NIMISHA LUMBHANI

Tragedy Inspirational

4  

NIMISHA LUMBHANI

Tragedy Inspirational

સરભરા

સરભરા

3 mins
254


નીલમને નોકરી કરતી વહુ જ જોઈતી હતી, મળી પણ ખરી. સંગીતાનું વાર્ષિક પૅકેજ બાર લાખનું હતું. સામે મહેનત અને સમય બંને આપવા પડતાં હતાં.

શરૂઆતનાં ત્રણ મહિના ફરવામાં, કોઈનાં ઘરે પગે લાવવામાં, એવાં વ્યવહાર સાચવવામાં પસાર થઈ ગયાં.

સંગીતાને હવે હાશ...થઈ. રવિવાર પોતાનાં માટે મળશે. શનિવારે રાત્રે સંકેતે પોતાનાં બે મિત્રોને પત્ની સાથે જમવાનું આમંત્રણ આપ્યાની જાહેરાત કરી.

સંગીતાએ હોંશથી વિવિધ વાનગીઓ બનાવી. બધાએ ખૂબ વખાણ કરી કરીને ખાધી.

હવે તો આ દર રવિવારનું થઈ ગયું. ઘરનાં કોઈપણ સભ્ય દ્વારા કોઈક ને કોઈક મહેમાનને આમંત્રણ આપવામાં આવ્યું જ હોય. સાસુ કે નણંદની મદદ વગર બધું જ એકલાં હાથે કરવાનું હોય પોતે વ્હેલી ઊઠી જતી, છતાં વ્યવસ્થિત તૈયાર થવાનો સમય ન મળતો, એટલે સંકેતની નારાજગી સહન કરવી પડતી.

તેને થાકેલી જોતાં જ સહકર્મચારી સખી કેતકીએ કારણ પૂછ્યું. કારણ જાણીને તેણે રસ્તો બતાવ્યો. સંગીતાએ તેણે સૂચવેલ રસ્તે ચાલવાની ના પાડી.

'જો વર્ષે બાર લાખનાં પૅકેજવાળી વહુ જોઈતી હોય તો તારાં ઘરનાં સભ્યોએ પોતાની મમત છોડવી પડે. ગુમાવવાનું તારે નથી, એ લોકોએ છે.'

બહુ વિચાર કર્યાં પછી સંગીતાએ કેતકીનો બતાવેલો રસ્તો અમલમાં મૂક્યો.

રવિવારે નિરાંતે ઊઠી. તેની પહેલાં તો ઘરનાં બધાં ઊઠી ગયાં હોવાથી સૌએ પોતાની રીતે બ્રેકફાસ્ટ કરી લીધો હતો. પોતાનાં માટે જાતે ઍપલ જ્યુસ બનાવીને શાંતિથી પીધો. પછી નાહીને વ્યવસ્થિત તૈયાર થઈને દીવાનખંડમાં બધાની સામે બેઠી.

સૌને બપોરની રસોઈની ચિંતા થતી હતી. તેણે બધાને ચિંતા ન કરવા જણાવ્યું.

પોતે પોતાનો વોર્ડરોબ સરખો કરવા પોતાનાં કક્ષમાં ચાલી ગઈ. કામ પૂરું થયું ત્યાં તેનાં મોબાઈલમાં પહેલાં મૅસેજ આવ્યો અને પછી ફોન આવ્યો.

તેણે દરવાજો ખોલીને ફૂડ પૅકેટ લીધાં, સર્વિંગ બાઉલમાં કાઢીને ડાઇનિંગ ટેબલ સજાવી દીધું.

ઘરનાં સભ્યોને ગમ્યું નહીં, પણ મહેમાન આવીને જાય પછી વાત કરીશું, એવું નક્કી કર્યું.

દર રવિવારની જેમ જ મહેમાન આવીને, જમીને, વખાણ કરીને ગયાં. વધેલી વાનગીઓ રાત માટે રાખીને બધું સાફ કરીને દીવાનખંડમાં આવીને બેઠી.

'આ શું હતું ? તમે રૂપિયા કમાવ છો એટલે એનો અર્થ એ નથી કે ઘરમાં રાંધવાની બદલે બહારથી મંગાવો.'

'રોજ બધી જ રસોઈ કરું છું. કફત આજે એક દિવસ જ મંગાવ્યું, સાસુમા.'

'શું કામ મંગાવ્યું ? તારાં હાથની રસોઈ જમાડવાં તો મહેમાનને બોલાવીએ છીએ.' સંકેત ગુસ્સે થઈને બોલ્યો.

'છ દિવસ ઑફિસ અને ઘર બંને સંભાળવાનાં હોય છે. વધારાનાં કે બાકી રહેલાં કામ રવિવારે જ કરવાનો સમય મળે છે. છ દિવસ સવારે પાંચથી રાત્રીનાં અગિયાર સુધી હું કામ કરું છું. એક જ દિવસ આરામ કરવા માટે કે રીફ્રેશ થવા માટે મળતો હોય. એ દિવસે પણ મારે વધારે કામ કરવું પડે તો શરીર અને મન બંને થાકી જાય.'

'તો શું મહેમાનને બહારનું ખવડાવવાનું ?' સસરાએ પૂછ્યું.

'નવી વહુ બનાવીને ખવડાવે છે, મોજ કરો. બીજાને શું ? તેઓને એક દિવસ રસોડું બંધ રાખવું હોય, તેમનાં તો હોટલમાં જમવાનાં રૂપિયા બચે.'

'આમ પણ સૌ બહારનું ખાતાં જ હોય છે, હું એક દિવસ ખવડાવું એમાં શું ફેર પડશે ?'

'એ બહાને અમને પણ વિવિધ વાનગીઓ ખાવા મળે ને'. નણંદ બોલવાની બાકી રહી ગઈ હતી.

'મારી પાસેથી તમે બનાવતાં શીખી જજો. સાસરે જશો ત્યારે તમારે પણ બનાવવું જ પડશે ને ! આમ પણ તમે કે મમ્મીજી મને મદદ કરો છો ખરાં ?'

'સંકેત, આપણે બંને એકલાં કે કુટુંબ સાથે કેટલાં વખતથી બહાર નથી ગયા ? તને નથી લાગતું, આપણે સૌએ સાથે બહાર જઈને આનંદ કરવો જોઈએ ?'

સાગમટે નિર્ણય લેવાયો, વ્યવહાર સાચવવા મહિને કે બે મહિને ઘરે કે બહાર જમવાનું આમંત્રણ આપવાનું, અને ઘરે બોલાવીએ ત્યારે પણ બહારથી મંગાવીને ટેબલ સજાવી દેવાનું.

સોમવારે કેતકીને ભેટીને બધી વાત જણાવી. લંચબ્રેકમાં બંને સખીઓએ કૅક ખાઈને સેલિબ્રેશન કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy