STORYMIRROR

Shobha Mistry

Romance Tragedy Classics

4  

Shobha Mistry

Romance Tragedy Classics

રોમાન્સ

રોમાન્સ

2 mins
353

આરુષ એટલે જાણે કામદેવનો અવતાર જ્યારે વંશિકા એટલે સાક્ષાત રતિ ધરતી પર ઉતરી હોય એવું લાગે. બંને વચ્ચે દોસ્તી અને પછી પ્રણયની શરૂઆત થઈ. રોમાન્સભર્યા એ દિવસો તો પલક મીંચીને ખોલે એમ પસાર થઈ ગયા. જોતજોતામાં લગ્નની રૂપાળી પ્રેમડોરમાં બંધાવાના દિવસ આવી પહોંચ્યાં. વડીલોની સંમતિ અને આશીર્વાદથી બંને લગ્નના બંધને બંધાઈ ગયા. 

"આરુ, મને હંમેશાં આમ જ પ્રેમ કરતો રહીશ ને ? કદી જીવન સફરમાં અધવચાળે છોડીને જઈશ નહીં." મધુરજનીની રાત્રે પિયુના બાહુપાશમાં બંધાતા વંશિકાએ કહ્યું હતું. 

"જ્યાં સુધી મારા જીવમાં જીવ છે ત્યાં સુધી તને કદી એકલી છોડીશ નહીં." પ્રિયતમાના અધરને હળવું ચુંબન કરતાં આરુષે વચન આપ્યું હતું.

વંશિકાને આજે સવારથી આરુષની યાદ આવતી હતી. હજી તો વરસ પહેલાં જ પ્રિયતમે વચન આપ્યું હતું અને આજે તો એ યાદ બની દીવાલ પર લટકી ગયો હતો. એની આંખ અનરાધાર વરસી પડી. એણે પોતાના ઉપસેલા ઉદર પર હાથ ફેરવ્યો, "બેટા, તારા પપ્પા નથી પણ હું તારી પડખે હંમેશાં રહીશ. હું જ તારી મમ્મી અને હું જ તારો પપ્પા." એણે ઉદરમાં ઉછરી રહેલાં આરુષના અંશને કહ્યું. 

જોતજોતામાં આરુષના અંશે ધરતી પર પગ માંડ્યા નામ પાડ્યું આરુશિ. દિવસે ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દિવસે વધે. આરુશિ તો ચંદ્રની વધતી કળાની જેમ વધવા લાગી. વંશિકાએ એને આરુષની જરાપણ ખોટ ન સાલવા દીધી. કૉલેજમાં આરુશિની મુલાકાત મેઘાયુ સાથે થઈ. મેઘાયુ એટલે જાણે કામદેવનો બીજો અવતાર. આરુશિ અને મેઘાયુ વચ્ચે રોમાંચક રોમાન્સની શરૂઆત થઈ. 

ભૂતકાળનું જાણે પુનરાવર્તન થઈ રહ્યું હતું. બંને લગ્નના બંધને બંધાયા. થોડા મહિના પછી મેઘાયુ અને આરુશિ બહાર ગયાં હતાં. આવતી વખતે એમની કારનો અકસ્માત થયો અને આરુશિએ માતા બનવાની શક્યતા ગુમાવી દીધી. એની માનસિક હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. ખૂબ દવા કરવા છતાં કોઈ સુધારાનો અવકાશ દેખાતો નહોતો. ડૉક્ટરની સલાહ હતી કે જો એના ખોળામાં બાળક મૂકવામાં આવે તો કદાચ એની હાલત સુધરી શકે. ખૂબ વિચારને અંતે અનાથાશ્રમમાંથી એક બે દિવસનું બાળક લાવી એના ખોળામાં મૂકવામાં આવ્યું અને જાણે ચમત્કાર થયો. એ ઉછીના માતૃત્વે એની અસર બતાવવા માંડી. 

ધીરે ધીરે આરુશિ સમજદારોની પંગતમાં બેસવા યોગ્ય થઈ ગઈ. એ નાનકડા બાળકની કિલકારીએ મેઘાયુ અને આરુશિના જીવનમાં ફરી રોમાન્સની રોમાંચક પળોનું નિર્માણ કર્યું. ઉછીનું માતૃત્વ સફળ નીવડ્યું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Romance