Narendrasinh Rana

Romance Thriller

1.4  

Narendrasinh Rana

Romance Thriller

પ્રેમભરી ક્ષણો

પ્રેમભરી ક્ષણો

5 mins
14K


એક રેસ્ટોરન્ટમાં સાંજનો સમય હતો. એક યુવક અને યુવતી ટેબલ પર આવીને બેઠા હતા. બન્ને સાથે ખુશ લાગી રહ્યા હતા. બન્નેએ એકબીજાનો હાથ પકડીને બેઠા હતા. બન્ને એકબીજાના પ્રેમમાં હોય તેમ લાગી રહ્યું હતું. યુવકે યુવતીનો હાથ પકડ્યો. બન્ને એકબીજા સામે હસ્યાં. યુવતી તેની સામે જોઈને હસી. તેના હાસ્યમાં જાણે યુવકને પોતાની આખી જિંદગી વીતી ગઈ હોય તેમ લાગ્યું.

"આજે તું બહુ સુંદર લાગે છે." યુવક યુવતીની આંખોમાં જોઈને બોલ્યો.

"તું કાયમ આવું જ બોલે છે. ક્યારેક મને એવું લાગે છે જાણે તું ખોટું બોલતો હોય." યુવતી હસીને બોલી.

"સાચે, તારા સમ, હું સાચું બોલું છું." યુવાન પણ મસ્તીમાં બોલ્યો.

"એક વાત કહે, કાલે સવારે મને કંઈક થાય તો તું જીવી શકે ખરો ?" યુવતીએ યુવાનની આંખોમાં આંખ નાખીને પૂછ્યું.

"તારા વગર જીવવાનું હું ક્યારેય ન વિચારી શકું." યુવાન ગંભીર થઇને બોલ્યો.

તમને એમ લાગતું હશે કે લેખકે આ શું માંડ્યું છે ? આ તો કોઈ સામાન્ય પ્રેમકથા લાગે છે. પરંતુ એવું નથી. આ પ્રેમી યુગલથી થોડે દૂર એક વ્યક્તિ બેઠો હતો. જે એકીટશે આ યુગલને વાતો કરતા જોઈ રહ્યો હતો. તેના માટે આ દ્રશ્ય નવું નથી. તે થોડી થોડીવારે રેસ્ટોરન્ટની દીવાલે લટકાવેલી ઘડિયાળ તરફ નજર કરી રહ્યો હતો.

'સમય પણ કેવી સાપેક્ષ ચીજ છે ? આપણા પ્રિય વ્યક્તિની હાજરીમાં ઝડપથી પસાર થઇ જાય છે. જયારે કોઈ કંટાળાજનક કામ કરતી વખતે એકદમ ધીરો ચાલે છે.' તેણે વિચાર કર્યો.

જો કે તે વ્યક્તિને અત્યારે કંટાળો નહોતો આવી રહ્યો. તેને પેલા પ્રેમીઓને જોવામાં મજા આવી રહી હતી. તે જાણે પોતાને ગમતી ફિલ્મ જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું.

બરોબર છ અને ત્રીસ મિનિટે તે ઉભો થયો અને સીધો જ પેલા પ્રેમી યુગલના ટેબલ પાસે પહોંચી ગયો.

"હેલો, મારુ નામ અવિનાશ છે. મને તમારા બન્નેના નામ ખબર છે માટે તમારા નામ કહેવામાં ખોટો સમય ન બગાડતા, તું આકાશ છે અને તું ધરા." એ અજાણ્યો વ્યક્તિ ઝડપથી બોલી ગયો.

આકાશ અને ધરા આ અજાણ્યા વ્યક્તિ સામે જોઈ રહ્યા. તેઓ આ વ્યક્તિને નહોતા ઓળખતા.

"પણ, અમે તમને નથી ઓળખતા." આકાશ બોલ્યો.

"સાચું છે, તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. મારે તમને એક વાત કહેવી છે. જે તમારા બન્ને માટે અગત્યની છે. હું બેસી શકું ?" અવિનાશ જવાબની રાહ જોયા વગર બેસી ગયો.

આકાશ અને ધરાને આ વ્યક્તિનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું. બન્ને તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા.

અવિનાશે પેલી દીવાલ પરની ઘડિયાળ તરફ જોયું. ત્રણ મિનિટ લીધી હતી તેણે પોતાની વાત કહેવામાં.

"ચાલો, હું સીધો જ મુદ્દા પર આવું છું. હું એક ટાઈમ ટ્રાવેલર છું. હું સમયમાં આગળ પાછળ યાત્રા કરી શકું છું. તમને મારી વાત ગાંડા જેવી લાગશે પણ હું તમને પાંચ મિનિટમાં સાબિત કરી આપવાનો છું કે હું સાચું બોલી રહ્યો છું. હું આગલી પાંચ મિનિટમાં તમારી આસપાસ બનવાની હોય તેવી બધી જ ઘટનાઓની ભવિષ્યવાણી કરવાનો છું. ધ્યાનથી સાંભળો." અવિનાશ ઝડપથી બોલી ગયો.

આકાશને આ વ્યક્તિ વિચિત્ર લાગ્યો. તેણે ધરા તરફ જોયું. ધરા સમજી ગઈ કે હમણાં આકાશ ગુસ્સે થવાનો હતો. તેણે આકાશને તેવું ન કરવા ઇશારાથી કહ્યું.

"મને ખબર છે, આકાશ. તારે મને અહીંથી કાઢવો છે. તું આવું એક બે વાર કરી પણ ચુક્યો છું. તેમ છતાં હું જોખમ લેવા તૈયાર જ રહું છું. ચાલો, મારી ભવિષ્યવાણીઓ...સાંભળો, પેલો વેઈટર હમણાં ટેબલ નંબર ત્રણનો ઓર્ડર પાડશે. આપણા પછીના ટેબલ પર એક વૃદ્ધ આવીને બેસશે અને કોફી ઓર્ડર કરશે. જે વેઈટર તેનો ઓર્ડર લેવા આવશે તે હાથમાં પેન પકડશે કે તરત તેને છીંક આવશે. બરોબર ત્યારે જ એક પીળા રંગની બસ આપણને કાંચમાંથી રસ્તા પર પસાર થતી દેખાશે." અવિનાશ ઝડપથી બોલી ગયો.

આકાશ કંઈ બોલે તે પહેલા જ ડીશો જમીન પર પડવાનો અવાજ આવ્યો. તેણે અવાજની દિશામાં નજર કરી તો ત્રીજા નંબરના ટેબલ પાસે વેઈટરના હાથમાંથી ટ્રે જમીન પર પડી હતી. વેઈટરે જમીન પરથી ડીશો ઉઠાવતા તેની બાજુમાંથી પસાર થતા વૃદ્ધને જગ્યા કરી આપી. વૃદ્ધ આકાશના ટેબલ પછીના ટેબલ પર બેસી ગયો. એક વેઈટર તેનો ઓર્ડર લેવા દોડી આવ્યો. તેણે ઓર્ડર લખવા જેવી પેન હાથમાં લીધી કે તરત તેને છીંક આવી. આકાશે તરત મોઢું ફેરવીને રેસ્ટોરન્ટના કાંચ બહાર નજર કરી. એક પીળા રંગની બસ તેમની સામેના રોડ પરથી પસાર થઇ.

"તમે...તમે કોઈ જાદુગર છો ?" આકાશના અવાજમાં આશ્ચર્યના ભાવ હતા. ધરા પણ અવિનાશને વિચિત્ર નજરે જોઈ રહી. તેને જે છેલ્લી પાંચ મિનિટમાં બન્યું હતું તેના પર વિશ્વાસ નહોતો આવતો.

"ના, હું જાદુગર નથી. હું ટાઈમ ટ્રાવેલર છું. આ બધી જ ઘટનાઓ હું પેહલા પણ જોઈ ચુક્યો છું માટે તમને શું બનશે એ હું જણાવી શકું છું. મને ખબર છે આકાશ હવે તારા મનમાં મારી બીજી કોઈ પરીક્ષા લેવાનો વિચાર આવ્યો છે. તું હવે મને તારા પાકીટમાં કેટલા રૂપિયા છે એ પૂછવાનો છું ? તને પેહલા જ કહી દઉં કે તારા પાકીટમાં બે હજાર રૂપિયા, એક ડ્રાઇવિંગ લાયસન્સ અને બે રૂપિયાના બે સિક્કા છે." અવિનાશ ઝડપથી બોલી ગયો. આકાશ હવે સાચે જ આ માણસથી ડરી ગયો હતો. તે સાચે જ તેની પરીક્ષા કરવા એવું જ વિચારી રહ્યો હતો.

"હવે, મારી પરીક્ષાઓ પતી ગઈ હોય તો હું મૂળ વાત પર આવું. હું એકવાર સમયમાં યાત્રા કરતા કરતા આ જગ્યાએ જમવા રોકાયો. તમને બન્નેને મેં આ ટેબલ પર વાતો કરતા જોયા એટલે હું અટકી ગયો. પછી તમે બન્ને બહાર ગયા. તમે બન્નેએ બહારથી એક ટેક્ષી પકડી જેનું આગળ જતા એક્સીડેન્ટ થયું અને તમે બન્ને મૃત્યું પામ્યા. મને બહુ દુઃખ થયું પછી મેં સમયમાં પાછળ જઈને તમને બન્નેને ચેતવવાનું નક્કી કર્યું. એક બે વાર તમે એ ટેક્ષીમાં ન બેઠા તો પણ બીજી કોઈ રીતે મૃત્યુ પામ્યા. હું અલગ અલગ રીતે તમને બન્નેને બચાવવાના આશરે બસો પ્રયત્નો કરી ચુક્યો છું પણ દિવસના અંતે તમે બન્ને મૃત્યુ પામો છો. હું તમને આજે બસોને સાડત્રીસમી વાર કહેવા આવ્યો છું કે આજ રાત સુધીમાં તમે બન્ને મૃત્યુ પામશો." અવિનાશ ગંભીર ચહેરે બોલી ગયો.

આકાશ સ્તબ્ધ થઇ ગયો. ધરાને ગુમાવવા માત્રના વિચારથી એ ડરી ગયો. જો આ આગંતુક સાચો હોય તો પોતાના બાકીના જીવનની દરેક ક્ષણ ધરા સાથે વિતાવવા માંગતો હતો. તેણે ધરાનો હાથ પકડ્યો. ધરાએ તેની આંખો વાંચી લીધી. તેમનો જવાનો સમય થયો હતો. તેઓ ટેક્ષી ઉભી રાખવાનો નિર્ણય કરી ચુક્યા હતા. બન્ને અવિનાશની રજા લઈને ઉભા થયા. અવિનાશ તેમને બહાર જતા જોઈ રહ્યો. બન્ને હસતા હસતા એકબીજાનો હાથ પકડીને ટેક્ષી ઉભી રાખવા માટે ઉભા રહ્યા. બન્ને જાણે તેમના જીવનની અંતિમ ક્ષણોને પ્રેમથી ભરી દેવા માંગતા હોય તેમ લાગી રહ્યું હતું.

અવિનાશ બન્નેને ટેક્ષીમાં બેસતા જોઈ રહ્યો. તેણે બન્નેના ગયા પછી પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. તેણે કાગળ પર રહેલા અસંખ્ય યુગલોના નામમાં ધરા અને આકાશનું નામ ઉમેર્યું. તેણે પોતાના હાથમાં રહેલા ઘડિયાળ જેવા સમયયંત્રમાં અમુક કળો ફેરવી અને બીજા કોઈ યુગલના જીવનમાં આજીવન પ્રેમ ભરવા માટે ઉપડી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance