NIMISHA LUMBHANI

Abstract Inspirational

4.2  

NIMISHA LUMBHANI

Abstract Inspirational

આજની પેઢીની સમજદારી

આજની પેઢીની સમજદારી

2 mins
412


તનુજ અને અનુજ, બંને ભાઈઓ વચ્ચે ઉંમરનો ખાસ્સો તફાવત હતો. તનુજને મોટાભાઈ બનીને અનુજનું ધ્યાન રાખવાની બદલે તેને પજવવું વધારે ગમતું. માતાપિતા આ બધું જોતાં, પણ વિચારતાં કે, હશે ઉંમર વધશે, જવાબદારી માથે પડશે, એટલે આપોઆપ સમજણ આવશે અને નાનાભાઈનું ધ્યાન રાખશે.

હા, સમજણ આવી ને ! બીજાની સામે ખૂબ સરસ ધ્યાન રાખતો. અનુજ બધું સમજતો, પોતાની વાત કોઈ નહીં માને એ પણ સમજતો, એટલે ચૂપ જ રહેતો.

ચૂપ રહેવાનું પરિણામ કહો કે તેની નાની ઉંમર કહો, તે નડતર બની. માતાપિતાનું અકાળે અવસાન થતાં મોટાભાઈને આધીન રહેવાનો વારો આવ્યો.

બી.કોમ.ની પદવી મેળવી એટલે આછી પાતળી નોકરીએ લાગી જવું પડ્યું. ભાઈએ જ્યાં પરણાવ્યો ત્યાં પરણી, ભાડાનાં ઘરમાં સંસાર શરૂ કર્યો. શરૂઆતમાં તનુજ ભાડાનાં રૂપિયા મોકલતો, અચાનક જ સાવ તડછોડી દીધો.

પત્ની એની બેજીવી, એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત. જીવનમાં તડકો છાંયડો આવતો ગયો, બેય માણાએ હામ રાખીને દીકરાને ભણાવ્યો, બે પાંદડે થયાં.

આ બાજુ તનુજ સ્વભાવ પ્રમાણે સંબધોમાં પોતાનાં લાભ દેખાય તે પ્રમાણે વ્યવહાર રાખીને, ઘણો આગળ વધી ગયો. તેનાં બંને દીકરાઓએ ધંધો સાંભળી લેતાં તે નિવૃત્ત જીવન શાંતિથી જીવવા લાગ્યો. દેખાદેખીમાં તે ધર્મગુરુઓનાં પ્રવચનો સંભાળવા જતો કે નિવાસી શિબિરમાં જતો. ત્યાં બીજાનાં દુઃખો સાંભળીને, જોઈને કે સંતવાણી સાંભળીને, ગમે તે કારણ હોય, તેનામાં પરિવર્તન આવતું ગયું. પોતાનાં ભાઈને કરેલ અન્યાય પોતાની આંખ સામે દેખાવા લાગ્યાં ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું, પોતાની જાત પ્રત્યે નફરત થઈ.

આખરે પોતાની સાથે ઘણું બધું લઈને નાના ભાઈ અનુજની ઘરે પહોંચ્યો. દિગ્મૂઢ થયેલાં અનુજ, અની અને માનવ આવકારો દેવાની સ્થિતિમાં નહોતાં.

આવકારો નહીં જ મળે, એવી માન્યતા સાથે ત્યાં પહોંચેલા તનુજે વગર આવકારે ઘરની અંદર જઈને બધું જ અનુજનાં પગ પાસે મૂકીને તેનાં ચરણ પકડી લીધાં. અનુજને સમજ ન પડી, શું કરવું ?

'લોહીનાં સંબંધે તમે મારાં મોટાં પપ્પા છો, પણ તમારી લાયકાત અમારાં દુશ્મન કે હરીફ બનવાની પણ નથી.'

તમે અત્યારે જે પ્રાયશ્ચિત કરો છો તે તમારાં આત્માની શુદ્ધિ માટે કરો છો. પ્રાયશ્ચિતથી તમારાં પાપ ધોવાય જશે. પરંતુ અમે આટલાં વર્ષોથી જે તકલીફ ભોગવીએ છીએ, તે તકલીફ, અગવડો, અમારાં આંસુ, એ તો જે-તે સમયમાં ત્યાં જ પડેલાં રહેશે. આ રૂપિયાથી અમારી આજની પરિસ્થિતિમાં સુધારો થઈ શકે.....પણ.....પણ......એ વર્ષોનું શું ? એ વર્ષો અમને પાછાં મળી શકશે ? એ વખતની ભૂખ આ રૂપિયાથી મિટાવી શકશો ? એ વખતનાં મારાં સપનાંઓ આ રૂપિયાથી પૂરાં થશે ?

તમારે પ્રાયશ્ચિત કરવું જ હોય તો ટાઇમ મશીનથી જે-તે સમયમાં પાછાં જઈને પપ્પાનાં હક્કનું તેમને પાછું આપો.'

ભત્રીજાની વાત સાંભળીને તનુજની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. બધું જ એમને એમ મૂકીને ખાલી હાથે પાછાં વળી ગયાં.

માનવે પણ મોટાં પપ્પાને બધું પાછું લઈ જવાનું ન કહેતાં બધું અંદર મૂકી દીધું. અનુજ આજની પેઢીની સમજદારીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો !

આઘાતથી તનુજે સૂધબૂધ ગુમાવીને ફકત એક જ શબ્દનું રટણ ચાલુ કર્યું, 'પ્રાયશ્ચિત...... પ્રાયશ્ચિત....પ્રાયશ્ચિત......."


Rate this content
Log in

Similar gujarati story from Abstract