STORYMIRROR

Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

મારે શું ?

મારે શું ?

7 mins
4

રાણકબેન ખુશ હતા.એમના શરીરમાં રહેતો દુઃખાવો જાણે ગાયબ થઈ ગયો હતો. પ્રવેશદ્વાર પાસે ઉભા રહીને એ પતિ પ્રતાપરાયની રાહ જોઈ રહ્યા હતા. એમનું મન આ ખુશ ખબર પતિને આપવા માટે અધિરૂ બની ગયુ હતુ. હવે એમને થયું કે ઘરમાં એકલા રહેવું નહીં પડે કારણ દીકરીએ ફોન કરીને કહી દીધેલું કે હું પુરા બે મહિના તમારી સાથે રહીશ.

આમ તો  દીકરી દર વર્ષે આવતી. પરંતુ આ વર્ષે એનો મોટો દીકરો નોકરીએ લાગી ગયો હતો. તેથી નિશ્ચિંત બનીને કહી રહી હતી કે હું બે મહિનાની રજા લઈશ અને હું તમારી સાથે જ રહીશ. મારે જિંદગીમાં હવે થોડો લાંબો સમય તમારી સાથે વિતાવવો છે.

પોતાનું સંતાન પોતાની સાથે રહેવા આવે એનાથી મોટી ખુશી કઈ હોઈ શકે ?તેથી જ રાણકબેન ખૂબ જ ખુશ હતા અને એ જાણતા હતા કે હવે સુના ઘરમાં એક રોનક આવી જશે કારણ દીકરો તથા એના પત્ની જુદાં રહેતા હતા. એટલું જ નહીં પરંતુ એ લોકો મા બાપ સાથે બોલતા જ ન હતા. 

એવી જ રીતે નજીકમાં રહેતા જેઠના દીકરાઓ પણ એમની સાથે વાત કરવા તૈયાર ન હતા. મનથી બંને જણા ભાંગી પડ્યા હતા. છતાં પણ એમના મનમાં એક અહમ હતો કે અમે પૈસાથી બધું જ ખરીદી શકીશું. કારણ એ લોકો કરોડપતિ હતા. જ્યારે દીકરાએ અને તેની પત્નીએ આઇટી કરેલું .તેથી બંનેનો પગાર મળીને મહિને ચાર લાખ જેવો થતો હતો. હવે એમને ખાસ પૈસાની તો જરૂર હતી જ નહીં. પરંતુ એમને હતું કે જો તેમના પિતાના ધંધામાં પોતે લપેટાઈ જાય તો એમને આ નોકરી એટલે ગુલામી કરવી ના પડે.

એ લોકો જાણતા હતા કે બાપદાદા  વખતનો ધંધો છે. જેમાં અઢળક કમાણી છે.જેથી જેઠના દીકરાઓ પણ ભાગ માંગતા હતા કે અમારા પપ્પા હયાત નથી. 

તેથી એક દિવસ હૈયાની વાત હોઠે આવી ગઈ અને એમણે બધાએ સંપ કરી પ્રતાપરાયને કહી દીધું કે, "અમને હવે નોકરીમાં રસ નથી."બધાને માત્ર ધંધામાં જ રસ હતો.

 છોકરાંઓ એ કાકાને કહી દીધું,"અમને અમારા પિતાનો ભાગ આપી દો."ધંધામાં આ બધું જલ્દીથી જુદુ પાડવું શક્ય ન હતું અને છતાં પણ લાંબા સમયેે જુદુ કર્યું ત્યારે છોકરાઓને અસંતોષ હતો કે કાકા પૈસા ખાઈ ગયા છે.

ત્યારબાદ તો પ્રતાપરાયના દીકરાએ પણ ભાગ માંગ્યો. એટલું જ નહીં પરંતુ એના દીકરા ચાણિમે એ  કહી દીધું,"અમે નોકરી કરીને કંટાળી ગયા છીએ. અમારે હવે શાંતિથી ધંધો કરવો છે . આ તો બાપદાદાનો ધંધો છે.

દીકરો તથા ભત્રીજાઓ તોછડાઇથી વાત કરે એ પ્રતાપરાય જેવી ઘમંડી વ્યક્તિ ક્યાંથી સહન કરી શકે ?એમણે તો સાબિત કરી દીધું કે જ્યારે એમના પપ્પાનું અવસાન થયું હતુ ત્યારે ઘણુ જ દેવુ હતું જે બંને ભાઈઓએ મહેનત કરી ભરપાઈ કર્યું હતું.એમના મોટાભાઈના અવસાન બાદ દર મહિને એ નિયમિત ભત્રીજાઓને પૈસા આપતા.બેચાર વર્ષમાં કોલેજમાં આવેલા ભત્રીજાએ કહી દીધુ,"હું હવે જ્યાં સુધી ધંધામાં ભાગ નહીં  પડે ત્યાં સુધી હું ધંધામાં તમારી સાથે જ બેસીશ.આમ

 પણ ગ્રેજ્યુએટ થયા પછી મારે ધંધે જ બેસવાનું છે તો હું અત્યારથી જ શા માટે અનુભવ ના લઉં ?"

શરૂઆતમાં ધંધાની આંટીઘુટી શીખી લીધા બાદ પ્રતાપરાયનું એમનો ભત્રીજો સતત અપમાન કરતો.જે વાત ઘમંડી પ્રતાપરાય માટે અસહ્ય હતી.

આખરે બંને જુદા થઈ ગયા.પ્રતાપરાયનો દીકરો ચાણિમ તથા તેની પત્ની દિગ્વીએ કહી દીધું કે,"હવે,તમે ઘેર બેસો.ઘડપણમાં ભગવાનનું નામ લો અને પૈસાનો મોહ છોડી દો.દર મહિને અમેે તમને  લાખ રૂપિયા આપીશું.તમે શાંતિથી જીવો અને અમને શાંતિથી જીવવા દો."

"જો ચાણિમ તું તથા દિગ્વી હવે મારી હયાતી દરમિયાન ધંધો લઈ લેવાના

સ્વપ્ન જોવાનું છોડી દો.કારણ દેવુ મેં ચુક્તે કર્યુ છે.જે કંઈ છે એ મારી મહેનતનું પરિણામ છે.હવે તો હું મારી કમાણીમાંથી કે મારી મિલકતમાંથી તને કંઈ જ નહીં આપુ.હું સારામાં સારા વકીલની સલાહ લઈશ અને કોર્ટમાં જઈશ .વર્ષો સુધી કેસ ચાલશે.હવે તો તને બરબાદ કરીને જ રહીશ."

ત્યારબાદ માબાપ તથા દીકરાવહુને એકબીજા સાથ બોલવા વહેવાર જ ના રહ્યો.એવા સંજોગોમાં અમેરિકાથી દીકરી કોષાનો ફોન આવ્યો કે એ ભારત આવશે અને બે મહિના રહેશે.રાણકબેન તથા પ્રતાપભાઈ `મમ્મીપપ્પા´ શબ્દ સાંભળવા આતુર હતા.દીકરી કોષાનું આગમન એમના માટે  બળબળતા બપોરમાં જાણે કે વરસાદનું આગમન ના થયું હોય!

તે દિવસે કોષાનો મારી પર ફોન આવ્યો કે,

"નાનકી હું બે મહિના માટે ભારત આવુ છું.આપણે બે મહિના સાથે અને સાથે જ રહીશું."

સાંજે કોષાની મમ્મીનો પણ ફોન આવ્યો  કે,"નાનકી, કોષા આવે છે.હવે તું અહીં રહેવા જ આવી જજે.ઘરમાં વસ્તી થઈ  જશે."

હું બેંગ્લોર હતી.અમદાવાદ આવે માંડ મહિનો જ થયો હતો.હું પણ ખુશ હતી કે વર્ષો પછી અમે બંને સખીઓ સાથે રહીશું.જો કે કોલેજમાં તો અમે જોડે અને જોડે હોઈએ.જો બંનેમાંથી કોઇ એકલુ હોય તો કોઈક ને કોઈક તો કોમેન્ટ કરતુ કે,"આજે પંખી એક પાંખે ઉડતુ ઉડતુ કઈ રીતે આવ્યુ ?"

જે દિવસની અમે રાહ જોતા હતા એ દિવસ પણ આવી ગયો.કોષા સામાન લઈને આવી ત્યારે હું બોલી ઉઠી,"કોષા,તું ઓલા કે ઉબરમાં  આવી ?ઘરમાં કાર છે તો તારા પપ્પા ડ્રાયવર  લઇને તને લેવા આવત."

"હું ચાણિમભાઈ તથા ભાભી જોડે આવી.એ લોકો મને લેવા આવેલા."

"તો અંદર કેમ ના આવ્યા ?હું તો ઘણા સમયથી એમને મળી નથી."

"નાનકી એ લોકોને ઓફિસ જવાનુ મોડુ થાય ને ?તું અને કોષા એમને ત્યાં મળવા જજો એ બહાને એમનું ઘર પણ જોવાશે."

કોષા કંઈ બોલેે એ પહેલાં જ એના મમ્મી એ જવાબ આપ્યો.

થોડા દિવસમાં જ મને ખબર પડી ગઇ કે ચાણિમ અને એના માતા પિતાને બોલવા વ્યવહાર નથી. મને આ વાતની ખબર પડી કે તરત મેં કોષાને કહ્યું કે,"કોષા તું ભારત આવી છું તો તારા મમ્મી પપ્પા અને તારા ભાઈ ભાભીને જે કાંઈ મન દુઃખ થયું છે એ દૂર કરવાનો પ્રયત્ન કર. તું તો ક્યારેકજ ભારત આવે છે. જ્યારે તારા મા-બાપ અહીં એકલા છે. એમને તો વારંવાર તેમની જરૂર પડશે.  સાજે માંદે  એ લોકો જ કામ લાગશે. બીજું કે તારા કાકાના દીકરાઓ સાથે પણ તારા સ્નેહ ભર્યા સંબંધ છે તો તું આવી જ છું તો બધા સાથે સમાધાન કરાવી દે."

"હું તો થોડો દિવસ માટે આવી છું એ લોકો બોલે કે ના બોલે મારે શું ?"

"તારા કાકાના છોકરાંઓ પણ બોલતા નથી .એમને જરૂર પડશે તો એમનું કોણ ?પોતાના એ પોતાના.લોહીનો સંબંધ સૌથી વધુ મજબુત હોય છે."

"નાનકી મહેરબાની કરીને મને સલાહ આપીશ નહિ .કારણ બધા બોલે કે ના બોલે મારે શું ?  મારે અહીં શાંતિથી રહેવું છે માટે આવી છું નહીં કે આ લોકોના લડાઇ ઝઘડામાં સમાધાન કરાવવા આવી છું."

"કોષા તું ધારે તે કરી શકે એમ છે કારણ ભાઈ બહેન વચ્ચે એવી કોઈ ગાંઠ હોતી નથી કેે જે છોડી ના શકાય. એવી કોઈ ઢાલ નથી જે ભાઈબહેન વચ્ચે આવી શકે. કદાચ આવી હોય તો પણ એવી નથી કે જેને કાઢી ના શકાય. ભાઈબહેન ક્યારે જુના ઝઘડા યાદ કરતા નથી. કારણ તેમને જૂના ઝઘડા યાદ કરવાની જરૂર નથી હોતી . તેમને નારાજગી પોસાય પણ નહીં.કારણ આ સૌથી મૂલ્યવાન લોહીના અતૂટ સંબંધોનો વારસો છે."

"તને ખબર છે કે તું આવવાની હતી ત્યારે તારા મમ્મી પપ્પા કેટલા ખુશ હતા !એમને કોઈ પોતાનું જોઈતું હતું.હજી પણ ક્યાં મોડુ થયુ છે ? "

"જો નાનકી તું મને શિખામણ ના આપીશ. હું થોડા સમય માટે આવી છું અને કોઈ બોલે કે ના બોલે મારે શું ?  આ લોકો વચ્ચે મારે  સમાધાન કરાવવાની કોઈ જરૂર નથી. બંને પક્ષ એકબીજાનો દોષ જોતા હોય છે.  મારે આ બધામાં વચ્ચે પડવું નથી."

"કોષા, તને તારા મા-બાપની પણ ચિંતા નથી થતી ? તું અમેરિકા રહે છે અને અહીંયા તારા મા-બાપને કંઈક થશે તો એમની પાસે કોણ ? તારો ભાઈ તથા ભાભી સંબંધ નથી રાખતા .તારા કાકાના દીકરાઓ પણ સંબંધ નથી રાખતા. તારા મા બાપ અંદરખાને ભાંગી પડ્યા છે. હું આટલા દિવસ રહી એમાં મેં આ વસ્તુ જોઈ છે અને અનુભવી પણ છે કે તારા ભાઈએ આપણને બંને જણને જ્યારે એમને ત્યાં જમવા બોલાવ્યા ત્યારે તારી મમ્મીની આંખોમાં મેં આંસુ જોયા છે. તારા પપ્પાને પણ મેં ભગવાનની મૂર્તિ સામે ઉદાસ ચહેરે ઉભેલા જોયા છે. કોષા, હું તો પારકી છું પણ તું શું તારા મા બાપની વ્યથા જોઈ કે સમજી નથી શકતી ?"

"જો નાનકી તું આ બાબતમાં માથાકૂટ ના કર. મને ખબર છે કે મમ્મી પપ્પા મિલકત મારા ભાઈને કે કાકાના દીકરાઓને આપવાના નથી એમને તો મને ક્યારનું ય કહી દીધું છે કે અમે નક્કી કર્યું છે કે અમારી બધી મિલકત તને જ આપવાની છે. એટલે  હું સમાધાનનો પ્રયત્ન શા માટે કરું ? જો બધું જ મારુ હોય તો એમની વચ્ચે સમાધાન કરાવી હું મારો ભાગ છોડી દઉં ?"

"કોષા તું તો કેટલાય વર્ષોથી અમેરિકા રહે છે. તને પૈસાની કોઈ તકલીફ નથી. માત્ર પૈસા માટે તું ઈચ્છે છે કે તારા મા-બાપ સાથે કોઈ જ સંબંધ ના રાખે ? શું તું આટલી સ્વાર્થી છું ? મેં તો સાંભળ્યું છે કે દીકરી એટલે વ્હાલનો દરિયો. પણ તારા જેવી દીકરી માટે હું એવો શબ્દ વાપરીશ કે દીકરી એટલે સ્વાર્થનો દરિયો. કોઈપણ મા બાપ દીકરી પર આંખો મીંચીને વિશ્વાસ રાખે છે પરંતુ તું તો પ્રેમને બદલે માત્ર પૈસા ઝંખે છે એટલે તો તું વારંવાર બોલે છે કે મારે શું ? શું મા બાપનો પ્રેમ કાંઈ જ નથી ? તારે પૈસાની તો કોઈ જ જરૂર નથી. તારા ભાઈને પણ પૈસાની જરૂર નથી.તમે બધા મોજશોખપૂર્વક અને શાંતિથી જીવી રહ્યા છો. તો માત્ર પૈસા માટે આટલા બધા કાવા દાવા શા માટે કરે છે ?"

"જો નાનકી આ અમારા કુટુંબની અંગત બાબત છે.તુ એમાં વચ્ચે  ના પડે તો વધારે સારું."

કોષા મારી બહેનપણી  હોવા બદલ મને શરમ આવતી હતી. મારે તો એક પ્રેમાળ સખી જોઈતી હતી. તેથી તો હું એ જ રાતના મારા ઘરે જતી રહી.કોષાના ફોન આવી રહ્યા હતા.એ કહેતી હતી કે,"તું મારી સાથે ખરીદી કરવા ચલ. "હું પણ બોલી ઉઠતી, "તારે ખરીદી કરવી હોય તો કર ના કરવી હોય તો ના કરીશ. મારે શું ?"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy