Ujas Vasavada

Drama Fantasy Inspirational

3  

Ujas Vasavada

Drama Fantasy Inspirational

અગોચર વિશ્વ

અગોચર વિશ્વ

7 mins
851બપોરે 12 વાગ્યાના તડકામાં શહેરની મધ્યમાં આવેલ કોલેજની નજીક આવેલ ઉદ્યાનમાં એક બાંકડા પર એકલી બેસેલી એક 22 વર્ષની છોકરી, કોલેજ તરફ મુખ રાખી બેઠી હતી. છોકરીના ચહેરા પર મોનાલીસા જેવા ભાવ હતાં, પ્રથમ નજરે મુખ પરની રેખાઓ પરથી કંઈ જ કળી ન શકાય. 


બપોરે 12 વાગે ઉદ્યાનના બાંકડાઓ પણ સૂર્યના તાપના લીધે તપી રહ્યા હતા. એપ્રિલ મહિનો પસાર થઈ રહ્યો હોય, વાતાવરણમાં પણ ખુબજ ગરમાવો હતો. બપોરે 12:30 વાગે કોલેજમાં બેલ પડે છે અને 19 થી 21 વર્ષના તરવરાટિયા યુવાધન બહાર નીકળે છે. પરીક્ષાનો માહોલ ગરમાયો હોય છોકરા ને છોકરીઓના ચહેરા પરના ભાવો આંતરીક ચર્ચાઓને અનુરૂપ બદલાતા જોવા મળતાં હતાં. 


ઉદ્યાનમાં બેઠેલી છોકરી આ બધું એકીટશે નિહાળે છે. કોલેજના છોકરાંઓની સાથે એ છોકરીના ચહેરા પર પણ રેખાઓ પરિવર્તિત થતી રહેતી હોય છે. થોડાં સમયમાં બધા જ યુવાધન કોલેજની બહાર નીકળી પોત પોતાના ઘર તરફ જવા લાગ્યાં અને કોલેજ ખાલી થઈ ગઈ. ઉદ્યાનમાં બેઠેલી છોકરી પણ ઉદ્યાનની બહાર નીકળી ચાલવા લાગી, ઉદ્યાનથી થોડાક જ અંતરે આવેલ અનાથાલયમાં પ્રવેશી ગઈ.


આ છોકરી રોજ આ રીતે જ નિયત સમયે ઉદ્યાનમાં બેસે અને કોલેજ છૂટયા બાદ અનાથાલયમાં જતી રહે. 


આ છોકરીનું નામ હતું "તૃપ્તિ" પણ તે પોતાના જીવનથી તદ્દન અતૃપ્ત હતી. જન્મતાની સાથે જ તરછોડાયેલી હતી. સમજણી થતા અનાથાલય જ તેનું ઘર હતું. અનાથાલય દ્વારા જેટલું શિક્ષણ મળી શકતું એટલું શિક્ષણ તૃપ્તિ એ મેળવ્યું. તેના ભાઈ,બહેન,મિત્રો જે કહો તે અનાથાશ્રમના અન્ય છોકરા-છોકરીઓ જ હતાં. એમનું જીવન કઈ દિશા લેશે,એમની સાથે કોઇ પરણશે કે આજીવન અનાથાશ્રમમાં જ રહી સેવા કરી જીવન વ્યતીત કરવાનું વિગેરે ઘણા વિચારોમાં એ ખોવાયેલી રહેતી. ઉદ્યાનમાં બેસી રોજ છૂટતા યુવાધનની મુખ મુદ્રા વાંચી એ ખુશ રહેવા પ્રયત્ન કરતી રહેતી. રોજિંદા સવારે 5 વાગે ઉઠી અનાથાલયનું કામકાજ કરે બપોરે ઉદ્યાનમાં બેસે,ત્યાંથી પરત ફરી સૌની સાથે જમે અને બાદમાં બપોરે થોડો આરામ કરી રાત સુધી બીજા નાના-મોટા કામો કરે અંતે રાત્રે 9 વાગ્યે સુઈ જાય.


એક દિવસ ઉદ્યાનમાં બપોરના તડકામાં બેઠી હતી ત્યારે અચાનક એક ઊંચો, ચશ્માધારી, લાંબી દાઢી અને મુંછ ધરાવતો,ખભા પર બગલથેલો અને હાથમાં એક દળદાર પુસ્તક લઈ પ્રભાવશાળી વ્યક્તિ આવી ચડ્યો. એ ઉદ્યાનમાં પ્રવેશવતાં તૃપ્તિ તરફ અને તૃપ્તિ તેના તરફ સહજ જુવે છે. પેલો વ્યક્તિ તેના તરફ હળવું સ્મિત ધરે છે પણ તૃપ્તિ નજર ફેરવી કોલેજ તરફ જોવા લાગે છે. પેલા વ્યક્તિને થોડી અચરજ થાય છે અને તૃપ્તિની બાજુએ આવી બેસે છે. એ અજાણ વ્યક્તિ તૃપ્તિ સાથે વાત કરવા પહેલ કરે છે.

