Shobha Mistry

Action Inspirational Thriller

4.5  

Shobha Mistry

Action Inspirational Thriller

માભોમની રક્ષા

માભોમની રક્ષા

3 mins
258


હૉસ્પિટલમાં મરણ પથારી પર સૂતેલા અભિષેકના માથા પર સુશીલાએ સ્નેહથી હાથ ફેરવ્યો. એના માથા પર એક હળવું ચુંબન કરી એ ત્યાંથી ખસી ગઈ. થોડી વાર પહેલાં જ ડૉક્ટર સુભાષ વિઝીટ કરી ગયાં હતાં. જતાં જતાં ઘડીક વાર સુશીલાબહેન પાસે ઊભા રહી એમણે કહ્યું, "બહેન, તમારો પુત્ર તો ખૂબ બહાદુર નીકળ્યો. દેશની સરહદને સાચવતાં વીર જવાનો કરતાં એનું કામ જરા પણ નાનું નથી. અમે એને બચાવવાના પૂરતાં પ્રયત્ન કરીએ છીએ. બાકી તો ઉપરવાળાના હાથમાં છે." 

સુશીલાબહેન ડૉક્ટરની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. અભિષેકની હાલત જોઈ એમને પરિણામની તો ખબર પડી જ ગઈ હતી. છતાં એમણે મન કઠણ કરી સ્નેહાને ફોન કર્યો. "સ્નેહા બેટા, ભાઈનું છેલ્લી વારનું મોઢું જોવું હોય તો જલદીથી મુંબઈ લીલાવતી હૉસ્પિટલમાં આવી જા. બીજી બધી વાત રૂબરૂ મળીને કરીશું." વડોદરામાં સાસરે સ્નેહા તો આ સાંભળી ડઘાઈ જ ગઈ. મમ્મીએ છેલ્લી વારનું મોઢું જોવા એમ કેમ કહ્યું હશે ? 

હૉસ્પિટલમાં બહાર બાંકડા પર બેઠેલાં સુશીલાબહેનની આંખના આંસુ રોકાવાનું નામ નહોતા લેતાં. આખી રાત રડતાં રડતાં જ વીતાવી હતી. બિલ્ડીંગના સૌ અને આજુબાજુની બિલ્ડીંગમાંથી જેને જેને ખબર પડે તે સૌ વારાફરતી એમને આશ્વાસન આપવા અને હિંમત બંધાવવા આવતાં રહ્યાં. ત્યાં તો સ્નેહા અને સુમિત આવી પહોંચ્યા. સુશીલાબહેન તો સ્નેહાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. સુમિત અંદર જઈ અભિષેકને જોઈ આવ્યો. તે પણ સ્તબ્ધ થઈ ગયો. બહાર આવી એણે સુશીલાબહેનને શાંત પાડી શું બન્યું હતું તે પૂછ્યું.

"કાલે રાત્રે અમે પરવારીને સૂવા જતાં હતાં. ત્યાં પેસેજમાં ધડધડ કોઈના દોડવાનો અવાજ આવ્યો. પહેલાં તો અમે ધ્યાન ન આપ્યું પણ ત્યાં તો ગોળી ચલાવવાનો અવાજ આવ્યો. એટલે અભિષેક દોડતો બહાર ગયો. મને એણે બહાર ન નીકળવાની તાકીદ કરી હતી. બહાર શું ચાલી રહ્યું હતું તે ખબર પડતી નહોતી. એટલામાં તો પોલીસની આખી પલટન પણ આપણી સોસાયટીના કંપાઉન્ડમાં આવી પહોંચી. એનાથી ખબર પડી કે બિલ્ડીંગમાં બે આતંકવાદીઓ ઘૂસી આવ્યાં છે. એમણે આખા મકાનને જાણે બાનમાં લીધું હતું."

"બહાર પોલીસ વારંવાર એમને સરન્ડર થવાનું કહેતાં હતાં પણ તેઓ અગાશીમાં ચડી ગયા હતાં અને ત્યાંથી છૂપાઈને ગોળીબાર કરી રહ્યાં હતાં. તારો ભાઈ બહાદુરી બતાવી અગાશીમાં પહોંચી ગયો. બ્લેક બેલ્ટ કરાટે ચેમ્પિયન અભિષેકે વારાફરતી બંને પર કરાટેના વાર કરી તેમને મહાત કરી દીધાં. એ દરમિયાન પોલીસ ઉપર પહોંચી ગઈ. એમણે એ બંને આતંકવાદીને પકડી લીધાં પણ આતંકવાદીઓ સાથેની તડાફડી દરમિયાન અભિષેકને બે ત્રણ ગોળી વાગી. જે એના માટે જીવલેણ સાબિત થઈ. આતંકવાદીની ધરપકડ કરી પોલીસ રવાના થઈ અને એમ્બ્યુલન્સમાં અભિષેકને હૉસ્પિટલમાં લઈ આવ્યા. ડૉકટરે તો હાથ ઊંચા જ કરી દીધાં છે." સુશીલાબહેને રડતાં રડતાં વાત કરી. ત્યાં હાજર પડોશીઓએ અને પોલીસે પણ બાકીની બાતમી આપી. 

"બહેન, અમને જાણવા મળ્યું છે કે તમારો પુત્ર છેલ્લાં સ્ટેજ પર છે. જો તમારી ઈચ્છા હોય તો તમે તમારા પુત્રના અંગો દાન કરી શકો છો." હૉસ્પિટલના અંગદાન વિભાગમાંથી કાર્યકરો સુશીલાબહેન પાસે આવ્યાં. પુત્રની અવસ્થાથી વિચલિત થઈ ગયેલાં સુશીલાબહેન તો આ સાંભળી ડઘાઈ ગયાં પણ સ્નેહા અને સુમિતે તેમને સમજાવ્યું કે આપણો એક અભિષેક અનેકમાં જીવશે. અંતે અભિષેકની બે કીડની, બે ફેફસાં, જઠર, હૃદય અને બે આંખ દાન કરવાના સંમતિપત્ર પર સ્નેહા અને સુશીલાબહેને સહી કરી. 

બીજા દિવસે બધાં પેપરમાં અને ટી.વી. પર અભિષેકને શહીદ જેવું સન્માન મળ્યું. તે ઉપરાંત એના કરેલાં અંગદાનને લીધે તે બધે છવાઈ ગયો. આવતી ૨૬ જાન્યુઆરીએ એને મરણોત્તર શહીદપત્ર આપવાનું સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું. જવાનો ફક્ત સરહદ પર જ શહીદ થોડા થાય છે. અભિષેક જેવાં જાંબાઝ જવાનો તો દેશની અંદર પણ શહીદી વહોરી માભોમની રક્ષા કરે છે.  


Rate this content
Log in

Similar gujarati story from Action