મનીઓર્ડર
મનીઓર્ડર


"હર્ષિદાબેન...તમારો મનીઓર્ડર." પોસ્ટમેનની હાકલથી સહજ મલકાતાં હર્ષિદાબેન વ્હીલચેરના પૈડાંઓને બે હાથે ઠેલતાં દરવાજે પહોંચ્યાં.
"લાવો..સહી કરી દઉં. આમ પણ આ 'મનીઓર્ડર' છેલ્લો જ છે." પોસ્ટમેને સહી કરાવી પત્રોના બંડલને બગલથેલામાં મૂકી માથેથી ટોપી સાથે પોસ્ટમેન તરીકેની ફરજને સંકેલી બાજુએ મૂકી. હર્ષિદાબેનના રૂમનાં એક ખૂણામાં રહેલ પાણીનાં માટલાં પાસે જઈ એક ગ્લાસ પાણી પીધું.
"બા..એક વાત કહું... આ આખા વૃદ્ધાશ્રમમાં તમારા ગોળાનું પાણી બહુ મીઠું હોય છે. મારી તરસ અહીંયા જ છીપાય છે." પોસ્ટમેનની વાત સાંભળી હર્ષિદાબેન ફરીથી મલકાયાં અને વ્હીલચેરને સરકાવતાં ફરી પોતાનાં બેડ નજીક આવેલી બારી પાસે ગયાં.
"બા..આજે હું બધી જ ટપાલોની વહેંચણી કરીને આવ્યો છું. આજે તો તમારે મને કહેવું જ પડશે કે તમારો દિકરો દર મહિને નિયમિત રૂપિયા મોકલે છે તો તે તેમની સાથે તમને શા માટે નથી રાખતો? વળી પાછું તમે એવું કહો છો કે આ છેલ્લો મનીઓર્ડર...! તમારાં દિકરાંને તમારી જરાય ચિંતા નથી?" પોસ્ટમેનના અવાજમાં ઉત્સુકતા સાથે થોડી વ્યાકુળતા હતી.
"ઋણાનુબંધ.." હર્ષિદાબેને એક જ શબ્દમાં ઘણું કહેવા પ્રયાસ કર્યો.
"ઋણાનુબંધ..? એટલે..!! મારા જેવા ત્રાહિતને પણ તમારી છાયામાં બેસવું, વાતો કરવી ગમે છે તો એ તમારો નફ્ફટ છોકરો કેમ તમને આવી લાચારીમાં રાખે છે?"
હર્ષિદાબેને મૌન તોડી કહ્યું, "આ લાચારી નથી. આ તો નિયતી છે. મારો દિકરો નફ્ફટ ક્યારેય નથી. એ એમના કર્મપથ પર દોડી રહ્યો છે."
પોસ્ટમેન સાંકેતિક ભાષામાં થતી વાતથી કંટાળ્યો, "બા..સીધી વાતો કહો..તમે શું કહો છો એ મને નથી સમજાતું. તમારા દિકરાનો સંપર્ક કરવા તેમનો મોબાઈલ નંબર કે અન્ય કોઈપણ નંબર આપો. હું હમણાં એમની સાથે વાત કરી તેની આંખો ખોલીશ. મેં તમારા ગોળાનું પાણી પીધું છે. હું તમારાં ઋણમાં છું. તમારા દિકરાને મનાવવાનું કાર્ય તો કરી જ શકું."
હર્ષિદાબેન અકળાયેલા પોસ્ટમેન પાસે ગયા અને તેનો હાથ ખેંચી રૂમમાં રાખેલી ખુરશીમાં બેસવા ઈશારો કર્યો. ત્યારબાદ તેની વ્હીલચેરને રૂમની એક માત્ર બારી તરફ લઈ જઈ બહાર કંઈક જોતાં અતીતના ઊંડાણમાં ડૂબકી મારી ગયાં.
"બરોબર આ જ રીતે જૂના ગામમાં રહેલા મારા વારસાઈ મકાનની બારી સામે, ગાજવીજ સાથેની વરસાદી રાતે એક બાળક એકલો, નિઃસહાય ધ્રૂજતો જોવા મળ્યો હતો. એ કોઈકની સહાયની આશામાં આજુબાજુ અને ઉપર આકાશ સામું નિહાળ્યાં કરતો હતો. ઉપર જોતાં મારી અને એ બાળકની આંખો મળીને ચાર થઈ. એમની કફોડી હાલત જોઈ મારાંથી રહેવાયું નહીં અને હું ઘરનો દાદર ઉતરી એમની પાસે પહોંચી તેને છત્રી નીચે લઈ રસ્તો ઓળંગી ઘરમાં લઈ જવા ઉતાવળે રસ્તો ઓળંગવા લાગ્યાં હતાં. અચાનક ધસમતી એક કાર અમારી નજીક આવી પહોંચી અને અમારા બંનેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સમયસૂચકતા અનુસરી એ બાળકને મેં ધક્કો દઈ રસ્તાની પાર પહોંચાડ્યો પણ હું કાર સાથે અથડાઈ.
કાર ચાલક પણ એક સજ્જન વ્યક્તિ હતો. એમણે કારને કાબુમાં લેવા ઘણો જ પ્રયત્ન કર્યો હતો. પરંતુ વરસાદી પાણીથી લથબથ રસ્તા પર કારના ટાયર લસરીને મારા સુધી પહોંચી જ ગયાં હતાં. એ અકસ્માતમાં કારના પૈડાં મારા પગ પરથી ફરી ગઈ હતી. કાર ચાલક કારમાંથી ઉતરી મને હોસ્પિટલે લઈ ગયો અને એમણે મારી સારવાર પણ કરાવી હતી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મેં મારા પગ ગુમાવી દીધાં હતાં. પેલો છોકરો મારી આંખો સામે ઊભો હતો. જાણેકે આ બધું જ નિમિત્ત હોય અને એ ત્યારપછીના મારા જીવનની લાકડી બનવાનો હતો.
એ વખતે મારી ઉંમર બત્રીસ વર્ષની હતી. એ છોકરો રોહન લગભગ નવેક વર્ષનો હતો. અનાયાસે અમારા વચ્ચે મા-દિકરાનો સંબંધ સ્થપાયો. મારા માતા-પિતા વારસામાં એક મકાન, થોડાં ઘરેણાં અને બેંકમાં થોડાં રૂપિયા છોડી ગયાં હતાં અને એ સમયે હું એક સ્કૂલમાં શિક્ષિકા હતી જેથી હું મારો જીવન નિર્વાહ પસાર કરી શકતી હતી. પણ, હવે પછી મારાં પર એક માસૂમની જવાબદારી હતી. મેં મારાં ભવિષ્યની ચિંતા કર્યા વીના રોહનને ભણાવ્યો, એમને સ્વમાની જીવન જીવવા તૈયાર કર્યો, અને દેશની સેવા કાજે દેશને સોંપ્યો. ભારતીય સેનામાં એક ઉચ્ચ પદવી ધારણ કરી દેશની સેવા કરવા જોડાયો. રોહનને સેનામાં જોડાયા બાદ જીવનની એકલતાં દૂર કરવા મેં મારૂં વારસાઈ મકાન વહેંચી અહીં વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કર્યું. અનાયાસે બનેલાં અમારા મા-દિકરાના સંબંધનું ઋણ ચૂકવવા રોહન એમનો અડધો પગાર મને મનીઓર્ડર કરી દે છે."
પોસ્ટમેન અચરજ સાથે, "તો પછી તમે શા માટે કહ્યું કે આ છેલ્લો મનીઓર્ડર છે?" હર્ષિદાબેનના આંખોમાંથી નાનકડાં બાળકની માફક આંસુ વહેવા લાગ્યાં.
પોસ્ટમેને પાણીનો પ્યાલો ભરી હર્ષિદાબેનને આપ્યો ત્યારે તેના ખોળામાં રહેલ દૈનિકપત્ર પરની હેડલાઈન વાંચી. પોસ્ટમેનની હાલત પણ કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ અને હર્ષિદાબેનના કથનનો મર્મ પણ સમજાઈ ગયો. પોસ્ટમેનની આંખોના ખૂણા પણ ભીનાં થઈ ગયા. તે હર્ષિદાબેનને એકાંત આપી નીકળી ગયો.