" બેટા... આટલા ધોમ ધખતાં તાપમાં અહીં એકલી કેમ બેઠી છે?"


તૃપ્તિ એ વ્યક્તિ સાથે વાત કરવા ઇચ્છતી ન હોય થોડો તોછડો જવાબ આપે છે,"મારી મરજી...તમારે શુ!"


પેલી વ્યક્તિ અટ્ટહાસ્ય કરી પોતાના હાથમાં રહેલ પુસ્તક બાજુએ મૂકી ઉદ્યાનમાં ચક્કર લગાવા લાગે છે. થોડીવારમાં એ ચક્કર લગાવતા ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે. તૃપ્તિની નજર કોલેજ તરફથી આ વ્યક્તિને શોધવા માંડે છે અને મનોમન વિચારોના ઘોડાપૂર દોડવા લાગે છે,"આ માણસ કોણ હશે, અહીં આ પુસ્તક ભૂલી ક્યાં જતાં રહ્યાં!! ખરેખર ભૂલી જ ગયા હશે કે મૂકી ગયા હશે!!"


વિચારોમાં અટવાયેલું મગજ અનાયાસે પુસ્તક તરફ વળે છે તેની દ્રષ્ટિ પુસ્તક પર સ્થિર થાય છે. પુસ્તકનું મુખપૃષ્ઠ ખુબજ આકર્ષિત હોય છે. તુપ્તિ એ પુસ્તક હાથમાં લે છે. પુસ્તકનું નામ હોય છે "અગોચર વિશ્વ". તૃપ્તિને આવું અનોખું નામ પુસ્તકમાં ડોક્યુ કરવા પ્રેરે છે. ત્યાંજ કોલેજમાં છૂટવાનો ડંકો વાગે છે અને તૃપ્તિ રોજની ટેવ મુજબ કોલેજના છોકરાંઓને નિહાળવા લાગે છે. થોડાં સમય બાદ તૃપ્તિ અનાથાલય તરફ પરત ફરતાં પુસ્તક સાથે લઈ જાય છે.


પુસ્તક વાંચવાનું મન હોય છે પણ પહેલાં જમવાનો સમય હોય બીજા બાળકો સાથે ભેગાં મળી જમવાનું પતાવે છે. આરામના સમયગાળા દરમિયાન પુસ્તક ફરી હાથમાં લઈ આગળ પાછળ ફેરવી જોવા લાગે છે. પુસ્તકની જાડાઈ જોઈ તૃપ્તિને સહજ બગાસું આવી જાય છે. આટલું જાડું પુસ્તક વાંચવું કેમ!! તૃપ્તિને વાંચનનો જરાય પણ શોખ ન હતો, પણ પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈ વારંવાર વાંચવા મન ખેંચાયા કરતું હતું. વાંચવાના અસંમજસમાં આખો દિવસ પસાર થઈ ગયો અને રાત્રે સુવાના સમયે પથારીમાં પડતાં ની સાથે જ અદમ્ય જિજ્ઞાસાથી પ્રેરિત થઈ પુસ્તક ખોલે છે. પુસ્તકમાં ખૂલેલાં પૃષ્ઠમાં મધ્યેથી ફકરો વાંચવાનો શરૂ કરે છે. 


ફકરો વાંચતાની સાથે જ એ થોડી સ્તબ્ધ થઈ જાય છે અને એ પ્રકરણ જ પ્રથમથી વાંચી જાય છે. પ્રકરણ વાંચતાંની સાથે જ કપાળે પ્રસ્વેદ બિંદુઓ ઉભરી આવે છે. એ પ્રકરણ ફરીથી ત્રણ થી ચાર વખત વાંચી જાય છે. આ પ્રકરણમાં સમગ્ર દિવસ દરમિયાન પસાર કરેલ તૃપ્તિનો પોતાનો ઘટનાક્રમ હતો. તૃપ્તિએ સવારે ઉઠ્યા બાદ સમગ્ર દિવસમાં જે જે કાર્ય કર્યા હતા,જુદી જુદી જે વ્યક્તિને મળી હતી, મળેલી વ્યક્તિઓ સાથે થયેલ વાતો એ દરેકનું ઝીણવટ પૂર્વકનું વર્ણન હતું. આ પ્રકરણ વાંચ્યા બાદ વધુ આશ્ચર્ય તો ત્યારે પામે છે જ્યારે પુસ્તકમાં આગળ કે પાછળના પૃષ્ઠ પર આજ પ્રકરણ મળે છે. 


તૃપ્તિ થોડી ગભરાય છે, એ પુસ્તક બંધ કરી પોતાના પલંગ નીચે પુસ્તક ફેંકી, માથા સુધી ઓઢી સુવા મથે છે. પણ, આ "અગોચર વિશ્વ" સુવા દેતું નથી. વિચારોનો ઘોડાપુર ઉમટી પડે છે, "આ પુસ્તક હું શા માટે લઈ આવી!!", " પેલો નક્કી કોઈ તાંત્રિક હશે!!", " આ પુસ્તક ક્યાંક ફેંકી દેવું અથવા ફરી ત્યાં ઉદ્યાનમાં જ મૂકી આવવું!!" 


વિચારોના વમળ વચ્ચે તૃપ્તિ તંદ્રાધીન અવસ્થામાંથી નિદ્રાધીન થઈ જાય છે. સવારે એમના નિયત સમયે સફાળી જાગી જાય છે અને તુરંત તેના પલંગ નીચે જુવે છે પુસ્તક ત્યાંજ પડ્યું હોય છે. એ પલંગ પરથી ઉતરી પુસ્તકને લઈ એમના સામાનમાં સંતાડી દૈનિક કાર્યમાં લાગે છે. મનોમન નિર્ણય લે છે કે બહાર નીકળી આ પુસ્તક ફરી ઉદ્યાનમાં મૂકી આવવું.


બપોરના સુમારે રોજની મુજબ જ ઉદ્યાનમાં પુસ્તક દુપટ્ટા નીચે છુપાવી સાથે લઈ પહોંચે છે. હાથમાં રહેલ પુસ્તક ક્યાં મૂકવું એ વિચારોમાં નજર ચારે તરફ ફેરવે છે અને એક એકાંત જગ્યાએ મુકવાનું વિચારે છે. તુપ્તિ દુપટ્ટો દૂર કરી પુસ્તક પર એક નજર ફેરવે છે. એક અલગ જ આકર્ષકણના પ્રભાવ હેઠળ તૃપ્તિ ફરી વાંચવા પ્રેરાય છે. થોડાં ભય સાથે પુસ્તક ફરી ખોલે છે આજના દિવસે સવારથી બપોર સુધીની દરેક ઘટના અને બપોરથી રાત સુધીની સમગ્ર ઘટનાઓ વર્ણવેલી વાંચવા મળે છે. 


તૃપ્તિને આ પુસ્તક હવે એક ચમત્કારી પુસ્તક લાગે છે અને દૈનિક ભવિષ્ય બતાવતું પુસ્તક હોય તેવું મનોમન વિચારે છે. તૃપ્તિને આજનું વર્ણન વાંચવામાં પુસ્તક ફરી પરત સાથે લઈ જવાનું અને સાંજ ખૂબ રોમાંચિત પસાર થવાનું વાંચે છે. તૃપ્તિ ખરેખર એમનો વિચાર બદલી પુસ્તક ફરી સાથે લઈ જાય છે. 


તૃપ્તિના નીરસ જીવનમાં એક અલગ રોમાંચ, અલગ બદલાવ આવે છે. રોજબરોજ બનવાની દૈનિક ઘટમાળની ખબર સવારમાં ઊઠતાં ની સાથે પહેલાં જ વાંચી મેળવી લેતી અને ત્યારબાદ સંપૂર્ણ દિવસ આનંદપૂર્ણ પસાર કરવા લાગી. એક દિવસ સવારે પુસ્તકનું દૈનિક પ્રકરણ વાંચતાં એમના અનાથાશ્રમના ટ્રસ્ટીનો દીકરો દિવ્યેશ એમની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશે અને બંનેનું સગપણ નક્કી થશે તેવું વાંચવા મળે છે. તૃપ્તિ આ પ્રકરણ અધૂરું વાંચે છે.તૃપ્તિ એ દિવસનો બાકીનો રોમાંચ અનુભવવા માંગતી હોય છે. 


પુસ્તક મળ્યા બાદ તૃપ્તિ ઉદ્યાનમાં જવાનું બંધ કરી દે છે. અને આજે તો બપોરના સુમારે લગ્ન પ્રસ્તાવ આવવાનો હતો. બપોરના સમયે ટ્રસ્ટી અને એમનું કુટુંબ આવે છે. અનાથાશ્રમના બાળકોને માટે લાવેલી ગિફ્ટની વહેંચણી કરે છે. અને પુસ્તકમાં લખ્યા મુજબ જ દિવ્યેશ તૃપ્તિને એક સાડી ભેટ આપે છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. તૃપ્તિ ખુબજ ખુશ થાય છે જીવનનું ધ્યેય બદલાય છે વર્ષોથી જે ચિંતા હતી એ દૂર થતી નજરે આવે છે.દિવ્યેશ અને તૃપ્તિ બાકીનો દિવસ પસાર કરે છે અને દિવસને માણે છે. સાંજે દિવ્યેશને વળાવી થોડો સમય એકાંતની પળમાં સમગ્ર દિવસની પળો વાગોળવા લાગે છે અને મનોમન વિચારે છે," ખરેખર જીવનની પળ માણવાની મજા એ એક સરપ્રાઈઝ રૂપે હોય તોજ આવે." 


વિચારોમાં મગ્ન તૃપ્તિને અચાનક કોઈનો અવાજ સંભળાય છે, કોઈ બુમો નાખી બોલાવતું હતું. એ દોડી એમના રૂમની બહાર આવે છે. બહાર આવતાની સાથે સામે જે જુવે છે એ જોઈ તૃપ્તિ અવાચક થઈ જાય છે. અનાથાશ્રમમાં રસોડામાં આગ લાગી હતી, આગ ધીમે ધીમે પ્રસરી રહી હતી અને બધાને બહાર કાઢવામાં આવી રહ્યા હતાં.


તૃપ્તિને પણ બહાર જવાની સુચના આપવામાં આવે છે પણ એમનું પુસ્તક અંદર હતું. એ રૂમ તરફ પાછી વળી લેવા જાય છે. ત્યાં દિવ્યેશ આવી પહોંચે છે એ અંદર જતાં રોકે છે. તૃપ્તિ બેબાકળી બની એમની કિંમતી વસ્તુ લેવા જવાનું કહે છે. દિવ્યેશ તેને સમજાવતાં,"અરે.. તૃપ્તિ ભલે ગમે એવી કિંમતી હોય હું તને લાવી આપીશ.અત્યારે જીવ બચાવવો મહત્વનો છે." તૃપ્તિ એમને સમજાવવા પ્રયત્ન કરે છે,"દિવ્યેશ એ ભવિષ્યવાણી છે એમના ભવિષ્ય નું બધું ખબર પડે છે." દિવ્યેશ તૃપ્તિને સમજવતાં," ભવિષ્યની નહીં અત્યારે વર્તમાનમાં જીવવાનું છે અત્યારે અહીંથી નહીં નીકળીએ તો ભવિષ્ય કંઈ છે જ નહીં".


દિવ્યેશના શબ્દો તૃપ્તિના મગજમાં વાગે છે અને દિવ્યેશ સાથે અનાથાશ્રમની બહાર આવે છે. સમગ્ર આશ્રમ બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારે રડતાં બાળકોને જોઈ વિચારે છે "આ લોકોનું શું થશે? મારુ તો સગપણ થઈ ગયું પણ આ બાળકોને તો હજુ ઘણું જોવાનું છે?" ત્યાં પેલો વ્યક્તિ કે જે પુસ્તક મૂકી ગાયબ થઈ ગયેલા એ ત્યાંથી પસાર થાય છે. એ વ્યક્તિ તૃપ્તિ સામે જોઈ ફરી અટ્ટહાસ્ય જે પહેલી મુલાકાતમાં કરેલું એવું જ કરી તૃપ્તિ ની નજર સામે જ ગાયબ થઈ જાય છે. 


તૃપ્તિ ગભરાઈ પથારીમાં બેઠી થઈ જાય છે.પરસેવે રેબઝેબ થઈ ગઈ હોય છે. આજુબાજુ જુવે છે એ અનાથાલયમાં પોતાના રૂમમાં પથારી પર જ સૂતી હતી. મનોમન બબડે છે,"અરે.. આતો સપનું હતું. પણ આ સપનું મને ઘણું શીખવા માગતું હતું. ભવિષ્યની ચિંતા ન કરવી, વર્તમાનમાં જીવવું, ભવિષ્યની ઘટના સરપ્રાઈઝલી સામે આવે તેમાં રોમાંચ હોય અને મહત્વનું આ બાળકોનું શું? હું સ્વાર્થી બની આ અનાથાશ્રમ માંથી ઉડી જવા માંગુ છું તેના બદલે આ લોકો પાસે રહી તેઓની મોટી બેન બનીને સારા ઉછેર અને ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનીશ. આ અગોચર વિશ્વ એ બીજું કંઈ નહીં પણ આપણું ભૂત,વર્તમાન અને ભવિષ્ય ના તાણાવાણા વચ્ચે રહેલું જીવન જ છે. અને પેલો વ્યક્તિએ આપણો અંતરાત્મા છે.


તૃપ્તિ એમના જીવનમાં નવા ધ્યેય અને રોમાંચ સાથે નવજીવન શરૂ કરે છે અને ત્યારબાદ તેના મુખ પર ક્યારેય પણ નિરાશા જોવા મળી નહીં. ઉપરાંત અનાથાશ્રમના છોકરાઓને પણ જીવનના મૂલ્યો સમજાવી જીવન વ્યતીત કરવાનું શીખવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama