jagruti zankhana meera

Inspirational

4  

jagruti zankhana meera

Inspirational

અંતિમ કસોટી

અંતિમ કસોટી

2 mins
284


 "ખુદા તારી કસોટી ની પ્રથા સારી નથી હોતી, 

કે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.." 

ગઝલનાં આ શબ્દો જાણે પોતાની જિંદગીના અનુસંધાને ગવાયા હોય એમ સિયા પોતાની બચપણથી અત્યાર સુધીની જિંદગીનાં દરેક મુકામ પરની આકરી કસોટીને યાદ કરી રડી પડી. 

"મા પ્લીઝ, મને સી.એ. બનાવવાનું તારું સ્વપ્ન સાકાર થયું તોય કેમ રડે છે ?

"આ સુકૂનનાં હર્ષાશ્રુ છે, ખુશી !" આટલું બોલી સિયા ગણપતિ મંદિરે ખુલ્લાં પગે જવાની મન્નત પૂરી કરવા નીકળી. ખુશીને ખબર હતી, હવે આખો મહિનો માની માનતાઓ પૂર્ણ કરવામાં જશે. તે જૉબ માટે મોબાઈલમાં પ્રોફાઇલ મૂકવામાં વ્યસ્ત હતી, ત્યાં માનો મોબાઈલ રણક્યો. મોબાઈલ ઘરે ભૂલી જવાની સિયાની બેદરકારી પર મનમાં ધૂંધવાતી ખુશીએ કૉલ રિસીવ કર્યો. 

સામે છેડેથી કોઈ હોસ્પિટલમાંથી કહેવાયું, " મિસિસ સિયા, તમારી કિડની જેને ડૉનેટ કરી છે તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે અમેરિકા જતાં પહેલાં તમારો ચેક તમારી સૂચના મુજબ અહીં આપ્યો છે. તમે રોકડરકમ લઈ જશો."

મંદિરેથી પરત ફરેલી સિયાને તેણે સીધું પૂછ્યું, " મા, તે કહ્યું હતું કે પપ્પાએ મારા અભ્યાસ માટે ખોલાવેલ ખાતું પાકતાં તેમાંથી ફી ભરી. તો આ શું છે ?" કહીને ખુશીએ હોસ્પિટલનાં કાગળ બતાવ્યાં.

સિયાએ કહ્યું, "બેટા એ મેં જિંદગીને આપેલી અંતિમ કસોટીનું પરિણામ છે."

"નહીં મા. મને કહે."

"તો સાંભળ ! મારી આજથી બાવીસ વર્ષ પહેલાં સી.એ.ની ફાઇનલની પરીક્ષા હતી, તે દિવસે નાનાજીનું ભયાનક એક્સિડન્ટ થયું. એમનાં શ્વાસની ડોર સાથે મારા સપનાંની પાંખો પણ કપાઈ ગઈ અને ભવિષ્યની બાગડોર મારી ગરીબ માએ મામાને સોંપી. 

પોતાનું માંડ રળતાં મામાએ મારા લગ્ન પૈસાદાર વિધુર એવાં તારા પિતા સાથે કરાવી દીધાં. મારી કસોટીની પરાકાષ્ટા એ હતી કે તારો જન્મ થયો ત્યારે તેઓ શેરબજારનાં સટ્ટામાં બધું હારીને ભાગી ગયાં. જેમણે મને એ વખતે પોતાનાં મોલમાં નોકરીએ રાખી, તારા અભ્યાસનો ખર્ચ ઉપાડ્યો એ શેઠની અમેરિકા રહેતી દીકરીને કિડનીની જરૂર હતી. તેમનાં ઉપકારનું ૠણ ચૂકતે કરી, તારી ફી ભરવા મેં ..!"

રડતી સિયાને ભેટી પડેલી ખુશી બોલી ઊઠી, "મા, સાચે આ તારી અંતિમ કસોટી હતી."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational