Shobha Mistry

Action Inspirational Thriller

4  

Shobha Mistry

Action Inspirational Thriller

ધ્વજવંદન

ધ્વજવંદન

3 mins
260



'યે વતન, યે વતન, હમ કો તેરી કસમ,

તેરી રાહોં મેં જાં તક બિછા જાયેંગે.'

રંગ ઉપવન શાળામાં આજે ૨૬ મી જાન્યુઆરીની ધામધૂમથી ઉજવણી થવાની હતી અને કેમ ન હોય ? આજે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મહાદેવના હાથે ધ્વજ લહેરાવી ઝંડા વંદન થવાનું હતું. આજે નગરના મહાનુભાવો ઉપરાંત શાળાના ભૂતપૂર્વ આચાર્ય, શિક્ષકો અને ગણમાન્ય વાલીઓને પણ હાજર રહેવાનું ભાવભીનું આમંત્રણ શાળા પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું. દર વર્ષે ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પણ આજે ધ્વજવંદનમાં હાજર રહેવા માટે થનગનતા હતાં.

શાળા પરિસરમાં બે દિવસથી સુંદર સજાવટ થઈ રહી હતી. શિક્ષકગણ અને બાળકો સૌ ઉત્સાહિત હતાં. શાળાના માઈકમાં દેશભક્તિના ગીતો વાગી રહ્યાં હતાં. શાળાના સૌથી જૂના શિક્ષક ગોપાળભાઈ આ બધું જોઈ કંઈક ખુશી અને કંઈક રંજ અનુભવી રહ્યાં હતાં. એમની આંખ સામે પંદર વર્ષ પહેલાંની ઘટના આવી ગઈ. ત્યારે તેઓ નવમા ધોરણના વર્ગશિક્ષક હતાં. એમના વર્ગમાં શાળાનો સૌથી તોફાની વિદ્યાર્થી મહાદેવ અને સૌથી હોશિયાર વિદ્યાર્થી શંકર બંને ભણતાં હતાં. બંનેનો સ્વભાવ ઉત્તર દક્ષિણ હતો છતાં બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી. સૌને એમની દોસ્તીથી અચરજ થતું પણ બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી તે હકીકત હતી. 

એક દિવસ ક્યાંકથી જેલ તોડીને ભાગેલા બે આતંકવાદી રંગ ઉપવન શાળામાં ઘૂસી આવ્યા અને એમણે રિવોલ્વર અને બોમ્બનો ડર બતાવી બધાં બાળકો અને શિક્ષકોને મોટા રૂમમાં બંધ કરી દીધાં. આઠથી દસ ધોરણના ૨૦૦ બાળકો અને પંદર શિક્ષકો રૂમમાં બંધ હતાં. તે સમયે મોબાઈલની સગવડ નહોતી સૌ ડરી ગયાં હતાં. છૂટવાનો કે કોઈને મદદ માટે બોલાવવા કઈ રીતે એનો કોઈ ઉપાય જડતો નહોતો. 

મહાદેવ અને શંકરે ઈશારામાં કંઈક મતલસ કરી અને સૌને શાંત રહેવા કહ્યું. બંને નવમા ધોરણના વિદ્યાર્થી હતા પણ સાથે સાથે અખાડાના પણ બહાદુર શિષ્યો હતા. શંકર યુક્તિથી બંધ રૂમના પાછલા બારણાંમાંથી બહાર નીકળવામાં સફળ થયો. એ શાળા પરિસરની પાછલી દિવાલ કૂદી બહાર કૂદવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક આતંકવાદીનું ધ્યાન તેના પર ગયું. એણે એના પર ગોળીઓ ચલાવી. ગોળીઓ શંકરના શરીરને ઘાયલ કરી ગઈ. પણ એ શાળા પરિસરને બદલે બહારની તરફ પડ્યો. એના પડવાથી નજીકના રહેવાસીઓને કંઈક અજુગતું બની રહ્યું છે એનો અંદાજ આવી ગયો. 

ગામવાસીઓએ ઘાયલ શંકરને હૉસ્પિટલમાં પહોંચાડ્યો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. તરત પોલીસ કુમક આવી પહોંચી. ખૂબ જ જહેમતે એમણે આતંકવાદીઓને પકડી લીધા. ડૉક્ટરોની ખૂબ મહેનત છતાં શંકરનું ખૂબ લોહી વહી જવાથી મૃત્યુ થયું. પોતાના દોસ્ત શંકરના મૃત્યુથી મહાદેવ સ્તબ્ધ થઈ ગયો. તોફાની દરિયો જાણે શાંત નદીનું વહેણ બની ગયું. એણે શંકરની લાશ પાસે જ બેસી પોતાના 'વતન', ભારત દેશને આવા આતંકીઓના હાથમાંથી છોડાવવાનું પ્રણ લીધું. 

મહાદેવે ગ્રેજ્યુએટ થયાં પછી સૈન્યમાં ભરતી લીધી. એની સખત મહેનત અને નિષ્ઠા જોઈ આતંકવાદીઓને ઝબ્બે કરવાના સંગઠનમાં એને સ્થાન મળ્યું. પોતાના દોસ્તની કુરબાની એ કદી ન ભૂલ્યો. પોતાના કાર્યકાળમાં એણે વીસથી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો. છેલ્લાં મિશન વખતે આતંકવાદીઓ સાથેની ઝપાઝપીમાં એનો જમણો હાથ ખૂબ ખરાબ રીતે ઘવાયો અને તેનો જમણો હાથ બાવડા પાસેથી કાપી નાંખવો પડ્યો. 

ભારત સરકારે એને બહાદુરી પુરસ્કારથી નવાજ્યો. હમણાં એ બહાદુર જવાન પોતાના માદરે વતન આવ્યો હતો. એનું વતન મહાદેવની બહાદુરીને સન્માનવા આતુર હતું. એની શાળા પણ પોતાના લાડીલા વિદ્યાર્થી મહાદેવના હસ્તે પ્રજાસત્તાક દિવસના મંગલ પર્વે ધ્વજવંદન કરાવી, એનું સન્માન કરવા માંગતી હતી. 

સમય થતાં શાળા પરિસરમાં ધામધુમથી મહાદેવનું સ્વાગત કરવામાં આવ્યું. બેન્ડવાજાના અવાજથી ગોપાળભાઈ સર વર્તમાનમાં પાછા આવ્યા. સામાન્ય રીતે જમણાં હાથે જ 'ધ્વજવંદન' થાય પણ બહાદુર જવાન હાથથી નહીં દિલથી ધ્વજ લહેરાવે છે. એણે ડાબા હાથે ધ્વજવંદન કર્યું. પોતાના પ્રવચનમાં એણે પોતાના દોસ્ત શંકરને યાદ કર્યો. જેની બહાદુરીને લીધે જ પોતે દેશસેવામાં જોડાયો એ પણ કહ્યું. પોતાના વતનની સેવા કરવા માટે એણે બાળકોને જાગૃત કર્યા. પોતાની શાળાના શિક્ષકો અને બાળકોનો આભાર માની એણે પોતાના વતનની શાળાને એક લાખ રૂપિયા ભેટ આપ્યા. 

    


Rate this content
Log in

Similar gujarati story from Action