પતંગ
પતંગ


"અરે! કેટલી વાર છે.? તારુ રસોડું તો કદી તને છોડે જ નહી. બધા ક્યારના ધાબે પહોંચી ગયા. ચાલ ને હવે!!" કહેતો કહેતો થોડો છંછેડાઈને સમીર ધાબા પર ચાલ્યો ગયો.
રીના કશુ બોલ્યા વિના રસોડું સમેટવા લાગી. એને થયુ કે અરે! સવારથી પગવાળીને બેઠી નથી. બા-બાપુજીનો નાસ્તો, બન્ને બાળકોને તૈયાર કરી નણંદના ઘરે મોકલ્યા. બપોરની રસોઈની તૈયારી કરી.ખેર....
એ તૈયાર થઈ ચીકી, શેરડી અને ચણાના ઝીંજરા સાથે ધાબે પહોંચી.
સમીરે એને જોતા જ ફિરકી પકડાવી. અને સાથે સૂચના પણ...
રીનાએ ફિરકી પકડી એને ખબર હતી કે પતિની પતંગને આકાશે પહોચાડવા ક્યારે ઢીલ આપવાની છે અને ક્યારે દોર ખેંચવાનો છે. જેમ વાસ્તવિક જીવનમાં ખબર હતી તેમ....
સમીરે ધડાધડ બે ત્રણ પતંગ કાપી અને રીના સામે મગરુરીથી જોઈને કહ્યું' જોયુ ને !! બાપુડાએ ત્રણ પતંગ કાપી.
આપણે ને બદલે "બાપુડાએ" સાંભળી રીનાએ પતિના પુરુષ અહમને પોષતા હસીને કહ્યું. " વાહ"...રોજની જેમ.