વિશ્વ નિયંતાનો વૈભવ
વિશ્વ નિયંતાનો વૈભવ
અનંત તારા ઉપકારોને,
કેમ કરી વિસરાય ?
સારી સૃષ્ટિનાં સર્જનહાર
જળસ્થળ સચરાચરમાં વ્યાપક,
જાયે ન કોઈ ખાલી યાચક,
ઊંચનીચના ભેદ ભૂલીને
દેતો તું ઉપહાર...
સારી સૃષ્ટિનાં સર્જનહાર,
સૂર્ય ચંદ્ર તુજ ઓથે અટક્યાં,
ગ્રહો ને તારા નભમાં લટક્યા.
તુજ બ્રહ્માંડે ફરતા ફરે છે,
અથડાયે ના લગાર..
સારી સૃષ્ટિનાં સર્જનહાર,
ફૂલડાંમાં ફોરમ થઈ વસતો,
તારલિયો થઈ નભમાં હસતો.
ઋતુ ઋતુનાં વૈભવ સંગે,
ભર્યો ભર્યો દરબાર....
વાદળ થઈને વિહરે નભમાં,
વિલસે લીલા મેઘધનુષમાં.
અવની કેરી પ્યાસ બુઝાવા,
વરસે થઈ મલ્હાર....
સારી સૃષ્ટિનાં સર્જનહાર,
પથ્થરમાંથી નદી વહાવે,
માનાં સ્તનથી દૂધ વહાવે.
વનવગડામાં દીસતી તારી,
શોભા અપરંપાર....
સારી સૃષ્ટિના સર્જનહાર,
વીજલડી થઈ નભમાં દમકે,
મયુર નાચે મેઘને ઠમકે,
સોળે કળાએ ખીલતો થઈને,
મેઘ તણો છડીદાર....
સારી સૃષ્ટિના સર્જનહાર,
તેજ તણો તું પુંજ છે દાતા,
એક કિરણની મુજને આશા,
એક બિંદુ છે સિંધુ મારે
ભૂલીશ નહીં ઉપકાર...
સારી સૃષ્ટિના સર્જનહાર,
પ્રેમતણી બંસીને છેડી,
અંતર કેરી ભોમકા ખેડી,
કાળજડે કિલકારી કરતો,
નંદીનો કિરતાર....
સારી સૃષ્ટિના સર્જનહાર.
