jagruti zankhana meera

Romance Inspirational

4  

jagruti zankhana meera

Romance Inspirational

આત્મીય લગાવ

આત્મીય લગાવ

2 mins
401


"મા........!" એક કારમી ચીસ, પરસેવાથી લથપથ કંપતુ શરીર, ભયથી ફાટી ગયેલ આંખો, ધમણની જેમ ચાલતાં શ્વાસ ! દર બીજી રાતે રિયાની આ અવદશાનાં સાક્ષી, એનાં પિતા આલોકનું હૃદય દ્રવી ઊઠતું પણ એ લાચાર હતો. 

રિયાને બાથમાં લઈ, પાણી આપી, શાંત કરી સુવડાવી દીધી. કાયમ એક ભયાનક દુર્ઘટના અંધારામાં ભૂતાવળ બની નાચી ઉઠતી. એકલે હાથે જવાબદારીઓ નિભાવી થાકી ગયેલ આલોક નાની દીકરી પરીનો વિલાયેલ ચહેરો જોઈ વધુ માયુસ બની જતો.

*****

ધરતીને તૃપ્તને બદલે તહસનહસ કરવા માગતો હોય એવાં રૌદ્ર રૂપે વરસાદ વરસતો હતો. આલોક કારમાં રિયાને સાથે રાખી, પત્ની ખ્યાતિને ઓફિસેથી તેડવા ગયો. રોડ ક્રોસ કરી ખ્યાતિ કાર સુધી પહોંચતાં લપસીને પડી. એક ટ્રકનાં તોતિંગ વ્હીલની નીચે વીજકડાકાનાં અવાજોમાં તેની મરણચીસ દબાઈ ગઈ ! 

નજરે જોયેલાં એ દ્રશ્યને આલોક ન્હોતો ભૂલતો તો રિયા તેની માને ! ત્રણે એક છત નીચે યંત્રવત જીવી રહ્યાં હતાં. જેની લાગણીનાં પાયા પર આ મકાન ઘર બન્યું હતું એની ગેરહાજરીમાં એ યાદોનું ખંડેર બની ગયું હતું. 

આલોકની ઓફિસમાં કોરોનામાં મૃત્યુ પામેલ એક સહકર્મચારીની જગ્યાએ તેની પત્ની પ્રિયાને રહેમરાહે નોકરી મળી હતી. તેને મદદ કરવાનું કામ આલોકને જ સોંપાયું હતું. પ્રિયાનો સાલસ સ્વભાવ, રોજ આલોક માટે પોતાના ટિફિનમાંથી જમવાનો આગ્રહ, તેની સાદગી અને બંનેની એકલતા એકબીજા તરફનો લગાવ બેવડાવી રહી હતી પણ બંનેનાં ઘા હજુ તાજાં હતાં. 

એકવાર આલોક બે દિવસ ઓફિસે ન આવતાં પ્રિયા બેચેન થઈ ગઈ. તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ હતો. ઓફિસમાંથી ખબર પડી કે આલોકે પંદર દિવસ રજા મૂકી છે. આજ સુધી પોતાનો આલોક તરફનો લગાવ સાહજિક ગણી નજરઅંદાજ કરતી પ્રિયાને હવે સમજાયું હતું કે તેનો એકાંત ખૂણો આલોક તરફની લાગણીઓથી ભરાઈ ગયો છે. 

બીજાં દિવસે અનાયાસે જ પ્રિયા ઓફિસને બદલે સીધી આલોકની ઘરે પ્હોંચી ગઈ. આલોકને મલેરિયા થયો હતો. રિયા અને પરી બંને ખૂણામાં સુનમુન બેઠાં હતાં. ગૃહિણી વગરનું ઘર અસ્તવ્યસ્ત દશામાં ત્રણ વેરવિખેર હૃદયવાળાં શરીરને સાચવી રહ્યું હતું. 

આલોકની આંખે પ્રિયાને જોઈ બાઝેલી ઝાકળ સમજદાર રિયાથી છાની ન રહી. પ્રિયાએ ખ્યાતિ બની બંને દીકરીઓને વ્હાલ કર્યું. સતત પંદર દિવસ આલોકનું ઘર પ્રિયાની સંભાળથી ધબકી રહ્યું. 

પ્રિયાનાં જવાના સમયે પરી રડી-રડીને ઘડીભર દૂર ન્હોતી જતી. તેને રડતી જોઈ રિયા અને આલોકની ભીની આંખો જાણે પ્રિયાને ખ્યાતિ બનવા વિનવી રહી. પરીને છાતીસરસી ચાંપીને પ્રિયા પણ રડી પડી. પોતપોતાનાં અભાવમાંથી જન્મેલ એક આત્મિય લગાવ આખરે લગ્નમાં પરિણમ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance