Narendrasinh Rana

Inspirational Classics

2.1  

Narendrasinh Rana

Inspirational Classics

વૈરાગ્ય

વૈરાગ્ય

3 mins
14.7K


વહેલી સવારે તેની આંખ ઉઘડી. તે પથારીમાંથી ઉઠીને પોતાનું નિત્યક્રમ પતાવવા લાગ્યો. નહાવાનું પતાવી તે પોતાના કપડાના કબાટ તરફ ફર્યો. કબાટ ખોલતા જ તેની નજર સૌથી નીચેના ખાના તરફ ગઈ. ભાગવા કપડાં વચ્ચે બીજા રંગના કપડાં અલગ તરી આવતા હતા. તે તેના પુર્વજીવનના કપડાં હતાં. તે સાધુ બન્યો તે પહેલાંના જીવનના કપડાં. ઘણીવાર તેને ખુદને પણ ખબર નોહતી પડતી કે તેણે આ કપડાં કેમ સાચવ્યા હતાં ! તેણે કબાટ બંધ કરી પોતે કાઢેલાં ભગવા કપડાં પહેર્યાં.

રૂમની બહાર નીકળતાં જ બે-ત્રણ ભક્તો તેના પગે પડ્યા. તે બધાને આશીર્વાદ આપીને મુખ્ય મંદિર તરફ આગળ વધ્યો. નિત્યક્રમ મુજબ આરતી કરીને તેણે ધુન બોલાવી. થોડીવાર બાદ એક સેવકે આવીને સમાચાર આપ્યા કે શેઠ આવ્યા છે અને ઓફિસમાં તમારી રાહ જુએ છે. તે ઉભો થયો અને ઓફીસ તરફ ચાલ્યો. શેઠ તેને જોતા જ પગે પડ્યા. તેણે આશીર્વાદ આપીને સ્મિત કર્યું. બન્ને સાથે ઓફીસમાં પ્રવેશ્યા. શેઠે પોતાની સાથે લાવેલી બેગ બાજુમાં મૂકી.

"મહારાજ, આપણે વાત થઇ હતી એ મુજબ પંદર લાખ રૂપિયા લાવ્યો છું. બે દીવસ પછી પાછા લઇ જઈશ. તમારા કમિશન પેટે જે થતા હોય તે કાપીને પાછા આપી દેજો. અને દાનની રસીદ પણ સાથે મોકલાવજો." શેઠ હસતા હસતા બોલ્યા. તેણે બાજુમાં ઉભેલા ઓફીસમાં કામ કરતા ભક્તને ઈશારો કર્યો. તે બેગ ખોલીને રૂપિયા ગણવા લાગ્યો. શેઠ હાથ જોડીને ઉભા થયા. શેઠે જવા માટે રજા માંગી. તેણે હાથ ઉંચો કરીને આશીર્વાદ આપ્યા. શેઠ ચાલતા થયા.

તે ભક્તને રૂપિયાની થોકડીઓ ગણતા જોઈ રહ્યો. અચાનક તેને લાગ્યું જાણે આ દ્રશ્ય તેની નજર સામે બીજીવાર ભજવાઈ રહ્યું છે. આ જ રીતે નોટોની બેગો તે પહેલાં પણ જોઈ ચુક્યો હતો. તેને યાદ કે વર્ષો પહેલાં તેની સામે આ જ રીતે નોટોની પેટીઓ લઈને વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેની પાસે આવતા અને તે ચાર્ટર્ડ એકાઉન્ટટની ખુરશી પર બેસીને તેનો વહીવટ કરતો. ત્યારે પણ લોકો તેને પોતાના નાણાં આપી જતા અને તેનું કમીશન કાપીને કાળાનાણાંને સફેદ બતાવવાનું કહેતા. તે આ બધું કરી આપતો, પણ ધીરે ધીરે તેનો આત્મા ખોટું કરવા માટે ના પાડવા લાગ્યો.

ધીરેધીરે તે કામથી અને સંસારથી વિમુખ થવા લાગ્યો. તેને સંસાર અસાર લાગવા લાગ્યો. તેને લગ્ન તો કર્યા નહોતા એટલે તેનો માતા પિતા સિવાય બીજા કોઈ સાથે તેને લગાવ પણ ન હતો. આવી રીતે તે અધ્યાત્મના માર્ગે વળ્યો. પહેલાં માત્ર મંદિરે જતો અને તેમ કરતા તે ત્યાંના સાધુઓના સંપર્કમાં આવ્યો. સાધુઓ તેનામાં રહેલો વૈરાગ્યભાવ ઓળખી ગયા. મંદિરના મુખ્ય ગુરુ પણ તેને પોતાની સાથે રાખવા લાગ્યા. આમ, સંસાર તેનાથી છૂટતો ગયો.

તેણે જયારે દીક્ષા લીધી ત્યારે તેને નવો રસ્તો મળ્યો હોય તેમ લાગ્યું. તે આખો દિવસ સાધનામાં મગ્ન રહેતો. તેને એમ લાગતું કે એક દિવસ તે પરમ તત્વને પામી જશે.

પરમતત્વ તો ન મળ્યું પણ ધીરેધીરે તેને આશ્રમની પ્રવૃતિઓ વિશે ખબર પડવા લાગી. તેના ગુરુ તેને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા શિક્ષણ આપતા ગયા અને તે ગુરુની આજ્ઞા પાછળ કોઈ કારણ હશે એમ માનીને તેમના બધા કામ શીશ નમાવીને કરતો ગયો.

ગુરુના મૃત્યુ પછી ભક્તોએ મળીને તેને ઉત્તરાધિકારી બનાવી દીધો. એ બધાના પ્રેમને વશ થઈને કામ કરતો ગયો.

આજે આટલા વર્ષે તેને પોતાનો પૂર્વાશ્રમ યાદ આવી રહ્યો હતો. તેના ભક્તો હજુ પણ પેલા શેઠે આપેલ નોટોના બંડલો ગણી રહ્યા હતા. તેને પોતાનું માથું ભમી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચુપચાપ ઉભો થયો અને ઝડપથી બહાર તરફ ભાગ્યો. તેને ભાગતો જોઈને બે ભક્તો પણ તેની સાથે દોડ્યા. તેણે કબાટ ખોલીને પોતાના પૂર્વાશ્રમના કપડાં કાઢ્યાં. તેની પાછળ દોડી આવેલા ભક્તો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા. તે ભગવા વસ્ત્રો ત્યાગીને જુના કપડાં પહેરવા લાગ્યો.

"મહારાજ, ક્યાં જાવ છો?" એક ભક્તે પૂછ્યું.

"ઘરે." તેણે જવાબ આપ્યો. તેની આંખોમાં સાચો વૈરાગ્યભાવ ચમકી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational