Manoj Joshi

Romance

4  

Manoj Joshi

Romance

હદય બંધન

હદય બંધન

5 mins
437


પ્રિયા,

તને કશાએ વિશેષણ વિના, માત્ર તારા નામથી જ ઉદબોધું છું. કારણ કે જો વિશેષણ લગાડવાબેસીશ તો પત્ર કદી પૂરો જ નહીં થાય અને વળી હવે એવું ય અનુભવાય છે કે તું બધાં જ વિશેષણોથી પર છે.


એ પણ એક સમય હતો, જ્યારે આપણી વચ્ચે પલ ભરની ભૌતિક દૂરી પણ સહ્ય ન હતી. આ પણ એક સમય છે, જ્યારે આપણી વચ્ચે માઇલોનીદૂરી છે અને તે કાયમી છે ! તો ય જાણે તારા જેટલું નજીક મારું કોઈ નથી ! એ સમયે આપણે એક બીજાની દ્રષ્ટિથી ઓઝલ રહેવાની કલ્પના માત્રથી દુઃખી થતાં એટલે શક્ય તેટલો સમય સાથે રહેતાં. સૌની ઉપસ્થિતિમાં કેવળ આંખોથી અમૃત વરસતું રહેતું- એ આપણાં "નેત્રલગ્ન" હતાં. પરિવારના મેળાવચ્ચેથી એકાંત ચોરી લઈને આપણે આલિંગનબદ્ધ થઇ જઈએ, ત્યારે નેત્રોબીડાઇ જતાં, ને હોઠ પર હોઠ ભીડાઈ જતા.


ભાગવતજીમાં હોઠોના મિલનથી પ્રાપ્ત થતા પરમાનંદને 'ઓષ્ઠામૃત' કહ્યું છે ! આપણે દિનદિશાનું ભાન ભૂલીને, એ અમૃતનાંપાનમાં મગ્ન થઈ જતાં- એ આપણા "ઓષ્ઠલગ્ન”હતાં ! સંધ્યા ઢળી જાય ત્યારે હું મિત્રો સાથે બેઠકના બહાને અને તું ટ્યુશનના બહાને ઘેરથી નીકળી જઈને, આપણાં નિશ્ચિત મિલન સ્થાને પહોંચી જતાં. ત્યારે આપણી વચ્ચેનાં બધા જ આવરણોનેઉચ્છેદીને આપણા તન-મન એક થઈ જતાં. આપણાં હૈયાની ધડકન અને આપણા શ્વાસના લય એક બીજામાં ભળીને મધુર મૌન સંગીત રચતારહેતા. આપણા બે દેહ વચ્ચે જાણે આત્મા એક જ ! તેથી દેહ અલગ ન રહી શકે એટલે પરસ્પર વિલય પામવાની ઇચ્છા હોય એમ સંમિલિત થઇ જતાં- તે આપણાં "દેહ લગ્ન" હતાં !


આપણી વચ્ચે ગજબની ટેલીપથી હોય જ! મોબાઈલ ત્યારે હતા નહીં, અને તેની જરૂર પણ ન હતી. કારણકે આપણા બન્નેના મનની વેવલેન્થ સરખી હતી. આપણા વિચારોનું અદભૂત ટ્યુનિંગ હતું. મારા પક્ષે પ્રાગટ્ય રહેતું અને તારા પક્ષે સ્વીકાર! શબ્દની પરિભાષાની આપણે જરૂર જ ઓછી પડતી. મનોનાદ ની ભાષા આપણે આત્મસાત્ કરી લીધી હતી તે આપણાં "મનોલગ્ન" હતાં!


હા, સૌ પ્રથમ તો આપણે "હદય લગ્ન"થી જોડાઈ ગયા હતા. પહેલીવાર મળ્યા અને જાણે ભવભવથી વિખુટા પડી ગયેલાં હૈયાએ એકબીજાંને ઓળખી લીધાં ! જન્મોની ઓળખાણ તાજી થઇ ને 'ફરી ક્યારેય અલગ થવું નથી' - તેવા સંકલ્પ સાથે બેઉ હૈયાની ધડકનમાં એકબીજાનાં નામ નિરંતર ગુંજતાં રહ્યાં.


આપણા આટલા પ્રગાઢ પ્રેમ પ્રવાહનું- પરમ પ્રેમની આ ગંગોત્રીનું- મૂળ હતું. આપણું અંતર- આપણો આત્મા! આપણે સદાય અનુભવ્યું છે અને આજે પણ બરાબર અનુભવી રહ્યા છીએ કે આપણા બે દેહ વચ્ચે આત્મા એકજ છે. વગર કહ્યે એકબીજાના સુખ-દુઃખનાંઆંતર્સ્પંદનોને પામી શકીએ છીએ. એ છે આપણા પરમ લગ્ન- "આત્મ લગ્ન".


એકાત્મ ભાવથી જોડાયેલ અંતરાત્મા માટે નેત્ર, હોઠ કે દેહ જેવા તમામ ભૌતિક ઉપકરણો કે મન અને હૃદય જેવા આંતર્ઉપકરણોથી ક્યાંય ઉપરની ભૂમિકાએ, આપણે ન જાણે કેટલા જન્મથી "અંતર લગ્ન" થી જોડાયા પછી એમ લાગે કે આપણા આ છએપ્રકારના લગ્ન એટલે બંધન નહીં પણ મુક્તિ ! એટલે જ હું "લગ્ન- બંધન" એવો શબ્દ વાપરતો નથી.


પણ રે નિયતિ ! ચૉરીના સાત ફેરા પૂર્ણ થયા પછી જ બંને વર-વહુ બને, એમ આપણે પણ સાતમા ફેરે પતિ-પત્ની બની શકત ! અને એ સાતમો ફેરો એટલે આપણા "સામાજિક લગ્ન" - જે કદી સંપન્ન ન થઇ શક્યા. ક્યાંક તું જતી રહી, ક્યાંક હું જતો રહ્યો અને બંને વચ્ચે કાળની નદી વહેતી રહી. આપણે બન્ને આ નદીના સામસામા કિનારા પર છીએ. સમાંતર ચાલી શકીએ, સાથે કદી નહીં.


આપણી સપ્તપદીનોસાતમો ફેરો "લગ્ન" થઇ શક્યા હોત, તો આપણું અસ્તિત્વ ખુશીઓનાનીત-નવા આસમાન સર કરતું રહ્યું હોત. પરંતુ સાતમો ફેરો બાકી રહ્યો. આપણું સામાજિક લગ્ન કદી ન થઈ શક્યું અને આજે- તું ક્યાંક- હું ક્યાંક, તું કોઈની- હું કોઈનો- ને તોય વિડંબના કેવી ? આપણા મન, હદય અને અંતર કેવળ એકબીજાના ! દર્શન નહીં, સ્પર્શ નહીં, દેહનું મિલન નહીં, છતાં મન - હદય અને આત્મા માટે અન્ય કોઈની "નો એન્ટ્રી" ! કેવળ આપણા બેનોજ ત્યાં પ્રવેશ અને સમાવેશ. અન્ય કોઇ નહીં, ક્યારેય નહીં.


આમ અલગ અલગ રહીને પણ એકબીજાને કદી ભૂલ્યા વિના, મેં મારા જીવનના છ દાયકાની યાત્રા પૂર્ણ કરી અને તેં પાંચ દાયકાની. હું હવે કદાચ મારા આખરી સમયને ઝંખી રહ્યો છું. તારી પ્રાપ્તિ પછી આમ તો જીવનમાં અન્ય કશું પામવાનું બચ્યું નથી. જિંદગીનો અર્થ જાણે કેવળ તારી સ્મૃતિ. તારી સાથેનાઅતીતમાંવિતાવેલ એક એકપળ વર્તમાનમાં પણ એમ જ જીવાતી રહી અને એટલે "તું નથી" એવું ક્યારેય લાગ્યું નહીં. હવે જીવનયાત્રા પૂર્ણ કરવી છે, પ્રિયા અને યાત્રાની પૂર્ણાહુતી સાથે તારાં સ્મરણની યાત્રા પણ પૂરી થઈ જશે, ત્યારે એવું થાય છે કે એકવાર તારી પાસે દોડી આવું. જિંદગીનો છેલ્લો શ્વાસ તારી ગોદમાં લેવાય. તારી નેહલ નજર નીચે, તારી કોમળ આંગળીઓ મારા મસ્તક પર ફરતી હોય અને તારી કમર ફરતે મારો હાથ વીંટાળી ને તારા ખોળામાં હું મસ્તક છુપાવું, એ જ સમયે મારો અંતિમ શ્વાસ છૂટે- એ ક્ષણ મારા માટે મોક્ષ પ્રાપ્તિની ક્ષણ બની રહે !


પણ એવું શક્ય નથી એ હું પણ જાણું છું, ને તું પણ જાણે છે. એટલે મારા દેહવિલય પછી કદાચ તારા ઘરની ડોરબેલ રણકે અને તું બારણું ખોલે, ત્યારે કોઈ ન હોય તો જાણજે કે મારી જ ચેતના અંતિમ વખત તારા દર્શને આવી છે. પ્રિયા, ડરીશ નહીં - એ વખતે, ગભરાઇશ નહીં. માત્ર તારી બેડ પર બેસી જજે. તારા ખોળામાં મારા સુતા હોવાનો અહેસાસ અનુભવજે. સ્પર્શી નહીં, શકે પણ વિદાય વેળાનું છેલ્લુઆંસું તારી આંખમાંથી ટપકવાદેજે. એ મારા માટે ગંગાજળનું પાન બની રહેશે. અને પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યારેય તારી પાસે નહિ આવું.


આપણે વિખૂટા પડવું પડ્યું, ત્યારે રડી રડીને તારા અશ્રુ ખૂટી પડેલા. થોડા અશ્રુ કદાચ બચ્યા હશે, તેને પણ મારા ફળફળતા નિસાસાએ સુકવી નાખ્યા હશે. પણ મને ખબર છે કે તારી સમીપ મારા હોવાના એહસાસથી પુનઃ તારા નેત્રોસજળ બનશે. ને એ વખતે તું તારાહદયને કઠણ રાખીને હસતા મુખે મને વિદાય દેજે. વિદાય વેળાએ તારી પ્રેમ ભરી નજરો સાથેની તારી મધુર મુસ્કાનનિહાળવા જ હું આવીશ.


તને તો ખબર છે કે તારા આંસું હું કદીજોઈ શક્યો નથી. "તારા આંસુ મને મારી નાખશે" - એવું હું તને કહેતો. પણ મૃત્યુ પછી હું તને એવું નહીં કહી શકું. એટલે મારી ચેતનાની વિદાય વેળાએ તુ રડીશ નહીં. અલબત્ત તને પીડા થશે. આંસુ રોકી નહીં શકે. પણ છતાંય હું તને અત્યારથી, વેળાસર એટલા માટે કહી રાખું છું કે તારી જે આંખો અને જે ચહેરાને મેં ચાર ચાર દાયકાથી સ્મૃતિમાં કંડારી રાખ્યા છે, એનું જ અંતિમ દર્શનમારી મુક્તિનું દ્વાર બની રહેશે. અને મારી મુક્તિ પછી કદાચ તું પણ મારી પીડાદાયક યાદોમાંથી મુક્ત થઈ જઈશ.


સદા સર્વદા માટેમાત્ર તારોજ

હું.


Rate this content
Log in

Similar gujarati story from Romance