Narendrasinh Rana

Tragedy

3.3  

Narendrasinh Rana

Tragedy

ગાંડી

ગાંડી

5 mins
14.4K


સૌરાષ્ટ્રનું એક નાનું શહેર. શહેરની મુખ્ય બજારમાં રમેશભાઈની દુકાન. રમેશભાઈ ગામના પ્રતિષ્ઠિત વેપારી હતા. સવારે વેહલા દુકાને પહોંચી જવાનો તેમનો નિત્યક્રમ હતો. રોજના ક્રમ મુજબ આજે પણ તેઓ પોતાની દુકાને પહોંચ્યા. તેમની દુકાનની બાજુમાં એક ગાંઠીયાવાળાની દુકાન. રમેશભાઈને આવતા જોઇને ગાંઠીયાવાળો હસ્યો.

"આજે અમારું કાયમી ગ્રાહક નથી આવ્યું." ગાંઠીયાવાળો હસતા હસતા બોલ્યો અને ઉમેર્યું, "તમારા દસ રૂપિયા બચ્યા આજે."

રમેશભાઈએ સામે ઘણા વર્ષથી બંધ પડેલી દુકાનના ઓટલા પર નજર કરી. ત્યાં પડેલું ફાટેલું ગોદડું ખાલી હતું. ગોદડાંની આસ પાસ ચીંથરાનો ઢગલો પડ્યો હતો. ગાંડી સાચે જ ગાયબ હતી.

આશરે બે વર્ષ પેહલા રમેશભાઈએ ગાંડીને પેહલીવાર ગામના રસ્તા પર રખડતા જોઈ હતી. આશરે ત્રીસેક વર્ષની ઉમર, વિખરાયેલા વાળ અને આંખોમાં ગાંડપણ. તે ક્યાંથી આવી હતી તે કોઈને ખબર નોહતી. ઘણી વખત ગામના લોકો તેમના ગામમાં બહું તોફાન કરતા ગાંડાઓને ટ્રેનમાં ચડાવી દેતા હોય છે. સૌરાષ્ટ્રના ગામો વચ્ચે આવો ગાંડાઓનો વાટકી વેહવાર સામાન્ય બાબત છે. આવા જ વાટકી વેહવાર અંતર્ગત ગાંડી કોઈ બીજા ગામમાંથી અહીં પહોંચી ગઈ હતી. તે આખો દીવસ ગામમાં રખડતી, કોઈ ખાવાનું આપે તો ખાતી. ક્યારેક તોફાને ચડે તો લોકોને પથ્થર મારતી. ધીરે ધીરે તે ગામની ચહેલ પહેલનો ભાગ બની ગઈ. તેને બે ટાઇમ જમવાનું ગામમાંથી મળી રેહતું. રમેશભાઈ તેને ક્યારેક રસ્તા પર રખડતા, તો ક્યારેક દુકાનવાળાઓ પાસે ખાવાનું માંગતા જોતા. બધા માટે તે ધ્યાનમાં લેવા જેવી વ્યક્તિ નોહતી.

થોડા સમય પછી તેના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો. દીવસ આખો રખડતી ગાંડી જેમ રાત પડે તેમ વિહવળ થવા લાગતી. તે રાત પડતાની સાથે જ જોર જોરથી રાડો પાડવા લાગતી અને જગ્યાઓ બદલતી રેહતી. લોકો તેને રાડો પાડતી જોઈને ધુત્કારતા.

થોડો સમય આમ જ ચાલ્યું. લોકોને તેની રાડો પાડવાનું કારણ થોડા મહિનાઓ બાદ તેના વધતા પેટને જોઇને સમજાયું. જયારે ગામનાં લોકોએ તેના વધતા પેટને જોયું ત્યારે સ્તબ્ધ થઇ ગયા. ધીરે ધીરે ગામમાં વાતો શરુ થઈ. કોઈએ તેને પોલીસને સોંપવાની સલાહ આપી તો કોઈએ તેના માટે ઝૂંપડું કે ઘર શોધવાની સલાહ આપી. બધા માત્ર સલાહ આપતા પણ કોઈને પણ આ માટે જવાબદાર લોકોને પકડવામાં રસ નોહતો. લોકોનું વર્તન તેના પ્રત્યે બદલાઈ ગયું. ઘણા લોકો તેની દયા ખાઈને તેને જમવાનું આપવા લાગ્યા, જાણે બીજા લોકોએ કરેલા પાપનું તેઓ પ્રાયશ્ચિત કરવા માંગતા હોય.

સગર્ભા ગાંડી દંભી સમાજ સામે એક પ્રશ્ન હતી. એક એવો પ્રશ્ન જેનો જવાબ સમાજ પાસે નોહતો. તેની આ હાલત માટે જવાબદાર દીવસે સજ્જનતાનું મોહરું પેહરીને ફરતા અને રાત્રે જંગલી પશુ બની જતા લોકો હતા. રમેશભાઈ જેવા ઘણાં લોકો પોતાના જ ગામનાં લોકોના આવા કરતુતથી શરમ અનુભવતા પણ તેઓ લાચાર હતા.

થોડા મહીના બાદ ગામના સરકારી દવાખાને કોઈએ તેને પ્રસુતિની પીડા ઉપડતા દાખલ કરાવી. સરકારી ડોકટરે ઘણી મેહનત પછી તેની અધુરા મહીને પ્રસૂતિ કરાવી. જન્મેલો છોકરો બહુ અશક્ત હતો. તેના જીવવા વિષે ડોક્ટરને શંકા હતી.

દવાખાનામાં થોડા દીવસો રાખીને ડોકટરે માં-દીકરાને રજા આપી. જયારે ગાંડીને પેહલીવાર છોકરો આપવામાં આવ્યો ત્યારે ગાંડીએ પેહલા તો તેને સ્પર્શ પણ ન કર્યો. થોડીવાર પછી જયારે છોકરો રડવા લાગ્યો ત્યારે ગાંડી તેના નાના હાથ પગને હલતા જોઇને તેને કુતુહલતાથી તેડયો. છોકરો માના ખોળામાં પહોંચીને શાંત થયો. ગાંડી જાણે કોઈ રમકડું મળી ગયું હોય તેમ છોકરા સાથે રમવા લાગી. છોકરો પણ જાણે માને ઓળખતો હોય તેમ ગાંડી સામે જોઈ રહ્યો.

પછી તો ગામવાળા માટે દીકરાને તેડીને રખડતી ગાંડી એ રોજનું દ્રશ્ય થઈ પડ્યું. આખો દીવસ ગાંડી ખાવાનું શોધતી અને જે મળે તે છોકરાને પણ ખવડાવવાનો પ્રયત્ન કરતી. છોકરો જયારે રડવા લાગતો ત્યારે તેના હલતા હાથ અને પગને પકડવાનો પ્રયત્ન કરતી. ધીરે ધીરે ગાંડી રમેશભાઈની દુકાન સામે વર્ષોથી બંધ પડેલી દુકાનના ઓટલે સ્થાયી થઇ. રમેશભાઈ સવારે દસના ગાંઠીયા લઇ આપતા, જે થોડા પોતે ખાતી અને થોડા છોકરાને ખવડાવવા મથતી.

છોકરાના જન્મ પછી ગાંડીએ ગામમાંથી ચીંથરા વિણવાનું શરૂ કર્યું. તે ચીંથરા ભેગા કરીને છોકરાને નવા કપડાં પેહરાવતી હોય તેમ તેની આસપાસ ચીંથરા વીંટતી. જયારે શીયાળો જામવા લાગ્યો ત્યારે રમેશભાઈએ ઘરેથી એક જુનું ગોદડું લાવીને ગાંડીને આપ્યું. ગાંડી રાત્રે પોતાની અને છોકરાની આસપાસ તે ગોદડું વીંટીને સૂઈ રેહતી.

આજે ગાંડી ગાયબ હતી. રમેશભાઈ સવારે કાયમ તેને ગોદડા પર તેના છોકરાની આસપાસ ચીંથરા વીંટતા જોતા પણ આજે ગોદડું ખાલી હતું. "આટલી ઠંડી રાતમાં ગાંડી પોતાની કાયમી જગ્યા મુકીને કેમ ગઈ હશે?" રમેશભાઈને પ્રશ્ન થયો.

"કદાચ સવારમાં ચીંથરા વીણવા નીકળી ગઈ હશે. હમણાં આવશે." એમ વિચારીને રમેશભાઈએ દુકાન ખોલી.

થોડીવાર બાદ તેમણે ગાંડીને સામેથી આવતા જોઈ. તેના હાથમાં છોકરો હતો. તે ધ્રુજી રહી હતી. તેની આંખોમાં ભય હતો. તે જાણે ક્યાંકથી ભાગીને આવી હોય એમ લાગતું હતું. રમેશભાઈ ઉભા થઇ ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે ? પેલા રાતના પશુઓથી બચવા જ તે જગ્યા છોડીને ભાગી હશે. રમેશભાઈ તેણે આવી ઠંડીમાં રાત કેવી રીતે પસાર કરી હશે તે વિચારીને કંપી ઉઠ્યા. રમેશભાઈ તેને ધીરે ધીરે પોતાની રોજની જગ્યા તરફ જતા જોઈ રહ્યા. ગાંડીએ ગોદડા પર બેસીને છોકરાને નીચે મુક્યો. રમેશભાઈએ ગાંઠીયાવાળા તરફ નજર કરી. તે દશનાં ગાંઠીયા બાંધવા લાગ્યો.

અચાનક ગાંડીએ ચીસ પાડી. રમેશભાઈ અને આસપાસના દુકાનવાળા ચોંકી ગયા. રમેશભાઈએ તેની દિશામાં જોયું તો ગાંડી જોર જોરથી રાડો પાડી રહી હતી અને ગોદડામાં પડેલા છોકરાને હલાવી રહી હતી. છોકરો નિશ્ચેત, પથરાની જેમ પડ્યો હતો. તેની માંની રાડોની તેના પર કોઈ અસર નોહતી. રમેશભાઈ અને બીજા દુકાનવાળા ઓટલા તરફ દોડ્યા. ગાંડી હજુ છોકરાને જોર જોરથી હલાવી રહી હતી. રમેશભાઈએ નજીક જઈને જોયું તો છોકરાનું શરીર ભૂરું પડી ગયું હતું. બધા સમજી ગયા કે છોકરો મૃત્યુ પામ્યો હતો. રાતની ઠંડી તેને ગળી ગઈ હતી. કોઈએ છોકરાને ઉંચકી લીધો. બીજું કોઈ બાઈક લાવ્યું અને છોકરાને દવાખાને લઇ ગયા. ગાંડી જોર જોરથી રાડો પાડતી તેમની પાછળ દોડી. રમેશભાઈ ચુપ ચાપ તેને દોડતી જોઈ રહ્યા.

છોકરો મરી ગયા પછી ગાંડી થોડા દિવસ ગાયબ રહી. જ્યારે તે પાછી ફરી ત્યારે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તેની આંખોમાંથી ગાંડપણ ગાયબ હતું. તેની ચાલમાં નિરાશા હતી. તે આવીને પોતાની રોજની જગ્યાએ ઓટલા પર બેસી ગઈ. રમેશભાઈને ખબર પડી હતી કે છોકરાની અંતિમક્રીયા વખતે ગાંડીએ બહુ તોફાન કર્યું હતું. એક માએ પોતાના સૌથી વાહલા રમકડાંને કાયમ માટે પોતાનાથી દૂર થતું રોકવા બધું જ કર્યું હતું.      

રમેશભાઈએ રોજનાં ક્રમ મુજબ ગાંઠીયા લઈને તેની સામે મૂક્યા પણ ગાંડીએ તેને હાથ પણ ના અડાડ્યો. પછી તો રોજનો ક્રમ થઇ ગયો. રમેશભાઈ ગાંઠીયા મૂકતા અને ગાંડીને બદલે આસપાસના કુતરાઓ તે ખાતા.

આજે રમેશભાઈએ કંઇક અલગ કરવાનું વિચાર્યું હતું. તેમણે દશના ગાંઠીયા લીધા અને ઓટલા તરફ ગયા. તેમણે ગાંઠીયા ગાંડી સામે મુક્યા અને સાથે છાપાંના કાગળમાં વીંટળાયેલી એક બીજી વસ્તુ પણ મુકીને દુકાન તરફ ચાલતા થયા.

રમેશભાઈ દુકાનના ગલ્લા પર બેસીને ગાંડીનું નિરીક્ષણ કરવા લાગ્યા. ગાંડીએ છાપાંમાં વીંટળાયેલી વસ્તુ પર નજર કરી. તેણે હાથ લંબાવીને ચીજને ઉંચકી. વીંટાળેલા છાપામાંથી બે નાના પગ બહાર આવ્યા. ગાંડીની આંખમાં ચમક આવી. તેણે ઢીંગલાની આસપાસ વીંટાળેલું છાપું ફાડી નાખ્યું અને ઢીંગલાને ચીથરાંમાં વીંટીને પોતાની છાતી સરસો ચાંપ્યો. રમેશભાઈને કોઈ સારું કામ કર્યાનો આનંદ થયો. થોડીવાર પછી તેમને મુકેલા ગાંઠીયા પુરા થઇ ગયા હતા અને ગાંડી નવા ઢીંગલા સાથે ગામનાં રસ્તાઓ પર પાછી ફરી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy