Shobha Mistry

Romance Tragedy

4.3  

Shobha Mistry

Romance Tragedy

રમલી ગાંડી

રમલી ગાંડી

3 mins
253


એક પરદેશી મેરા દિલ લે ગયા, 

જાતે જાતે મીઠાં મીઠાં ગમ દે ગયા.

"રમુડી મૂઈ આખો દાડો આ ગીતડાં ગાતી ફરે છે. મૂઈને કેટલી હમજાઈ'તી કે ધુતારાનો ભરોસો કરીશ નઈ. ગમે ત્યારે તને ધૂતીને જતો રે'શે પણ હાંભળે એ રમુડી નઈ. હવે ગાંડા કાઢતી ફરે છે." મેનાબાએ બળાપો કાઢ્યો. એમની નજર સામે નાથાની દીકરી રમીલા રમવા લાગી. બહુ રૂપાળી નહીં પણ નાક નકશે નમણી તો ખરી જ રમીલા. જે જુએ તે બે ઘડી એને જોતો તો રહી જ જાય. 

નાથાલાલ અને હંસાને ત્યાં લગ્નના સાત વર્ષ પછી રમીલાનો જન્મ થયો હતો. કેટકેટલાં દેવલાં પૂજ્યા, કંઈ કેટલીય બાધા આખડી પછી હંસાએ પેટ માંડ્યું હતું ને પૂરે દિવસે દેવકન્યા જેવી ઘાટીલી દીકરીનો જન્મ થયો. રાતે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાતે વધે. એમ જોતજોતાંમાં રમીલા સત્તર વર્ષની થઈ ગઈ. ઘાટીલી તો હતી જ. તેમાં જુવાની ચડવા માંડી તેમ તેમ રૂપ ઉઘડવા માંડ્યું હતું. સફેદ દાડમની કળી જેવાં દાંતની હારમાળા. એમાં ગુલાબની પાંખડી જેવાં હોઠ, લાંબો નાગણ જેવો કેશકલાપ. સરસ તૈયાર થઈને નીકળે તો કોઈ રાજકુમારીથી ઓછી ન લાગે. ગામના છેલબટાઉ છોરાંઓ એના ઘરની આજુબાજુ આંટા મારતા પણ નાથાનો ધાક એવો હતો કે કોઈ સામેથી હિંમત કરતું નહોતું. 

શ્રાવણ મહિનામાં ગામને પાદરે મેળો લાગ્યો હતો. એમાં આજુબાજુના ગામમાંથી પણ કંઈ કેટલાય જુવાન જુવાનડીઓ મેળો માણવા આવ્યાં હતાં. એક છબીલો જવાન નામે ખેંગાર એના દોસ્તો સાથે શહેરથી આ મેળો માણવા આવ્યો હતો. કહે છે કોઈ પેપરનો ખબરપત્રી હતો. બહેપણીઓ સાથે મેળામાં ચક્કર ભમ્મર ફરતી રમીલા એની નજરે ચડી ગઈ. ખેંગારે તો પોતાના પેપર માટે એના જુદા જુદા પોઝમાં ફોટા પાડ્યા. પહેલાં તો એ બધી જુવાનડીઓને ખબર ન પડી પણ પછી ખબર પડતાં બધી એની સાથે બાઝવા માંડી. ખેંગારે પોતાની મધમીઠી વાતમાં એમને લપેટી લીધી. એની મીઠી વાણી અને અલબેલી અદા પર રમીલા મરી ફીટી. પંદર દિવસના મેળામાં એ તો એની પાછળ ઘેલી ઘેલી થઈ ગઈ. 

"જો રમલી, આવા પરદેશીના કોઈ ભરોસા નહીં. ક્યારે આપણને રખડાવીને ચાલતો થઈ જાય કહેવાય નહીં." બહેનપણીઓએ બહુ સમજાવી પણ મેળામાં વાગ્યા કરતાં 'એક પરદેશી મેરા દિલ લે ગયા' ગાતી ગાતી રમલી તો ભાન ભૂલી ગઈ હતી. "અરે ! એ મને કહીને ગયો છે થોડા દિવસમાં જ એ પાછો આવશે." રમલી તો એક જ ગાણું ગાયા કરતી. નાથા પટેલ અને હંસાને ખબર પડતાં બંને તો હાંફળા ફાંફળા થઈ ગયાં. એ પરદેશી પત્રકારને અને એના દોસ્તોને શોધવાનો બહુ પ્રયત્ન કર્યા પણ જાણે એ ધુતારો તો ધરતીમાં સમાઈ ગયો કે પછી દેશ બહાર જતો રહ્યો. એના કોઈ વાવડ મળ્યાં જ નહીં. 

આજકાલ કરતાં એ વાતને પાંચ છ ચોમાસા વીતી ગયાં. પછી તો એ એકે મેળામાં દેખાયો જ નહીં અને રમલી તો જ્યારે જ્યારે મેળો ભરાય ત્યારે એના પરદેશીને વિહવળ બની શોધતી રહેતી. આમને આમ રૂપાળી રમીલામાંથી રમલી ગાંડી ક્યારે બની ગઈ એ તો એનો ભગવાન જ જાણે. હવે આખા ગામમાં ખિખિયાળા કાઢતી અને 'એક પરદેશી' ગીત ગાતી ફર્યા કરતી. નાથાને અને હંસાને તો જાણે આખી જિંદગીનો સંતાપ થઈ ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance