હર ઘર તિરંગા
હર ઘર તિરંગા
હર ઘર તિરંગાનો જુવાળ ચોતરફ ફેલાયો હતો. તેની પાછળ દેશભક્તિની ભાવના ન્યૂનતમ હતી અને સોશિયલ મીડિયા પર તે સ્ટેટસ રૂપે મૂકવાનો ધગારો મહત્તમ હતો.
સંસ્કાર શાળામાં પણ પ્રજાસત્તાક દિન પર કાર્યક્રમ હતાં. ધોરણ અગિયારમાં ભણતાં વિદ્યાર્થીઓએ ગાલ પર તિરંગાનું ટૅટૂ કરીને આવવાનું નક્કી કર્યું. બધાં સહમત હતાં પણ શમીના વિચારમાં પડી. ટૅટૂ કરાવવા પૈસા વેડફવા કેમ ? પારકા કામ કરી માંડ ફી ભરતી મા પાસે પૈસા માંગતા પણ મન ન માને. વળી, શું ટૅટૂ કરાવીને જ 'વતન' પર પ્રેમ સાબિત કરી શકાય ? શું ઘર પર તિરંગો લહેરાવીને જ દેશભક્ત સાબિત થવાય ? આ વિચારો શમીનાનાં મનમાં ફરતાં રહેતાં પણ તે આ બધું સહાધ્યાયીઓને કહેવાનું ટાળતી. કારણ ઘણાં હતાં.
તેમાનું એક મુખ્ય કારણ એ હતું શમીના અભ્યાસમાં તેજસ્વી હોવાથી ઘણાં વિદ્યાર્થીઓ તેની ઇર્ષ્યા કરતાં. બીજું કારણ શિક્ષકોની શમીના તરફ ઢળતી લાગણી તેમને કઠતી. શમીના વિધર્મી હતી તેથી વિદ્યાર્થીઓને એક ચીડ તેમની તરફ રહ્યાં કરતી. તેમને મોકો મળી ગયો. તેઓ અંદરોઅંદર બોલવા લાગ્યાં, "એ નહીં કરાવે ટૅટૂ, એ આપણાં દેશને પોતાનો દેશ નથી ગણતી !"
શમીનાને હાડોહાડ લાગી આવ્યું. તે મનથી ખૂબ દુઃખી થઈ પણ તે કશું બોલી નહીં. ઘરે આવી અમ્મીને વાત કરી.
શમીનાને તે બધાં પર રોષ પણ આવતો હતો અને મનોમન દુઃખ પણ થતું હતું. અમ્મીએ તેને સમજાવી, "બેટા, કેટલાંક ચોક્કસ લોકો ધર્મ વિરોધી નીતિને અનુસરી દેશહિત વિરોધી પ્રવૃત્તિ કરે છે. તેને કારણે સમગ્ર કોમને શંકાની નજરે જોવાનો રિવાજ થઈ ગયો છે. તું મ
નમાં કશું ન લે. આ પૈસા લે, ટૅટૂ કરાવીને જજે."
તેમણે શમીનાને ટૅટૂ કરાવવા અને તિરંગો લેવા માટે પૈસા આપ્યાં. બીજાં દિવસે આજે શાળાએથી છૂટીને ટૅટૂ કરાવી લઈશ એમ વિચારીને શમીના નીકળી. તેણે જોયું તો એક ગરીબ, નાનકડી હિન્દુ છોકરી જે શાળાનાં રસ્તે તિરંગા વેચતી હતી, તે ઠંડીમાં ઠૂઠવાઈને ધ્રુજતી હતી. શમીનાને તેની દયા આવી. તેણે વિચાર્યુ કે તે છોકરી માટે સ્વેટર ટૅટૂ કરતાં વધારે જરૂરી છે.
શમીના તરત એક સ્વેટર લેવાં નજીકમાં ભરાતી જૂનાં કપડાંની બજારે ગઈ. ત્યાંથી એક સ્વેટર માએ આપેલ પૈસામાંથી ખરીદી, પેલીને આપ્યું.
શમીનાનાં વર્ગ શિક્ષકે આ દ્રશ્ય જોયું હતું. તેઓ શમીનાની માનવતા જોઈ દંગ રહી ગયાં. ટૅટૂ વગરની શમીનાને જ્યારે વર્ગનાં વિદ્યાર્થીઓએ જેમતેમ બોલવાનું શરૂ કર્યું,, તો શમીનાની આંખો ભરાઈ આવી. તે વખતે શિક્ષકે શમીનાને પોતાની ખુરશી પાસે આગળ બોલાવી અને બધાંને આગલાં દિવસની ઘટના કહી. પછી પોતાનાં મનની વાત પોતાનાં સહાધ્યાયીઓને સમજાવવાં કહ્યું. શમીના ખુશ થઈ ગઈ. તે બોલી ઊઠી,
"મારા ભાઈ-બહેનો, તિરંગાને હું પણ તમારી જેમ ચાહું છું. તેને હું પણ ભારતની શાન ગણું છું પણ હર ઘર તિરંગાને બદલે હર ઘર રોટી વધારે જરૂરી ગણું છું અને ગાલ પર નહીં હું તિરંગો મારા દિલમાં ચિતરીને રાખું છું. શૌર્ય, શાંતિ અને હરિયાળી દેશભક્તિનાં પ્રતિક સમાન !"
આખો વર્ગ તેની આ સમજણયુક્ત દેશભક્ત સામે નતમસ્તક થઈ ગયો. સૌએ તાળીઓનાં ગડગડાટથી શમીનાનો 'વતન' તરફનો પ્રેમ વધાવી લીધો.