STORYMIRROR

jagruti zankhana meera

Classics Inspirational

4.2  

jagruti zankhana meera

Classics Inspirational

મુક્તિ નામું

મુક્તિ નામું

2 mins
360

"સાંભળો છો ? એક વાત કહેવાની હતી." પેપરની 'મની માર્કેટ' પૂર્તિ પર નજર ફેરવતાં એમણે માત્ર ડોક હલાવી.

"મારી એક બહેનપણી અમેરિકાથી આવી છે. તેણે બીજી બધી બહેનપણીઓ સાથે મને સાંજે પાર્ટીમાં..." હું ખચકાઈને અટકી.

"ના કહી દે. આજે સાંજે મારા ચાર મિત્રો ડિનર પર આવશે. પંજાબી ડિશ બનાવજે." હુકમનામું બહાર પાડી તે મોબાઈલમાં વાત કરતાં જતાં રહ્યાં. મેં ટેબલ પર પડેલા ચાનાં પ્યાલાનાં ડાઘ સાથે ભળેલાં મારા આસુંઓ પણ લૂછી નાખ્યાં.

"આયુષ બેટા, એક કામ હતું." મેં દીકરા સામે ગરમ સેન્ડવીચ ધરતાં કહ્યું.

"સોરી મોમ...નો ચાન્સ. વેરી બિઝી ટુડે...બાય." મોંમાં સેન્ડવીચ ઠાંસતો, આંગળીઓ અને અંગૂઠાથી સંબંધ સાચવવામાં વ્યસ્ત આયુષે કશું પૂછવાની દરકાર ન કરી.

મોબાઈલમાં વાતો કરતી પરી નીચે આવી. તેણે જીમમાં જતાં પહેલાં ફ્રૂટ જ્યુસ પીધું. આંખોથી જ પોતે જાય છે તેવો ઇશારો કરી તેણે એક્ટિવાને સેલ્ફ માર્યુ. 

દરેકની પોતાની વ્યસ્ત દુનિયા હતી. મારી પાસે માત્ર તેમની સગવડો સાચવવાનું એક જ કામ હતું. પાછલાં બે દાયકાની જિંદગીમાં નજર કરતાં મારી પાસે એવી કોઈ ઘટનાનું મોતી ન મળ્યું જેને હું મારી સ્મૃતિની સંદૂકમાં મૂકી શકું. તો પણ મેં બીજો અડધો દાયકો એજ કર્યું. એમ વિચારીને કે એક સમય એવો આવશે કે જ્યારે મારી સવાર પણ કોઈ ચોક્કસ ધ્યેયનો સૂરજ સાથે લઈ ઊગશે !

હવે પરી અમેરિકા સાસરે હતી. આયુષ તેની પત્ની સાથે કેનેડા સ્થિર થયો. એ હજુ 'મનીમાર્કેટ' વાંચવામાં વ્યસ્ત હતાં. પાંચ વર્ષે ફરી મારી બહેનપણી આવી હતી. ફરી જૂનું દ્રશ્ય ભજવાયું. ફરી કોઈ ચોક્કસ કારણ વગર મને ના પાડી, મારી વાતની ઉપેક્ષા કરી તે જવાં લાગ્યાં. 

મારી પચીસ વર્ષની ધીરજ સહસા ખૂટી ગઈ ! મેં તેમનો હાથ પકડીને ઊભાં રાખ્યાં. મારી ભીતર ખદખદતાં શબ્દોએ જીભ પર બેસી મને ઢાઢસ બંધાવી. મેં કહ્યું, "કેમ ? શા માટે હું ન જઈ શકું ?"

આવી કોઈ પ્રતિક્રિયાથી ન ટેવાયેલ તેમની આંખોમાં આશ્ચર્ય મિશ્રિત ગુસ્સો ધસી આવ્યો. મેં તેમનાં હાથમાં એક કાગળ પકડાવ્યો. તે મારું મુક્તિ નામું હતું. મેં એક અનાથાશ્રમમાં જૉબ સ્વીકારી લીધી હતી. તેમણે આગ ઝરતી નજરે મારી તરફ જોયું. હું ખભે પર્સ ભરાવી ચાલવા લાગી. તે તાડુક્યાં, "આ શું નાટક આદર્યું છે ?"

મેં કહ્યું, "તમે સૌએ પોતપોતાની જિંદગી જીવી. મેં તમારા સૌની ! આજથી હું મારી મંજિલનાં મારાં રસ્તે ચાલીશ.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Classics