વંદન
વંદન


મા તારા શ્રી ચરણોમાં વારંવાર વંદન છે.
વિશ્વ બતાવ્યું તે આપીને આંખડી,
જિંદગીના બાગમાં ખીલાવીને પાંખડી,
મા તારા થકી મમ જીવન આ નંદન છે.
મા તારા શ્રી ચરણોમાં વારંવાર વંદન છે.
હૂંફાળી મમતાનો, તે પાલવ ઢાંકીને,
મમ જીવન વિસ્તાર્યું, ઈશથી માંગીને,
મા તારી કરુણા મમ જીવનનું ચંદન છે,
મા તારા શ્રી ચરણોમાં વારંવાર વંદન છે.
હિમાચલ શી કાર્યદક્ષતા તે સદાય કીધી,
તારી મમતા વહેતી મુજ પર સદાય સરળ સીધી,
મા તે ઝીલી લીધું સદાયે મુજ ક્રંદન છે.
મા તારા શ્રી ચરણોમાં વારંવાર વંદન છે.
મા તે રાખી લીલી મમ જિંદગીની વાડી,
મા તુજ થકી હંમેશા ધબકતી રહી છે જીવનનાડી,
મા તું તો મારા હૃદય તણું સ્પંદન છે.
મા તારા શ્રી ચરણોમાં વારંવાર વંદન છે.