Dr Vishnu Prajapati

Abstract Inspirational

3  

Dr Vishnu Prajapati

Abstract Inspirational

એપ્રિલ ફૂલ

એપ્રિલ ફૂલ

7 mins
14.7K


‘કેમ શું વિચારો છો.. રાતના બાર થવા આવ્યા... ઉંઘ નથી આવતી...?’ રમાએ પોતાના પતિ મનોહર તરફ પડખું ફેરવતાં કહ્યું.  

'તને કેવી રીતે ખબર પડી કે હું જાગું છું...?’ મનોહરે આંખો બંધ કરીને જ જવાબ આપ્યો.

‘તમારી પત્ની છું... તમારા શ્વાસોશ્વાસ પરથી જ ખબર પડી જાય કે જાગો છો કે ઉંઘો છો...? તમારી જેમ ખાલી હિસાબોના ચોપડા અને ધંધામાં જ જિંદગી નથી કાઢી.’ રમાએ બે વાક્યો ભેગા કરીને કહ્યું. જેમાં પહેલા વાક્યમાં ભરપૂર પ્રેમ તો બીજા વાક્યમાં ફરીયાદ હતી.

‘હા.. મારા નસકોરાં નથી બોલતા એટલે ખ્યાલ આવ્યો એમ જ બોલ’ને...!’ મનોહરે તો આ વાક્યમાં રહ્યો સહ્યો રોમાન્સ પણ દૂર કરી દીધો.

‘જે સમજો તે.... પણ આજે કેમ જાગો છો...?’ રમાએ જાગરણનું કારણ ફરી પુછ્યું.

‘રમા... આજે પહેલી એપ્રિલ... અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકરનું કવર મળ્યું...!!’ મનોહરે ઉંડો શ્વાસ લેતા કહ્યું.

‘આ વખતે પણ એમ જ... દર વખતની જેમ... એપ્રિલફુલ.....!!!’  એટલું કહી મનોહરની આંખો તરફ નજર કરવા રમાએ પોતાનું માથું સહેજ ઉંચક્યું.

મનોહરે પણ પોતાની આંખોમા છુપાયેલી વેદના ક્યાંક પરખાઇ ન જાય એટલે તેને બીજી તરફ કરીને કહ્યું, ‘ આ વખતે કવર ખોલવાની હિંમત પણ નથી થઇ...! દસ વર્ષ થઇ ગયા તે ઘટનાને... દરવર્ષના એપ્રિલ મહિનાની પહેલી તારીખે તે મને એપ્રિલ ફૂલ બનાવે છે... રમા, અમે નાના હતા ત્યારે પણ તે મને પહેલી એપ્રિલે જુદીજુદી રીતે એપ્રિલ ફૂલ બનાવતો... અને....!’

‘અને.... તમે હસી-ખુશીથી એપ્રિલ ફૂલ બનતા.. એમ જ ને...! દર પહેલી એપ્રિલે હું તમારી જુની ભાઇબંધીની એકએક કથા સાંભળી ચુકી છું...! રમાએ પડખું ફેરવતા કહ્યું.

‘રમા...! સમય પણ કેવો છે... મને હવે તેની કોઇ ફરીયાદ નથી... દિનકર જ્યાં હોય ત્યાં ખુશ રહે એટલું મારા માટે બસ છે...! તે અનાથ હતો... ગામડેથી અમે બન્ને શહેરમાં સાથે જ આવેલાં.. તેને પોતાના જીવનમાં કાયમ સંઘર્ષ જ કર્યો છે....’ મનોહરે તેની જુની યાદો તાજી કરતા કહ્યું.

‘સાચું કહું.... તમારા જેવી ભાઇબંધી મેં આજ દિવસ સુધી નથી જોઇ. આજથી દસ વર્ષ પહેલા જ્યારે આપણે પણ નવો સવો બિઝનેસ શરુ કરેલો ત્યારે જ તમે તમારા મિત્રને પાંચ લાખ રુપિયા ઉછીના આપેલા. મને ખબર છે કે ત્યારે આપણે પણ પૈસાની ખેંચ હતી. અને તે પાંચ લાખ મળ્યા તે મહિને જ દિનકર શહેર છોડીને ચાલ્યો ગયો. તેને કહેલું કે તે વ્યાજ સાથે પૈસા ચુકવી દેશે. આપણે વ્યાજ નથી જોઇતું.. પણ આમ દર એપ્રિલ મહિનાની પહેલી તારીખે મૂડી અને વ્યાજની કુલ રકમ સાથેનો ’એપ્રિલફુલ’ નામનો ‘ચેક લખીને મોકલી ભાઇબંધીની બેઇજ્જતી તો ના કરે !’ રમાએ પોતાની વ્યથા દરવર્ષની જેમ આ વર્ષે પણ કાઢી દીધી.

‘સાચુ કહું રમા મને પાંચ લાખ રુપીયા ગુમાવ્યા તેનો વસવસો નથી. મને એક સારો મિત્ર ગુમાવ્યો તેનું દુ:ખ છે. મને તે તેની સહીવાળો અને વ્યાજની રકમ ઉમેરીને ‘એપ્રિલફુલ’ નો ચેક લખે છે અને તે મોકલાવે પણ છે રમા ! તેના દિલમાં હજુ મિત્રતા ભરી છે અને તે મને યાદ કરે છે એટલું જ મારા માટે પુરતું છે. ચેકની ડિટેલ્સ પરથી હું તેના સરનામે પહોંચી શકું તેમ છું. તે બેંગલોરમાં છે, હું ત્યાં જઇશ તો તે એમ સમજશે કે હું ઉઘરાણીએ આવ્યો છું. તે મને ભલે એપ્રિલફૂલ બનાવે. મને મંજુર છે. તેના એપ્રિલફુલના ચેકમાં પણ અમારી મિત્રતા જીવંત છે. અને જોને રમા આપણે પૈસાની હવે ક્યાં ખેંચ છે ! ખાલીપો તો દિનકર જેવા મિત્રનો લાગે છે !’ મનોહરની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.

‘તમે સારા છો એટલે તમને બધુ સારું જ લાગે. દુનિયામાં આજ દિન સુધી કોઇ પૈસાનું કરી નાખીને ગયો છે તે ફરી ક્યારેય પાછો નથી આવ્યો ! હું તો કહું છું કે તેને રૂબરુ મળીને એકવાર કહી દો કે તેં મિત્ર બનીને મારી મિત્રતાના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. અધુરામાં પુરુ તે એપ્રિલ ફૂલનો ચેક લખી મિત્રતાની દરવર્ષે બેઇજ્જતી કરે છે.’ રમાએ સખતાઇથી કહ્યું.

‘મને ભલે કાંઇ પણ પાછું ન મળે. એપ્રિલફુલનો ચેક તો મળે છે ને. aમારી મિત્રતાને આ જ મંજુર હશે ! ’ મનોહરે પોતાના ઓશિકા નીચે મુકી રાખેલા કવરને બહાર કાઢી જોઇ લીધું.

રમાએ ખોલ્યા વગરનું કવર મનોહરના હાથમાં જોતા તે પથારીમાં બેઠી થઇ અને બોલી, ‘ચલો આ વર્ષે પણ કવર ખોલી દો અને તમારી પવિત્ર મિત્રતાના એપ્રિલફૂલ બનવાનો શોખ પુરો કરી લો.’ રમાના શબ્દોમાં નારાજગી હતી.

મનોહરે ભારે હૃદયે કવર તોડ્યું. અંદરથી ચેક અને એક ચીઠ્ઠી નીકળી.

મનોહરની નજર પહેલા ચેક પરની તેની સહી પર ગઇ. તે સરસ મજાના ઉગતા સૂરજની ડિઝાઇન જેવી ગુજરાતીમાં ‘દિનકર’ લખીને મરોડદાર સહી કરતો.

પછીની નજર રકમ પર પહોંચી. તેમાં કુલ દસ લાખ અને અગિયાર હજારની રકમ ભરેલી. જો કે મનોહરે તો ક્યારેય તેની પાસે વ્યાજની અપેક્ષા નહોતી જ રાખી. પણ તે વ્યાજ સાથે જ રકમ લખતો.

ચેક પર તારીખ આજની જ હતી. પહેલી એપ્રિલ બે હાજર અઢાર.

અને છેલ્લે મનોહરને ચેકની ના ગમતી લાઇન પર નજર ફરી જ્યાં તે દર વર્ષે ‘એપ્રિલ ફૂલ’ લખેલું હતું અને તે એપ્રિલ ફૂલ બનતો.

પણ આ વર્ષે પેયની લાઇનમાં એપ્રિલફુલની જગ્યાએ ‘મનોહર એમ. મુદગર’ આખું નામ લખેલું હતું.

અને મનોહરને વિશ્વાસ ન હોય તેમ બે ત્રણ વાર નજર ફેરવી જોઈ અને ખુશીથી બોલ્યો, ‘ રમા આ વખતે મને દિનકરે એપ્રિલફૂલ નહી પણ વ્યાજ સાથેનો મારા નામનો ચેક લખ્યો છે. જો રમા જો મને વિશ્વાસ હતો દિનકર પર.' અને મનોહરે આછાં અજવાળે ચેક રમા સામે ધર્યો.

રમાએ તો ચકાસણી કરવા બેડરુમની મેઇન લાઇટ ઓન કરી.

‘એ તો ચેક રીટર્ન થશે. બીજું શું ? આ વખતે ‘એપ્રિલ ફુલ’ ચીઠ્ઠીમાં લખ્યું છે. જુઓ તો ખરા...!’ રમાએ ચેકની સાથે રહેલી ચીઠ્ઠીના હેડીંગ પર ‘એપ્રિલ ફુલ’ લખેલું જોતા જ નારાજ સ્વરે કહ્યું.

મનોહરે ધીરેથી ચીઠ્ઠી હાથમાં લીધી. તે વાળેલી હતી. તેની ઉપર સાચે જ ‘એપ્રિલફૂલ’ લખેલું હતું.

મનોહરે ધીરેથી ચીઠ્ઠી ખોલી અને ફરીથી એપ્રિલફૂલ બનવાની મનોમન તૈયારી કરીને ચીઠ્ઠી વાંચવાની શરુ કરી.

દિનકરે તેના સુંદર મરોડદાર અક્ષરે લખેલું હતું.

'મિત્ર મનોહર અને રમાભાભી.

કુશળ હશો.

દસ વર્ષ સુધી તમને એપ્રિલફૂલ બનાવતો રહ્યો છું. મનોહર તું તો જાણે છે કે મને આદત છે તને દરવર્ષે એપ્રિલફૂલ બનાવવાની. મને ખબર છે કે તારા મનમાં કે દિલમાં મારી કોઇ ફરીયાદ નહી જ હોય. પણ સમય અને જમાનો ભલભલી મિત્રતા કે સબંધોને ક્ષણવારમાં અવિશ્વાસના ત્રાજવે તોલી દે છે. 

મારી વિષમ પરિસ્થિતિ અને સંજોગોએ મને બેહાલ બનાવી દીધો હતો.. હું દેવાતળે દબાઇ રહ્યો હતો. જો હું શહેરમાં જ રહ્યો હોત તો મને ખબર છે કે તું મને તારો નવો સવો બિઝનેસ વેચીને પણ મને બચાવી લેત. પણ મારે તને પાંચ લાખથી વધુ બોજ આપવો નહોતો. એટલે તને જણાવ્યા વિના અને શહેર છોડ્યા સિવાય મારી માસે બીજો કોઇ રસ્તો નહોતો.

નવા શહેરમાં પણ ફરી નવી મુસીબતો હતી. તારુ ઋણ ચુકવવા હું દિવસ રાત મહેનત કરતો ગયો. પણ તને પરત કરી શકાય તેટલી રકમ જમા નહોતો કરી શક્તો. એટલે મારા માર્ચ એન્ડિંગના સરવૈયા પછી તને એપ્રિલફૂલ બનાવ્યા સિવાય છુટકો નહોતો.

આ એપ્રિલફૂલ વાળો ચેક હું તને એટલા માટે લખતો હતો કે તું આપણી મિત્રતાનો વિશ્વાસ સાવ ગુમાવી ન દે.તને એ પણ ખ્યાલ રહે કે મને તારા ઋણનો અહેસાસ છે.

