Dharmesh Gandhi

Children Inspirational Others

3.6  

Dharmesh Gandhi

Children Inspirational Others

હાશકારો

હાશકારો

2 mins
15K


સવારથી જ મારી નજર એની આગળ-પાછળ ભમ્યા કરતી હતી. એ જરા વાર માટે ઓઝલ થતી તો મારી વ્યાકુળ નજર આમતેમ એને ફંફોસતી ભીંતે ઠોકાઈને પાછી વળતી.

આજે એણે જાતે જ પોતાના વાળ ઓળ્યા. માથામાં તેલ નાખી રિબિન ભરાવીને બે ચોટલીઓ ગૂંથી નાખી. ને પછી સ્કૂલ યુનિફોર્મ પહેર્યો. પોતાને તૈયાર કરતાં-કરતાં ઘરનું પરચૂરણ કામ પણ એ પતાવતી ગઈ. રાતનાં એંઠા અટવાતાં બે-ચાર વાસણો માંજી દીધાં. એક નાનકડી ઓરડીમાં કચરોયે કેટલો હોય ? – તોયે સાવરણી ફેરવી દીધી. હમણાં-હમણાંનો વેરવિખેર રહેતો ગણ્યો-ગાંઠ્યો સામાન એના ઠેકાણે ગોઠવી દઈને ઓરડીને ‘ઘર’ના છોગાં પહેરાવ્યાં. એની કાચી સમજણમાં જેટલું પેસી શકે એ લગભગ બધું એણે કર્યું.

ગઈ દિવાળી પર પણ એ આમ જ વહેલી સવારે ઊઠી ગઈ હતી !

ભણવા, રમવા અને આરામથી ઊઠવાની ઉંમરમાં એ સવાર-સવારમાં જ પોતે તૈયાર થઈ ગઈ. ઘર સાફસૂથરું કરીને, સ્કૂલ-યુનિફોર્મ ચઢાવીને એનાં પિતા પાસે ગઈ. પિતા લાચાર નજરે જોઈ રહ્યા, પણ એને ક્યાં લાગણીશીલ બનવાનું પરવડે એમ હતું ! નાનકડો લંબગોળ ચહેરો સ્થિર રાખીને મોટી-મોટી આંખોમાં મક્કમતા આંજી રાખી. નાજુક હાથોની પાતળી-કુમળી આંગળીઓથી એણે એલ્યુમિનિયમનો ડબ્બો ઊઘાડ્યો. કચરા-પોતાં કરીને ઘરને સંભાળતી આદર્શ ગૃહિણીમાંથી એ હવે એક નર્સ બની ગઈ. ડબ્બામાંથી દવાઓ કાઢી-કાઢીને પિતાના મોંમાં મૂકતી ગઈ. પિતા પણ આજ્ઞાંકિત દર્દીની જેમ એનાં હુકમોને તાબે થઈ રહ્યા હતા.

પછી હળવેથી પિતાના કપાળે હાથ ફેરવ્યો - હવે એ એનાં લાડકા પિતાની માસૂમ પુત્રી હતી, બોલી – ‘તમારી આ ઢીંગલી મોટી થઈ ગઈ છે, બાપુ. બિલકુલ ચિંતા ન કરો, સાચવી લઈશ – ઘરને પણ, ને મમ્મીને પણ...'

હું તો સિલાઈકામ કરતાં-કરતાં બસ તાકી જ રહી. પાસ-પડોશના ઢગલેબંધ કપડાં પડ્યાં હતાં. એનાં બીમાર પિતાએ એક ભીની નજર મારી પર, પછી મારાં ઉપસેલાં પેટ પર નાખી. મેં ફરી એકવાર સોય-દોરામાં મન પરોવવા માટે મથામણ કરી. પછી એમણે તો આંખો મીંચી દીધી. એક ઊંડી ઊંઘમાં સરી પડ્યા. છેલ્લે-છેલ્લે એમની આંખોમાં એક અનોખો હાશકારો જોવાયો હતો. ચહેરા પર સંતોષ લઈને એમણે પડખું ફેરવ્યું, પછી ન તો એ બિડાયેલી આંખો ખૂલી, કે ન તો ક્યારેય એ ફેરવાયેલું પડખું સવળું થયું !

'લે મા, આ દવા પી લે...' - મારી અતીતયાત્રા અટકી પડી. એણે મને કોમળ સહારો આપીને ચોળાયેલી રહેતી પથારીમાં બેઠી કરી. ભીનું થઈ રહેલું ઓશીકું મારી પીઠ પાછળ મૂક્યું, ને એલ્યુમિનિયમના ડબ્બામાંથી દવા કાઢીને મારાં મોંમાં મૂકતાં એ આગળ બોલી, '...ઓપરેશન પહેલાં આ દવા પીવી જરૂરી છે, મા... ડૉક્ટરે ખાસ સૂચના આપી છે.'

મારા ચહેરા પર છવાયેલો વિષાદ ત્યારે પૂરેપૂરો ઓગળવા માંડ્યો જયારે મારાં કપાળે હાથ પસવારતાં એણે કહ્યું, 'તારી ઢીંગલી હવે મોટી થઈ ગઈ છે, મા... બિલકુલ ચિંતા ન કર, સાચવી લઈશ – ઘરને પણ, ને નાનકાને પણ...'

એક ભીની નજર મેં બારસાખ સાથે બંધાયેલાં લૂગડાંમાં ઝૂલતા નાનકા તરફ નાખી, ને બીજી નજર સોયનાં કાણામાં દોરો પરોવવા મથતી એ નાજુક આંગળીઓ પર... મારી આંખોમાં એક અનોખો હાશકારો છવાયો. મેં આંખો મીંચી દીધી, ને ચહેરા પર સંતોષ લીંપીને પડખું ફેરવ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Children