jagruti zankhana meera

Romance Thriller

4  

jagruti zankhana meera

Romance Thriller

દોર વિશ્વાસની

દોર વિશ્વાસની

5 mins
326


"એ....વાહહ....માલા ભૈલાએ તો જો તેટલી બધી પતંગ તાપી નાથી !" કાલું-ઘેલું બોલતી તાળીઓ વગાડતી આસ્થા ભાઈને એકદમ વળગી પડી. વીરેન્દ્રને પોતાનાંથી સાત વર્ષ નાની આસ્થા તરફ વ્હાલ ઉભરાતું. એણે આસ્થાને તેડી લીધી ને દોર એનાં હાથમાં પકડાવી. જોડકણાં ગાતી આસ્થા પતંગ ચગાવવાની મજા માણતી રહી. સાથે બાજુમાં રહેતા મીના કાકીનો વિશ્વાસ જે વીરેન્દ્રનો મિત્ર હતો, તે પણ આવતો. તે વીરેન્દ્રથી ચારેક વર્ષ નાનો હતો તેથી વીરુભૈયા જ કહેતો ને આસ્થાને આસુ ! 

આસ્થાનો આ સૌથી મનપસંદ તહેવાર હતો. મમરાનાં,તલનાં ગરમ લાડુ ને શીંગચીકી બનાવતી વખતે લેવાતી મઘમઘતી ગોળની પાયાની સુગંધ આસ્થાને બહુ ગમતી. ફાનસ ઊડતા જોઈ રહેવાં પણ ગમતાં. શેકાતાં જીંજરાની સુગંધ નાકમાં ભરવી ગમતી પણ સૌથી વધુ પતંગ જ ગમતી. દર વર્ષે ઉજવાતી આ ઉત્તરાયણનો સમયગાળો થોડો નાનો થતો ગયો કેમકે આસ્થા મોટી થતી ગઈ. શોખ ઓછો ન હતો પણ હવે ઉંમર સાથે ફરજિયાત રીતે એને પોતાની અલ્લડતા પર કાબુ રાખવો પડતો. વીરેન્દ્ર જાણતો કે આસ્થાને ઉત્તરાયણ અને પતંગ બહુ ગમે છે. 

હજુ વિશ્વાસ, વીરેન્દ્ર અને આસ્થા પતંગોત્સવ સાથે જ મનાવતા.

સમય સાથે ધીર ગંભીર વિશ્વાસ અનાયાસે આસ્થા તરફ ઢળતો ગયો પણ સ્વભાવે રંગીન મિજાજી આસ્થા એ વાતને નજરઅંદાજ કરી દેતી. તેને તો બસ આસમાને વિહરવું હતું. હા, એની પ્રિય પતંગની જેમ જ તો. વિશ્વાસ મનની અઢળક લાગણીઓ ભીતર સંઘરી બેસી રહેતો. એક તો તે અંતરમુખી સ્વભાવનો ને વળી વીરેન્દ્રનો ડર. ઉપરાંત સંબંધો બગડવાનો ભય અને સૌથી મોટી તકલીફ આસ્થાની બેરૂખી. વિશ્વાસ આમ ચારે તરફથી ખુદને અસહાય મહેસૂસ કરતો. એણે પોતાની લાચાર લાગણીઓ રોજ કલમનાં સહારે કાગળ પર ચીતરવાની ચાલુ કરી. એવું નક્કી કરીને કે એક મહિના બાદ આવનાર ઉત્તરાયણ પર આસ્થાને આ છલોછલ લાગણીઓ ભેટમાં આપીશ.

આખરે એ ઉત્તરાયણ પણ આવી પણ સાથે એક નવો ચહેરો લઈને. કરણ, વિશ્વાસનાં મામાનો દીકરો અમેરિકાથી એમબીએ થઈ આવ્યો હતો ને એકાદ મહિનાની અંદર ભારતીય છોકરીને પરણી ડોલર છાપતી જોબ જોઈન કરવાનો હતો. ઉત્તરાયણની મજા અને સૌને મળવાનું બેય સાથે થઈ જાય એ હેતુથી મીના ફોઈનાં ઘરે આવી ગયો. કરણ વિશ્વાસથી તદ્દન અલગ પ્રકૃતિ ધરાવતો હતો. એકદમ રંગીન મિજાજ ધરાવતા કરણે આસ્થાને જોઈ એ સાથે મોહી ગયો. તેની વાત કરવાની છટા, તૈયાર થવાની રીતભાત ને સામા પક્ષને આંજી નાખવાની આવડતથી આસ્થા બચી ન શકી. આખો દિવસ વિશ્વાસને સતત નજરઅંદાજ કરતી આસ્થા કરણ સાથે એટલી હળીમળી ગઈ કે જાણે વર્ષોની ઓળખાણ હોય ! સાંજ થતાં સુધીમાં તો અગાસીમાં પાંગરેલો આ પ્રેમ આસમાને પ્હોંચી વિહરવા લાગ્યો, આસ્થાને ગમતી પતંગની જેમ જ તો ! બીજી તરફ આ જોઈ અંદર સુધી કપાયેલ દોરની જેમ તૂટી ગયેલ વિશ્વાસ બહાર એનાં સ્વભાવ મુજબ હસતો રહ્યો. એની તકલીફ એની સાથે આસ્થા પણ જોઈ શકતી હતી પણ એને જાણે એ જોવી જ ન્હોતી. રંગબેરંગી પતંગની દિવાની આજ રંગીલા કરણનાં રંગે રંગાઈ ગઈ. આસ્થાએ જીવનનાં પ્રેમની પતંગ અને દોર કરણને સોંપી દીધી.

બહુ ઝડપથી કરણે મીના ફોઈની મદદથી પોતાનાં મમ્મી પપ્પાને મનાવ્યાં. મીના બેન કરણનાં અલ્લડ સ્વભાવથી થોડા પરિચિત હતાં પણ આસ્થા અને એનો પરિવાર કરણ અને એનાં પરિવારથી જે રીતે અંજાયેલ હતો, એમને ચૂપ રહેવું વ્યાજબી લાગ્યું. ૧૪ જાન્યુઆરી એ શરૂ થયેલ એક સંબંધ ૧૪ ફેબ્રઆરી આવી ત્યાં તો બરાબર વેલેન્ટાઇન ડે પર એક હૃદય પૂર્વક કરાયેલ પ્રેમની બલિ દઈ ગયો. આસ્થા કરણ સાથે આભાસી પ્રેમની દુનિયામાં જવા ઊડી નીકળી. પતંગની જેમ જ પણ પ્લેનમાં !

આખો પ્રસંગ દિલ પર પથ્થર રાખી હસતાં ચહેરે સાચવી જનાર વિશ્વાસ આ દિવસે ખુદનું વલોવાયેલ મન કે ગોરંભાયેલ વાદળ સી આંખો ન સાચવી શક્યો ! તે રડ્યો, ચોધાર રડ્યો,ઓશિકાને ભીંજવી રહ્યો એટલું રડ્યો પણ રાતનાં એકાંત અંધકાર સિવાય કોઈ એનું સાક્ષી ન હતું. 

સમયની એક ખાસિયત છે કે એ કોઈ માટે થોભતો નથી. તો ગમે તેવા જખમ પણ આખરે સમયરૂપી મલમ જ ઠીક કરે છે. એ ન્યાયે પછીની ઉત્તરાયણ સુધીનો સમય સરકારી નોકરી મેળવવાની તૈયારીથી લઈ સફળતા મેળવવા સુધી વિશ્વાસ વ્યસ્ત રહ્યો. જ્યારે વીરેન્દ્ર સામે આવે ત્યારે એ આસ્થા વિષે વાત કરવાનું ટાળતો. પોતાનો વલવલાટ કાગળ પર ઉતારી ખાલી થઈ જતો. ફરી ઉત્તરાયણ આવી ને વિશ્વાસ પતંગ તરફ નજર પણ ન્હોતો કરતો એમ જ જાણે કે આસ્થાની જેમ પતંગ પણ પારકી લાગતી હતી. 

આ તરફ આસ્થાને તો ઉત્તરાયણ સુધીનો સમય પણ ન લાગ્યો એ સમજતા કે કરણ માટે તે રાતે ભોગવટો કરવાનું એક સાધન હતી. ચિક્કાર શરાબ પીને આખો દિવસ ચપટી સ્નેહ માટે તડપતી આસ્થા પાસે કરણે ભારત વાત ન કરી શકે તે માટે એક મોબાઇલ પણ ન્હોતો રહેવા દીધો. આસ્થાનો થનગનાટ આથમી ગયો હતો. પતંગની જેમ આકાશમાં વિહરતી આસુ હવે કપાયેલ પતંગની જેમ નિરર્થક જીવન પસાર કરતી હતી. એનો રૂપાળો ચહેરો કરમાઈ ગયો હતો. એની સહનશક્તિએ આખરે પછીની ઉત્તરાયણનાં દિવસે જવાબ દઈ દીધો જ્યારે કરણ એની નામ પૂરતા કપડા પહેરેલી અમેરિકન દોસ્તને બાહોમાં ઝૂલાવતો ઘરે લાવ્યો અને આસ્થાનાં બેડરૂમમાં ઘુસી ગયો. આસ્થાની આંખોમાં આજ આંસુઓનું સ્થાન અંગારાએ લીધું હતું. એણે કરણનો કોલર ખેંચ્યો પણ કરણે એને જોરથી દૂર હડસેલી. એ દરમિયાન કરણની જાણ બહાર એનો મોબાઈલ નીચે સરકી ગયો. એક જ પળમાં કશુંક વિચારી આસ્થાએ એ બંનેને પોતાના રૂમમાં જવા દીધાં ને તરતજ કરણનો મોબાઈલ લઈ તેનું કોન્ટેક્ટ લિસ્ટ ખોલ્યું જેમાં એનાં આશ્ચર્ય વચ્ચે એનાં પપ્પા કે વીરેન્દ્ર કોઈના પણ નંબર ન હતાં. આખરે એનાં હાથમાં વિશ્વાસનો નંબર આવ્યો. તેણે ધ્રુજતા હાથે કોલિંગ દબાવ્યું. કરણનો બે વર્ષ પછી ફોન નંબર જોઈ વિશ્વાસને આશ્ચર્ય થયું ને સાથે અંદર સુધી દર્દ પણ ! કેમકે આજ એ ઘરે હતો. રજાનાં દિવસે એને આસ્થાની યાદ વધારે ઘેરી વળતી. એમાંય આજ તો ઉત્તરાયણ ! એણે રીંગ પૂરી થવાને આરે આવી ત્યારે છેક ઝબકી જઈને કોલ રિસીવ કર્યો. ત્યાંતો એનાં કાનમાં આસુનો રડમસ અવાજ અથડાયો. " વિશ્વાસ, પ્લીઝ ઝડપથી મારી વાત સાંભળ."પછીની દસ મિનિટ સુધી બે વર્ષની એક કપાયેલ પતંગની આત્મકથા એક છેડેથી બોલાતી રહી ને બીજા છેડે કાનમાં સીસાંની જેમ રેડાતી રહી. ચાર આંખો વરસતી રહી ને આસ્થા વિશ્વાસનાં પ્રત્યાઘાત માટે તરસતી રહી. વિશ્વાસ એટલું જ બોલ્યો, " આસુ, જરાય ચિંતા ન કરતી. હું ગમે તેમ કરીને તને એ દોજખ જિંદગીમાંથી બહાર કાઢીશ. ને હા, હું તને અનહદ ચાહું છું, આજે પણ !" ફોન કપાઈ ગયો પણ બે વર્ષ પહેલા આ દિવસે જ અગાસી પર કપાયેલ એક પ્રેમ રૂપી પતંગની દોર વિશ્વાસની આસ્થાથી સંધાઈ ગઈ. 

વિશ્વાસે ડાયરીમાં આજ લખ્યું, "હાથમાં આજ આપી ફરી ઈશ્વરે મારી 'આસ્થા'ની દોર... ! 'વિશ્વાસ' રાખજે સખી કે પતંગથી સજેલ આકાશ નીચે ઝૂકાવીશ તારી કોર."


Rate this content
Log in

Similar gujarati story from Romance