અને આ વર્ષે આનંદ છે કે હું તને એપ્રિલફૂલ નથી બનાવી રહ્યો. ચેક જમા કરાવી દેજે. મને ખ્યાલ છે કે તને વ્યાજ સાથેની રકમ નહી જ ગમે... પણ મારે તને વ્યાજ ચુકવવું જોઇએ તેમ હું માનું છું.

દોસ્ત મનોહર...! મારી મિત્રતા આજે પણ એટલી જ શુધ્ધ અને પવિત્ર છે જેટલી તારામાં પણ ભરેલી છે. એમ જાણજે કે આ વર્ષથી હું હવે તારા કરજમાંથી મુક્ત થાવું છું. રુબરુ મળવાની ઇચ્છા હતી. પણ... લાગે છે કે નહી મળી શકાય !

મારા ઘણા વર્ષોના એપ્રિલફૂલ બદલ માફી ચાહું છું. આપને તકલીફોમાં મુકીને છોડીને જવાની મારી મજબુરી હતી, ઇચ્છા નહી.

રમાભાભી તમે પણ મને માફ કરશો.

એજ

તમારો સદાય માટેનો મિત્ર.

દિનકર.'

અને નીચે સૂરજની ડીઝાઇનવાળી તેની મરોડદાર સહી હતી.

મનોહર અને રમા બન્ને રડી રહ્યાં હતા.

મનોહરે આંસુ લુછતા કહ્યું, ‘રમા, હાલ જ બેંગલોર જવું છે. મને લાગે છે કે દિનકર તકલીફમાં છે...! આ વખતે હું તેને રૂબરૂ મળીને એપ્રિલફૂલ બનાવી દઈશ.’

અને સવારની વહેલી ફ્લાઇટમાં જ બન્ને બેંગલોર પહોંચ્યા.

ચેક ડિટેઇલ પરથી સરનામું મળી ગયું. દિનકરનું સરનામું સાવ ગરીબ ચાલીના એક નાનકડા ઝુંપડાનું હતું.

‘દિનકર સાવ આવી જગ્યાએ રહે છે. એક્વાર મળવા દે. હું બહુ અ જ મારવાનો છું. સાલ્લાને...!’ મનોહર ગુસ્સે પણ હતો અને આંખોમાં આંસુ પણ હતા.

મનોહરે દુરથી જોયું તો તેની નાનકડી ઝુંપડીનો દરવાજો અડધો ખુલ્લો હતો. મનોહર તો ઝડપથી નજીક પહોંચ્યો અને અંદર દાખલ થતાં જ જોરથી ચિલ્લાયો, ‘ ક્યાં મરી ગયો... સાલ્લા... દિનકર....!’

અને ત્યાં જ બાજુમાંથી એક ભાઇ અંદર દાખલ થયા અને દુ:ખી સ્વરે બોલ્યા,’ સાહેબ... ક્યાં મરી ગયો એમ ન કહેશો... આ ભાઇ તો ગઇકાલે પહેલી તારીખે મરી ગયો છે. તે અહીં ગરીબીમાં સડતો રહ્યો અને તેને પૈસા ભેગા કરવામાં જ પોતાની જિંદગી ખર્ચી નાખી. પોતાના માટે તેને કાંઇ ના કર્યુ. બસ તે કાયમ એટલું જ કહેતો કે એક મિત્રનું ઋણ ચુકવી દેવાય એટલે આ જન્મારો પુરો !’

મનોહર અને રમાની નજર સામેની જર્જરીત દિવાલ પર ચોંટી ગઇ... ત્યાં રમા અને મનોહરની ટીંગાયેલી તસ્વીર હતી અને તેની નીચે લખેલું હતું..

દોસ્ત તું મને એપ્રિલ ફૂલ ક્યારેય નહિ બનાવી શકે. કારણ કે એમાં હું જ સવાયો છું..

'એપ્રિલફુલ’ 

અને..

તેની નીચે દિનકરની મરોડદાર સહી હતી...


Rate this content
Log in

Similar gujarati story from Abstract