અણધારી રજા
અણધારી રજા


રોજની જેમ આજે પણ સવારે ૭:૩૦ એ અલાર્મ વાગી જ ગ્યો હતો. પણ ખબર નહિ કેમ રોજની જેમ હું પલંગ પરથી ઊભી થઈ જ ના શકી. મને માથું નહોતું દુખતું, તાવ પણ નહોતો આવતો, હું ઉદાસ નહોતી કે નહોતું મારે કોઈ જરૂરી કામ.
હું પૂરેપુરી સ્વસ્થ હતી પણ મને ઉઠવાની ઈચ્છા જ ના થઈ. અર્ધી નિદ્રાવસ્થામાં જ વિચાર આવ્યો કે આજે રજા લઈ લઉં ઓફિસથી ? અને એમજ અર્ધી ઊંઘમાં મે મારી વર્ક લિસ્ટ મોબાઈલમાં ઓપન કરી, આજે કોઈ જ એવું કામ નહોતું જે મારા વિના સાવ અટકી જ પડે.
કોણ જાણે શું વિચારીને પણ મે મારા બોસને ફોન કરીને કહી દીધું કે આજે નહિ આવી શકું ઓફિસ.
સામાન્ય રીતે હું ક્યારેય રજા નથી લેતી એટ્લે જ બોસ મને આગળ કઈ પૂછી ના શક્યા. અને હું ફોન સાઈડમાં મૂકી સૂઈ ગઈ. ૧૦ વાગે ઉઠી ત્યારે મારો જ ફ્લેટ મને બહુ અજાણ્યો લાગ્યો. રવિવાર સિવાય હું દિવસે ક્યારે આ ફ્લેટમાં રહી હોઈશ તે મને પણ ખ્યાલ નહોતો. મારી બધી જ ફ્લેટમેટ્સ પોતપોતાના કામે નીકળી ગઈ હતી. ઘડિયાળ જોતાં જ મારૂ ધ્યાન ગયું કે હું પહેલી વાર મારા ફ્લેટમાં એકલી છું.
અમારા ૪ છોકરીઓના કોલાહલથી ગુંજતો ફ્લેટ મને પહેલી વાર આટલો શાંત લાગ્યો. આ શાંતિને એકાંત મને ખરેખર બહુ ગમ્યું અને પલંગ પરથી બેઠા થતાં અરીસામાં જોતાં જ મે નક્કી કર્યું કે આજે ખરેખર ફ્ક્ત એકદિવસ માટે મારે કઈ જ નથી કરવું.
ઓફિસના કામ સિવાય પણ બીજી ઢગલો જ્વાબદારી હોય જેમ કે ફેમિલીના કામ, ફ્લેટના કામ, રસોઈ, કપડાં, ફ્રેંડ્સ સાથે હેંગ આઉટ, લખવાનું, વાંચવાનું, ફેસબુક, વોટ્સેપને બીજું ઘણું બધુ. પણ આજે એકદિવસ આ બધામાથી કઈ જ નથી કરવું એ નક્કી કરી હું ફોન એરપ્લેન મોડ પર મૂકી મારૂ ફેવરેટ સોંગ ઓન કરી અરીસા સામે ગોઠવાઈ ગઈ.
કેટલા દિવસો પછી મે મારી જાત ને અરીસામાં આમ નીરખીને જોઈ હશે. ગોપીચંદન, હળદર, કેસર, મધને ગુલાબજળ ભેળવી હું ક્યાય સુધી મારી સૂકી કાયાની હું માવજત કરતી રહી. આમ તો આપણે પાર્લરમાં ખર્ચ કરતાં જ હોઈએ પણ જ્યારે પોતે આટલા પ્રેમથી આપણાં શરીરની નખશિખ કાળજી લઈએ ત્યારે જે નિખાર આવે તે અનેક ગણો હોય તે હું જોઈ શકી.
હજી નહાઈને આવી ત્યાંતો ૧ વાગી ગ્યો ને ભૂખ પણ લાગી હતી. કઇં આજે કરવાનું તો હતું નહિ એટ્લે ડોમિનોજ માંથી પિજા જ મંગાવી લીધા. એકલા જમવાની આમ તો મને ક્યારેય આદત નથી પણ આજે એકલા જમવામાં પણ અલગ જ મજા આવી. ફ્રેંડ્સ સાથેની વાતો અને મસ્તીમાં પિજાના ટેસ
્ટ પર તો ધ્યાન કહેવા ખાતર જ આપ્યું હોય પણ આજે એકલા પિજા ખાતા ખાતા તેના બધા ફ્લેવરની ખબર પડી.
જમીને મને શું સુજયું તો જૂની બેગ્સ અચાનક જ ખોલી મે અને મારી કોલેજ અને સ્કૂલ ટાઈમની બુક્સ એક પછી એક જોવા લાગી. કોઈ પાનાના ખૂણા પર લખેલી મારી કવિતાઓની તૂટેલી પંક્તિઓ, ક્યાક બૉલપેનથી જ દોરેલી બિલકુલ ના સમજાય તેવી ડીજાઈનો તો વળી ક્યાક તેનું લખેલું નામ અને બાજુમાં ઘણા બધા દોરેલા હાર્ટ્સ.
આ એક જૂની બેગમાં લગભગ મારી જિંદગીના ૧૮ વર્ષો કેદ હતા જે ક્યારેય મે ખોલીને જોયા જ નહોતા. હજારો ખુશીઓ એ પાનાઓ પર વિખરાયેલી પડી હતી તે ધીમે થી મારા સ્મિત માં સમાઈ ગઈ. કદાચ પહેલી વખત મે ફીલ કર્યું કે હું પાર્વતી દેવી સ્કૂલના ભોળપણથી નીકળી, સત્ય સાઈના સાઇન્સના ટેન્શન પસાર કરી, એચ જ દોશીની મસ્તી એન્જોય કરી, આત્મીયા કોલેજની સ્કૉલર તરીકે જીવી આલ્ફા કમ્પ્યુટર્સની મેનેજર બનીને બેઠી છું.
આજે કદાચ પહેલી વખત જ ધ્યાન ગયું કે આટલા વર્ષો પસાર થઈ ગ્યાં. ક્યારેય ઊભા રહીને વિચારવાની મને આદત જ નથી એટ્લે ધ્યાન જ નથી રહ્યું કે લાઈફ ક્યાંથી ક્યાં આવી ગઈ છે તે.
ભૂતકાળ ખંખેરી વર્તમાન માં આવી તો જોયું કે ૭ વાગી ગ્યાં હતા. ખાસ્સી એવી દોઢ ક્લાક લીધી આજે મે તૈયાર થવા માં અને હું મારૂ એક્ટિવા લઈ બહાર નીકળી ગઈ. કાન માં હેંડ્સ ફ્રીમાં રાહુલ વૈધના સોંગ્સ સાંભળતી અડધું રાજકોટ ફરી વળી હું સ્હેજ ભૂખ લાગી હતી અને થાક પણ એટ્લે થોડા પાસ્તા ખાઈ લીધા અને ફરીથી થોડું રખડીને રેસકોર્સ ચાલી ગઈ. હવાઓનો આ સ્પર્શ ક્યારેય માણવાની મને ફુરસદ જ નથી મળી.
આ એકાંત પણ કેટલું વ્હાલું લાગે તે આજે સમજાતું હતું મને. આ એકાંતને પૂરેપુરું એન્જોય કરી હું ફરી ફ્લેટે ગઈને અરીસા સામે બેસી ગઈ. આટલું રખડ્યા પછી પણ થાકનું કોઈ નિશાન નહોતું, ફેસબુક, વોટ્સેપ, ઓફિસ, ફેમિલી, ફ્રેંડ્સ બધાથી દૂર હતી આજે આખો દિવસ છતાં એક અલગ સુકુન દેખાતું હતું ચેહરા પર. આજે હું ફ્ક્ત હું હતી. કોઇની દીકરી નહિ, કોઇની ફ્રેન્ડ નહિ, કોઈનો પ્રેમ નહિ, કોઈ કંપનીની મેનેજર નહિ કે કોઈ રાઇટર નહિ. ફ્ક્ત હું, ફ્ક્ત દર્શિતા...
આજે અણધારી રજા એ કદાચ વર્ષોનો થાક ઉતારી દીધો. મને મારી જ જાતની કેટલોય નજીક લઈ આવ્યો. કોઈ સાર કે વિચારોનું મંથન આમાથી મળે છે કે નહિ એ તો ખબર નથી પણ એટલૂ જરૂર છે કે મારી બેટરી જરૂર ચાર્જ થઈ છે.
એક ખુશી જરૂર મળી છે.