Shobha Mistry

Abstract Classics Fantasy

4  

Shobha Mistry

Abstract Classics Fantasy

ડાહીડમરી

ડાહીડમરી

2 mins
418


"હાશ ! આજે કેટલાં દિવસ પછી આમ એકલી પડી. ઘરમાં કોઈ નથી એટલે આજે તો ઘણાં દિવસ પછી મારી મનગમતી સરદારની મસ્ત પાઉંભાજી મંગાવીને ખાઈ લઈશ. આજે તો સ્કૂલમાં જાણે ફ્રી પિરિયડ મળ્યો હોય તેવું લાગે છે." વૈભવીએ વિચાર્યું. નાનકડા પરિવારની વૈભવી પરણીને નિશાંતના મોટા સંયુક્ત પરિવારમાં આવી હતી. પિયરમાં બહુ કામ કરેલું નહીં અને અહીં તો મોટો સંયુક્ત પરિવાર. તેમાં પાછી તે ત્રીજા નંબરની વહુ એટલે કામ બહુ પહોંચતું. રાત પડતાં પડતાં તો તે થાકીને ઠૂસ થઈ જતી. 

આજના મળેલા એ ફ્રી પિરિયડનો પૂરેપૂરો લાભ લેવો હોય તેમ એણે પહેલાં તો લાંબા સમય પછી પોતાના માટે મસ્ત મોટો મગ ભરીને કૉફી બનાવી. પછી પોતાના રૂમની ગેલેરીમાં આરામથી બેઠી. સિંગલ ઝૂલા પર ઝૂલતાં ઝૂલતાં તે કૉફીનો આસ્વાદ માણી રહી. સામેના રોડ પરથી એકબીજાનો હાથ પકડીને પસાર થતાં બે નાના ભૂલકાં પર તેનું ધ્યાન ગયું. એનો હાથ અનાયાસે પોતાના ઉદર પર ફરવા લાગ્યો અને આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં. 

સાત વર્ષથી દર મહિને એને નિયમિત ચાર દિવસનો ફ્રી પિરિયડ મળી જતો. એ ઈચ્છતી કે ક્યારેક તો એ ફ્રી પિરિયડ ચૂકી જાય પણ કદાચ કુદરતને એ મંજૂર નહોતું. ઘરના સૌ અને બંને પતિ પત્ની પણ આતુરતાથી ફ્રી પિરિયડ ચૂકી જવાની રાહ જોતાં હતાં પણ હાય રે નસીબ ! આજે પણ એ એવા જ ફ્રી પીરિયડ પર હતી જેથી બધાની સાથે એ નણંદના ઘરે પૂજામાં ન ગઈ. સાધારણ રીતે એવાં દિવસોમાં એ પોતાના રૂમના એક ખૂણામાં આરામ ફરમાવતી પણ આજે એ જાણે સ્વચ્છંદ બની ગઈ અને ઘરના સૌની ગેરહાજરીનો લાભ ઊઠાવી રસોડામાં જઈ કૉફી બનાવી. સરદારમાંથી ઓર્ડર કરેલી પાઉંભાજી આવી તે આરામથી આરોગી લીધી. જેઠાણી એના માટે રાતનું ખાવાનું બહાર કાઢી ગયાં હતાં તે એણે નજીકમાં બેસતી એક અંધ ભિખારણને પધરાવી દીધું. 

ઝૂલા પર ઝૂલતાં ઝૂલતાં ક્યારે એની આંખ મળી ગઈ ખબર ન પડી.

બંધ આંખોના પડળ પાછળ એ સ્વપ્ન નગરીમાં ફરી આવી. જ્યાં એક સુંદર પરીએ એને "મા" કહી પોકારી અને એનું હૈયું નાચી ઊઠ્યું. પછી તો એ પરી સાથે આખો દિવસ આનંદ કરતી રહી. એટલામાં બહાર કલબલાટ થતો અને દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો. એટલે એ સ્વપ્ન પ્રદેશમાંથી પાછી ફરી. એનો હાથ ફરી ઉદર પર ફરી વળ્યો અને જાણે હૈયામાંથી પોકાર થયો "મા". થોડા સમય પહેલાંની ઉદાસી ખંખેરી એ ઝૂલા પરથી ઊભી થઈ અને ડાહીડમરી બની એના ખૂણામાં ફ્રી પિરિયડની મજા માણવા જતી રહી. 

"શું કર્યું આજે ?" નિશાંતે પૂછ્યું. એણે ઠાવકું મોઢું રાખી જવાબ આપ્યો, "ફ્રી પિરિયડની મોજ માણી." કાયમ તો આ દિવસોમાં કંટાળો દર્શાવતી વૈભવીનો જવાબ સાંભળી નિશાંત વિચારમાં પડી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract