Nandkishor Vaishnav

Abstract Others

2.5  

Nandkishor Vaishnav

Abstract Others

અલ્પા નામની એક છોકરી !!

અલ્પા નામની એક છોકરી !!

4 mins
7.1K


શ્રીકાંત શુક્લનું નામ હાલમાં ચર્ચામાં રહેલ છે. એક પ્રમાણિક, નિષ્ઠાવાન અને કર્મીષ્ઠ એવા સનંદી અધિકારી - સુરત, રાજકોટ અને હવે અહીં ભાવનગર ખાતે બદલી થઈ અને હજૂ બે-ત્રણ અઠવાડિયા જ થયા, ત્યાં વહીવટીકાર્યમાં વાવાઝોડું ફેલાવી દીધું. શિસ્ત, સેવા અને પ્રગતિ જ તેમના જીવનનો મંત્ર છે, અને કર્મચારીઓમાં પણ તેની કડક અમલવારી કરતા. એવી આ વિરલ વ્યક્તિ - શ્રીકાંત શુક્લ. તેમનો શાંત સ્વભાવ, શરીર કૃશ, પણ સબળ વ્યક્તિત્વ ધરાવતી આ વ્યક્તિનો ગુસ્સો, આજે પહેલી વખત જ જોવા મળ્યો - અરે ! અનુભવ્યો. તે પણ તેમની પત્નિ ઉપર જ !!

“માધવીને દરેક વખતે કહ્યું છે કે, સામાન પેક કરતી વખતે મગજ સ્થિર રાખે. ક્યારેક દાંતિયો ભૂલી જાય, તો ક્યારેક ટૂથપેસ્ટ કે બ્રશ...ધ્યાન-બેધ્યાન રહેવું તે કંઇ જીવવાની રીત છે ?” શ્રીકાંત શુક્લ આજે સવારના પહોરમાં બધો જ સામાન ખોલી અને બેઠા હતા. હજુ બે-ત્રણ અઠવાડિયા તેમને અહી કમિશ્નર તરીકે ચાર્જ મળ્યાને થયા હતા. આજે સવારથી જ તેમનુ માથુ દુઃખતુ હતું. તેઓ બામની શીશી શોધી રહ્યા હતાં.

“સર, આપને શું જોઇએ છે ? ટૂથપેસ્ટ લાવી દઉં ?” મે તેમને અચકાતાં - અચકાતાં જ પૂછ્યું.

હું અહી સર્કીટ હાઉસમાં છેલ્લા વીસ વર્ષોથી મેનેજરના હોદ્દા ઉપર કામ કરૂં છું. અહી દરરોજ જુદી-જુદી પ્રક્રુતિના અધિકારીઓ આવે છે, તેમાં કોઇક વખત કડવા અનુભવો પણ થાય છે, તો ક્યારેક સારાં. પરંતુ આ શ્રીકાંત શુક્લ એક અજીબ - શી વ્યક્તિ છે, જેણે થોડા જ સમયમાં મારૂ મન જીતી લીધું.

“ના, મનુભાઇ ગઇકાલ રાતથી જ મારૂં માથું સખત દુઃખી રહ્યું છે. સવારના વિચાર્યુ કે, બામ લગાવી અને થોડીક વાર નીંદર કરી લઉં તો ફ્રેશ થઇ જાઉં.”

“બજારમાંથી લઇ અને હમણાં જ, સર, તમોને આપી જાઉં છું.” મે ઉભા-ઉભા કહ્યું.

“અરે ભાઇ ! એવી તકલીફ લેવાની જરૂર નથી. હમણાં ચા - નાસ્તો કરી, તૈયાર થઇ અને ઓફીસ જઇશ એટલે પ્રવ્રુતિઓમાં સર્વસ્વ ભૂલાઇ જશે. પરંતુ, હા, માધવીનો સ્વભાવ હવે ઘણો જ ભૂલકણો થઇ ગયો છે.” મે વાતોને અન્યત્ર વાળવા ઘણો જ પ્રયત્ન કર્યો પરંતુ શુકલ સાહેબ ફરી તે જ વાતો ઉપર આવી ગયા.

“હશે, સર ! લેડીઝને ઘણા કામ હોય ત્યારે એકાદ કામ ભુલાઇ જાય. અહી રહો ત્યાં સુધી કોઇપણ જરૂરિયાત હોય તો મને ફોનમાં કહી દેશો. ગુસ્સાથી સર, ક્યારેક વધારે તકલીફો ઉભી થઇ જાય છે.” મે કહ્યું.

“મનુભાઇ, ગુસ્સો તો છેલ્લા ઘણા દિવસથી રોજ આ રૂમમાં આવું છું, ત્યારે સતત મને આવે છે. આ બારીની સામે જે ફ્લેટ છે, તે કોનો છે ?”

“સર, ત્યાં સરકારી ક્વાર્ટર્સ છે અને અહીં સામેના ફ્લેટમાં મિ.ત્રિવેદી ડેપ્યુટી મામલતદાર રહે છે. તમોને કોઇ તકલીફ પડી ? તે ઘણાં જ ભલા માણસ છે.” હું થોડો ગુંચવાઇ ગયો.

“અરે ! આખો દિવસ ટી.વી. ચાલુ રાખે છે - તે પણ મોટા અવાજથી. મારે તો ગઇકાલ રાતથી તે બારી જ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. સતત - સતત મગજ ઉપર ઘણની જેમ વાગ્યા કરે છે. કોઇ સીવીક સેન્સ જ નથી. એટ્લીસ્ટ આજુબાજુ રહેનારી વ્યક્તિઓનો તો વિચાર કરવો જોઇએ ને ! વળી, આજુબાજુના રહેવાસીઓ આવી હરકતો કેમ ટોલરેટ કરે છે ?” શુક્લ સાહેબ ગુસ્સામાં સતત બોલી ગયાં.

“સર, આ હકીકત પાછળ એક મહત્વનું કારણ છે.” મારી વાત વચ્ચે જ અટકાવી અને શુક્લ સાહેબ તાડૂકી ઉઠ્યા... “કારણ ! શાનું કારણ ?”

“સર, તે મહત્વના કારણથી જ લોકો આ બધું જ ટોલરેટ કરે છે. ત્રિવેદી સાહેબને ત્રણ બાળકો છે. જેમાંથી નાની છોકરી જન્મી ત્યારથી જ બહેરી - મૂંગી છે. તે છોકરીના આનંદ માટે જ તેમણે ખાસ ટી.વી. વસાવ્યુ છે. સવારથી તે ટી.વી. ચાલુ કરે છે. અને તે જોયા કરે છે. તે સાંભળી શકતી નથી. પરંતુ તે માત્ર આશ્વાસન માટે જ ટી.વી. લાઉડ રાખે છે. !”

“અરર..ર..ર.. સોરી..” શુકલ સાહેબથી એક નિઃશ્વાસ નંખાઇ ગયો. “મનુભાઇ, મારે પણ ત્રણ દીકરીઓ છે. અને, તેમાં પણ સૌથી નાની દીકરી બહેરી - મૂંગી છે ! - અલ્પા. મારે પહેલી બે દીકરીઓ પછી ત્રીજી ડીલીવરી સમયે, જ્યારે મે મારા વાઇફને ડોકટરને બતાવ્યું ત્યારે સીઝેરીયન કરાવવાનુ કહ્યું. અને...અને...તમે માનશો ? કોઇપણ કારણોસર આમ બની ગયું. તે જન્મી ત્યારે ખ્યાલ આવ્યો નહી, પણ સમયાંતરે અમોને ખ્યાલ આવી ગયો - તે બહેરી અને મૂંગી હતી. મનુભાઇ - સોરી, આઇ એમ વેરી સોરી !” શુક્લ સાહેબ શૂન્યમનસ્ક થઇ ગયાં. બંધ બારી તરફ જોઇ રહ્યાં. આખા રૂમમાં બોઝીલ - શું વાતાવરણ છવાઇ ગયું.

“મનુભાઇ, ત્રિવેદીની તે બેબીનું નામ શું છે ?”

“સર, ત્રિવેદી સાહેબની તે બેબીનું નામ પણ અલ્પા છે.”

“તેનુ નામ પણ....” શુકલ સાહેબ આગળ કશું જ બોલી શક્યા નહીં. બે બુંદ- આંસુના, તેમની આંખોમાં બાઝી ગયાં હતાં...


Rate this content
Log in

Similar gujarati story from Abstract