STORYMIRROR

jagruti zankhana meera

Romance

4  

jagruti zankhana meera

Romance

એક જીવેલું ચોમાસું

એક જીવેલું ચોમાસું

2 mins
262


"હમ ન રહેંગે..તુમ ના રહોગે..ફિરભી રહેગી નિશાનિયાં...! "

રાજકપૂર અને નરગીસનું શ્રી ૪૨૦નું ગીત કાનમાં ભરાવેલ ઇયરફોનમાંથી સીધી દિલ તરફ ગતિ કરી પ્રાચીને ભૂતકાળ તરફ ખેંચી ગયું. ગેલેરીમાં ઝૂલો અનાયાસે ધીમી ઠેસે ચડતો રહ્યો. ઝરમર વરસાદ આકાશમાંથી પ્રાચીની આંખોને પણ ચેપ લગાડી ગયો ! ચિત્રપટનાં નાયક-નાયિકાની છબીઓનું સ્થાન હવે પ્રાચી અને પ્રથમે લીધું હતું.

"પ્રાચી, આ લો..છત્રી. પલળશો નહીં." પોતાની છત્રી આપીને ઝડપી ચાલે, પલળતાં નીકળી ગયેલાં પ્રથમને બીજે દિવસે રવિવાર હોવાથી સોમવારે છત્રી પરત કરતી વખતે થેંકસ કહી શકી. તે પછી કોલેજથી બસસ્ટોપ સુધી પાંચ મિનિટનો રસ્તો બંને માટે કાયમી મુલાકાતનો વણલખ્યો નિયમ બની ગયો. નિયમ પ્રેમમાં પરિણમ્યો તે તો છેક વેકેશનનાં વિરહે સમજાવ્યું !

પછીનાં કોલેજનાં બેય વર્ષ પ્રાચી ચોમાસામાં કદી છત્રી ન લઈ જતી. પ્રથમની એક જ છત્રીમાં બસસ્ટોપથી લઈ બગીચા સુધી અડધાં ભીંજાઈ અને અડધાં કોરા રહેવાની મીઠી અનુભૂતિમાં બેય જીવતાં હતાં. અધૂરપ કદાચ પ્રેમની કિસ્મત હોતી હશે તેમ પ્રાચીનાં કાકાએ તેને

પ્રથમ સાથે જોઈ લીધી. આજથી ત્રીસ વર્ષ પહેલાં આ અસામાન્ય બાબત ગણાતી.

પ્રાચીની પછીનાં અઠવાડિયે મુંબઈ સગાઈ કરી એક મહિનામાં લગ્ન પણ કરી દેવાયાં. જીવનનો પ્રથમ પ્રેમ એવાં પ્રથમને છેલ્લીવાર જોવાનું પણ નસીબમાં ન હતું.

જેની સાથે દેહ લગ્ન થયાં હતાં તે વિશ્વેશનું ગત વર્ષે કોરોનામાં મૃત્યુ થયું. અમેરિકા અને જર્મની સ્થિત બંને પુત્રોનો અતિ આગ્રહ હતો કે મા તેમની સાથે રહે પણ પ્રાચી દેશ છોડવા તૈયાર ન હતી. દીકરાં મા માટે પરદેશ મૂકવા તૈયાર ન હતાં! એકલતાને એક વૃદ્ધાશ્રમમાં સેવા આપી ઉજાણીમાં ફેરવી નાખનાર પ્રાચી જીવનનાં તમામ ઉતાર-ચઢાવ ભૂલી શકતી પણ ન ભૂલતી તો એક છત્રી હેઠળ જીવેલું ચોમાસું!

એક દિવસ વૃદ્ધાશ્રમથી સાંજે પરત ફરી રહી હતી. મુંબઈ પર પહેલાં વરસાદનાં અષાઢી વાદળાં ગોરંભાયા હતાં. રિક્ષા શોધવાં નજર દોડાવી ને આકાશ વરસી પડ્યું. ત્યાં પાછળથી ત્રણ દાયકા પછી એક અવાજ પડઘાયો, "પ્રાચી, આ લો છત્રી. પલળશો નહીં." પ્રથમને જોઈ જીવનસંધ્યાએ પ્રાચીની આંખોમાં પણ ચોમાસું બેઠું. ફરી એકવાર એક છત્રી હેઠળ લાગણી ભીંજાતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Romance