Dharmesh Gandhi

Crime Inspirational

3  

Dharmesh Gandhi

Crime Inspirational

પહાડ જેવો

પહાડ જેવો

3 mins
14.2K


‘માણસ તો એ પહાડ જેવો, પહેલેથી જ...!’

‘એમ?’

‘ત્યારે શું... પણ હવે વાત તો શું કરવી એની ?’

‘પણ તોય...’

‘આમ તો એ એકલો જ રહેતો, પહેલેથી જ. આગળ ઉલાળ નહીં, પાછળ ધરાળ નહીં !'

‘કેમ ? કોઈ આગળ-પાછળ...’

‘ભાઈ, ગામમાં એ જ્યારે પહેલી વાર દેખાયેલો ત્યારે રસ્તા પરનો કચરો વાળતો હતો. બસ, એમ કચરાના ખોળે મોટો થતો ગયો. ઉંમરલાયક તો થયો, પણ લગ્નલાયક ક્યારેય ના થયો. એમ તો જો કે માણસ પાછો ખડતલ, પણ લગ્ન એ કોઈ અખાડાની રમત ઓછી છે કે કોઈ છોકરી એનું પહાડી શરીર જોઈને મોહી પડે ! ન તો એ દેખાવે રૂપાળો કે ન તો એની પાસે કોઈ મોટી જમા પૂંજી, એટલે કુંવારો જ દિવસો કાઢતો. પણ માણસ જબરો બહાદુર, પહેલેથી જ !’

‘એકવાર સીમમાંથી એક ભૂખ્યો દીપડો ગામમાં ધૂસી આવ્યો. પેલી કમ્પાઉન્ડ વગરની શાળા છે ને, એનાં ચોગાનમાં નાના છોકરાઓ રમત રમે, ને દીપડો તો લાળ ટપકાવતો એકાદને કોળિયો કરવાની તૈયારીમાં. ત્યાં આ તો કચરો વાળવામાં તલ્લીન.’

‘ઓ બાપ રે... પછી ?’

‘સહુ કોઈ થરથર કાંપે, પણ બિરજુ વળી કંઈ એમ ગાંજ્યો જાય ? દોડ્યો એ તો, ને ચટ્ટાનની જેમ દીપડા અને પેલા બાળકોની વચ્ચે ઊભો રહી ગયો ! હવે જનાવરને મન તો બિરજુ કોણ ને નાનું બાળક કોણ. તરાપ મારી; બાથમબાથી પર આવી ગયા બંને બળિયાઓ. દીપડાએ તો પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડ્યું, ને બચકું ભરીને આના જમણા હાથમાંથી માંસનો લોચો ખેંચી કાઢ્યો. તોયે આ મારો બેટો દીપડાને ગાંઠે નહીં ગાંઠે.’

'બહુ લોહી નીકળ્યું હશે, નહીં ?'

'અરે લોહીના ફુવારા ઉડયા!'

‘તે વહેતું લોહી જોઈને ચક્કર નહીં આવ્યા એને ?’

‘ચક્કર તો આવ્યા જ ને, પણ બિરજુને નહીં, દીપડાને! આણે તો એના ડાબા હાથની બે આંગળીઓ દીપડાની આંખમાં ઘોંચી ઘાલી. દીપડાની પકડ ઢીલી પડતી ગઈ. ને આખરે, જીવ લેવા આવેલું હિંસક જનાવર પોતાનો જ જીવ લઈને જો કંઈ નાઠું છે, કંઈ નાઠું છે !'

‘એ હારુ ગજબ કહેવાય !’

‘ને એ પાછો ગામમાં રસ્તા પરનો જ કચરો નહોતો કાઢતો, એકલી આવતી-જતી ગામની વહુ-દીકરીઓને હેરાન કરનારા અમુક નફ્ફટિયાઓનો પણ એકલે હાથે જ ખુરદો બોલાવી દેતો. માણસ જબરો ઝનૂની, પહેલેથી જ. પાછો મને કહેતોયે ખરો, “બાપુ, આજે તો ચાર વીંઘા કચરો સાફ કર્યો.” ને ખી-ખી કરીને ખિખિયાટા ભરતો.’

‘ચાર વીંઘા?’

‘અરે, એક વીંઘુ એટલે બૈરાઓની છેડતી કરવાવાળો એક નફ્ફટિયો.’

‘ઓત્તેરી, એવું !’

‘એમ ને એમ એક દા’ડો ઉકરડે કચરો ફેંકતાં એની નજર એક મેલાં-ઘેલાં ગંધાતા પોટલા પર પડી. પોટલાની ગાંઠ ઉકેલીને જોયું તો...'

'જોયું તો...?'

'જોયું તો અંદર એક નવજાત બાળકી ! કીચડમાં કમળ ખીલેલું. આ તે વળી જોયા કરે કંઈ ? ઝટ દઈને બાળકીને ઉપાડીને દોડ્યો એ તો સરકારી દવાખાને. એની સારવાર કરાવી, ને બચાવી લીધી. પછી વખતે વખતે પોલીસ મારફતે તપાસેય કરાવી, પણ ફળ ખાઈને ઠળિયો થૂંકી જનારનો પત્તો ન તે ન જ લાગ્યો.’

‘ઓહહ... પછી, બાપુ ?’

‘એમેય આ બિરજુનું પોતાનું કહેવાય એવું એક કચરો કાઢવાનું ઝાડુ સિવાય હતું જ કોણ ? કોઈની ઐયાશીનું પરિણામ જેવી એ બાળકીને એણે તો અપનાવી લીધી, ને મોટીયે કરી. આને માટે તો કાળાં અક્ષર ભેંસ બરાબર ! તોયે છોકરીને એણે થોડું-ઘણું ભણાવીયે ખરી. પેટે પાટા બાંધીને પોતાના ભાગનું એને જમાડતો, ને પોતાનું ગાદલું સૂવા આપતો. એનો એક હાથ તો દીપડો ચાવી ગયેલો, એટલે બીજું કોઈ મોટું કામ થતું નહીં. લોકો પાસે માગી-કરીને લાવેલું છોકરીને ખવડાવતો. એક હાથેય ઢીંગલીને એ હાથ પર ને હાથ પર રાખતો, ને રામાડતો રહેતો. માણસ શરીરે મજબૂત, પણ મનથી સાવ પોચો, પહેલેથી જ...!’

‘તો આમ, અચાનક...’

‘એ જ તો... એક સાંજે એની ખોલીએ પાછો વળ્યો. લાકડાના ફાટિયામાં એણે એક ચિઠ્ઠી ભાળી. ઉછીના-પાછીના કરીને દીકરીને ચાર ચોપડી ભણાવેલી, તો આ બિરજુનેય બે શબ્દો વાંચતાં લખતા શીખવતી રહેતી. ગાંડુ-ગબડુ વાંચ્યું એણે તો. લખી ગયેલી કે – “શબનમ સાથે જાઉં છું, હંમેશા માટે. આખી જિંદગી મારે કચરામાં નથી કાઢવી. મને શોધશો મા...”

‘અરે... રે... રે...!’

'ભાઈ, આંગળીથી નખ વેગળા એટલા વેગળા!'

'બીજું શું; એની દુખતી રગ દબાઈ ગઈ !'

‘ત્યારે વળી...! જાત ઘસીને આમ સોળ વરસની કરી એ ઢીંગલી આમ હૃદય પર પહાડ જેવડો ભાર મે’લી દે તો માણસ ખમી શકે ? બાકી આ બિરજુ માણસ તો પહાડ જેવો, પહેલેથી જ ! હૈયું બાળવું એના કરતા હાથ બાળવા સારા!'

'હેં...?'

‘એય ચાલો ચાલો, હટો જોઉં બાજુ પર... મડદું નથી જોયું શું ?'

‘હા, હા, ઉપાડો હવે...’

‘સગાં-વ્હાલાં કે આગળ-પાછળ તો કોઈ છે નહીં એનું કે રાહ જોઈએ!’

‘એ હા ભાઈ... રામ બોલો ભાઈ રામ.’


Rate this content
Log in

Similar gujarati story from Crime