ગુનેગાર
ગુનેગાર
રંગબેરંગી રાખી લેકે આઈ બહેના,
હો રાખી બંધવાલે મેરે વીર.
લાજપોર જેલના પ્રાંગણમાં લાઉડ સ્પીકરમાં રક્ષાબંધન નિમિત્તે ભાઈ બહેનના પ્રેમને લગતાં સુંદર ગીતો વાગી રહ્યાં હતાં. આજે જેલના બધા કેદી ભાઈઓ સવારમાં નાહી ધોઈને પરવારીને તેજસ્વીની મહિલા મંડળની બહેનોની રાહ જોતા હતા. ભલે ગુનેગાર હતા પણ છેવટે માનવીય હૃદય ધરાવતા હતા. ક્યારે બહેનો આવે અને સૂના કાંડા પર રાખડી બાંધે ? એવી આતુરતા એમની આંખોમાં હતી.
ત્યાં તો જેલના ઉપરી સુભાષભાઈ બહેનોને લઈ આવી પહોંચ્યા. બધાં પ્રાંગણમાં ભેગાં થયાં. પહેલાં બહેનોએ મધુર અવાજમાં "ઈતની શક્તિ હમે દેના દાતા" પ્રાર્થના કરી. ત્યારબાદ એક નાનકડું ભાષણ જેલર સાહેબે આપ્યું. ત્યારબાદ સૌ ભાઈઓ એક હારમાં ઊભા રહી ગયા. વારાફરતી બહેનોએ પોતાની પાસે રહેલી રંગબેરંગી રાખડીઓમાંથી એક એક રાખડી બધા ભાઈઓને બાંધી અને તેમના કપાળે કુમકુમનું તિલક કર્યું.
ખૂંખાર ગુનેગારો પણ કાંડા પર રાખડી બંધાયેલી જોઈ રડી પડ્યા. ઘણા તો વર્ષોથી જેલમાં હતા જેમને મળવા હવે કોઈ આવતું નહોતું. કોઈને પોતાની બહેન તો કોઈને પોતાની દીકરી યાદ આવી ગઈ.
"બહેન, મારી બહેન હમણાં તમારા જેવી જ દેખાતી હોત." પંદર વર્ષથી જેલની સજા ભોગવી રહેલા બિલ્લા નંબર ૨૧૩ એ કહ્યું.
"કેમ ભાઈ એવું કહો છો ?" એ બહેને કહ્યું.
"બહેન, આજે પંદર વર્ષ પછી મારા કાંડે કોઈએ રાખડી બાંધી એટલે બહેન યાદ આવી ગઈ." ખૂનના ગુનાની સજા ભોગવી રહેલા એ કેદીએ કહ્યું. "હવે તો મને મારું નામ પણ યાદ નથી રહ્યું." આંખમાં આવેલા આંસુને લૂછવાની પરવા કર્યા વગર એ બોલ્યો. "એક વખત મેં મારી નાની બહેનને એના પ્રેમી સાથે જોઈ. એ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં પણ એ અમારી જ્ઞાતિનો નહોતો. એટલે બીજાની વાતમાં આવી જઈ મેં લાંબો ટૂંકો કોઈ વિચાર કર્યા વગર એ બંનેને મારી નાંખ્યા. ઘર છોડી હું ભાગી ગયો પણ કાયદાના હાથ લાંબા હોય છે તે હું ભૂલી ગયો હતો. આખરે બે મહિનાના અંતે હું પકડાઈ ગયો. મને આજીવન કેદની સજા થઈ, મારા પત્ની અને બાળકો નિરાધાર થઈ ગયાં. એમની દુનિયા રંગવિહીન થઈ ગઈ. હવે એમને અને મારી મૃત બહેનને યાદ કરી પશ્ચાતાપના આંસુ સારું છું પણ હવે એ બધું રાંડ્યા પછીના ડહાપણ જેવું છે." આટલું કહી બિલ્લા નંબર ૨૧૩ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
પછી તો દરેક ગુનેગાર પોતપોતાના સ્વજનોને યાદ કરી રડી પડ્યા. એમને રડતા જોઈ બહેનોની આંખોમાં પણ આંસુ આવી ગયાં. છેવટે જેલર સાહેબે અને મંડળના પ્રમુખશ્રીએ સાંત્વના આપી સૌને શાંત કર્યા. બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી. ભાઈઓએ કહ્યું, "બહેનો, તમારા પોતાના ભાઈઓ આપે એવી મોટી ભેટ તો અમે તમને આપી નહીં શકીએ પણ આ નાનકડી ભેટ જે અમે જાતે જ અહીં તૈયાર કરીએ છીએ. તે આપ સૌને આપીએ છીએ તે પ્રેમથી સ્વીકારજો."
આમ કહી ત્યાં જેલમાં કેદીઓ જે કાપડની બેગ બનાવતાં હતાં તે સૌ બહેનોને ભેટમાં આપી. સૌ બહેનોએ એ ભેટનો હૃદયથી સ્વીકાર કર્યો અને સૌ કેદીઓની રજા લઈ ભારે હૈયે બધાં છૂટાં પડ્યાં.
