Jayant Rathod

Fantasy Others Inspirational

5.0  

Jayant Rathod

Fantasy Others Inspirational

હનીમૂન

હનીમૂન

14 mins
14.5K


નિશાનો પ્રસ્તાવ સાંભળી નિશાંત જરા ચોંકી ગયો. પેપર વાંચવાનું છોડી બેડ પાસેના ટેબલ પર મૂકતાં એણે નિશાના ચહેરા તરફ ધ્યાનથી જોયું ના.. એ મજાકના મૂડમાં નહોતી. એ હસવું દબાવી બોલ્યો, “આ ઉંમરે આપણે હનીમૂન પર જશું?”

નિશા ઊઠી, ગુલાબી નાઈટગાઉનમાં ઢંકાયેલ એના સમપ્રમાણ શરીરને એ જોઈ રહ્યો. લાઈટ બંધ કરી આવી, નિશાંતને ભેટી એ બેડપર લેટી ગઈ. નિશાંત બોલ્યો, “તારું હનીમૂન તો શરુ પણ થઈ ગયું.”

નિશાએ મોઢું એની છાતી પરથી ઊંચું કર્યું, ખુલેલા વાળને ખભા પાછળ ફેલાવી બોલી, “આજ તો ઉંમર હોય છે, હનીમૂન પર જવાની. લગ્ન પછીના હનીમૂનો કોલેજ પિકનિક જેવા હોય. ફૂલઝડીમાંથી ફૂટતા રંગ-બેરંગી પ્રકાશની જેમ થોડીવાર ઝળહળી હોલવાઈ જાય.”

એણે છતમાં વર્તુળાકાર ફરતાં પંખા તરફ જોઈ વિચાર્યું, લગ્નની શરૂઆતથી નિશા આવી વિચિત્ર હતી. લગ્ન પછી હનીમૂન માટે જવા કોઈ રીતે તૈયાર ન થઈ, હવે ઢળતી ઉંમરે.. હનીમૂન!

નિશાને ગયા મહીને ૪૬મું વરસ બેઠું અને પોતાનો વનપ્રવેશ, આ ઉંમરે ગુજરાતી પરિવાર મા-બાપ સાથે ચાર-ધામની યાત્રાએ જતાં હોય.

નિશાંતને આનંદનો વિચાર આવ્યો, એની એક્ઝામ આવશે ડીસેમ્બરમાં. આનંદ એમનો એંજિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં ભણતો પુત્ર હતો, એકમાત્ર સંતાન.

નિશાને પહેલી ડિલિવરી સમયે ટોક્સીન થઈ ગયેલું, ડોકટરોના અભિપ્રાય મુજબ બીજા સંતાન માટે માતા અને બાળકને બચવાના ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ હતા. નિશાંતને આમ પણ એક બાળકની જ ઈચ્છા હતી. બે-બાળકો આજના સમયમાં યોગ્યરીતે ઉછેરવા એ પણ એને પડકારરૂપ લાગતું હતું, આમ પણ એના જીવનમાં પડકારો ક્યાં ઓછા હતાં. એણે નિશાના ખુલેલા વાળમાં આંગળીઓ રમાડતાં કહ્યું, “આનંદની એક્ઝામ આવી રહી છે, અને નવેમ્બર પહેલાં મને છૂટી મળવી મુશ્કેલ છે.” 

નિશા બેડમાં બેઠી થઈ, ખુલા વાળને પોતાના બંને હાથો વડે બાંધતા બોલી, “આપણે હનીમૂન પર જઈ રહ્યા છીએ, હું અને તું!”

એણે આપણે શબ્દ ઉપર ભાર મૂકતાં કહ્યું. પછી સમજાવતી હોય એમ બોલી, “આનંદને પોતાની જવાબદારી છે, આમ પણ એ હોસ્ટેલ પર રહીને એક્ઝામ માટે તૈયારી કરી રહ્યો છે. નવેમ્બર આવવાને હજુ ત્રણ મહિના છે, આપણે અઠવાડિયામાં તો માઉન્ટઆબુ ફરીને આવી જશું અને એ દૂર પણ નથી.”

“તને આમ એકાએક ફરવા જવાનું કેમ સૂઝયું?”

“એકાએક? હનીમૂનના નિર્ણય પર આવતાં મને વીસ વરસ લાગ્યાં!”

બેઉ સાથે હસી પડ્યા. નિશાંત વિચારી રહ્યો, લગ્ન જીવનના બે દાયકા  પસાર થઈ ગયા, આટલા લાંબા સમયમાં સાથે ક્યાંય નીકળી શક્યા નહિ, નીકળી શકાયું નહિ. નિશાએ બેડ પર લંબાવતાં કહ્યું, “છેલ્લા એક વરસમાં તારી દોડ-ધામ વધી ગઈ છે, થોડો બ્રેક લેવાની તને જરૂર છે.”

નિશાની વાતથી છેલ્લા એક વરસની ઘટનાઓ એની આંખો સામે તરવરી રહી.. દિલોજાન દોસ્તનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ - અજાણ્યા શહેરમાં દોસ્તની વિધવા અને નવ વરસની પુત્રી માટે પોલીસ, રેલ્વે, બેન્ક અને વીમા કચેરીના કાપેલા ચક્કર યાદ આવ્યા.

વિચારોને જ્યારે બ્રેક લાગ્યો તો નિશાંતે જોયું,પોતાને આરામની સલાહ આપી નિશા નિશ્ચિંતતાથી ઊંઘી રહી હતી. દોડ-ધામ તો એણે પણ મારી સાથે કેટલી કરી વિતેલા વીસ વરસોમાં, એમ વિચારતાં નિશાને ચાદર ઓઢાળી એણે સુવાનો પ્રયત્ન કર્યો.

સવારે આંખ મોડી ખુલી એણે જોયું, નિશા હોટેલની બારીમાંથી બહાર જોતી ઊભી હતી. આબુ પહોંચ્યાને આજ ત્રીજો દિવસ હતો, ગઈ કાલે ટેક્સીમાં આખો દિવસ પર્વતના ભ્રમણમાં ગાળ્યો. નિશાની પીઠ પરના વાળથી, રેશમી બ્લાઉઝમાં પ્રસરેલ ભીના ધબ્બાને જોતાં જોતાં એને વિચાર આવ્યો - રોજની આદત, આટલું વહેલું એણે નાહી પણ લીધું.

નિશાંતે પથારીમાં પડ્યા રહીને કહ્યું, “ગુડ મોર્નીગ સખી..!”

લગ્નની શરૂઆતમાં એ નિશાને સખી કહી સંબોધતો. આજે આટલા વર્ષે અનાયાસ સંબોધન હોઠ પર આવી ગયું. સાંભળીને એ ચોંકી, એને લાગ્યું હોટેલની બારી બહાર ફેલાયેલી પહાડી સૃષ્ટિમાં પોતાનું અસ્તિત્વ ખોઈ રહી હતી. “સખી” શબ્દ સાંભળતાં જાણે વિખેરાયેલું અસ્તિત્વ ઘનીભૂત થયું. બારી છોડી એ નિશાંત તરફ લગભગ દોડીને પહોંચી. એના ચહેરા પર હિલ-સ્ટેશન જેવી તાજગી હતી. બેડ નજીક આવી એના ઉપર ઝૂકીને ધીમેથી બોલી, “આપણુ હનીમૂન હવે શરુ થઈ રહ્યું છે..!”

નિશાંત એ આંખોની ચમક જોઈ રહ્યો, નિશાની સોનાની ચેઈન ગળામાંથી ઝૂલી રહી હતી અને તાજા છંટાયેલા પાવડરની સફેદી દેખાઈ રહી હતી. મોગરાની ખુશબૂ એના મનને તરબતર કરી ગઈ. ત્યાં રૂમની ડોરબેલ સંભળાઈ, એ દરવાજા તરફ જતાં બોલી, “હોટેલ બોય હશે મેં કોફી અને નાસ્તો લાવવાનું કહેલું, તું જલ્દી તૈયાર થઈ જા એટલે આપણે આજનો પ્રોગ્રામ વિચારતાં નાસ્તો કરીએ.”

દરવાજો ખુલ્યો, છોકરાએ આવીને ટીપોય પર ટ્રે અને કોફીનો મગ મુક્યા, સાથે હોટેલના માર્કાવાળા બે ધોયેલા નેપકીન ગળી કરીને પાસે મૂકતાં બોલ્યો, “બીજું કશું લાવું મેમસા’બ?”

નિશાએ ઈશારાથી ના કહી એટલે એ ચાલ્યો ગયો. નિશાંતને વિચાર આવ્યો સિગારેટ લાવવાનું કહેવું હતું. એ પીતો ન હતો પણ મૂડ બની ગયો હતો આજ. નિશાએ કહ્યું, “હજુ શું વિચારે છે? તારી વિચારવાની આદત બહુ ખરાબ છે, ઉતાવળ કર.”

“હું બીજી એક ખરાબ આદત અંગે વિચારી રહ્યો હતો – સિગારેટ પીવાની.”

“સિગારેટ? એતો તું પીતો નથી.” નિશાએ જરા ચોંકી જઈ કહ્યું. “હા પણ આજે મૂડ બની રહ્યો છે.” “તો પી નાખ, એમાં વિચારવાનું શું? વિવશ ન કરે એ આદત ખરાબ નહિ.”

એ મજાકમાં બોલી ગયો-“વીસ વરસથી સાથે છીએ, એટલે એકબીજાની આદત પડી ગઈ છે, આ પણ ખરાબ બાબત છે?”

નિશાએ એનો હાથ પકડી બાથરૂમ તરફ હડસેલતાં કહ્યું - “મહાશય..! સાથે જીવવાની આદત પડતાં જો વીસ વરસ જેટલો સમય લાગતો હોય...તો એ ખરાબ બાબત છે!”

નિશાંત બાથરૂમ અંદર વિચારતો રહ્યો. જીવવાની પણ આદત પડી જાય છે, શરીર ઉપર ઉઠી આવતા બનીયાનના નિશાન જેમ, બીજા પણ જોઈ શકે એવી. પણ.. નિશા કંઈક જુદું કહી રહી હતી, સાથે જીવવા વિષે, એમાં સમયનું મહત્વ ઓછું છે, સાથે જીવવાની આદત પાડવા સંદર્ભે. પણ. એક છત નીચે સાથે હોવા છતાં, આપણે સાથે જીવતાં હોઈએ છીએ ખરેખર? નિશાંતે શાવર બંધ કર્યો. અવિરત વિચાર પ્રવાહ અટકાવવા એ પ્રયત્ન પૂર્વક કોઈ ફિલ્મીગીત ગણગણવા લાગ્યો.

નિશાએ બેડની ચાદર સરખી કરી તકિયા ગોઠવ્યા. રૂમસર્વિસમાં ફોન કરી કોફી ગરમ કરી આપવા કહ્યું. બાથરૂમમાંથી નિશાંતનો ફિલ્મી ગીત ગણગણવાનો અવાજ સાંભળી હસી પડતાં એને વિચાર આવ્યો. શા માટે માણસો બાથરૂમમાં જ ગાતા હશે....એક આદત? ચાલતી વખતે હાથોને આગળ-પાછળ કરવા જેવી? બાથરૂમનો માહોલ ગીત ગાવા માટે પ્રેરિત કરે એવો હોતો નથી. જોકે નિશ્ચિંત થઈ શરીરને નગ્ન કરવા માટે પણ બાથરૂમ ક્યાં ઉપયુક્ત જગ્યા છે? છતાં મોટાભાગના લોકોનો સંકોચ બાથરૂમમાં ગયા પછી વસ્ત્રોની જેમ નિક્ળી જાય છે. મનનું આ કયા પ્રકારનું કંડિશનિંગ છે?

નિશાના વિચારો અટક્યાં. નિશાંત વાળ ઘસતો બહાર આવી રહ્યો હતો, એનું પેટ ઠીક ઠીક બહાર આવી ગયું હતું છાતી ઉપરના વાળ પણ લગભગ સફેદ થઈ ગયા હતાં. ટૂવાલ નીચેના ખુલા પગો પાતળા લાગી રહ્યા હતાં. રૂમની ડોરબેલ સાંભળી એ ઉઠી અને દરવાજેથી ગરમ કોફીની ટ્રે અંદર લઈ આવી ટીપોય ઉપર મૂકી. નાસ્તાની ડિશ ઉપરથી ઢાંકણ ખસેડી જોયું ઓર્ડર મુજબ સાબુદાણાની ખીચડી હતી જે ઠંડી પડી ગયેલી. નિશાંતને વિચિત્ર આદત હતી ઠંડા નાસ્તા સાથે ગરમા ગરમ કોફી પીવાની.

નાસ્તો પતાવી બેઉ હોટેલની બહાર નીકળ્યા. સામેથી પ્રવાસીઓ સામાન સાથે આવી રહ્યા હતાં. નિશાંતે જોયું પ્રવાસીઓમાંના એક પુરુષના હાથોમાં નાનું બાળક, અંગુઠો મોઢામાં રાખીને સુઈ રહ્યું હતું. અંગુઠા ઉપર હોઠોની પકડ ઢીલી પડી ગઈ હતી, બીજા હાથની મૂઠી બંધ હોવાથી હથેળી વધુ ગુલાબી જણાતી હતી. કાળા મોતીની ઝીણી ચેઈન બંને હાથના કાંડામાં આકર્ષક લાગી રહી હતી. વીખરાયેલા વાળમાં સવારનો સુવર્ણ તડકો ગૂંચળાઈને પડ્યો હતો. નિશાંત ખુશ થઈ ગયો.

હોટેલથી ‘નખી લેક’ પાસે હતું એટલે બંનેએ ચાલતાં જવાનો નિર્ણય કર્યો. માર્ગો પર ભીનાશ હતી પરોઢે વરસાદનું ઝાપટું આવ્યું હોય એવી. હવામાં ઠંડક અને ભીંજાયેલી સૃષ્ટિની મહેક પ્રસરી ગયેલી. પ્રવાસીઓ મુખ્યત્વે યુગલો ફરી રહ્યા હતાં. મોટાભાગની યુવતીઓના કોણી સુંધીના હાથો મહેંદીની ડીઝાઈનથી આવૃત હતાં. રંગીન વસ્ત્રોમાં ફરી રહેલા યુગલો લળી લળીને વાતો કરવામાં મશગુલ હતાં, એવી વાતો જેનો કોઈ ખાસ અર્થ હતો નહિ. વાતોમાં અર્થો શોધવાનો આ સમય પણ ન હતો. નવ-વિવાહિત, રંગ-બેરંગી વસ્ત્રોમાં સજ્જ  યુગલો પક્ષીઓની જેમ આબુ જાણે વિશાળ વૃક્ષ હોય એમ એમાં લપાઈને ચહેકી રહ્યા હતાં.

નખી લેક પાસે પહોંચી નિશાંતે એક બોટ ભાડે કરી. પેડલ બોટ હોવાને કારણે ચલાવવું સરળ હતું. લાઈફ જેકેટ પહેરી નિશાંત બોટમાં ગોઠવાયો, નિશાને હાથ આપી અંદર લીધી, જેકેટને કારણે બેઉને બેસવું ફાવતું નહોતું,પણ રોમાંચ થઈ રહ્યો હતો. પાણીને કાપતી બોટ ધીરે ધીરે આગળ સરકી રહી હતી, સવારનો મુલાયમ તડકો પાણીના વલયો પર ઝગમગતો હાલી રહ્યો હતો. કેટલાય પ્રવાસીઓ સમૂહમાં મોટી હોડીમાં તો યુગલો પેડલ બોટમાં સેર માણી રહ્યા હતાં. કેમેરાની ફ્લેશો દિવસનો પ્રકાશ હોવા છતાં ઝબકી જતી હતી. નિશાએ પોતાની પર્સમાંથી સનગ્લાસીસ કાઢ્યા, એક નિશાંત તરફ લંબાવ્યા, બીજા પોતે પહેર્યા. એ આશ્ચર્યમાં ઉછળતાં બોલ્યો, “સરપ્રાઈઝ નિશા? તેં તો હનીમૂનની રોચક તૈયારી કરી છે. મારા માટે સનગ્લાસીસ ક્યારે ખરીદયા?”

“આ ઉંમરે જો તું મારી સાથે હનીમૂન પર આવવા તૈયાર થાય તો એ દ્રશ્ય જોવા હું એક સનગ્લાસીસ ન ખરીદી શકું?”

“કેવું લાગે છે આપણા હનીમૂનનું આ દ્રશ્ય સનગ્લાસીસથી જોવામાં?” નિશાંતે રોમાંચિત થઈ પૂછ્યું. નિશાએ જરા વિચારીને કહ્યું, “તને યાદ છે આપણે નાટક જોયેલું-લીલી નશોમાં પાનખર! બસ એનાથી ઉલટું લાગે છે, જાણે સુકાઈ જવા આવેલ શિરાઓમાં વસંત મહોરી રહી છે.”

“નિશા એ તો વૃક્ષોના સબંધમાં સાચું હોઈ શકે, ઋતુની સાઈકલ...વસંત-પાનખર આવ્યા કરે. મનુષ્યોને ઈશ્વરે એ આશીર્વાદ નથી આપ્યા.”

“સારું છે નથી આપ્યા, મનુષ્ય પોતાના માટેજ જીવે છે, પ્રકૃતિ જેમ બીજા માટે નહિ. એટલેજ મારે સનગ્લાસીસ લેવા પડ્યા પાનખરમાં.” આમ કહી નિશા ખડખડાટ હસી પડી. નિશાંતને લાગ્યું પુરા ચહેરાનું ભરપુર હાસ્ય સનગ્લાસીસને કારણે ખંડિત થઈ ગયું. નિશાની આંખો દ્વારા છલકતું હાસ્ય સનગ્લાસીસ પાછળ ઢંકાઈ ગયું. નિશાના વાળમાં હજુ ભીનાશ હતી અને વાળમાં લગાવેલ મહેંદીનો રંગ તડકામાં સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

બોટે તળાવને એક મોટું વર્તુળકાર ચક્કર કાપ્યું, સાઈકલિંગનો મહાવરો ન હોવાથી પગ હવે જકડાઈ રહ્યા હતાં. એટલે બોટને એક જગ્યાએ સ્થિર કરી. આસપાસથી પસાર થઈ રહેલી બોટોના પ્રવાસીઓ અભિવાદન કરી રહ્યા હતાં, કોઈ આગળ વધવા ચાનક ચડાવી રહ્યા હતાં. નિશાએ બોટમાંથી જરા ઝૂકી હાથમાં પાણી લઈ નિશાંત તરફ ઉડાડ્યું, એ સામે ઉંચાઈ ઉપર આવેલ પત્થરના ‘ટેડ રોક’ આકારને જોઈ રહ્યો હતો. અચાનક પાણીની છાલક પડતાં ચોંકીને જોયું તો નિશા ખીલેલી વસંત જેમ હસી રહી હતી! કેમેરો સાથે ન લઈ આવવાનો એને પહેલી વખત અફસોસ થયો. નિશાએ પૂછ્યું-

“ત્યાં શું જોવાનું છે?”

“હું પેલા.... પત્થરના દેડકા જેવા આકારને જોઈ રહ્યો હતો.” નિશાંતે આંગળીથી જગ્યા દર્શાવતાં કહ્યું.

નિશાએ સનગ્લાસીસ કપાળ પર ચડાવી આંખો જરા ઝીણી કરીને જોયું, પછી બોલી ઉઠી- “કમાલ છે પાણી અહીં છે અને દેડકો ત્યાં ઉંચાઈએ શું કરી રહ્યો છે, કોઈ દેડકી પાછળ ભટકી ગયો લાગે છે!”

નિશાંતે બોટોમાં સેર કરી રહેલા સહેલાણીઓ દર્શાવી કહ્યું-“હા નિશા, અહીં આમ પણ ઘણાં દેડકાઓ, પેટ ફૂલાવી ડ્રાઉં.. ડ્રાઉં..કરતાં કૂદી રહ્યા છે! એ બિચારો કદાચ ગભરાઈને ત્યાં ભાગી ગયો હશે.”

“પણ પેલો દેડકો તો દેડકીની પ્રતીક્ષામાં સદીઓ વિતાવી પાષાણ બની ગયો છે, કેવો અદભુત પ્રેમ?” નિશાએ મજાક આગળ વધારતાં કહ્યું.

“રાહ જોવામાં પત્થર બની જવાની ઘટનાને અદભૂત પ્રેમ કહેતા હશે એની મને જાણ નહોતી.”

“તને ખબર છે નિશા, અરવલ્લીની આ પર્વતમાળા સદીઓ પુરાણી છે, હિમાલયથી પણ જૂની.”

“પુરાણોમાં પણ અર્બુદાચલ પર્વતનો ઉલ્લેખ આવે છે, એવું સાંભળેલું.” -નિશા સનગ્લાસિસ આંખોપર ચડાવતાં આગળ બોલી.

”આબુના જૈન મંદિરો પણ જૂના સમયમાં બંધાયેલા, કદાચ ૧૧મી સદીમાં એવું વાંચેલું, એ આપણે બીજી વાર જોવા જશું.”  

“આજે સાંજે સનસેટ પોઈન્ટ, કાલે દેલવાડા અને બને તો કાલે સાંજે જ આપણે રીટર્ન થઈ જઈશું.”

“કેમ હજી તો હનીમૂન શરૂ થયું અને તું થાકી ગયો!” નિશાએ સનગ્લાસિસને એક હાથની આંગળીઓથી થોડા નમાવી, આંખો નચાવતા પુછ્યું.   

એ જરા ગંભીર થઈ બોલ્યો, “ચંદ્રની કળાનું ઘટતું જવું એ અર્થ શરૂઆતમાં હનીમૂનમાટે અભિપ્રેત હતો.” પછી નાટકીય અંદાજમાં બોલી ગયો- “અને આપણાં મૂનના ઝાંખા પડતાં જતાં પ્રકાશમાં, હજૂતો ઘણું હની ભેગું કરવાનું છે ડિયર..!” 

નિશા પણ એવાજ અંદાજમાં બોલી, “ઓ.કે. માય બીઝી બીઈઈ...!”

થોડી વાર પછી ગંભીર થતાં એનાથી કહેવાઈ ગયું, “પણ.. ભેગું શું કરવું? હનીને પણ છોડી જવું પડશે. અંત સમયે ખૂલી રહી ગયેલી મારી આંખોમાં તું શોધી શકશે આપણે સાથે જીવ્યા હતા એ ક્ષણોને?” નિશાંતને થયું પ્રિયજનોની સ્મૂર્તિઓમાં જીવતા રહી જવાની ઈચ્છા દ્વારા મનુષ્ય મૃત્યુને થાપ આપ્યાનો સંતોષ અનુભવે છે.

હવે તડકો આંખોને થોડો વાગી રહ્યો હતો, ગરદન પાસે પરસેવાની ભીનાશ લાગી રહી હતી. નિશાએ પર્સમાંથી પોપકોર્નનું પેકેટ કાઢ્યું અને ખાવા લાગી. પછી અચાનક યાદ આવ્યું હોય એમ નીશાંતને ખાવા અંગે પૂછ્યું. એણે અનિચ્છા દર્શાવી અને બોટને ઘૂમાવી પાછી વાળી. કિનારે બોટ લાવી બેઉ સંભાળપૂર્વક ઉતર્યા. પ્રવાસીઓ હજુ પણ આવી રહ્યા હતાં, નખીલેક બોટિંગ માટે સરસ જગ્યા હતી. આગળ વધતાં તેઓ એક આઈસ્ક્રીમ પાર્લરમાં જઈ બેઠા. મશીનમાંથી પેસ્ટની જેમ નીકળી, કોનમાં ઉભરાઈ જતી સોફટી આઈસ્ક્રીમ લોકો ખાઈ રહ્યા હતાં. નિશા બે કોન લઈ આવી, બંનેએ નિરાંતે પૂરા કર્યા. નિશાંત ઊઠીને બીજા બે કોન લઈ આવ્યો. નિશાએ કહ્યું, “તારી સુગર વધી જશે, સવારે ટેબલેટ યાદ કરીને લીધી હતી?” 

“એમ કહેવાનું - તારામાં મીઠાશ વધી જશે, બીમારીઓનો પણ રોમેન્ટીક ઉલેખ કરી શકાય!”

“અચ્છા..? આજ સવારથી તારામાંની મીઠાસ ઉભરાઈ રહી છે...અને અત્યારે એમાં રોમેન્ટીક ફ્લેવર પણ ઉમેરાઈ છે.”

આઈસ્ક્રીમ પૂરો કરી બેઉ હોટેલ પાછા ફર્યા. પેડલ બોટ ચલાવાને કારણે પગોમાં હવે કડતર થઈ રહ્યું હતું. નિશાંતે બાથરૂમના ગીઝરની સ્વિચ ચાલુ રહી ગયેલી તે બંધ કરી, કપડાં ચેન્જ કરી બેડ પર લંબાવ્યું. નિશાએ નાઈટ ગાઉન પહેરતાં પુછ્યું, “જમવા નીચે જશું કે મંગાવી લેશું?” “મને તો ખાસ ભૂખ નથી, સેન્ડવિચ ચાલસે.”

નિશાએ બંને માટે સેન્ડવિચ મંગાવી. થોડી વારે આવેલી સેન્ડવિચ ખાઈ, નિશાએ આરામ ખુરસીમાં લંબાવી, હોટેલ બોયે લાવી આપેલ પેપર વાંચવું શરૂ કર્યું.

દ્રશ્ય સારી રીતે જોઈ શકાય એવી જગ્યા મુશ્કેલીથી શોધી બેઉ બેસી ગયા. સનસેટ પોઈન્ટ પર ભીડ જમા થઈ ગયેલી. પ્રવાસીઓની વાતોનો શોર હવાના મોજા પર સવાર થઈ આવી રહ્યો હતો. ભીડ અને કેમેરાની ફ્લેશો વચ્ચે કેટલાક વિદેશી ટુરિસ્ટો પણ દેખાઈ જતાં હતાં. સાંજ ઢળવા આવી હતી, નીચેની ખીણનું દ્રશ્ય કેનવાસ ઉપર દોરેલું હોય એવું લાગી રહ્યું હતું. કોઈ ગામના છૂટા-છવાયા ખોખા જેવા લાગતા મકાનો, ઘટ્ટ લીલા છૂંદણા જેવા વૃક્ષોના ઝુંડ, ગીચ ઝાડીઓ. જમીનના કાપેલા ટુકડા જેવા ખેતરો, પગરસ્તા કેડીની રાખોડી રંગની પટ્ટી. તરલ ચમકતી સપાટી જેવુ તળાવ... વિમાનનાં ઉતરાણ સમયે બારીમાંથી નીચે દેખાતા ભૂ-ભાગ જેવુ આખું દ્રશ્ય લાગી રહ્યું હતું. ઢળતા સૂરજના નારંગી રંગના પ્રકાશની આભા સનસેટ પોઈન્ટ ઉપર એકઠા થયેલા પ્રવાસીઓના ચહેરાઓ પર લીંપાઈ ગઈ હતી. નજર સામે ફેલાયેલા મેદાન અને ક્ષિતિજ સુંધીના ધૂંધળા આકાશની વચ્ચે ઝીલમિલાતો, સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહ્યો હતો. ક્ષિતિજે અસ્ત થવાને બદલે અહી સૂર્ય એક ઝળહળતો ભ્રમ પેદા કરી, તિલસ્મી રીતે અદ્રશ્ય થઈ ગયો. આકાશમાં હજુ ઓગળેલા સૂરજનું ઝાંખું થઈ રહેલું તેજ જોઈ શકાતું હતું. પ્રવાસીઓ ધીરે ધીરે ઉઠી રહ્યા હતાં. નિશાંતનું અચાનક ધ્યાન ગયું નિશા ગોઠણ ઉપર હડપચી ગોઠવી દૂર ક્ષિતિજ સામે જોઈ રહી હતી. એણે પુછ્યું, “ચાલશું નિશા?”

નિશાએ ગોઠણ ખોલી પગોને સામે જમીન પર ફેલાવી, શરીરને રિલેક્સ કરવા બંને હાથોને પીઠ પાછળ જમીન ઉપર ટેકવ્યા. નજર હજુ દૂર ક્ષિતિજમાં કશુંક શોધતી હોય એમ જોઈ રહી. અંધારુ આસપાસ ઝડપથી ઉતરી રહ્યું હતું. નિશાએ કશું સાંભળ્યું ન હોય એમ સ્વગત બોલી, “સૂર્યને અસ્ત થતો જોયા પછી શા માટે મન ઉદાસ થઈ જાય છે?”

નિશાંતે ચિંતિત સ્વરે પુછ્યું, “તું ઉદાસ થઈ ગઈ! શા માટે?” પછી ઉમેર્યું – “હું તો દ્ર્શ્યની ઈન્દ્રજાળમાં ખોવાઈ ગયો હતો.”

નિશાએ ક્ષિતિજ તરફથી નજર ફેરવી નિશાંતની આંખોમાં જોઈ કહ્યું, “હું પણ ખોવાઈ ગઈ હતી, પણ દ્રશ્યથી આપણે અલગ હતાં એવી સમજ મનને ઉદાસ કરી જતી હશે કદાચ.”

“તું દાર્શનિક જેમ બોલી રહી છે.” નિશાંત આગળ કહેવા જતો હતો કે સૂર્યાસ્ત જોયા પછી ભાગ્યેજ કોઈ ઉદાસીની વાત કરતું હશે તે પણ હનીમૂન કરવા ગયેલ કપલ. પણ એ કહી ન શક્યો કારણ એણે અનુભવ્યું અંધકારમાં નિશા નજીક આવી, ગળા ફરતે નિશાના હાથો વીંટળાયા. નિશાંત કશું બોલ્યા વગર બેસી રહ્યો. નિશાએ એની છાતીમાં માથું છુપાવી કહ્યું, “સાંજ ઢળતા સૌ પોતાના ઘરે પાછા ફરે છે, આપણે પણ પાછા ફરીશું. આવી સભર ક્ષણો છોડીને? નિશાંત.. મને ડર લાગી રહ્યો છે, ફરીથી આ રીતે સાથે....”

નિશાંત સમજી શક્યો નહીં. શું થઈ ગયું નિશાને, એણે પ્રશ્ન કરવાનું ટાળ્યું. અંધારું જામી ચૂક્યું હતું, કોઈ કોઈ યુગલના ઓળા દેખાઈ જતાં હતાં.વાતાવરણની શાંતિ ડહોળતું કોઈ કારનું હોર્ન પડઘાઈ ગયું. પહાડના વળાંક કારની હેડ લાઈટમાં ઝબકીને અદ્રશ્ય થઈ ગયા. એણે ધીરેથી નિશાને ઊભી કરી. નીચે ઉતરી રોડ પાસે પાર્ક કરેલી જીપમાં બેઉ ચૂપચાપ ગોઠવાયા. ચાલતી જીપમાં ઠંડક વધારે લાગી રહી હતી. નિશા એનો હાથ પકડી રાખી હોટેલ પહોંચતા સુધી ચૂપ બેસી રહી.

“તને કોઈથી પ્રેમ થયેલો? પહેલા પ્રેમ જેવું કંઈ?” બીજા દિવસે આબુના જૈન મંદિરો જોતાં જોતાં નિશાએ પૂછ્યું.

નિશાંત એક ક્ષણ સહમી ગયો તેનાથી કહેવાઈ ગયું. “નિશા તને જૈન મંદિરોમાં પણ પ્રેમના વિચારો આવે છે?”

“તસ્કરીના માલનો અંધારામાં ભાગ કરતાં ચોર જેમ બગીચાના ખૂણામાં પ્રેમાલાપ કરવાં કરતાં, માણસ પ્રેમ વિષે મંદિરમાં ચિંતન કરે એ જરૂરી છે. તને નથી લાગતું એ માટે જ કોનાર્કનું સૂર્ય મંદિર હજી જાળવી રખાયું છે?” નિશાનો જરા ઊંચા સ્વરે આવેલો ઉત્તર મંદિરની શાંતિ ખળભળાવી ગયો.

નિશાંતને ખબર હતી, પ્રશ્ન જેવોજ નિશાનો જવાબ વિચિત્ર હોવાનો. એને ખોવાયેલો જોઈ નિશા બોલી ઉઠી, “પ્રેમ થયેલો કે નહિ એ કહેવામાં પણ વિચારે છે, તો જરૂર તને કોઈથી પ્રેમ થયો હોવો જોઈએ.”

“નહીં... હું કોનાર્કના મંદિરમાં ચિંતન કરવા અંગેની સંભાવના અંગે વિચારતો હતો.”  

નિશા એની ધૂનમાં બોલી ગઈ, “વિચાર કરીને સબંધ બંધાય, મનની સીમા પૂરી થાય ત્યાંથી કદાચ પ્રેમનો માર્ગ શરૂ થતો હશે.”

નિશાંત જરા વિચારીને સ્વગત બોલતો હોય એમ બોલી ગયો - “પ્રેમ જેવી ઘટના, પ્રથમ મનમાં જ ઘટવાની ને?”

નિશાએ મંદિરના ઘુમ્મટની કોતરણીઓ તરફ જોતાં કહ્યું, “પથ્થરને પણ એક ચોક્કસ આકાર આપવાથી શિલ્પ ઉભરે છે, જે પથ્થરમાં જ સમાયેલુ ન હતું?” પછી નિશાંતનો હાથ પકડી ઉમેર્યું - “પ્રેમનું પણ એવુ જ છે, વિચારોનો કોલાહલ શાંત થયા પછી મન-સરોવરના શાંત જળમાં કોઈ આકૃતિ સ્પષ્ટ થાય છે, પછી એ ભૂંસાતી નથી. તું શું માને છે?”

નિશાંત વિચારોને ક્રમમાં રજૂ કરતો હોય એમ બોલ્યો, “નિશા, પ્રેમ એ કદાચ વરસાદ પછી આકાશમાં દેખાઈ જતાં ઈન્દ્રધનુષ જેવી ઘટના છે! વાસ્તવમાં એ હોતું નથી, છતાં એને જોવા માટે આંખ હોવી જરૂરી છે. સૂર્યનું કિરણ પાણીના બુંદોમાંથી પસાર થઈ એક ચોક્કસ કોણ રચી આપણી આંખો સાથે અનુસંધાન મેળવે છે... અને ઈન્દ્રધનુષ રચાય છે!”

નિશા ખુશ થઈ નિશાંતને ભેટી પડતાં બોલી-

“આહ...શું કલ્પના..! તે કહ્યું એમજ હશે કદાચ, પ્રેમ એક ઈલ્યુઝન હશે, ફેન્ટાસ્ટિક નિશાંત..!”

નિશાને હળવેથી પોતાથી અલગ કરી ક્ષોભ સાથે એણે કહ્યું, “નિશા આપણે હિલ -સ્ટેશન પર ખરા, પરંતુ અત્યારે જૈન મંદિરમાં છીએ.પ્રેમ જો ઈલ્યુઝન છે તો શું એ આટલી ખુશ થવાની બાબત છે?”

”મને દંભ ફાવતો નથી, મંદિરોમાં પવિત્રતા જાળવી રાખવાનો દંભ. માણસ પગરખાં બહાર ઉતારી, મનની ગંદકી સાથે મંદિરોમાં પ્રવેશી શકે છે. મંદિરમાં જ પવિત્રતા રાખવાની સભાનતા કેમ?” જરા શ્વાસ લઈ એ ફરી બોલી ઉઠી.

“એક મનુષ્ય બીજા મનુષ્યને મંદિરમાં ભેટી પણ શકે નહિ? મનુષ્યમાં પણ સ્ત્રી કે પુરુષ દેખાઈ જાય, એ પણ મંદિરમાં? એના માટે કયું ઈલ્યુઝન જવાબદાર છે નિશાંત?!” 

આ વિચારોએ જગાવેલા મંથનમાં નિશાંત કેટલીય ક્ષણો નિશાને જોયા વિના તાકી રહ્યો. નિશાનું ધ્યાન જતાં તેણે નિશાંતના બંને હાથની હથેળીઓ દબાવતાં કહ્યું, “તારી આ ખોવાઈ જવાની આદતથી મને ડર લાગે છે, તું મને પણ એક દિવસ ખોઈ બેસીસ!”

હોસ્પિટલના બેડ પર કોઈ નિશાંતનો હાથ હલાવી કહી રહ્યું હતું, “તમે બહુ સુઈ રહો છો, પછી રાત્રે આરામ કરતાં નથી. ઈન્જેક્શન આપવાનો સમય થયો છે જાગો.”

તેણે આંખો ખોલી જોયું તો સામે રાતની ડ્યુટી કરતી નર્સ સિરીંજ તૈયાર કરી રહી હતી. નિશાંતે ફરીને આંખો બંધ કરી, બંધ આંખોમાં યાદની ઝીણી ઝીણી કરચો ખૂંચતી રહી હનીમૂન-આબુ-ધુમ્મસી આકારના નિશાના સ્વરૂપો.... સનગ્લાસિસ પહેરીને બોટિંગ કરતી, ખડખડાટ હસતી, સનસેટ પોઈન્ટ પર ઉદાસ થઈ ક્ષિતિજમાં તાકી રહેલી, જૈન મંદિરમાં ખુશ થઈ ભેટી ગયેલી..... અને વાદળો પાછળ છુપાઈ કહી રહી હતી – મારી આંખોમાં તું શોધી શકશે આપણે સાથે જીવ્યા હતા એ ક્ષણોને?.

હિલ-સ્ટેશનથી પાછા ફરતી વખતે કારને એક્સિડેંટ થઈ ગયો. બીજે દિવસે નિશાનું મૃત શરીર મળ્યું, થોડું ખવાઈ ગયેલું. આનંદે અગ્નિદાહ આપ્યો, ગઈ રાત્રે નિશાંતને ભાન આવ્યું. અંતિમ વિદાય આપવા સ્મશાન સુધી પણ જઈ શકાયું નહીં, એ ખયાલ છાતીમાં ખૂંપેલા તીરની વેદના આપી રહ્યો હતો. એની આંખોમાંથી ઊભરાયેલા આંસુ ગાલ પરથી રેલાઈને તકીયામાં પ્રસરી ગયા. નિશાનો ચહેરો, તગતગતી આંખોમાં ડોકાઈ પૂછી રહ્યો હતો. “તને કોઈથી પ્રેમ થયેલો? પહેલા પ્રેમ જેવું કંઈ?”


Rate this content
Log in

Similar gujarati story from Fantasy