અધીર અમદાવાદીને એક વ્યંગ પત્ર
અધીર અમદાવાદીને એક વ્યંગ પત્ર
શ્રી -અધીર અમદાવાદી,
હાસ્ય લેખકને એક વ્યંગપત્ર (ભદ્રં ભદ્ર -શૈલીમાં)
હે, હાસ્યાચાર્ય ..કૃપાપ્રધાન હો !! (હાસ્ય લેખ )
આદરણીય બંધુ - જય મા ગુર્જરી,
મોહમયી મોદીના સિંગાપુર -કર્ણાવતી મુકામે આપ બિરાજમાન થઈને જગતમાં હાસ્યનો ડંકો વગાડો છો ત્યારે પૂર્વજોસ્વર્ગ કે નર્કમાં જયાં કોઈપણ યોનનીમાં -;વિચલિત સ્થાઈ ભટકેલ હોય તે અવસ્થામાં પણ જરૂર સીધા ચશ્માના કાચમાંથી ખંધુ સ્મિત જરૂર વહેતુ કરતા હશે. કારણ કે આજના દુરધ્વનિ-વીજાણુ યુગમાં - નેટ વર્ક સમસ્યાથી -મોબાઈલ દેવ અને ગૂગલ મહારાજ પોતાના બ્લોક -લિંક કે મુખારવિંદ પુસ્તક (ફેસબૂક )દ્વારા સંપર્ક કરી શકતા નથી ; તેથી કાલે મારા શયન ખંડમાં નિદ્રા દેવી સાથ મારી પોઢણ વેળાએ આપૂર્વજ હાસ્યસુરીઓએ મને દર્શન આપી ભાવ વિભોર કરીને મારી જર્જરિત કાયા ને હચમચાવી મને અધીર અમદાવાદી, મોદી સિંગાપૂરિયાં - કર્ણાવતી - કલમ ધારક શ્રીને સંદેશો પહોંચાડવા પસંદ કરી દૂતકાર્ય કરવા મજબુર કર્યો અને તેના ફળસ્વરૂપ હું વયસ્ક વયે, ધ્રૂજતી અંગુલીઓ અને કાપ વાઢ કેન્દ્રના નેત્રાલય - નેત્ર બિંદુ -ચિકિત્સાલીધા બાદ સાંગોપાર બહાર નીકળી મેળવેલા પ્રમાણપત્ર આધારિત આવેલા, અંકના -તૈયાર કરાવેલા ચશ્મામાંથી ખુબ ધ્યાન પૂર્વક - બુદ્ધિ ચક્રો ગતિમાન કરી મેં આ પ્રયાસ -આધુનિક ધોળીદાસ બની -વીજાણુ વાદળ થકી -મારા ધબકતા હૃદયના સંગીત સાથે સંદેશ વહેતો કરવાની ચેષ્ઠા સાથે કર્યો છે.
આપના બહુ મૂલ્યસમયની ક્ષણોને - પૂર્વ મંજૂરી વિના હસ્તક્ષેપ કરી વિક્ષેપ દ્વારા ક્ષતિ પહોંચાડી છે ; તે બદ્દલ મને જે સજા કરવી હોય
તે મને માન્ય છે, હું અપરાધી છું માટે જાણી જોઈને -પરહિતાર્થે કરેલા ગુના માટે ઇચ્છિત દંડ આપી -યોગ્ય ન્યાય આપવાનું ધર્મ કાર્ય બજાવી મને ક્રૃતાર્થ કરશો. પૂર્વજ હાસ્યસુરીઓએ પોતાની ખુશીની ખાનગી વાત - મને દૂત બનાવી -વીર હનુમાન પુત્રની જેમ સંદેશ વાહક બનાવી - હર્ષોલાસ સાથે -આપની કલમ, કલા, કલ્પનાસાથેના સસ્મિત ધારક હાસ્ય આચાર્યને લાખ લાખ ઝાઝેરા જુહાર પાઠવ્યા છે. આકાશમાં વાયુ વેગે આપના મુદ્રણ હસ્તાક્ષર સમા - શ્વેત -ધવલ અને કયારેક રંગમાં - અર્વાચીન વર્તમાન નિઃશુલ્ક રીતે પ્રાપ્ત કરવામાં વીજાણુ વાહને અમે નિત્ય આભારી છીએ. અધીર હાસ્યાચાર્યના દર્શન કરી, મન મંદિરમાં આનંદ આરતી સાથે પ્રદક્ષિણા કરી પ્રસન્નભાવે અમૃત આચમન કરતા ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ. મુદ્રિત અક્ષરોના સાંન્નિધ્યથી, વિદ્યુત ઉપકરણના સહવાસ પ્રાપ્ત કરી શબ્દ લેખ -અક્ષર વાનગીના જે પ્રસાદરૂપી આશીર્વાદ ગ્રહણ કરતાં સહપરિવાર સામુહિક સત્સંગ કરવાના અભરખાઓની ભૂખ સાથે વિરમી ; પૂર્વજોએ આપેલા કામને પરિપૂર્ણ કરીએ છીએ.
હે, હાસ્યાચાર્ય આપશ્રીની પ્રેમ કૃપા આપના ભક્તગણને મોજ મસ્તી અને સહજ, સરળતાથી ઉપલબ્ધ થતી રહે તેવી માંકડમણી લાલચુ અંતરેચ્છા પરિપૂર્ણ થાય તેવી કળિયુગી અવિસ્મરણીય તજવીજ કરવા કૃપાદ્રષ્ટિ નેત્ર પ્રકાશ કિરણ અમ પર નિત્યદર્શન વેળાયે પ્રસારિત કરવા પ્રબંધ કરશો, જેથી બંન્ને પક્ષ -અમે પૂર્વસૂરિઓ અતુલ્યધન્યતા ગ્રહણ કરીએ. અમે મોક્ષ તરફના માર્ગે પ્રયાણ આદરવા શુભ મુરતની નોંધણી કરવા માટે પૂર્વ તૈયારી સંપન્ન કરી એ.અસ્તુ !
ભવોભવ હાસ્યાચાર્યનાં મુખારવિંદ દર્શન અભિલાષી,
લેખ પોથીવાચક.