'સ્મૃતિ'ની સ્મૃતિ
'સ્મૃતિ'ની સ્મૃતિ
આજે ઘણાં વર્ષો પછી મોર્નિંગવોક પરથી ઘરે ફરતાં એક અલગ આનંદ મારા દિલોદિમાગ પર છવાયેલો છે. ઘરે પહોંચી ઘરનું તાળું ખોલી સીધાં જ ડીવીડી પ્લેયરમાં રોમેન્ટિક ગીતોની સીડી વગાડવાનું મન થયું અને મેં ગીતો મુક્યા પણ ખરાં. રસોડા તરફ જઈ મેં મારા હાથે સવારની પ્રથમ કોફી બનાવી, કોણ જાણે કેમ પણ બે મગ ભરી ટ્રે માં મૂકી હું મારા ફ્લેટની બાલ્કનીમાં બેઠો. જાણે કે કોફી પીવા માટે મને કોઈનો સાથ મળ્યો હોય.
આજે વાતાવરણમાં એક અલગ ઉન્માદ અનુભવવા લાગ્યો. રોમેન્ટિક ગીતો સાથે બહાર કોયલોનો કિલ્લોલ પણ મીઠો લાગી રહ્યો. આ મુજબનો ઉન્માદ સ્મૃતિની પ્રસુતિ પહેલાં હું અનુભવતો હતો. રોજ સવારે જ્યારે મોર્નિંગ વોક પરથી ઘરે આવતો ત્યારે ઘરના દરવાજો ખુલતાંની સાથે જ સ્મૃતિના ગાલોના ખાડાં, હંમેશ હસતા ચહેરા સાથે મારુ સ્વાગત થતું. ફ્લેટની બાલ્કનીમાં હું ન્યૂઝપેપર વાંચવા બેસતો અને સ્મૃતિ ટ્રે માં બે કોફીના મગ ભરી મારી પાસે બેસતી. સવારની શરૂઆત એક અલભ્ય રોમાંચિત અનુભવો સાથે શરૂ થતી.
આજની સવાર પણ મારા માટે કંઈક આવી જ સ્પેશિયલ બની. કારણ સ્મૃતિ જેવો જ ચહેરો અને એવું જ મધુર સ્મિત ધરતી એક છોકરી સાથે આજે બગીચામાં મુલાકાત થઈ. પ્રસૂતિમાં સ્મૃતિના જીવ ગુમાવ્યા બાદ વર્ષો પછી હૃદયમાં વ્યાપેલા અંધકારમાં એક જ્યોતિ પ્રજજ્વલિત થઈ. એ છોકરી કોણ હતી? એનું નામ શું હતું? એ ક્યાંથી આવી હતી? જેવા ઘણા પ્રશ્નો મારા મનમાં ફરી રહ્યા. વિચારોના વમળમાં કોફીનો મગ ક્યારે ખાલી થઈ ગયો એ ખબર જ ન પડી. પણ, બીજા મગને જોઈ સ્મૃતિ મારી નજરો સામે દેખાઈ અને અમારી અંતિમ વાતચીત યાદ આવી.
"એય...શું જોઈ રહ્યા છો? પહેલા ક્યારેય ન જોઈ હોય એમ કેમ નીરખી રહ્યા છો?" એક અલગ છટા અને લહેકા સાથે સ્મૃતિએ પૂછ્યું.
"તને હું દિવસમાં જેટલી વખત જોઉં એટલી વખત મારા મનમાં હંમેશા ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ ભાવ જન્મે છે. કારણ હું એક અનાથ બાળક હતો. આશ્રમમાં મને સારું ભણતર મળ્યું અને મારી જાતે પગભર થયો. મારી સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં તે મારા જીવનમાં પ્રવેશ કર્યો. આપણી બગીચામાં પહેલી મુલાકાત આજે પણ મને યાદ છે. બગીચાના એક ખૂણામાં બેન્ચ પર હું બેઠો પ્રાણાયામ કરી રહ્યો હતો અને અચાનક લંગડાતા પગે તું મારી પાસે આવીને બેઠી અને મને કહ્યું, 'પ્લીઝ મારી મદદ કરો..મારો પગ મચકોડાયો છે.' તારા આ વાક્ય પર હું એટલો નર્વસ થઈ ગયો કે મારે ખુદ મદદ કરવી જોઈએ તેની જગ્યાએ બગીચામાંથી બીજા લોકોને બોલાવી લાવ્યો અને તને ઘરે પહોંચાડી."
થોડું હસી કોફીનો મગ હાથમાં લઈ સ્મૃતિ બોલી, "તો...શું..તમે સાવ બુદ્ધુ હતાં, ક્યારેય કોઈ છોકરી પોતાના દિલની વાત થોડી કરે? તો પણ પગ મચકોડાયો તેવું બહાનું કાઢી મદદ લેવા આવી કે આપણી વચ્ચે બે વાતચીત થાય અને એકબીજાને ઓળખીએ પણ તમે તો મારી યુક્તિ પર પાણી ફેરવ્યું હતું."
પહેલી મુલાકાતને યાદ કરી બંને ખૂબ હસ્યાં અને અચાનક જ સ્મૃતિને લેબર પેઈન ઉપડ્યો. સ્મૃતિનો એ અંતિમ લેબરપેઇન મારા જીવનભરનો પેઈન સાબિત થયો.
ઘડિયાળના ટકોરાએ યાદોની હારમાળાને તોડી પાડી અને ડીવીડી પર વાગતાં ગીતો કાન પર અથડાવા લાગ્યાં. બાલ્કનીમાં બેઠાં મારી નજર પણ દીવાલ પર સ્મૃતિના ફોટા પર સ્થિર થઈ. રવિવારનો દિવસ હતો ઓફિસે જવાનું હતું નહીં એટલે બાલ્કનીથી ઊભા થઇ ડ્રોઇંગરૂમમાં આરામ-ખુરશીમાં ગોઠવાયો. મારુ એકલવાયું મન સ્મૃતિ અને પેલી છોકરીના ચહેરાની સામ્યતા શોધવા માંડ્યું.
અચાનક દરવાજે દસ્તક સંભળાયું અને પછી તરત જ ડોરબેલ વાગી. મને એક ક્ષણ થયું પણ ખરું કે ડોરબેલ હોવા છતાં દરવાજે દસ્તક કેમ! પણ કોઈ અજાણ્યું હોય તો ઉતાવળે એ પહેલાં દસ્તક જ દે એવા વિચારે મેં દરવાજો ખોલ્યો. હું થોડો ઝંખવાયો મારી સામે એ જ છોકરી જેના વિચારોમાં હું ખોવાયો હતો. હું ફરી નર્વસ થવા લાગ્યો. મને સૂઝ ન'હોતી પડતી મારે શું કરવું. અંતે ઉંડા શ્વાસો લઈ સ્વસ્થ ચિત્તે મેં તેને આવવાનું પ્રયોજન પૂછ્યું, "યેસ...કોનું કામ છે?" છોકરીએ નેઈમ પ્લેટ તરફ ઈશારો કરી, મી. સૂચક અવસ્થિ"
"જી..હું છું સૂચક અવસ્થિ. બોલો શું મદદ કરી શકું?"
એ છોકરીની આંખો મારા તરફ એક નજરે ખોડાઈ મનોમન કહી રહી હતી કે અંદર આવવાનું તો કહો! હું પણ એ છોકરીથી વહેલા પીછો છોડાવવા સીધી પ્રશ્ર્નોતરી કરી રહ્યો. કારણ ક્યાંક હું તેને પ્રેમ ન કરી બેસું, તેનો ચહેરો મહદઅંશે સ્મૃતિને મળતો હતો.
"હું અંદર આવી શકું છું?"
મને જે ભય સતાવતો હતો એમજ થયું એ છોકરી અંતે અંદર આવવાની પહેલ કરી. ક્ષોભીત થઈ મેં તેને આવકારી, સોફા પર બેસવાનો ઈશારો કરી થોડી શિષ્ટાચાર બતાવી. બંનેના મગજમાં વિચારો ચાલી રહ્યા હતા વાતચીતની પહેલ કોણ કરે! અંતે મેં જ પૂછી લીધું, "બોલો... શું સેવા કરી શકું?"
એ છોકરીએ નિખાલસ સ્મિત ધરી વોલેટ મારી સામે ધર્યું અને કહ્યું, "આ તમે બગીચામાં બેન્ચ પર ભૂલી ગયા હતા."
વોલેટ જોઈ એ છોકરી ઘર સુધી કંઈ રીતે પહોંચી એ બધી જ ગણતરીઓ મેં મનોમન કરી લીધી. વોલેટના બદલામાં મારે તેની મહેમાનગતિ સારી રીતે નિભાવવી જોઈએ તેવું મને લાગ્યું. બીજા ભરેલા મગની કોફી હું રસોડામાં જઈ ગરમ કરવા લાગ્યો. પણ..એ છોકરી મારી પાછળ રસોડામાં પહોંચી.." મી.અવસ્થી... હું કંઈ મદદ કરું?"
મારી નજર તેમના તરફ ફરી, એમની આંખો અને મારી આંખો એકબીજામાં મળી. ક્ષણભરમાં મને એ છોકરીમાં સ્મૃતિનું જ પ્રતિબિંબ દેખાવા લાગ્યું. ખબર નહીં કેમ પણ હૃદયના તાંતણા હલી ગયા હતા મને એ છોકરી પ્રત્યે થોડું આકર્ષણ થવા લાગ્યું.
"ના..ના..તમે બેસો આ તો મારું રૂટિન છે. હું હમણાં તમારા માટે કોફી બનાવી આવું."
એ છોકરી સહજ મારી વાત માની બહાર ડ્રોઇંગ રૂમમાં ગઈ અને સુવ્યવસ્થિત ઘરની ગોઠવણી જોવા લાગી. હું કોફી લઈ તેમની પાસે પહોંચ્યો અને ઊંડા શ્વાસો સાથે મેં મારામાં હિંમતનો સંચાર કરી પૂછ્યું, "તારું નામ શું છે? તું ક્યાં રહે છે?"
એકસાથે પ્રશ્નો પૂછી વાતચીતની શરૂઆત કરી. એ છોકરીએ મગ હાથમાં લઈ મૃદુ અવાજે કહ્યું, "મેધા.."
નામ સાંભળતાં જ મારા શરીરના રૂંવાટીઓ ઉભી થઇ ગઇ અને મનોમન નામોનું વિશ્લેષણ શરૂ કરી દીધું મેધા એટલે કે 'બુદ્ધિ અથવા યાદશક્તિ' અને સ્મૃતિ એટલે કે 'યાદગીરી'.
"મેધા શર્મા અહીંથી ત્રીજા બિલ્ડીંગમાં રહું છું. મારા પપ્પા બૅન્ક મેનેજર છે એમની ટ્રાન્સફર થઈ એટલે અહીં આવ્યા. બાય.. ધ..વે આ ફોટામાં કોણ છે?" દુઃખતી નસ દબાવી હોય તેવો ભાસ થયો.
"એ મારી અર્ધાંગિની, પ્રિયે, પત્નિ જે કહો તે, 21 વર્ષ પહેલાં એ મને મૂકી હંમેશ માટે જતી રહી."
શોકમગ્ન અવસ્થામાં હું ગરકાવ થઉં તે પહેલાં જ મેધાએ કહ્યું, "ઓહો... તમારી ઉંમર દેખાતી જ નથી..તમે હજુ 30 થી 32 વર્ષના જ લાગો છો. મારે પુછાય નહિ પણ તમારી ઉંમર કેટલી હશે?"
મારા હૃદયકુંજમાં ફૂટેલી પ્રેમની કુંપળને છૂંદતો પ્રશ્ન મારી સામે આવ્યો હતો. મેં સ્મૃતિના ફોટા સામે જોઈ મનોમન વાસ્તવિકતા સ્વીકારી કહ્યું, " 46 વર્ષ..."
મારો જવાબ સાંભળી મેધાએ કોફીનો મગ ટીપોઈ પર મૂક્યો અને ઊભા થઇ, "મારે જવું જઈએ...થેક્સ ફોર કોફી.. બાય.. અંકલ.."
મેધા દરવાજો બંધ કરી જતી રહી અને હું સ્મૃતિને નિહાળતો ફરી આરામખુરશીમાં ભૂતકાળની સ્મૃતિમાં પરોવાઇ ગયો.