? જો તમે મારું કામ કરશો તો હું જિંદગીભર તમારો આભારી રહીશ ."તારું કામ કરવામાં મને જરૂર આનંદ આવશે હું તો નાનપણથી તને ઓળખું છું. બોલ શું કામ છે ?આંટી મારો ડ્રાઈવર તમને મારા મમ્મીના ઘર પાસે ઉતારી જશે.તમે મમ્મી પપ્પાને કોઈપણ રીતે સમજાવો કે એ અમારી સાથે રહેવા આવે. હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. હું માનું છું કે કૈલાશબેન મારી વાત માનશે. ડ્રાઇવર અમને ઘર પાસે ઉતારી ગયો. હું પણ અમારા જુના પડાશીઓને મળતા મળતા કૈલાશબેનના ઘરે પહોંચી. અમને જોઈને એ તો ખૂબ જ ખુશ થઈ ગયા.હું કંઈ બેાલું એ પહેલાં જ  કૈલાશબેન બાેલ્યા, " મેં કિરણની કાર જાેઈ હતી.મને લાગ છે કે કિરણે જ તમને મારે ત્યાં માેકલ્યા છે. બરાબરને ?" 


 " તો એમાં ખોટું પણ શું છે ?  એક દીકરાનો એના મા-બાપ પર હક છે. હવે તો તમે મારા આવવાનું કારણ જાણી ચુક્યા હશો. તમને વાંધો શું છે ?  બંને દીકરા સુખી છે. બંનેને ત્યાં એસી, મોટર કાર, બંગલો બધું જ છે. બંને દીકરાઓ એવું ઈચ્છે છે કે તમે આ ઘર છોડી એમની સાથે રહો. તમારી જરૂરીયાતોને અનુલક્ષીને તો એમને બધી સગવડો રાખી છે. દીકરાઓને ખૂબ દુઃખ થાય છે કે અમે વિશાળ બંગલામાં રહીએ છીએ અને મમ્મી પપ્પા કાચા પતરાવાળા મકાનમાં રહે છે. તમારે થોડા દિવસો માટે પણ ત્યાં જવું જોઈએ. તમારી વાત સાચી છે પણ કિરણના પપ્પા નિવૃત્ત થયા ત્યારે ઘણા પૈસા આવેલા. નીતિન જે કરિયાણાવાળાને ત્યાં જતો હતો એને દુકાન વેચવાની હતી અમે એ ખરીદી લીધી. ઘરથી નજીક છે અને હજી એના પપ્પાની તબિયત સારી છે એટલે એ કામ કરે છે. શરૂઆતમાં અઠવાડિયું અમે કિરણને ત્યાં ગયેલા પણ વર્ષોથી અહીં રહ્યા પછી ત્યાં ગમતું ન હતું. દુકાન પણ દૂર પડતી હતી. જો કે કિરણનાે ડ્રાઇવર લેવા મુકવા આવતો પરંતુ અમને ગમતું ન હતું.


  આ વાતની નિતિનને ખબર પડી કે એ  એના ઘેર લઈ ગયો. ત્યાંથી આવવા જ ના દે. કહે તમે તો એક મહિનો ત્યાં રહી આવ્યા હવે મારે ત્યાં તમે તમે બે મહિના રહો. હું તમને જવા જ નહીં દઉં."  એ અઠવાડિયાને એક મહિનો ગણાવતો હતો. અમારી બાબતમાં બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થતી કે તું  મમ્મી પપ્પાને તારી પાસે રાખવા માંગે છે પેલો કહે તું તારી પાસે રાખવા માંગે છે. હકીકતમાં તો બંને દીકરાઓ ઇચ્છતા હતા કે અમે એમની જોડે રહીએ.

 છેવટે બંને દીકરાઓ અમારી પાસેે આવી બોલ્યા, " અમે નોકરી અને ધંધાના સ્થળથી ઘર નજીક લીધું છે પરંતુ અમારા મન એક જ છે. અમે બંને ભાઈઓ ભેગા રહીએ તો તો તમે અમારા ઘેર આવી જશો ને?"


"બેન ,અત્યારે તો દીકરાઓ મા બાપના વારા બાંધે  છે. આખર તારીખમાં ફોન કરીને કહી દે કે પહેલી તારીખથી તારો વારો છે. સવારે આવીને લઈ જજે .પરંતુ આ ઘોર કળિયુગમાં આવા દીકરાઓ મળે એ નસીબ છે. જે મા-બાપને માટે વારા બાંધવાને બદલે મા-બાપને રાખવા માટે ખેંચતાણ કરે એવા દીકરા બદલ તો અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. મને ખબર છે કે તમે અમને સમજાવવા આવ્યા છો.એ પણ કિરણના કહેવાથી. પરંતુ જ્યારે પણ તબિયત બગડશે ત્યારે બંને દીકરા એક જ બંગલામાં રહે તેવું કરીશું જેથી બંને દીકરા મા બાપને રાખવા માટે ખેંચતાણ ના કરે."


 હું ત્યાંથી નીકળી ત્યારે મને થયું કે આજે મેં ઘોર કળિયુગમાં પણ મંદિર જેવા ઘરોમાં ભગવાનના જેવા મનુષ્યના દર્શન કર્યા. હું મારી જાતને ધન્ય માનતી હતી.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational