Shobha Mistry

Abstract Tragedy

3.5  

Shobha Mistry

Abstract Tragedy

ખાલીપો

ખાલીપો

2 mins
175


"પપ્પા, પકડો, મને પકડો." અનિષે આમતેમ નજર ફેરવી. "નૈયાનો અવાજ તો આવ્યો પણ મારી નૈયા ક્યાં ?" અનિષની આંખો અશ્રુથી ઊભરાવા લાગી. એણે ફરી બધે નજર ફેરવી પણ ઘર, આંગણું બધે જ ખાલીપો વર્તાયો. એના હૈયામાં પણ આવો જ ખાલીપો છે ને ! 

"અરે ! ક્યારના અહીં ઊભા રહી શું કરો છો ? ચાલો ઘરમાં અને આમ રડો છો કેમ ?" સીમાએ કહ્યું. 

"અરે ! તેં નૈયાનો અવાજ સાંભળ્યો ? હમણાં જ એણે મને પપ્પા, પકડો. એવી બૂમ પાડી હતી." અત્યાર સુધી ફક્ત અનિષની જ આંખો ઊભરાતી હતી હવે બંને પતિ પત્ની એકમેકને ભેટીને રડવા લાગ્યાં. 

થોડી વાર પછી સીમાએ પહેલાં સ્વસ્થતા ધારણ કરી. એ અનિષને ઘરમાં દોરી ગઈ. "અનિષ, ક્યાં સુધી આમ જાતને દોષી માન્યા કરશો ? તમારી એમાં કોઈ ભૂલ નહોતી. એ માત્ર એક અકસ્માત હતો. તમારું ગાડીને રિવર્સમાં લેવાનું અને તે જ વખતે નૈયા અચાનક આવી ચડી ને નીચે પડી ગઈ. તમારી ગાડીનું પાછલું પૈડું એનાં માથામાં વાગ્યું અને એ પ્રભુ શરણ પામી પણ એ તમે જાણી જોઈને નથી કર્યું. દુઃખ તો મને પણ ખૂબ થાય છે પણ એની આપણી સાથે એટલી જ લેણાદેણી હશે." સીમાએ એને સમજાવતાં કહ્યું.

"એ જે હોય તે પણ આપણું આંગણું તો સૂનું થઈ ગયું ને ? એના રૂમઝૂમ પગલાં તો હવે નહીં જ સાંભળવા મળે ને ? આ ખાલીપો મને કોરી ખાય છે." અનિષ ફરી રડી પડ્યો. 

"અનિષ, એક વાત કહું ? આપણું આંગણું ફરી રૂમઝૂમતું થઈ જશે." સીમાએ જે કહ્યું તે સાંભળી આંગણાનો અને અનિષના હૃદયનો ખાલીપો જાણે ભરાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract