એક કદમ
એક કદમ


હું નિશા. મુંબઈના ઘાટકોપર પરામાં રહેતી ઉચ્ચ મધ્યમવર્ગીય ગૃહિણી. રોજ-બ-રોજની નાની-મોટી તકલીફો સિવાય જીવનમાં એકંદરે સુખી કહેવાઉં. ઘરમાં હેતાળ સાસુ, નાનકડી મારી પરી શ્લોકા ને પ્રેમાળ પતિ સુનીલ.
થોડા દિવસ પહેલા મારી મમ્મીને ત્યાં બોરીવલી જતા એક ઘટના બની. બપોરનો સમય હોઈ હું આરામથી લોકલ ટ્રેનમાં બારી પાસે બેસીને બહાર પસાર થતા મુંબઇને જોઇ રહી હતી. ત્યાં તો દાદર સ્ટેશન પરથી 'બક્કલ-બીંદી' વેંચવા વાળી એક બાઇ ચડી. એણે એના એક-સવા મહીનાના બાળકને પીઠ પર ચાદરથી વ્યવસ્થિત બાંધ્યો હતો.
બાળક મસ્ત મજાનું આખી દુનિયાથી બે-ખબર માની કુંફમાં સૂતું હતું. પેલી એને તકલીફ ન થાય એમ ધીરે-ધીરે બોલતી હતી. 'બક્કક્ક્લ-બીંદીઈઈઈ...'
એની બોણી પણ થઇ ન હતી. મેં એને ચાંદલાના પેકેટ લેવા બોલાવી. એણે મને ચાંદલાનું બોક્ષ આપ્યું જોવા ને ત્યાં જ બીજા જ સ્ટેશન પરથી બે ટી.સી. આવ્યા..
એમણે પેલી બાઇને બે-ચાર ગાળો આપીને આગલા સ્ટેશને ઉતરી જવા કહ્યું.
એ બાઇ બહુ કરગરી ટી.સી. સામે કે - "મારા બચ્ચાના દુધના પૈસા જમા થાય એટલી કમાણી તો કરવા દો...
બે મહીના પછી આજે કામ શરુ કર્યું છે. હું ક્યાં કોઇને હેરાન કરું છં કે નડું છું ? કે કોઇ ગુનો કરું છું ?
ઇમાનદારી ને મહેનતથી મારાં છોકરા માટે બે ટંકની રોટી પણ ના કમાઇ શકું ?"
પણ ટી.સી એ "લોકલ ટ્રેનમાં પરમિટ વગર કઇં પણ વેંચવું ગુનો છે" કહીને એને આગળનાં સ્ટેશને ઉતારી જ મુકી. ને કહ્યું કે "પાછી દેખાઇ છે તો જેલમાં જવું પડશે ને દંડ પણ ભરવો પડશે..."
હું આ બધું જોઇ રહી.એક ક્ષણ માટે એનું લોહી ઉકળી ઉઠ્યું.પણ બીજી જ ક્ષણે - "જવા દેને... કોણ આ ઝંજટમાં પડે..." એમ વિચારી મેં બારીની બહાર નજર ફેરવી લીધી !
બોરીવલી સ્ટેશને ઉતરીને રિક્ષામાં બેસતાજ ખયાલ આવ્યો કે મારું મંગળસુત્ર ગળામાં નથી !
હું ખૂબજ ઘભરાઇ ગઇ ને સુનિલને તુરંતજ ફોને કર્યો. સુનિલે કહ્યું, "ઘરે પહોચીને એક વખત ઘરમાં તપાસ કરજે. ક્યાંક આડું-અવળું મુકાઇ ગયું હશે. તારી આદત છે ને સૂતી વખતે મંગલસુત્ર ઉતારીને સુવાની. ને પછી પણ ન મળે તો પોલિસ સ્ટેશનમાં ફરિયાદ લખાવીશું. ને હા! તારી મમ્મીને આ ન કહેતી. એમને ટેંશન થશે. એમની તબિયત એમ પણ સારી નથી રહેતી.”
મને સુનિલની વાત સાચી લાગી. મેં ખુદને સંભાળી, ને મમ્મીને મળવા ગઇ. પણ મન અંદરથી બેચેન હતું. મને યાદ હતું ત્યાં સુધી મેં સવારે ઓશિકા નિચેથી મંગળસુત્ર ઉપાડીને પહેરી લીધું હતું. હવે એક જ પોસિબલિટી હતી. ટ્રેનમાં કે રસ્તામાં કયાંય પડી ગયું હોઇ શકે. એમ પણ છેલ્લા કેટલાક દિવસથી એની કડી ટુટવા જ આવી હતી. મમ્મીજી એ બે-એક વખત કહ્યું પણ ખરુ કે એમાં બીજી ક્ડી નખાવી આવ. પણ હું આળસ કરતી હતી. આજે પસ્તાવો થાય છે કે કેમ આળસ કર્યો !
મારી મમ્મીને ખબર ન પડે એટલે જેમતેમ મમ્મીના ઘરે ૩ કલાક રોકાઇને ઘર તરફ ભાગી. સ્ટેશન પહોંચી તો ત્યાં તો જાને માણસોનું કિડીયારું ઉભરાતું હતું. મેં દાદર ફાસ્ટ ટ્રેન પકડી ને સાસુમાને શું જવાબ આપીશ એ વિચારોમાં ચોથી સીટ પર ગોઠવાઇ. મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે મારું મંગળસુત્ર મળી જાય.
નસિબજોગે સવાર વાળી એજ બક્કલ-બિંદી વેચવા વાળી બાઈ મને ફરી મારાજ કમ્પાર્ટમેન્ટમાં દેખાણી. મને સવારની ઘટના યાદ આવી ગઈ. મારા મનને બીજે વાળવા એ બાઈ નજદીક આવતાજ મેં એને પૂછ્યું, "અલી, સવારે તને ટી.સી. એ ઉતારી મૂકી હતી ને&nb
sp;ટ્રેનમાંથી ?! ને જેલની ધમકી પણ આપી હતી ને ? તો તુમ કેમ આવી પાછી ?! "
એ થોડી વાર તો મને જોઇ જ રહી. પછી કઇંક યાદ આવ્યુ હોય એમ એક્દમ ખુશ થઇને બોલી,“દીદી, બપોરના પેલા ટી.સી.એ મને ઉતારી મુકી ત્યારે તમે જ મારી પાસેથી ચાંદલા લેતા હતા ને ?” મેં હા કહ્યું ને કહ્યું કે, "પણ મેં તો એના પૈસા આપી દિધા હતા." એ બોલી, "નહીં દીદી, એક મિનિટ ! આ ચાંદલાના પૈસાની વાત નથી. ને એણે ખૂબ જ નિખાલસતા ને સાહજિકતાથી પોતાના પોલકામાંથી એક નાની પોટલી કાઢીને એમાંથી મને મારું મંગળલસુત્ર કાઢીને આપતા કહ્યું, "દીદી, આ મેં સવારના તમારા ગળામં જોયું હતું. કદાચ મારા ચાંદલાના બોક્ષમાંથી તમે ચાંદલાના પેકેટ શોધતા હશો ત્યરે પડી ગયું હશે."
હા! એ મારું જ મંગળસુત્ર હતું. મને માન થઈ રહ્યું એની પ્રમાણીકતા પર! મેં એની સામે સજળ આંખે જોયું. એ મિઠું હસી ને આગળ જવા લાગી. મે એને રોકીને એના હાથમાં સો રુપિયા આપવાની કોશિશ કરી તો એ બોલી, "માફ કરજો દીદી, પણ હરામનું ન ખપે. મહેનત કરીને કમાવેલો અડધો રોટલો પણ કેવો મિઠો લાગે.“ મેં કહ્યું, "તારા બચ્ચાને કૈ રમકડું લઇ આપજે બસ!”
આજના આ કલયુગમાં આવા નિસ્વાર્થી ને પ્રમાણિક લોકો પણ રહે છે માનવામાં જ ન આવે એવી વાત હતી. હું થોડી વારમાં સ્વસ્થ થઇ અને સુનિલને ફોન કરીને એટલું જ કહ્યું કે મંગલસુત્ર મળી ગયું છે. એ કોઇ મિટીગમાં હશે એથી વધુ ન બોલ્યા. એટલું જ કહ્યું. “સરસ! હું ઘરે આવું પછી વાત કરીશું." એમેને એમ હશે કદાચ કે હું ઘરે પહોંચી ગઇ હોઇશ ને મંગળસુત્ર ઓશિકા નીચેથી જ મળ્યું હશે.
ટ્રેનમાં થોડી ગિરદી પણ ઓછી થઇ હતી. મને હવે એ બાઇમાં રસ પડ્યો. મેં એને પાછું પૂછ્યું, "સવારે તને ટી.સી. એ ઉતારી મૂકી હતી ટ્રેનમાંથી ?! ને જેલની ધમકી પણ આપી હતી ને ? તો તુમ કેમ આવી પાછી ?!"
એણે કહ્યું, "દીદી, આ તો હમેંશાનું છે, એને મેં બસ્સો રૂપિયા આપી દીધા હપ્તાના... હવે એક મહિનો હેરાન નહીં કરે."
એ તો આટલું કહી આગળ વધી ગઈ, પણ મારા મનમાં વિચારોનો ચક્રવાત પેદા કરી ગઈ !
શરમ આવી મને આપણાં દેશનાં કાયદા પર !
અહીં કરોડો - અબજો રૂપિયા મુઠ્ઠીભર લોકો ખાઇ જાય છે; એમને કાયદો નથી નડતો...! આવા પ્રમાણીક લોકોને જ કાયદો નડે છે! કાયદો એમને જ નડે છે; જે હકીકતમાં કાયદાથી ડરે છે...! પણ પાપી પેટ માટે ગરીબ લોકો લોકો પણ આમાંથી છટકબારી શોધતા શીખી જાય છે ને જન્મે છે લાંચ લેનારો ને આપનારો વર્ગ ! દેશનો સહુથી મોટો દુશ્મન ! આપણને બધાને બધું સમાજાય છે, પણ સમજવું નથી।
આપણાં કાન બહેરાં, હોઠ મુંગા ને લાગણી બુઠ્ઠી થઇ ગઇ છે !
એટલે જ લોહી પણ નથી ઉકળતું આપણું કદાચ આ બધું જોઇને... 'ઠંડું' થઇ ગયું છે લોહી આપણું...!
પણ કહેવાય છે કે 'ઠંડી તાકાત' વધુ શક્તિશાળી હોય છે...! આપણાં બધામાં જ ધરબાઇને પડી છે જ આ 'ઠંડી તાકાત'
બસ એને સપાટી પર લઇ આવવાની જરુર છે, એક શરૂઆત કરવાની જરુર છે...
આપણાં દેશને અને અર્થતંત્રને ખોખલું બનાવનાર આ રિશ્વતખોરીને નેસ્તનાબુદ કરવાની જરુર છે. એ માટે, એક નાનકડું પગલું ભરીયે....
લાંચ આપવી નહીં, લાંચ લેવી નહીં.
"એક કદમ આગે બઢાએ, રિશ્વત મુક્ત ભારત બનાયેં"
છેલ્લે... આપણી બુઠ્ઠી થઇ ગયેલી લાગણીઓને માટે...
"ઘસાએલી,જુની,બુઠ્ઠી છું; છતાંય હું તલવાર છું !
જરીક ધાર કાઢો; પછી જુવો કેટલી ધારદાર છું !" - નિમિશા