માતૃત્વ
માતૃત્વ
"હેલ્લો..સર્વેશ્વરભાઈ..કિર્તી લગ્ન માટે રાજી છે."
"અરે વાહ...ભાનુંશંકર મોં મીઠાં કરાવો હવે તો આપણા છોકરાંઓએ એકબીજાને પસંદ કરી લીધા છે."
"તમે ઘરે તો આવો આમ ટેલિફોનમાં કેવી રીતે ખવડાવું ! હું અબઘડી પેંડા લઇ આવું અને પછી ધામે ઘૂમે સગપણ ઉજવીએ."
ભાનુશંકર માથે કાળી ટોપી અને હાથમાં લાકડી અને કપડાંની થેલી લઈ બજારમાં ઉપડી પડ્યા. તેની એકની એક દીકરી કિર્તીનું સગપણ તેના લંગોટ્યા મિત્ર એવા સર્વેશ્વરભાઈના દિકરા હર્ષ સાથે નક્કી થયું હતું. સર્વેશ્વરભાઈ તો પેટે ચાંદલાજ કરવા માંગતા હતા પણ ભાનુશંકર છોકરાંઓની ખુશીમાંજ આપણું હિત હોય તેવા વિચારો ધરાવતાં સગપણમાં ઉતાવળ કરેલી ન હતી.
કિર્તી અને હર્ષ બન્ને બાળપણથીજ એક બીજાને ઓળખતાં તેઓની બાળમિત્રતા જીવનસાથીમાં પરિવર્તિત થવાની તેવું સ્વપ્ને પણ વિચારેલું ન હતું. પણ, સર્વેશ્વરભાઈને મન એકજ વિચાર ફરતો ઓળખીતાની દીકરી ઘરમાં આવે તો રિતરીવાજોને બરાબર અનુસરે અને વધુમાં માતા-પિતાની આંખની શરમે ઘરની વહુ બની ઊંચું માથું ન કરે. 'હા મા હા મેળવી' સંપીને રહે. સર્વેશ્વરભાઈ બન્ને બાળકો એક બીજાની નજીક આવે એવા ઈરાદાથી હર્ષને સતત કિર્તી સાથે રમવા, ભણવા મોકલતાં રહેતા.
હર્ષ સ્વભાવે ગભરૂ છોકરો હતો. તેણે તેના પિતા વિરુદ્ધ જવાની ક્યારેય પણ હીંમત કરી ન હતી. એ હમેશાં તેના પિતાના પડ્યા બોલ જીલતો રહેતો. કિર્તી સાથે રમતા શેરીના બીજા છોકરાંઓ ઘણીવાર ચીડવતાં તેમ છતાં પિતાની સૂચનાને અનુસરી કિર્તીની આગળ પાછળ ફરે રાખતો. હર્ષ ભણવામાં પણ હોશિયાર હતો દરેક વખતે વર્ગમાં પ્રથમ નંબરેજ પાસ થતો. સર્વેશ્વરભાઈ અને માતા રાગિણીબેન તેને મોટા થઈ ડોકટર બનાવવાનું સપનું સેવતા હતા.
ભાનુશંકર અને તારામતીબેનના લગ્નજીવનના પંદર વર્ષ બાદ ઘરમાં બાળક આવેલું અને એ એકની એક દીકરી હતી કિર્તી. કિર્તી સ્વભાવે શાંત, કોમળ, મૃદુભાષી અને સ્વરૂપવાન. લાડકી દીકરી હોય ભાનુશંકર તેની બધીજ ઇચછાઓ પુરી કરતાં તે ક્યારે દીકરીને દુઃખી જોવા ઇચ્છતાં ન હતા. તેનું હાલે તો દીકરીને પરણાવવી પણ ન હતી. પણ સમાજના નિયમો વિરુદ્ધ જવાની હીંમત પણ ન હતી. જેથી તેઓ પણ ઇચ્છતા કે દીકરી કોઈ જાણીતા કુટુંબમાં વરે તો સારું !
હર્ષ છોકરા તરીકે કિર્તી પર જો હુકમી કરવા પ્રયાસ કરતો પણ કિર્તી પાસે કઈ તેનું ચાલતું નહિ. બાળપણની ખાટી-મીઠી તું તું મેં મેં કરતા બન્ને કોલેજમાં આવી પહોંચ્યા હતા. હર્ષ માતા-પિતાની ઈચ્છા અનુસાર ડોકટર લાઇનમાં ન'તો જઈ શક્યો. તેનું ગાણિતીય મગજ વેપાર-વાણિજ્ય તરફ ખેંચાયેલું હોય તે વાણિજ્ય વિષયમાં આગળ વધ્યો હતો. જ્યારે કિર્તી હોશિયાર હોવા છતાં હોમસાયન્સમાં સ્નાતક પૂરું કર્યું. તેણી મનોમન જાણતી હતી કે 'અંતે તો કોઈનો હાથ પકડી ગૃહિણી બનવાનું છે તો શા માટે બાપના પૈસા ભણતર પાછળ વેડફવા!' કિર્તી બાળપણથીજ પોતાના વિચારોમાં મસ્ત, ગમતું કરવાની આઝાદી સાથે જ ઉછેર થયો હોય તેણી દૂર સુધી આઝાદીની ઉડાન એક પક્ષી માફક ભરી લેવા માંગતી હતી.. તારામતીબેન એક દીકરીની 'માં' તેના ભવિષ્ય માટે સતત ચિંતિત રહેવા લાગ્યા હતા. છોકરી 22 વર્ષની થઈ પણ હજુ પરણવાનું કઈ બોલતી નથી.
એક દિવસ સવારે કિર્તી તેના બા-બાપુજીને સર્વેશ્વરભાઈના હર્ષ સાથેના લગ્ન પ્રસ્તાવની વાત કરતાં સાંભળી ગઈ. ભાનુશંકર કિર્તીની ઈચ્છા પર છોડવા માંગતા હતા અને તારામતીબેન છોકરી ઉંમર લાયક હોય લગ્ન પ્રસ્તાવ સ્વીકારી કિર્તીના હાથ પીળા કરવાનો આગ્રહ કરી રહ્યા હતા. ઘરમાં ચાલતી લગ્નની વાતને લીધે તેણી ઉંડા મનોમંથનમાં ઉતરી ગઈ અને અચાનક આઝાદી છીનવાઇ જવાની અને ઘરસંસારમાં બંધાઈ જવાના વિચારોએ અંદરથી જ હચમચાવી મૂકી.
સંસાર સાગરમાં પરિણય અને સંતતિ નિયમન એ જીવસૃષ્ટિને ટકાવી રાખવા એકબીજાને જોડતી કુદરતી કળી છે જેને અનુસરવું એ પૃથ્વી પરના દરેક જીવનો ધર્મ છે. કિર્તીને પણ હર્ષ સાથે લગ્ન સંબંધ બંધાય તેમાં અંગત સ્વાર્થ દેખાયો. ભાનુશંકર અને સર્વેશ્વરભાઈની મિત્રતાના લીધે લગ્ન બાદ પણ માતા-પિતાનું ધ્યાન રાખી શકાશે તેવું વિચારી હર્ષ સાથે લગ્ન સંબંધમાં બંધાવાની ઈચ્છા સામે ચાલી ભાનુશંકર પાસે વ્યક્ત કરી દીધી.
ભાનુશંકરે ફોન જોડી સર્વેશ્વરભાઈને સગપણ જાહેર કરવાની સહમતિ આપી. બન્ને કુટુંબમાં ખુશીનો માહોલ છવાયો કિર્તી અને હર્ષ પણ અગ્નિસાક્ષીએ એકબીજા સાથે સંસાર સાગરમાં જીવન નૈયા ચલાવવા એક બીજા સાથે જોડાયા. લગ્ન બાદ કિર્તી અને હર્ષ એકબીજા સાથે બાળપણની મિત્રતા મીઠી નૌક જોંક માંથી પ્રેમાળ સંબંધો રૂપી વિકસવા લાગ્યો.
કીર્તિ પણ એક અલ્લડ યુવતીમાંથી જવાબદાર ગૃહિણી બની હતી. સર્વેશ્વરભાઈ અને રાગિણીબેનના પડ્યા બોલ ઝીલી તેના મા-બાપના સંસ્કાર દીપાવવા લાગી હતી. સમય વીતવા લાગ્યો એક દિવસ ઘરકામ કરતાં અચાનક કિર્તીની તબિયત બગડી એ દિવસે હર્ષ ઘરમાં હોય તાબડતોબ કિર્તીને દવાખાને લઈ ગયો. સામાન્ય ચકાસણી બાદ માલુમ પડ્યું કિર્તીને સારા દિવસો જઈ રહ્યા છે. સર્વેશ્વરભાઈ અને રાગિણીબેન જે સમયની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ખુશખબર મળતા ખુશ થવાના બદલે ભ્રુણ પરિક્ષમ પહેલાં કોઈને પણ વાત ન કરવી તેવું ફરમાન કર્યું.
કિર્તી તેના સાસુ-સસરાની આવી વાત સાંભળતાજ ખિન્ન થઈ ગઈ. તેણે પ્રથમ વખત આમન્યા છોડી અને ભ્રુણ પરીક્ષણનો વિરોધ કર્યો. ત્યારે રાગિણી બહેન એક સ્ત્રી હોવા છતાં સ્પષ્ટ શબ્દોમાં પરખાવ્યું, "જો..કિર્તી વહુ ભ્રુણ પરીક્ષણ કરાવવું તો પડશેજ મેં પણ વર્ષો પહેલા પરીક્ષણ કરાવેલું ત્યારે તો સગવડો પણ ન હતી તેમ છતાં શહેરમાં જઈ તમારા સસરાજી એ ડોક્ટરને પૈસા આપી પરીક્ષણ કરાવેલું અને પહેલી દીકરી હોવાનું માલુમ પડતા ગર્ભપાત કરાવેલો હતો. અને બીજી વખત આ હર્ષનો જન્મ થયો તમારે પણ એમજ કરવું પડશે. પ્રથમ દીકરી કોઈપણ હિસાબે ન જોઈએ." કિર્તીએ હર્ષને પણ ખુબજ વિનવણી કરી, પણ હર્ષના સ્વભાવમાં જ વિરોધ ન હતો. એ માતા-પિતાનો આજ્ઞાંકિત શ્રવણ બની અને કિર્તીને સમજાવવા લાગ્યો.
અંતે હારી થાકી કિર્તીએ નમતું જોખવું પડ્યું અને ભ્રુણ પરીક્ષણ કરાવ્યું અને પ્રથમ સ્ત્રી ભૃણ હોવાની જાણ મળી. તુરંત સર્વેશ્વરભાઈનું ફરમાન પડ્યું અને ગર્ભત્યાગ કરાવવો પડ્યો. થોડો વખત આરામ કરવા તેણીને પિયર મોકલવામાં આવી જ્યાં તે કેટલાય દિવસો સુન્ન થઈ પડી રહી અને રડતી રહી. તારામતીબેન એ સાંત્વના આપી, " બેટા.. આવી રીતે રડાય નહીં હિંમત રાખ, ઇશ્વરની ઈચ્છા
હશે, એમણે જે ધાર્યું હશે એ સારું જ થશે." રડમસ અવાજે કિર્તી બોલી, "મા.. ખોટી સાંત્વના ન આપ ઈશ્વરે મને બાળક આપ્યું પણ તેને ત્યાજનાર આપણે માણસજ હતા. માણસ કેમ સમજતો નહિ હોય ! સ્ત્રી હોય કે પુરુષ બાળક હોવું તે શુ મહત્વનું નથી ? જેને બાળક અવતરતું નથી તેને પુછો બાળક માટે કેટલા ઝંખતા હોય છે ?" કિર્તીની તાર્કિક દલીલો સામે તારામતીબેની સાંત્વના ઝાંખી પડતી હતી.
દુઃખનું ઓસડ દહાડા મુજબ સમય પસાર થતાં કિર્તી એમના દૈનિક જીવનમાં ગોઠવાણી ફરી વર્ષ બાદ સારા દિવસો જવાનો અણસાર આવ્યો અને પહેલાની માફકજ રાગિણીબેને ગર્ભપરિક્ષણની વાત મૂકી. કિર્તીના હૈયામાં ફડકો બેઠો કે ફરી સ્ત્રીબાળ હશે તો !" કિર્તીએ પહેલાં કરતા બમણો વિરોધ કર્યો કિર્તી અને હર્ષના છુટાછેડા સુધી વાત પહોંચી ગઈ. પણ અંતે ભાનુશંકરનો પિતા તરીકે લાચાર વ્યક્તિ અને તેની આબરૂ માટે કિર્તીએ નમતું ઝોખ્યુ. ગર્ભપરિક્ષણનું પરિણામ ફરી એકનું એક સ્ત્રીબાળનું ભ્રુણ હોવાનું માલુમ પડતાજ ફરી ગર્ભપાત કરાવવો પડ્યો.
માતૃત્વ ઝંખતી કિર્તી સતત બીજી વખતના ગર્ભપાતના પરિણામે ભાંગી પડી હતી. પરિસ્થિતિ સામે લડવાથી પણ કોઈ ફાયદો ન હતો. સાસુ-સસરાની વારસદારની અપેક્ષા, પતિની કાયરતા અને લાચાર માતા-પિતા કોઈનો સાથ મળી શકે તેમ ન હતો. પુત્ર પ્રાપ્તિની અભિલાષામાં હવે અંધશ્રદ્ધાનો ઉમેરો થયો હતો. વિવિધ દેવોની માનતા, બાધાઓ રાખવામાં આવી હતી.પણ જ્યારે માણસ કુદરતની વિરુદ્ધ જાય ત્યારે શું ઈશ્વરની કૃપા વરસે ખરી ?
હર્ષ અને કિર્તીના લગ્નને જોત જોતામાં દસ વર્ષ થઇ ગયા. કિર્તીના સ્ત્રીબાળના ભૃણની જાણ થતા સતત પાંચ વખત ગર્ભત્યાગ કરાવડાવ્યો. માતૃત્વ ઝંખતી કિર્તીને હવે ગર્ભ રહેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. સર્વેશ્વરભાઈ શહેરના નામાંકિત ડો.ગુપ્તા વિશે માહિતીઓ એકત્ર કરી આવેલા, " સાંભળો છો... નજીકના શહેરમાં ડો.ગુપ્તા બહુજ મોટા અને હોંશિયાર ગાયનેકોલોજિસ્ટની એપોઈન્ટમેન્ટ લીધી છે હવે તો આપણે દાદા-દાદી બનશુંજ અને આપણો વંશ વધારનાર આવશે." સર્વસ્વરભાઈની વાત સાંભળી રસોડામાં કામ કરતી કિર્તીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, "દાદા-દાદી બનવાનો અવસર તો પાંચ વખત સાંપડેલો હતો જ ને..!"
ડો.ગુપ્તાની એપોઇન્ટમેન્ટ મુજબ હર્ષ અને કિર્તી શહેર તરફ જવા રવાના થયા. શિયાળાની સવારે ગુલાબી ઠંડીમાં બન્ને કારમાં ગુમસુમ બેઠા રસ્તો પસાર કર્યો અને ક્લિનિક પર પહોંચ્યા. ત્યાં પહોંચતા બહાર બેઠેલી નર્સે જરૂરી રિપોર્ટ કરાવવાની સૂચના આપી. આખો દિવસ પસાર થયા બાદ સાંજે તેનો વારો આવતા ડો.સાહેબની કેબિનમાં પ્રવેશ્યા. જરૂરી ચેકઅપ અને રીપોર્ટ તપાસી કહ્યું,"મી.હર્ષ કિર્તી હવે માતૃત્વ ધારણ નહીં કરી શકે." કિર્તી અને હર્ષના કાને ડો.ગુપ્તાના શબ્દો પડતાં, ઠંડીની મૌસમમાં પરસેવે રેબઝેબ થઈ ગયાં. કિર્તીની આંખોથી અશ્રુધારા વહેવા લાગી. "સતત પાંચ વખત ગર્ભત્યાગ કરાવ્યો હતો જેના લીધે કિર્તીનું ગર્ભાશય હવે ગર્ભ ધારણ કરવા સક્ષમ રહ્યું નથી." હર્ષને ડો.ગુપ્તાની વાત સાંભળી તેમના માતા-પિતાની વંશ વધારવાની ઘેલછાના લીધે કરાવેલ કૃત્યનો અફસોસ થતો હતો. દવાખાનાની બહાર સૂર્યદેવતા તેમની ડ્યુટી પૂર્ણ કરી ઘર તરફ જઈ રહ્યા હતા સાથે હર્ષ અને કિર્તી પણ કારમાં બેસી તેના ઘર તરફ જવા નીકળ્યા. બન્ને પર વજ્રઘાત પડ્યો હોય તેઓની નજર મળી શકતી નહતી, શબ્દો ભીતર ઊંડાણમાં ડૂબી ગયા હતા.
થોડે આગળ રસ્તામાં શહેરની અંધારી ગલીમાં પસાર થતી વખતે કીર્તિને ઉકરડાં પાસેથી કોઈ ભાગતાં દેખાયું. અને સાથે એક નવજાત બાળકને કચરામાં પડેલું પણ જોવા મળ્યું.કિર્તી કાર રોકાવી ઉકરડાં તરફ દોડી ત્યાં પડેલાં બાળકને ઊંચકે છે, બાળકને કણસતું જોઈ તેણે ઓઢેલી ગરમ શાલથી લપેટી બાળકને છાતી સરસી ચાંપે છે. હર્ષ કાર બાજુ પર રાખી હાંફતા કિર્તી પાસે પહોંચી પૂછે છે, " અરે જોતો બાબો છે કે..!" ત્યારે કિર્તીની નજરનો તાપ હર્ષને દઝાડી દે છે, "મારા સુના માતૃત્વને ભરવા ઈશ્વરએ વધુ એક મોકો આપ્યો છે હવે તો પૂર્ણ થવા દો !
હર્ષ આ વખતે કંઈ બોલી શકતો નથી. કીર્તિને મા અને હર્ષને પિતા બનવાનો અવસર મળ્યો હતો. બન્ને નવજાત બાળકીને સાથે લઈ ઘર તરફ જવા રવાના થાય છે. મનોમન બન્ને ખુશ હતા પણ બા-બાપુજી આ બાળકીને અપનાવવા દેશે ! વર્ષોથી પડ્યા બોલ જીલનારો હર્ષ તેના બા-બાપુજીને મનાવી શકશે ? પ્રશ્નો ઘણા હતા, પરિસ્થિતિ વિકટ બનવાની હતી તેમ છતાં બન્ને બાળકી સાથે ઘરે પહોંચે છે.
રાગિણીબેન કારનો અવાજ સાંભળી દરવાજા તરફ ડોટ મુકે છે. કિર્તીના હાથમાં બાળક જોઈ પ્રથમ તો દાદી બન્યાની સંવેદનાથી લાગણીવશ બને છે પણ બીજી જ ક્ષણે હર્ષ તરફ જોઈ, " બેટા.. આ...".હર્ષ રાગીણીબેનને ઘરમાં અંદર તરફ દોરી જાય છે. સર્વેશ્વરભાઈ પણ કંઈ સમજી શકતા નથી. કિર્તી બાળકીને લઈ રૂમમાં જતી રહે છે. થોડીવાર સાંકેતિક સંવાદો ચાલે છે અને અંતે સર્વેશ્વરભાઈ અકળાઈને, "મને કંઈ કહેશો..આ બધું શુ ચાલી રહ્યું છે ? આ બાળક કોનું છે અને આપણે ઘરે શા માટે લાવ્યા છો? ડો.ગુપ્તા પાસે ગયા હતા કે નહીં ?"
સર્વેશ્વરભાઈનો પડછંદ અવાજ સાંભળતા જ હર્ષના ગાત્રો શિથિલ થઈ જાય છે. તે કંઈ જ બોલી શકતો નથી. કિર્તી રૂમની બહાર આવે છે. "બાપુજી...તમારી પુત્રવધુ હવે ક્યારેય માતૃત્વ ધારણ નહિ કરી શકે તેવું નિદાન કર્યું છે શહેરના નામાંકિત ડો.ગુપ્તા સાહેબે." કિર્તીના મુખમાંથી નીકળેલા ધગધગતા શબ્દો સર્વેશ્વરભાઈ અને રાગિણીબેનને હૈયે ડામ આપે છે.
કાયરતા ખંખેરી હર્ષ પ્રથમ વખત બોલ્યો,"બા-બાપુજી વંશજ મેળવવાની આપણી ઘેલછાના લીધે કિર્તી પાંચ વખત મા બનવા છતાં તેનો ખોળો સુનો રહેશે. પણ ઈશ્વરે કિર્તી પર કૃપા વરસાવી ફરી એક વખત ખોળે બાળકી મોકલી છે." બરોબર ત્યાંજ રૂમમાંથી બાળકીનો રડવાનો અવાજ આવે છે રાગીણીબેન રૂમમાં બાળકી પાસે જઈ તેને હાથમાં લે છે અને ગળે વળગાડે છે. રૂમની બહાર ઉભા રહી જોતા સર્વેશ્વરભાઈ તરફ જોઈ રાગીણીબેને લાગણીવશ કહ્યું, "વર્ષોથી સુના આપણા આંગણે બાળકીની કીકીયારી બોલી છે. આ અવસર હવે ન જવા દેતાં." સર્વેશ્વરભાઈ અને રાગિણીબેનની શાન ઠેકાણે આવે છે નવજાત બાળકીને હાથમાં લઇ દાદા-દાદી બનવાની ઝંખના પૂર્ણ થતા વંશજ મેળવવાની પાળી રાખેલી ઘેલછા અશ્રુ વાટે વહી જાય છે.
સર્વેશ્વરભાઈ રૂમ બહાર આવી ફોન જોડે છે, " હેલ્લો.. ભાનુશંકર તમે નાના અને હું દાદા બન્યો છું મોં મીઠાં કરાવો."