jagruti zankhana meera

Tragedy

4  

jagruti zankhana meera

Tragedy

કાયમી મુક્તિ

કાયમી મુક્તિ

2 mins
309


"જે જીવ આવ્યો આપ પાસે શરણમાં તેને રાખજો...

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.. !"

શ્રદ્ધાંજલિ ગીત પૂરું થયું. બેસણામાં આવેલાં સગા-વ્હાલાં(?) ધીરે-ધીરે વિખરાયા. સૌની સામે હાથ જોડી માથું નમાવતાં પ્રશાંતની આંખોમાં હવે તાકાતથી વધુ વહી જવાથી બળતરા થઈ રહી હતી. જલ્પાની અણધારી વિદાયે સર્જેલ ખાલીપો પોકળ સંબંધો ક્યાં ભરી શકવાનાં હતાં ! તેમ છતાં સામાજિક રિવાજોની ચક્કીમાં હવે બાર દિવસ પીસાવાની તૈયારી પ્રશાંતે મનોમન કરી લીધી.

બંને બાળકો શુભમ અને રચના મા હવે નથી એ સ્વીકારી ન્હોતાં શકતાં. ન છૂટો સાદ મૂકીને રડી શકતાં હતાં ! માની ગેરહાજરીમાં બાળકોને બાળક મટી સમજદાર હોવાનું શીખી જવું પડે છે. 

આખરે કુટુંબની સ્ત્રીઓએ ત્રણેને પરાણે જમાડ્યાં. થાકેલાં બાળકો સૂઈ ગયાં. પ્રશાંતનું મન એકલવાયી રાતે ઓશિકાને ભીંજવતું રહ્યું. 

 છેલ્લાં બે વર્ષથી કદી રાતે સુકૂનની નીંદર કરી ન્હોતો શક્યો. શારીરિક-માનસિક થાકની પરાકાષ્ટાએ આર્થિક ઉપાધિમાં સૂવું પડતું. જલ્પાને આવેલાં પેરાલીસીસનાં ઍટેક પછી બે વર્ષથી ઘરકામ, બાળકોનું શિક્ષણ, પ્રાઇવેટ જૉબ તમામ મોરચે એકલવીર યોદ્ધાની જેમ લડવા છતાં પ્રશાંત કદી પત્નીની આંખોથી માનસિક ટેકો ન પામી શક્યો.

 કોઈ પુરુષ જે કામ બે દિવસ પણ ન કરે તે પ્રશાંતે બે વર્ષ સુધી કર્યું. તેને પરમાત્મા પર ભરોસો હતો. એક દિવસ ઈશ્વર સૌ સારાવાનાં કરશે તેવી શ્રદ્ધા હતી. જલ્પાનું ડાબી તરફનું શરીર લકવાગ્રસ્ત હતું તેમ ડાબી તરફ આવેલું હૃદય પણ શંકાગ્રસ્ત બની ગયું હતું. મોડે સુધી જાગી ઓફિસનું કામ પતાવતાં, ફોન પર વાત કરતાં, બજારેથી આવવામાં મોડું થતાં પ્રશાંતને જલ્પાનાં ચારિત્ર્ય પર લાંછનરૂપ શબ્દોનો ભોગ બનવું પડતું. 

પહેલી તારીખે આઠ હજારનો પગારદાર પ્રશાંત ત્રણ હજારની દવા લઈ ઘરે આવ્યો. ઓફિસમાં કામ સબબ મોડું થવાથી જલ્પાનો વહેમીલો ગુસ્સો એવી રીતે બહાર આવ્યો કે તેણે પાસે પડેલાં વૉટરજગમાં બધી દવાઓ નાખી દીધી. માંડ બે છેડા ભેગા કરતાં પ્રશાંતની ધીરજ તે દિવસે ખૂટી. તે ભગવાનનાં મંદિર પાસે જઈ મોકળા મને રડ્યો. તેણે ભગવાનને જલ્પાનો સ્વભાવ સુધારી તેને વહેમમાંથી અને પોતાને આ દોજખ જેવી જિંદગીમાંથી મુક્તિ અપાવવાં પ્રાર્થના કરી.

 વિચારોનાં વમળમાં અટવાઈ ભૂખ્યો જ સૂઈ ગયેલ પ્રશાંત સવારે રચનાની ચીસથી ઊભો થઈ હાંફળો-ફાંફળો બહાર આવ્યો તો જલ્પાનું માથું ઢળી ગયેલ હતું. પ્રશાંતે ફોન કરી બોલાવેલ ડૉક્ટરે કહ્યું, "આઈ એમ સોરી ! મેસિવ હાર્ટએટેક એટ નાઇટ."

ઈશ્વર પ્રાર્થનાઓ સ્વીકારવા બાબતે અમુક રીતે લાચાર હશે. તેથી તેણે આમ જલ્પાને વહેમમાંથી અને પ્રશાંતને દોજખ જેવી જિંદગીમાંથી કાયમી મુક્તિ આપી દીધી !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy